તા. ૨૬ માર્ચ ૨૦૧૬ થી ૧ એપ્રિલ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 23rd March 2016 04:01 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરિત લાગે તો પણ સફળતા મળતા તમારો ઉત્સાહ વધે. આવકમાં હમણાં વૃદ્ધિનો અવકાશ જણાતો નહીં. પ્રમાણ ઘટે નહીં તે જોવું રહ્યું. ચૂકવણીની સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. નોકરિયાતોને એકંદરે કામનો બોજો વધશે. જવાબદારી વધે તેથી ભાર રહે. પ્રતિકૂળતા કે મુશ્કેલીના સંજોગો જણાતા નથી. કામગીરી સફળ બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તકો મળે. લાભ તાત્કાલિન મળવાના યોગ નથી. મકાન-મિલકતના પ્રશ્નો હજી યથાવત્ રહેતા જણાશે. નવીન મકાન મેળવવામાં પણ રૂકાવટ જણાય. જમીન-મકાનના સોદા ગંભીરતાપૂર્વક કરવા. દાંપત્યજીવનમાં વિવાદ દૂર થાય. મિત્રો-સંબંધીઓથી મતભેદની શક્યતાઓ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા પણ જોવા મળશે. માનસિક બોધરેશન વધતું જણાય. મનની મુરાદ મનમાં રહેતી જણાય. વધુ મહેનતે અલ્પ ફળ મળતું જણાશે. નાણાકીય રીતે સમય કટોકટીભર્યો જોવા મળે છે. આર્થિક કાર્યોમાં અંતરાયો જોવા મળશે. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ રહેતી જણાશે. ધાર્યું ફળ મળે નહીં. વિરોધીઓના હાથ હેઠાં પડશે. ધંધાકીય ક્ષેત્રે આ સમય પ્રગતિ અને સફળતા આપનાર જણાય છે. ધંધાકીય નવરચનાને આગળ ધપાવી શકો. અગત્યના કાર્યમાં સાનુકૂળતા વર્તાશે. મકાન-વાહન અંગેના સંજોગો પ્રતિકૂળ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ પ્રવાસ-યાત્રા અંગે સમય સાનુકૂળ નીવડશે. અંગત પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. સામાજિક કે કૌટુંબિક સમસ્યા હશે તો સાનુકૂળ ઉકેલ મેળવશો. તમારા મિત્રો કે સંબંધીઓની મદદ મેળવી શકશો. નોકરિયાત ધીમે ધીમે ઈચ્છિત પરિણામ હાંસલ કરી શકશે. બદલી-બઢતીનો માર્ગ ખુલ્લો થાય. આ સમયમાં કોઈ નવી તક પણ મેળવી શકશો. ગૃહજીવનમાં નાની-નાની ગેરસમજો પેદા થવાથી ઘર્ષણ જાગે નહીં તે જોવું રહ્યું. વિદ્યાર્થીઓ માટે આ સમય સક્રિય રહેવાનો છે. મહેનત વધારવી પડશે. પ્રિયજનની તબિયત બગડતાં ચિંતા રહેશે. લગ્ન-વિવાહ જેવા પ્રશ્નો ઉકેલાતા વાર લાગશે. સંપત્તિ સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મેળવશો.

કર્ક (ડ,હ)ઃ તમારા વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય લાગતા તંગદિલી વધશે. સંજોગો સુધરવામાં સમય લાગશે. નાણાનો વ્યય ન થાય તે જોવું રહ્યું. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તનના યોગ છે. સ્થળ પરિવર્તનની પણ શક્યતા જણાય છે. ધંધામાં લાભદાયી સમય જણાય છે. જોકે વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા રહેતી જણાશે. ધંધાકીય મુસાફરી વધશે. કુટુંબીજનો કે સ્નેહીજન સાથે વાદ-વિવાદમાં પડી ન જાવ તે જોજો. શાંતિ-સંયમ જાળવવા. જીવનસાથીનો પ્રેમ અને સહકાર વધશે. પ્રવાસ-યાત્રા સફળ નીવડશે.

સિંહ (મ,ટ)ઃ નાણાભીડના કારણે તમારી ધારેલી યોજનાઓને આગળ ધપાવવાનું મુશ્કેલ બનશે. ધંધાના ક્ષેત્રે ફાયદો મળવામાં વાર લાગે. આવક કરતાં ખોટા ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. નોકરીમાં સહકર્મચારીઓથી સાવધ રહેવું. ખોટા, ઉતાવળા નિર્ણયોના કારણે કોઈ નુકસાન ખમવું ન પડે તે જોજો. મકાન-સંપત્તિની લે-વેચના કામકાજોમાં તમારે વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ જણાય છે. સામાજિક કે કૌટુંબિક સમસ્યાઓ હજી યથાવત્ રહેતી જણાશે. સંતાન અંગેની સમસ્યાઓના કારણે માનસિક બોજો વધશે. સ્ત્રીવર્ગને માનસિક શાંતિ જણાશે નહીં. તબિયતની કાળજી લેવી જરૂરી છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. કાર્યશીલ રહેશો, ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમે તેટલી ઘેરી હશે તો પણ ઉકેલી શકશો. નાણાકીય સમસ્યાઓ દૂર કરવા માટે પ્રયત્ન કરજો. એકાદ-બે નવા લાભ પણ મળશે. નોકરિયાતોના માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક મેળવી શકશો. મહત્ત્વના કોલ-કરારોથી લાભ થાય. મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે. સાનુકૂળતાનો લાભ લઈ લેજો. અટવાયેલી કામગીરીમાં પ્રગતિ થાય. વારસાની સંપત્તિથી હજી લાભ મળવાના યોગ નથી. લગ્નવિવાહ કે કૌટુંબિક પ્રશ્નો અંગે થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય.

તુલા (ર,ત)ઃ આ સમય મહત્ત્વની ઓળખાણથી લાભ તેમજ પ્રવાસ-પર્યટન માટે સાનુકૂળ નીવડશે. નાણાકીય મુશ્કેલીમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થતાં રાહત અનુભવાય. શેર-સટ્ટા દ્વારા લાભ લેવા લલચાશો તો નાણા ગુમાવવાનો વારો આવે. ધીરજ અને સમજપૂર્વક ચાલશો તો કંઈક પામી શકશો. નોકરિયાતોને કામનો બોજો - મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે. ધંધા-વેપારના કામકાજોને આગળ ધપાવી શકશો. મકાન-સંપત્તિની બાબતો માટે હજુ ગ્રહો સાનુકૂળ જણાતા ન હોવાથી આ પ્રશ્નો મૂંઝવતા જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મનની મૂંઝવણ કે હતાશા દૂર થશે. કેટલીક સાનુકૂળ પરિસ્થિતિથી ઉત્સાહ વધશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. વધારાના કેટલાક ખર્ચાઓ કરવા પડશે. મકાન-સંપત્તિના કામકાજો હજુ ખાસ સફળ થાય નહીં. નોકરિયાતને પ્રગતિનો માર્ગ ખુલ્લો થતો જણાશે. સારી તકો હાથ આવી શકશે. ધંધાકીય બાબતોમાં લાભદાયી સંજોગો સર્જાશે. કૌટુંબિક સમસ્યાઓ, ઉગ્રતા-ઘર્ષણના પ્રસંગો સર્જાશે. વિરોધીઓની કારી ફાવશે નહીં. કોર્ટ-કચેરીના કામકાજોમાં ધારી સફળતા મળવાના યોગ નથી. કોઈની મદદથી કામ પતાવવું પડશે. નજીકના કોઈ વડીલની તબિયત ચિંતા કરાવી જાય. પ્રિયજનની ગેરસમજ ન વધે તે જોજો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ઉન્નતિકારક તેમજ પ્રગતિકારક મહત્ત્વની તકો પ્રાપ્ત થશે. આ તકોનો યોગ્ય ઉપયોગ કરવાનું ચૂકશો નહીં. આર્થિક રીતે પણ આ સમય રાહતરૂપ નીવડશે. તમારા જૂનાં લેણાં કે ઉઘરાણી આ સમયગાળામાં મેળવી શકશો. કરજબોજ હળવો કરી શકશો. લાંબા સમયથી ગૂંચવાયેલા મિલકતના પ્રશ્નો પણ અહીં ઉકેલાતા જણાશે. નવીન લાભ પણ મળે તેમ છે. વાહન-મકાનના સુખ માટે આ સારો સમય છે. યોગ્ય નિર્ણય લઈને કામ પતાવી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રે તમને કોઈ મહત્ત્વની સિદ્ધિ મળે તેવા યોગો છે.

મકર (ખ,જ)ઃ અંગત બાબતોને આ સમયમાં ઉકેલી શકશો. આવકવૃદ્ધિ જણાશે. ઉઘરાણી-લેણાં મેળવી શકશો. નાણાકીય તંગીમાંથી છૂટકારો મેળવી શકશો. નવીન આવક મેળવવાના પ્રયત્નો ફળશે ખરા. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધમાંથી નીકળાશે. બદલી-બઢતીના યોગ જણાય છે. ધંધાની વૃદ્ધિ-વિકાસના પગલાં આયોજન માટે આ સમય વિકાસકારક જણાય છે. મકાન ખરીદ-વેચાણના કામમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઈચ્છા હશે તો પૂર્ણ થશે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય. દાંપત્યજીવનમાં ધીમે ધીમે સાનુકૂળ વાતાવરણ સર્જી શકશો. સ્નેહી-સ્વજનો સાથેના મતભેદો ઉકેલાતા સહકાર મેળવી શકશો. અંગત આરોગ્યની કાળજી લેવી જરૂરી છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયની સફળતા આશાવાદ અને વિકાસની કેડી સર્જનાર બનશે. માનસિક સુખનો અનુભવ થાય. ટેન્શન-ચિંતા દૂર થતાં લાગે. નાણાકીય કામકાજો માટે સફળતા સર્જાશે. તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. વળી લાભના સંજોગો કે તકો મળે તે ઝડપી લેજો. તમારા અટકેલા લાભ પણ મળે. નોકરી-ધંધા અંગે પ્રતિકૂળતા અને અંતરાયમાંથી બહાર આવી શકશો. નવી ફેરબદલ, પરિવર્તન શક્ય બને. લગ્ન-વિવાહના પ્રશ્નો પણ હલ થાય. ધંધાકીય મહેનત મુજબ ધાર્યું કામ થાય. વિરોધીની ચાલથી ચેતવું જરૂરી છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. વિચારો કે કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવી લેશો તો કશું જ સંકટ ભોગવવું નહીં પડે. આ સમયમાં તમારા કેટલાક અટકેલાં લાભ મેળવવાના પ્રયત્નો સફળ થશે. જૂના બાકી લેણાં મળે. તમારે આર્થિક બાબતોને વધુ વ્યવસ્થિત રાખવાની જરૂર સમજવી પડશે. નાણા વિના કામ અટકે નહીં. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. તમારા માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. નોકરિયાતને બદલી-પરિવર્તનના યોગ છે. તક મળે તે સ્વીકારવી તમારા લાભમાં છે. મકાન કે સંપત્તિના મામલામાં ઉકેલ માટે આ સમય યોગ્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter