તા. ૨૫ માર્ચ થી ૩૧ માર્ચ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 25th March 2017 11:50 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક બોજો ધીમે ધીમે હળવો થશે. તમે નિર્ધારિત માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. અવરોધ કે વિઘ્નોને પાર પાડી શકશો. જરૂરત પૂરતી આવક થશે. આર્થિક ભીંસ છતાં પણ તમારું કામકાજ અટકશે નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારવો નહિ. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સારા સુધરતાં જણાતા નથી. નોકરી પરિવર્તન માટે હજુ યોગ્ય સમય નથી. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. મકાનની લે-વેચનું કામ પાર પાડી શકશો. જમીન-સંપત્તિના પ્રશ્નો જ્યાનાં ત્યાં રહેશે. ભાતૃવર્ગથી સહાય મળે. સ્વજનો કે સ્નેહીથી મિલન થાય. જીવનસાથી અંગેની ચિંતા દૂર થશે. અકસ્માત કે બીમારીથી સાવધ રહેજો. કોર્ટ-કચેરીના કામકાજોથી મૂંઝવણ રહેશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં ખોટા કારણસર માનસિક બેચેનીનો અનુભવ થાય. અશાંતિભર્યા વાતાવરણમાંથી છૂટવા માટે તમે સતત સક્રિય રહો તે જ શ્રેષ્ઠ ઉપાય છે. આવકવૃદ્ધિના પ્રયાસો ફળદાયી બનતા જણાશે. નવીન કાર્યરચનાને વિકાસના માર્ગ જઈ શકશો. નાણાંકીય પ્રશ્નો મૂંઝવતા હશે તો ઉકેલ મેળવી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. નોકરિયાતને પરિવર્તન યોગ જણાય છે. વેપાર-ધંધામાં પ્રગતિની તક મળશે, જેનો ઉપયોગ કરી લેજો. યોજનાઓ અંગે સાનુકૂળતા જણાય. સંપત્તિની લે-વેચના કામમાં વિઘ્ન કે વિલંબનો અનુભવ થાય. કૌટુંબિક બાબતો અંગે તમારે મહત્ત્વનો નિર્ણય લેવો પડે. કોઈને કોઈ કારણોસર ઘર્ષણના પ્રસંગો ઊભા થતાં દુઃખ થાય. આરોગ્યની કેર લેવી જરૂરી છે. સરકારી અને કોર્ટ-કચેરીના કામમાં વિઘ્ન જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બનશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ કથળે નહીં તે માટે ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી છે. આવક વધારવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહિ. ઉપરી સાથે મતભેદ નિવારજો. વેપાર-ધંધામાં ધીમી પ્રગતિ જણાશે. જો નવા મકાનમાં રહેવા જવા ઇચ્છતા હશો તો તે ઇચ્છનીય નથી. આ સમયમાં મકાન-જમીનનાં પ્રશ્નો સાનુકૂળ રીતે ઉકેલાશે નહીં. વિવાદો જોવા મળે. કુટુંબીજનોમાંથી કોઈ નજીકના સ્વજનની તબિયત બગડે. દામ્પત્યજીવનમાં મતભેદ ટાળવા હિતાવહ છે. સ્વજનો સાથે મુલાકાતો સફળ નીવડશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં તમારી ચિંતાનો બોજો વધે નહિ તે જોવું રહ્યું. ભય અને આશંકા છોડશો તો જીવનનો સાચો આનંદ માણી શકશો. યોજનાઓને યોગ્ય ન્યાય આપી શકશો. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જાય. લાભની આશા ફળશે નહીં. નોકરિયાત માટે આ સમયનાં ગ્રહયોગો સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાય. અવરોધોને પાર કરી શકશો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમને વિકાસ વૃદ્ધિની તક મળે. નવા સંબંધો ઉપયોગી બનશે. મકાન-મિલકતનાં કામકાજમાં સાનુકૂળતા વધશે. કોર્ટ- કચેરીનાં પ્રશ્નો ઉકેલાતા જણાય. કૌટુંબિક સંપત્તિ અંગેના મહત્ત્વના નિર્ણયો લેવાશે. જીવનસાથી સાથે મતભેદ.

સિંહ (મ,ટ)ઃ આ સમય ધીમે ધીમે પ્રગતિ કરાવનાર અને સફળતા અપાવનાર છે. નોકરી-ધંધાના ક્ષેત્રે હવે નવીન આશાસ્પદ પ્રસંગો આકાર લેશે. પરિવર્તનનાં એંધાણ મળશે. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે આ સમય મિશ્ર છે. વધુ પ્રયત્નો છતાં અલ્પ લાભ મળે. કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રના પ્રશ્નો અંગે ચિંતા વધે એવા પ્રસંગો બનશે. જીવનસાથી સાથે વિવાદ જાગશે. લગ્નવિવાહ સંબંધિત કાર્યમાં વિલંબ જણાશે. કોર્ટ-કચેરી કે અન્ય કામકાજો માટે આ સમયનાં ગ્રહયોગ સહાયરૂપ નીવડશે. ઉતાવળા થયા વિના ધીરજ અને સંયમથી કામ લેશો તો કામ પાર પડતું જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ઉત્સાહવર્ધક જણાય છે. મહેનત મુજબ ફળ મળતું જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક તનાવ કે અકળામણ વધતી લાગે. ખોટી ચિંતાથી અશાંતિનો અનુભવ થાય, નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાય. આવક કરતાં ખર્ચનાં પ્રસંગો વધતાં સમતુલન જાળવવામાં મુશ્કેલી પડે. લાભમાં અંતરાય આવે. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાન અને હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીઓનાં હાથ હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનતું જણાય. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગૃહજીવનમાં સંવાદિતા વધશે. જીવનસાથી સાથેના મતભેદો નિવારી શકશો. વગદાર લોકો સાથેના સંબંધો લાભકારક બનશે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળશે.

તુલા (ર,ત)ઃ આ સપ્તાહ નિષ્ફળતાઓ અને અવરોધોમાંથી બહાર લાવીને સફળતા તરફ દોરી જશે. મનોબળ દૃઢ રાખશો તો કોઈ મુશ્કેલી ટકશે નહિ. નાણાંકીય ચિંતા હળવી બને. જોકે ખોટા ખર્ચના પ્રસંગો ટાળજો. નોકરિયાતોને મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. લાભની તક સર્જાય. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉન્નતિની તક આવી મળે. તેનો લાભ ઉઠાવી લેવો. મહત્ત્વના કોલ-કરારો ફળદાયી બનશે. જમીન-મકાન કે સંપત્તિ અંગેના પ્રશ્નો અંગે સમય સુધરતો જણાય નહીં. મિત્રો-સ્વજનો મદદરૂપ થાય. ગૃહજીવનમાં ચકમકનાં પ્રસંગો સર્જાતા શાંતિનું વાતાવરણ ડહોળાય.

વૃશ્ચિક (ન,ય)ઃ પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતા ઉત્સાહમાં વધારો થશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભની આશા જણાય છે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો જણાય. નોકરીમાં પરિવર્તનના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન સાથે સફળતા મેળવશો. જમીન-મકાનની લે-વેચના કામકાજમાં અવરોધ જણાય. તમે ધાર્યું હશે તે રીતે કામ પાર પડે નહિ. નુકસાન કે હાનિના પ્રસંગ પણ બને. કેટલીક ગંભીર કૌટુંબિક સમસ્યા સર્જાય. સામાજિક પ્રસંગો અંગે મૂંઝવણભરી સ્થિતિ સર્જાય. લાગણીઓ ઘવાતી જણાય. ભાગીદારી સંબંધિત વાતમાં ગ્રહયોગો પ્રતિકૂળતા સૂચવે છે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહના ગ્રહયોગ દર્શાવે છે કે માનસિક સક્રિયતા અને ઉત્સાહ અનુભવશો. ઉદ્વેગ દૂર થતો જણાય. અગત્યની કામગીરી પાર પડે. આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવામાં વધુ મહેનત જરૂરી બને. ઉઘરાણી પાછળ વધુ લક્ષ આપજો. કૌટુંબિક ખર્ચ વધતાં જણાશે. નોકરિયાત માટે એકંદરે સમય સાનુકૂળ છે. કોઈ તકલીફ હોય તો તે દૂર થશે. વેપાર-ધંધામાં સર્જાયેલી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. વેપારી વર્ગને ધીમે ધીમે પ્રગતિ જણાય. કાર્યસફળતા માટેનાં પ્રયત્નો ફળદાયી બનતાં જણાશે. જમીન-મકાન તેમજ અન્ય મિલકત સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સમય મધ્યમ છે.

મકર (ખ,જ)ઃ આ સમયગાળામાં હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. કાલ્પનિક મુદ્દે ભય અને ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ હાંસલ કરી શકશો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધશે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં મુશ્કેલી જણાશે. નોકરિયાતોને કામકાજનો બોજો વધતો જણાય. વાદવિવાદના પ્રસંગો બને, જે ટાળવા યોગ્ય છે. વેપાર-ધંધાની ધીરે ધીરે આશાજનક માહોલ સર્જાશે. પ્રગતિ થશે. આ સમયમાં મકાન-મિલકત સંબંધિત પ્રશ્નોમાં અવરોધ જણાશે. વ્યર્થ દોડાદોડીમાં સમય પસાર થતો લાગે. કૌટુંબિક મુદ્દે ગેરસમજો વધતાં અકારણ ઘર્ષણ અને કલેહના પ્રસંગો સર્જાય.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ ખોટી ચિંતાનો બોજો વધે નહિ તે જોવું રહ્યું. યોજનાઓને યોગ્ય આકાર આપી શકશો. નાણાંકીય તકલીફોમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. મહત્ત્વની તક મળતી જણાય. બદલી-બઢતીને લગતા પ્રશ્નો હલ થાય તેવો માહોલ સર્જાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમે ઉન્નતિ તરફ આગળ વધી શકશો. સારા સંબંધો લાભકારક બનશે. મકાન-મિલકતના કામકાજ અંગે અડચણ સર્જાશે. જીવનસાથી સાથેની ગેરસમજોના કારણે ગૃહજીવનમાં અશાંતિ વર્તાય. કૌટુંબિક કાર્યો પતાવવા માટે પ્રયત્નો વધારજો. વડીલોની તબિયત બગડતા ચિંતા રહે. ભાતૃવર્ગથી ઘર્ષણ ન જાગે તે જોવું રહ્યું. સંતાન અંગેની કોઈ ચિંતા હોય તો તે હળવી થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક તનાવ કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર બોજ વધારવા દેશો નહીં. નાણાંકીય દૃષ્ટિએ વિચાર કરતાં આ સમય ખર્ચાળ જણાય છે. કોઈને કોઈ સ્વરૂપે ખર્ચા થાય. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળશે. બદલીનો યોગ છે. ધંધા-વેપારમાં વૃદ્ધિના પગલાં, આયોજન માટે સમય લાભકારક છે. મકાન-મિલકત અંગેની બાબતો માટે સમય સાનુકૂળ જણાય. ગૃહજીવનમાં માહોલ સુમેળભર્યો રહેશે. મિત્રો-સ્વજનો સાથે મિલન-મુલાકાત થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter