તા. ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ થી ૪ જાન્યુઆરી ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 28th December 2018 04:39 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન હાથમાં નાણાં આવે અને ખર્ચાઈ પણ જાય. વાણીના કારણે મિત્રો-સ્વજનોથી થોડી વાર માટે સંબંધો બગડશે. સગા-સ્વજનના શુભ સમાચાર મળે. સંતાનોના પ્રશ્નોનો નિવેડો લાવી શકશો. નાણાંભીડ દૂર કરવા લોન લેવી પડશે. સાહસિક વૃત્તિ પર કાબુ રાખવો જરૂરી. માતાપિતા સાથે વાદવિવાદ થાય. બ્લડપ્રેશર હોય તો સંભાળવું. સરકારી કાર્યોમાં થોડોક વિલંબ થાય. લગ્નજીવનમાં અસહમતિ પ્રવર્તે. સામાજિક કાર્યોમાં યશ મળશે. નોકરીમાં આવેલા અવરોધો દૂર થાય. પરદેશના પ્રશ્નોના ઉકેલમાં વિલંબ. ક્રમશઃ સફળતા સાંપડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય વિશેષ ખર્ચાળ અને માનસિક ચિંતા કે બોજો રખાવનાર નીવડશે. તમારી ધીરજની કસોટી થતી જણાય. માર્ગ આડેના અવરોધો પાર કરી શકશો. વ્યવસાયિક યોજનાઓ માટે આ સમય પ્રગતિકારક અને સાનુકૂળ બનશે. તમારા પ્રયત્નો ફળદાયી બને. નોકરિયાતો માટે એકંદરે કામનો બોજો, જવાબદારી વધારે તેવો સમય. મકાન-મિલકતના પ્રશ્નો અંગેની ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો લેવામાં ગૂંચ જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ અજંપો કે અશાંતિનો અનુભવ થાય. ધાર્યું કામ થાય નહિ તેથી ઉત્પાત જણાય. વ્યર્થ દોડદામ થાય. ધાર્યું ફળ ન મળતાં નિરાશા જણાય. આર્થિક રીતે આ સમય તમારા જરૂરી ખર્ચા માટે આર્થિક વ્યવસ્થા કરી શકશો. કરજ મેળવવાના પ્રયત્નો સફળ નીવડશે અને તમે કામ આગળ ધપાવી શકશો. લાભની તકો બહુ જણાતી નથી. નોકરિયાત વર્ગને કામનો બોજ વધુ અને લાભ ઓછો મળતા ઉદ્વેગ રહે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ અટકશે અથવા ધાર્યા કરતાં ઓછો લાભ મળે. સામાજિક અને રાજકીય કાર્યોમાં પ્રગતિ થાય.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં સાનુકૂળતા જોવા મળશે. તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉમંગ-ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય આયોજન થઈ શકશે. ઉઘરાણી લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. તમારા સંપત્તિ સંબંધિત પ્રશ્નો ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહિ. સંયુક્ત મિલકતો અંગે ઘર્ષણ પેદા થાય. દામ્પત્યજીવનમાં લાગણી કે માનમરતબાના પ્રશ્ને ઘર્ષણ જાગશે. વિરોધીના કારણે તમારા માર્ગમાં વિઘ્નો જણાશે. શેરસટ્ટાથી કાળજી રાખવી હિતાવહ છે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં મિશ્ર અનુભવ થશે. લાગણી અને સ્વમાન ઘવાતાં અજંપાની લાગણી વધે. તમારા ધાર્યા પ્રમાણેની પરિસ્થિતિ ન જણાતાં અંતઃકરણમાં ઉત્પાત અનુભવશો. ખાસ નજીકના અંગત સ્નેહીથી પણ ઘર્ષણ જાગશે. માનસિક પરિતાપ સહન કરવો પડશે. નાણાંકીય જવાબદારી ધીમે ધીમે પુરી થતી જણાશે. નોકરિયાતને આ સપ્તાહમાં પ્રોત્સાહક પ્રસંગ બનશે. આ સમયમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વિશેષ જોવા મળે. નુકસાન-હાનિ કે અણધાર્યા મૂડીરોકાણને કારણે નાણાંકીય સ્થિતિ બગડે નહિ તેનો ખ્યાલ રાખજો. મકાન-જમીનના કામકાજ થઈ શકશે. અવરોધો દૂર થાય. યાત્રા-પ્રવાસ સફળ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં વિવિધ ક્ષેત્રે આગેકૂચ કરી કશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં ઉત્સાહ વધશે. કોઈ પણ પ્રકારના સાહસોમાં નાણાં રોકવા હિતાવહ નથી. આવકવૃદ્ધિના યોગ નથી. શેરસટ્ટામાં લાભ કરતા વ્યય વધુ જણાશે. નોકરિયાતને નોકરી મેળવવાના પ્રયાસમાં સફળતા સાંપડે. સહકર્મચારી કે ઉપરી સાથે સંબંધો સાચવજો. જમીન-મકાન અંગેના કોઈ કામ અટક્યા હશે તો તે પતાવી શકશો. કુટુંબના કોઈ સ્વજનની માંદગી ચિંતા કરાવશે. જીવનસાથી સાથે ઘર્ષણના પ્રસંગો નિવારજો. સંતાનોની તબિયત સાચવજો.

તુલા (ર,ત)ઃ આ સમય એકંદરે સફળ નીવડશે. યોજનાઓ પાર પડતી જણાશે. કોઈના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. નાણાંકીય અવરોધોમાંથી માર્ગ કાઢી શકશો. તમારી મૂંઝવણ કે ચિંતાનો ઉકેલ મળશે. આવી પડેલા ખર્ચને પહોંચી વળશો. આવકનું પ્રમાણ વધશે, પણ તે સંતોષકારક નહિ હોય. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજોમાં પણ સફળતા મળે. નવીન કોલ-કરારો થાય. અગવડોમાંથી માર્ગ મળશે. મકાન-વાહન અંગે હજુ સમય પ્રતિકૂળ છે. વડીલોની તબીયત બાબતે ચિંતા થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવાની સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવી છે. આથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ કરવાનું ટાળજો. નોકરી-ધંધા અંગે કોઈ સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીમાં પરિવર્તન કરવું હોય તો યોગ્ય સમય છે. વેપારી વર્ગને ધીમો વેપાર જણાશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાય નહીં. સ્થિતિ યથાવત્ જણાશે. દામ્પત્યજીવનની સમસ્યાઓ વધે નહીં તે જોજો. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કાલ્પનિક અને વ્યર્થ ચિંતાઓ કરીને માનસિક શાંતિ ગુમાવશો તેમ લાગે છે. શંકા કે તર્ક-વિતર્કથી મન વધુ અસ્વસ્થ થશે. આ સમયના યોગ જોતાં આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવી શકે છે. જોકે તમે તે પાર કરી શકશો. તમારા મહત્ત્વના કામકાજ કે વેપાર-ધંધા સંબંધિત નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. કેટલાક વિશેષ ખર્ચાની જોગવાઈ કરવી પડશે. નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને મદદકર્તા છે. હરીફ કે હિતશત્રુઓની કારી ફાવશે નહીં. નવા મકાનની શોધમાં હો તો એ મેળવશો.

મકર (ખ,જ)ઃ આ સમયમાં અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવેશને કાબુમાં રાખજો. ઉતાવળા નિર્ણયો લેવા નહીં. નાણાંકીય સમસ્યાઓના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર રહે. આવક-જાવકના બંને છેડા સરખા કરવા માટે મહેનત વધારવી પડે. નોકરી-ધંધાના ક્ષેત્રે હજુ સંજોગો ઠીક ઠીક જણાય છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહિ તે જોવું. ઉપરી સાથે વિવાદ અટકાવજો. સહકર્મચારી સાથે ઘર્ષણનો પ્રસંગ ઊભો થાય. ધંધા-વેપારના ક્ષેત્રે શત્રુઓ ફાવે નહીં. જમીન-મકાનના કામકાજો કે સંપત્તિ અંગેના પ્રશ્નોના ઉકેલ માટે સમય મદદરૂપ બનતો જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અંગત મૂંઝવણોના કારણે બેચની કે વ્યથાનો અનુભવ થાય. મંદ ગતિએ કામ આગળ ધપતાં અજંપો વર્તાશે. નિરાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખવામાં જ હિત છે. આવકના પ્રમાણમાં જાવક અને ખર્ચના પ્રસંગ ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક ટેન્શન વધશે. જાવકને અંકુશમાં રાખવી જરૂરી છે. મોટા કે અણધાર્યા લાભના યોગો જણાતા નથી. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથીનો સહકાર મળે. જમીન-મકાનની સમસ્યાઓનો ઉકેલ મળે. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ લાંબા સમયથી અનુભવાતી બેચેનીમાંથી મુક્તિ મળશે. આર્થિક કામકાજો માટે સમય શુભ પુરવાર થશે. વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખૂલશે. કરજ-બોજમાંથી મુક્તિ મળવી શરૂ થશે. નોકરિયાતોને કેટલીક મહત્ત્વની કામગીરીમાં યશ-માન મળશે. બઢતી માટેની તકોનું નિર્માણ કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે હજુ સમય ઠીક ઠીક સમજવો. મકાન-સંપત્તિની ખરીદી-વેચાણના કામકાજોમાં સમયનો સાથ મળશે. કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન શોધીને શાંતિ સ્થાપી શકશો. લાંબી મુસાફરીમાં મુશ્કેલી લાગે. તબિયત સુધરતી જણાય. નવી ઓળખાણો લાભ અપાવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter