તા. ૨૭ જૂન, ૨૦૧૫થી ૩ જુલાઇ, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 24th June 2015 09:05 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં પ્રવાસ-પર્યટનો વધશે. વ્યવસાયલક્ષી મુસાફરી સફળ નીવડશે. નાણાંકીય ચિંતા કે મુશ્કેલીમાંથી રાહત મેળવી શકશો. જાવકનું પ્રમાણ વધશે. યોગ્ય દિશાના પ્રયત્નો ફળદાયી નીવડશે. નોકરિયાતને લાંબા સમયથી ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળતો જણાશે. અવરોધમાંથી હવે તમે બહાર નીકળશો. મિત્રો-પરિચિતો કે સ્નેહીજનની મદદ મહત્ત્વની પુરવાર થાય. અંગત આરોગ્યની ચિંતા હળવી થશે. લાંબા સમયની બીમારી હશે તો તેમાંથી મુક્તિ મળશે. સંતાન તથા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ છે. આવનાર ખર્ચા માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. સારી નોકરી મેળવવાના નોકરિયાતના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીમાં પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા વર્તાશે. વેપાર-ધંધાની બાબતોથી સંતોષ રહે નહીં. મકાન-સંપત્તિને લગતા કામો માટે મુશ્કેલીઓ વધુ જણાશે. ખોટા ખર્ચ વધી શકે છે. નવું મકાન મેળવવાના પ્રયત્નો આડે અંતરાય સર્જાશે. દાંમ્પત્યજીવનમાં સાનુકૂળ અને સંવાદિતાભર્યું વાતાવરણ જળવાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા કે ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા ગ્રહયોગ જણાતા નથી. આથી ઉલ્ટું, ખર્ચ વધતા નાણાભીડ વધતી જણાશે. જોકે આ સમયમાં જૂના લેણાની રકમો મળવાથી વ્યવહાર નભી શકશે. આયોજન કરશો તો ચિંતા દૂર થશે. નોકરિયાત માટે સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બદલી-બઢતીનો માર્ગ ખૂલશે. વેપાર-ધંધામાં અગત્યના કામકાજો પાર પડતાં લાભ વધે. વિકાસનો યોગ છે.

કર્ક (ડ,હ)ઃ ઉત્સાહપ્રેરક બનાવના કારણે મનની અશાંતિ સર્જતા પ્રસંગોથી મુક્તિ મેળવશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સગાં-સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. આ સમયના યોગો તમારી મૂંઝવણો યા જરૂરિયાત અંગે સારો રાહત આપનાર ઉકેલ આપશે. અલબત્ત, અનાયાસ ધનપ્રાપ્તિના યોગ નથી. ખર્ચને કાબૂમાં રાખશો તો વિશેષ રાહત રહેશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાઓના ઉકેલનો માર્ગ મળશે. બગડેલી બાજી સુધારી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સાનુકૂળ અને પરિવર્તનસૂચન જણાય છે. મળનાર તકનો ઉપયોગ કરી લેજો.

સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાઓ હશે તો દૂર થાય. સામાજિક અને જાહેર જીવનને લગતા કામકાજોમાં સફળતા, યશ મળે. મહત્ત્વના સંબંધો સ્થપાય. આશાવાદી તકો પ્રાપ્ત થાય. નાણાકીય પરિસ્થિતિને વણસતી અટકાવવા ખર્ચ પર કાબૂ રાખવો પડશે. આવકના પ્રમાણને લક્ષમાં લઈ ચાલજો. શેર-સટ્ટા તરફ લલચાશો તો વધુ નુકસાન નોતરવું પડે. નોકરિયાતોને વિકાસ સાધવા માટે નવી તક શોધવી પડશે. બદલી પરિવર્તનયોગ પ્રબળ છે. નવા ધંધાના કામમાં પ્રગતિ થાય. જરૂરી સહાયો ઊભી થાય. વર્તમાન વેપાર-ધંધામાં અવરોધોને પાર કરી શકશો. મકાનની લે-વેચ જેવા કાર્યોનો ઉકેલ લાવવા વધુ પરિશ્રમ કરવો પડે અને વિઘ્નો બાદ મકાનની ફેરબદલી થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાના કારણે માનસિક બેચેની-વ્યથા અનુભવશો. જોકે તેનો ઉકેલ પણ ત્વરિત મળતાં રાહત થશે. એકંદરે સપ્તાહ મધ્યમ પુરવાર થશે. ખર્ચાઓ વધતાં આર્થિક પલડું ઉધાર બાજુ ન નમી જાય તે જોજો. નોકરિયાતને સ્થળાંતર કે બદલીની શક્યતા વિશેષ લાગે છે. બઢતીનો માર્ગ હજી અવરોધાયેલો જણાશે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો સફળ થાય. આ સમયમાં મકાન બદલવાના કે તેને લગતા કામો હશે તો અમલમાં મૂકી શકશો.

તુલા (ર,ત)ઃ આ સમયમાં ભાગ્યનો સાથ મળતાં નવીન કામોમાં પ્રગતિ થતી જોઈ શકશો. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતા જણાશે. અલબત્ત, તમારા કામકાજોમાં વિલંબ જરૂર થયા કરશે. આ સમય એકંદરે ખર્ચાળ અને મૂંઝવણરૂપ સાબિત થશે. નાણાકીય વ્યવહારોમાં વ્યવસ્થિત અને જાગૃત રહીને કામકાજ કરવું જરૂરી છે. આર્થિક બોજો કે જવાબદારી વધતાં જણાશે. લાભ કે આવકના સંજોગો અલ્પ જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય મિશ્ર પુરવાર થશે.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની વર્તાશે. મનને સક્રિય રાખવું જરૂરી છે, જેથી તમે નિરાશામાંથી ઉગરી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું જરૂરી છે. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહીં. મકાનની લે-વેચના કામમાં સાનુકૂળતા સર્જાશે. મિલકતોના પ્રશ્નો યથાવત્ રહે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખવા જરૂરી છે. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. તમે આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા-નકારાત્મક વિચારો છોડી દેજો. આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવશો. લાંબા સમયથી તમારી ઉન્નતિ આડેનો અવરોધ હશે તો દૂર થશે. વિકાસની તક મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ આ સમય સાનુકૂળ બનતો જણાય છે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ મળશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. આ સમયમાં સારી આવકના અભાવે નાણાકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે. જે કોઈ આવક થશે તે ખર્ચમાં જતી રહેશે. નોકરિયાતો માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થતા જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ એક પ્રકારની ઉદાસીનતા કે વ્યગ્રતાથી લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું મુશ્કેલ જણાતાં તંગદિલી વધશે. નાણાકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચાના ગ્રહયોગ બળવાન છે. નોકરિયાતોને નવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાશે. વિરોધીના હાથ હેઠા પડશે. વેપાર-ધંધા ક્ષેત્રે વાતાવરણ સગવડરૂપ બનશે. સમસ્યામાંથી બહાર નીકળી શકશો. મકાન-મિલકત જમીનના કામકાજો માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવશો. પુરુષાર્થ ફળદાયી બનશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન કાલ્પનિક અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ શક્ય છે. પરિણામો વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. વણઉકેલ નાણાકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે. નોકરિયાતને કામકાજનો બોજ વધુ રહેશે. હરીફ અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધે નહીં તે જોવું રહ્યું. ધાર્યું ફળ મળે નહિ. વેપાર-ધંધાના ક્ષેત્રે વધુ વિઘ્નો જણાશે. સંપત્તિના ગૂંચવાયેલા પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજ માટે સાનુકૂળતા જણાશે. નવું મકાન શોધવાના તમારા પ્રયાસો ફળતાં જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter