તા. ૨૬ ઓગસ્ટ થી ૧ સપ્ટેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 25th August 2017 07:50 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળે નહીં. આવક સામે વિશેષ ખર્ચના યોગ બળવાન છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ ખૂલશે. પ્રમોશન-બઢતીની તકો જણાય છે. તમારા પ્રયાસો સફળ નીવડશે. મકાન-સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલીઓ વધુ જણાશે. ખોટા ખર્ચાઓ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. માનસિક અકળામણ દૂર થાય અને માનસિક શાંતિ મળે. આમ છતાં આર્થિક દૃષ્ટિએ મોટા સાહસ ન કરવા. આવક કરતાં જાવક, ખર્ચનું પ્રમાણ ધાર્યા કરતાં વધી ન જાય તે જોજો. કોઈના ભરોસે કે વિશ્વાસે ચાલશો તો નુકસાનના ખાડામાં ઉતરવું પડે. આથી આ સમયમાં મહત્ત્વના વ્યવહારો પર ધ્યાન આપજો. ગૃહજીવનમાં સામાન્ય મતભેદો રહેશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. વડીલોની સેવાની તક મળે.

મિથુન (ક,છ,ઘ)ઃ દ્વિધાનો અને પરેશાનીનો અંત આવતા તમે વિધેયાત્મક માર્ગ તરફ આગળ વધી શકશો. મહત્વની તકો મળતાં વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયમાં નાણાકીય મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે લાભના પ્રયત્નો કરશો તો અવશ્ય સફળતા મળશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાતોનો આ સમયમાં બઢતી- બદલીનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહિ. સંતો-મહાપુરુષોની મુલાકાત ફળદાયી રહે. લગ્ન-માંગલિક પ્રસંગો લઈ પ્રવાસ થાય.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા અને સંયમ જાળવવા પડશે. શંકા તથા ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો જ સુખ-શાંતિ માણી શકશો. ચિંતા છોડજો. આવકનો નવો માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવકની સામે ખર્ચ પણ રહેશે. નુકસાનના પ્રસંગો નથી. જૂના લાભ અટક્યા હોય તો તે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે તમારાં પ્રયત્નો ફળદાયી નીવડે. સફળતા મળે. નોકરીનું પરિવર્તન ચાહતા હો તો પ્રયત્નો કરવાથી લાભ મળે. ધંધાકીય ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થઈને સાનુકૂળતા જણાશે. નવા કામનો પ્રારંભ થાય. મકાન-સંપત્તિને લગતી બાબતો માટે આ સમય મિશ્ર જણાય છે તેથી સંપૂર્ણ સફળતા મળે નહીં. ધર્મ પરત્વે લગાવ વધશે.

સિંહ (મ,ટ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતાં તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક ચાલીને પાર કરી શકશો. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ વિશેષ રહેતા તમે ચાહો છો તેવું આર્થિક આયોજન શક્ય બને નહીં. નવા મૂડીરોકાણ સમજીવિચારીને કરવા. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ તે સમજીને ચાલજો. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો છે. માંગલિક પ્રસંગોને લઈ દોડધામ વધશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી યોજનાઓ અંગે જરૂરી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. આ સમયમાં સારી તકો મેળવી શકશો. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થતાભરી રહેશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોમાં ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો પાર પડશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્ય સફળતા મળે. તમારા નોકરી અને ધંધાના ક્ષેત્ર થોડાઘણા અવરોધો હશે તો તેને પાર કરી શકશો. અગત્યની કામગીરી સફળ થાય.

તુલા (ર,ત)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ રહેતા સક્રિયતા વધશે. મુશ્કેલીના વાતાવરણથી બહાર નીકળી શકશો. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહી ચાલશો. કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામકાજ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશા પણ ફળશે. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામમાં સફળતા સાંપડશે. હિતશત્રુઓ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે અને વૃદ્ધિ, લાભની આશાઓ ફળશે. સંતો, મહાપુરુષોના આશીર્વાદ વિશેષ મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં માનસિક બળ જાળવવું પડશે. જો તમે આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળશે નહીં. આથી ઉલ્ટું નિષ્ફળતા જોવી પડશે. ભલે વિપરિત સંજોગો સર્જાય, ચિંતા કરશો નહિ. તમારી આવકની બાજુઓ પર સવિશેષ ધ્યાન આપજો. આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય છે. ન ધારેલા ખર્ચ પણ થશે. વળી લેણી રકમો મળે નહિ. તમે જેમાંથી લાભની આશા રાખશો તેમાં વ્યથા, હાનિ થતી દેખાશે. નોકરિયાત તેમજ ધંધાદારી વ્યક્તિને આ સમયમાં એકંદરે સખત મહેનત કરવી પડશે. શુભ સમાચારો મળે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ થશે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા તમે સક્રિય રહો એ જ ઉપાય છે. હિંમત ગુમાવશો નહિ. દેખાતી મુશ્કેલીને ક્ષણિક જ સમજશો. આ સમયમાં આવક વધવાના યોગ છે. ખાસ નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. જો તમે નોકરિયાતો હશો તો તમારા પુરુષાર્થનું ફળ મેળવી શકશો. ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યોમાં રસ-રુચિ વધશે.

મકર (ખ,જ)ઃ તમારી મનોકામનાઓની પૂર્ણતા માટે વધુ પુરુષાર્થ જરૂરી સમજશો. વિલંબના કારણે માનસિક અકળામણ જણાશે. ધારી સફળતા ન મળતા નિરાશ થયા વિના કોશિશ ચાલુ રાખજો. ફતેહ મળશે. નાણાંભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. કોઈ અણધારી મદદ કરજરૂપે મળે. આવકનો માર્ગ રુંધાયેલો છે, જે ખૂલતા હજી સમય લાગશે. નોકરિયાતોને આ સમય સફળતા અને યશ સૂચવે છે. ફેરફાર કે બદલીના પ્રયત્નો ફળે. વિઘ્નસંતોષીઓ ફાવશે નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકુળતાથી ડગી જશો નહીં, બલકે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતિત થવાને કોઇ કારણ નથી. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહેતા તમે ઇચ્છો છો તેવી મજબૂત આર્થિક સ્થિતિ થાય નહિ. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ તે સમજીને યોજના ઘડજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. પ્રગતિ મેળવશો. આગળ વધો. વિજય મેળવશો. આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. નાણાંની સમસ્યાઓ ઊભી કરી શકશો. એકાદ-બે મહત્ત્વનાં લાભની આશા ફળશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ નીડવશે અને સમસ્યા કે મૂંઝવણો દૂર થાય. લાભની તકો મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના પરિવર્તનો થશે, જે લાભકારક હશે. જમીન-મકાનને લગતી બાબતો પાર પડશે. ગૂંચવાયેલા કામ ઉકેલાશે. સામાજિક, રાજકીય કાર્યોમાં યશ-માન મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter