તા. ૨૩ નવેમ્બર થી ૨૯ નવેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 22nd November 2019 04:56 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં આપના ભાગ્ય આડેના અવરોધો દૂર થતાં જશે અને હવે શત્રુવિરોધીઓના હાથ પણ હેઠા પડતાં જણાશે. આરોગ્ય બગડ્યું હોય તો સુધરતું જણાશે. આ સમયમાં કામકાજની ગતિ વધારી શકાશે. સરકારી કે અર્ધસરકારી કે કોર્ટકચેરીના કામકાજોમાં ઝડપ આવતી જોવા મળશે. છતાંય આપના પ્રશ્નોનો ઉકેલ આવવામાં વાર લાગે. આર્થિક નાણાકીય મુશ્કેલીઓમાં અને વિઘ્નોમાંથી રાહત મળતી જણાશે. પ્રવાસ-યાત્રાની શક્યતા છે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મેળવી શકશો. સંતાનના પ્રસ્નો ચિંતા કરાવી જાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં પ્રવેશવા ન દેશો. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. ઉઘરાણીના કામકાજો પાર પાડી શકશો. આવક-જાવક બંને પ્રકારના યોગો પ્રબળ છે. લાભ વધવા સાથે વ્યય પણ વધવાનો છે. નોકરિયાતોને હરિફોથી ચિંતા રાખવાને કારણ નથી. પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલશે. સારી તકો ઊભી થતાં જોઈ શકાશે. ધંધાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે. સંપત્તિને લગતા કામકાજોમાં મુશ્કેલી કે અવરોધ આવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં મનોસ્થિતિ તંગ અને અશાંતિ રહેતી જણાશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહિ. આર્થિક રીતે વધારાની આવક ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડે. નવા કામકાજનું આયોજન કરી શકશો. નોકરિયાતોને પ્રગતિ આડે હજી કેટલાક વિઘ્નો જણાય છે તેથી રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. મકાન-મિલકતના કામકાજ માટે સમય પ્રતિકૂળ જણાશે. સક્રિય નહીં બનો તો કામ પાર નહીં પડે. મકાન બદલવાના યોગો છે. બાપદાદાની સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહેશે. અગત્યના કૌટુંબિક નિર્ણયો લઈ શકશો. મતભેદો દૂર થાય.

કર્ક (ડ,હ)ઃ પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના લાભદાયી તકો બનતાં ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ ગ્રહયોગો શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોની અંગત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલ્લે થશે. હરીફો અંગે ચિંતા રાખવાનું કોઇ કારણ નથી. વેપારી-ધંધાર્થી માટે સમય સાનુકૂળ રહેશે. સ્થાવર મિલકતોના પ્રશ્નો માટે ગ્રહયોગો સાનુકૂળ છે. જમીન-મિલકતોને લગતા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે. કૌટુંબિક મિલકતોનો પ્રશ્ન પણ હલ થશે. દામ્પત્યજીવનમાં મતભેદો રહેશે. જીવનસાથીની તબિયત બગડતી લાગે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થશે. બેચેની-ઉત્પાત દૂર થાય. નાણાકીય જરૂરિયાતો માટે જોઈતા નાણાં મળવામાં અવરોધ જણાશે. આવક કરતા ખર્ચ ચૂકવણીઓનો બોજ વધુ રહેતા આ સમય ચિંતામાં પસાર થાય. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે ઘર્ષણ - દલીલના પ્રસંગો આવે. બદલી-બઢતીમાં અવરોધ નડે. ધંધા-વેપારના ક્ષેત્ર પર પરિસ્થિતિ પ્રતિકૂળતા ભરી રહેશે. નવા મકાનમાં રહેવા જવાનું આયોજન હશે તો પાર પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સરકારી કાર્યોમાં પ્રતિકૂળતા જણાય. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યોમાં સફળતા દૂર જતી જણાય. માનસિક અશાંતિ સર્જાય. અલબત્ત આવકથી કેટલીક રાહત મળશે. નાણાકીય મુશ્કેલીઓનો માર્ગ મેળવી શકશો. નોકરિયાતો અને ધંધાર્થીઓએ સાહસ સાચવીને કરવા. ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું. અંગત આરોગ્ય સાચવવું જરૂરી. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ સર્જાય. બાળકો કે સંતાનોને લગતી ચિંતા રહે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધે. મિત્રો અને ભાગીદારોથી સુમેળ સાધી શકશો. મકાન-સંપત્તિના ખરીદ-વેચાણના કામમાં અવરોધો હશે તો દૂર થશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન અંગત મૂંઝવણોના કારણે બેચેની-વિષાદ વ્યથાનો અનુભવ થાય. આવકના પ્રમાણમાં જાવક અને ખર્ચના પ્રસંગો વધુ રહેશે. આ ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાભીડ રહે. આર્થિક ટેન્શન વધે. જમીન-મકાનની સમસ્યા હશે તો તેનો માર્ગ મળે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય, પણ સરવાળે ઠેરના ઠેર સ્થિતિ જણાય. ગૃહજીવનમાં સાનુકૂળતા રહે. કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો. સંતાનો અંગેની ચિંતા હળવી થશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ અને મહેનત ફળ આપનાર જણાશે. સંપત્તિ યા મકાનની સમસ્યાઓના પ્રશ્નો ઉકેલાય. જીવનસાથીની તબિયત કાળજી માંગી લેશે. પ્રવાસ-યાત્રા ટાળવા હિતાવહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળો પ્રગતિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજો પૂરા થશે. નવીન અને અગત્યની કાર્યવાહીઓનો વિકાસ થશે. માનસિક સ્વસ્થતા અંગે સમતોલન સાધી શકશો. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય. આર્થિક મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાશે. ગમેતેટલા પ્રયત્નોથી ઊભી થતી આવક કરતાં ખર્ચ વધવાના યોગ છે. જોકે ખર્ચ માટે જરૂરી આવક પેદા કરી શકશો. ઉઘરાણી મેળવી શકશો. ધંધા-નોકરીની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાશે. સાવચેતીથી ચાલશો તો સારા લાભ મેળવી શકશો. પરિસ્થિતિ સમજીને ચાલવાની સલાહ છે. દામ્પત્યજીવનમાં ગેરમસજોના કારણે વાદવિવાદ પેદા થશે. જીવનસાથીને સમજીને ચાલશો તો વિવાદ વધશે નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અંગત સમસ્યોના કારણે તમારી સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બને. એક પ્રકારની નિરાશા - બેચેની વર્તાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોના ઉકેલ મળશે. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય. આર્થિક મુશ્કેલીઓ યથાવત્ રહેતી જણાશે. ગમેતેટલા પ્રયત્નો છતાં આવકવૃદ્ધિના પ્રયાસ ફળે નહીં. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે મતભેદ રહેશે. જોકે કુનેહ અને ધીરજપૂર્વક ચાલશો તો શાંતિ સંવાદિતા જળવાશે. જીવનસાથીનો પ્રેમ - સહકાર વધે.

મકર (ખ,જ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનોશક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ઉતરવાનું ટાળજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા કરી શકશો. ઉઘરાણીના કામ પણ પતશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતાં લાભ અપાવશે. ધંધા-વેપારના ક્ષેત્રે સારી રીતે આગળ વધીને સફળતા મેળવી શકશો. સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સંપત્તિની સમસ્યાઓ ઉકેલાતી જોવા મળશે. જીવનસાથીની તબિયત અંગે ચિંતા જણાશે. ગૃહજીવનનું વાતાવરણ સંવાદિતાભર્યું રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા કોર્ટકચેરીના દાવાઓનો ઉકેલ આવતો જણાશે. વણઉકેલ પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ ફાવી શકશે નહીં. સ્વાસ્થ્ય સુધરશે અને ચિંતાઓનો ભાર હળવો થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમે ધીમે ધીમે છતાં મક્કમ પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારજો. ખોટા સાહસોથી દૂર રહેજો. નોકરીમાં સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની જશે. દામ્પત્યજીવનમાં અશાંતિ ડોકિયા કરશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળજો. પ્રવાસ-યાત્રા વધતાં ખર્ચા પણ વધશે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ફળ મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ જાળવવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા સાંપડશે. નાણાકીય ક્ષેત્રે અવઢવ જણાશે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ વધશે. મિલકતોના પ્રશ્નોથી ચિંતા રહે. ગૃહજીવનની પરિસ્થિતિ સંવાદિતાભરી બનાવવા બાંધછોડ કરવી પડશે. જીવનસાથીનો પ્રેમ વધે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો. વિદ્યાર્થીઓને સફળતા મળે. યાત્રા-પ્રવાસમાં હેરાનગતિ વધશે. અહીં તમારે આર્થિક બાબતો તરફ સવિશેષ ધ્યાન રાખવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter