તા. ૨૭ માર્ચ ૨૦૨૧થી ૨ એપ્રિલ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 26th March 2021 08:08 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કામને અનુલક્ષીને થોડી વ્યસ્તતા તેમજ દોડાદોડી રહેશે. જોકે તેના પરિણામ આપના માટે લાભદાયી પુરવાર થશે. આર્થિક રીતે ખર્ચાઓ પર થોડોક કંટ્રોલ રાખવો અનિવાર્ય રહેશે. આવકના સાધનોમાં વધારો જોવા મળે, પરંતુ સામે એવા ખર્ચાઓ પણ ઊભા થાય. નોકરીના ક્ષેત્રમાં વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. ધંધા-ઉદ્યોગમાં નવી તકો ઊભી થાય, પરંતુ જોઈ જાળવીને આગળ વધશો તો લાભમાં રહેશો. વિદ્યાર્થીઓને તેમની મહેનત અને લગનનું સારું પરિણામ મળશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર મળે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડીક માનસિક અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો સામનો કરવો પડે. જોકે આપની શ્રદ્ધા અને વિશ્વાસ તેમજ વડીલોના આશીર્વાદ આપને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવશે. નાણાંકીય રીતે જોઇએ તો, આવકના પ્રમાણમાં જાવક વધે. ભૌતિક સાધનો માટે સારા એવાં ખર્ચ આ સમય દરમિયાન કરશો. નોકરીના ક્ષેત્રમાં થોડું સાવધાન રહેવું જરૂરી. ભાગીદારીના કાર્યથી દૂર રહેવું. આપના સંતાનોના અભ્યાસની બાબતોના કારણે થોડી દોડાદોડી વધે. કોર્ટકચેરીના કાર્યોમાં હજી વિલંબ જણાય.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે. જેના પ્રભાવથી આપના કાર્યોમાં સફળતા અને પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. કેટલીક અણધારી ઘટનાઓ પણ આ સમય દરમિયાન બની શકે છે, જે તમને લાભકર્તા હશે. નોકરી-વ્યવસાયમાં પણ ઘણાં એવા સારા નિર્ણયો લઈ શકાય. ઉદ્યોગ-વેપાર ક્ષેત્રે મોટાં મૂડીરોકાણ માટે સમય સારો રહેશે. આર્થિક રીતે સદ્ધરતા કેળવી શકાય એવો સમય તમારા માટે આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને થોડીક વધુ મહેનત કરવાનું સૂચન છે. જો આપ બેદરકાર રહેશો તો એના ખરાબ પરિણામ ભોગવવા પડશે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચારજો. તમારા કોઈ અંગત વ્યક્તિના સલાહસૂચનથી આગળ વધજો. બહારની વ્યક્તિ પર આંધળો વિશ્વાસ નુકસાનીના મોટા ખાડામાં ઉતારી શકે છે. નવા સાહસમાં ખૂબ જોઈજાળવીને આગળ વધશો. આર્થિક રીતે મધ્યમ સમય રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ શરૂ કરી શકાય અથવા તો કોઈ સંસ્થા સાથે જોડાઈને પણ કામગીરી કરી શકશો. નોકરીમાં બદલી અથવા બઢતી શક્ય બને. સંતાનોને લગતા પ્રશ્નો હલ થાય.
સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન કેટલાક ગૂંચવાયેલા સંબંધોનો ઉકેલ લાવી શકશો. સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. થોડાક આકસ્મિક ખર્ચાઓનો સામનો કરવા માટે પણ તૈયારી રાખશો. નોકરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારીઓને મદદરૂપ પુરવાર થશો. આપની પ્રતિષ્ઠામાં વધારો થાય. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે હાલ સ્થિતિ યથાવત્ જણાય, કોઈ ખાસ ફેરફાર જણાતા નથી. આ સમયમાં આપના પારિવારિક જીવનનો આનંદ અને ઉત્સાહ બમણો થાય. સંતાનને લગતા પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર આવે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય આપને માનસિક મજબૂતી અપાવશે. કોઈ મહત્ત્વનો નિર્ણય કાર્યસિદ્ધિ અપાવે, જેનાથી આપનું મનોબળ મજબૂત થાય. નાણાકીય દૃષ્ટિએ જોઈજાળવીને આગળ વધશો. જો કોઈ મોટું રોકાણ કરવા ઇચ્છતા હશો તો સફળતા મેળવી શકશો. અહીં નસીબ તમારી સફળતામાં ચાર ચાંદ લગાવી આપશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ આપના માનપ્રતિષ્ઠા વધશે. આરોગ્ય સંબંધી બાબતોમાં પણ કોઈ ખાસ મુશ્કેલી આવશે નહીં. સંતાનોના અભ્યાસ બાબતે થોડીક ચિંતા રહેશે.
તુલા (ર,ત)ઃ સમય થોડો તાણ અને બેચેનીવાળો રહેશે. જોકે આપ કાર્યોમાં મન પરોવાયેલું રાખશો તો થોડીક માનસિક સ્વસ્થતતા કેળવી શકશો. વિરોધીઓથી સાવધાન રહેશો. ખર્ચાઓ ઉપર થોડોક વધુ કાપ મૂકવાનું સૂચન છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ દ્વારા ફાયદો થાય. વ્યવસાયિક કામગીરીના ક્ષેત્રે નવી તકો દ્વારા લાંબા ગાળાના ફાયદાકારક રોકાણો શક્ય બને. વિદ્યાર્થીજગતમાં આનંદ-ઉત્સાહનો માહોલ ઊભો થાય. કોર્ટ-કચેરી કે ઇમિગ્રેશનને લગતા કાર્યોમાં થોડો વિલંબ જણાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓમાં ફેરફાર જોવા મળે. વાચન-મનન-ચિંતન પ્રત્યે આપ વધુ સજાગતા કેળવશો. સખત સંઘર્ષ અને મહેનત આપના કાર્યોને સિદ્ધિ અપાવે. વ્યવસાયિક કાર્યોમાં વધારો અથવા નવીન રોકાણો દ્વારા લાભ રહેશે. મકાનની ફેરબદલીની ઇચ્છાઓ અહીં પૂર્ણ થતી જોવા મળે. નોકરીમાં સ્થાનફેરના યોગો બળવાન રહેશે. કૌટુંબિક વાતાવરણ આનંદ-ઉત્સાહથી ભર્યું જોવા મળે. સંતાનોના લગ્નસંબંધી પ્રશ્નો ઉકેલાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપનો આ સમય મિશ્ર રહેશે. તમારામાં રહેલા લાગણી અને પ્રેમ દ્વારા આપના પરિવારના સભ્યોને એક સાથે જોડી શકશો. તમારા દરેક કાર્યોમાં વડીલોનો સહયોગ મેળવી શકશો. આ સમયમાં આર્થિક રીતે આપની સદ્ધરતામાં વધારો જોવા મળશે. જેના કારણે થોડા ખર્ચાઓ પણ વધે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે થોડુંક કામનું ભારણ વધે. વ્યવસાયને કારણે પ્રવાસ-પર્યટનનું આયોજન થાય. વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સફળ થાય. ઇચ્છિત જગ્યાએ અભ્યાસ શક્ય બને.
મકર (ખ,જ)ઃ આ સમય આનંદ અને ઉત્સાહભર્યો વ્યતીત થાય. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત આપના જીવનનો રાહ બદલી શકે છે. મનમાં નવીન તાજગીનો અનુભવ થાય. આર્થિક રીતે સદ્ધરતા જળવાઈ રહે. નોકરી-વ્યવસાયના કાર્યોમાં નવી તકો દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મેળવી શકશો. સંતાનો તરફથી પ્રેમની લાગણી વધુ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનત કરવાનું સૂચન અહીં છે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહમાં આપની લોકપ્રિયતામાં વધારો જોવા મળે. રાજકીય ક્ષેત્રમાં રહેલા વ્યક્તિઓ માટે વિજયયાત્રા શક્ય બને. આર્થિક દૃષ્ટિએ પણ સમય ઉત્તમ છે. ધન લાભ કરાવે. નોકરીના ક્ષેત્રમાં લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મેળવી શકાય. વ્યવસાયમાં ભાગીદારીથી આપને ખાસ લેણું નથી, જેથી જોઈજાળવીને આગળ વધવું. પરિવારમાં સમતોલન જળવાઇ રહેશે. આપના કોર્ટ-કચેરીના વિવાદોનો ચૂકાદો આપના તરફેણમાં આવે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આપના ભાગ્યના યોગને આધિને આપ સફળતા કે નિષ્ફળતાનો અનુભવ કરી શકશો. જોકે આપ પોતાની બુદ્ધિ દ્વારા આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય રીતે થોડી વધુ સાવચેતી રાખવી, ખર્ચાઓને કાબૂમાં રાખવા. નોકરી વ્યવસાયમાં તમારા જ્ઞાનનો ઉપયોગ અને અનુભવો કામ લાગશે. સંતાનોના લગ્નસંબંધી ચર્ચાઓ અહીં જોર પકડે. વિદ્યાર્થીઓ માટે પણ સાનુકૂળ સમય રહેશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter