તા. ૩ ડિસેમ્બર ૨૦૧૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Tuesday 29th November 2016 09:07 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારા આયોજનનો અમલ કરવામાં ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાતાં અશાંતિ અને ઉત્પતિ વધશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહી ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થઇ જશે અને તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. નોકરીમાં પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. સંપત્તિ, મકાન કે જમીનને લગતા પ્રશ્નોથી ચિંતા રહે. મકાન બદલવાની ઇચ્છા ફળે નહિ. ગૃહજીવનનું વાતાવરણ ડહોળાતા અશાંતિ, ગેરસમજ વધશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા થાય નહિ તે જોવું રહ્યું.

વૃષભ (બ,વ,ઉ)ઃ ચિંતાના વાદળો વિખેરાતાં મનોબળ મજબૂત બનશે. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચાઓ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. સારો લાભ મળશે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે. વિરોધના વિઘ્નો પાર કરી શકશો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. સંપત્તિમાં વૃદ્ધિના યોગ છે. મહત્ત્વની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજો હલ કરી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. ગૃહજીવનની કોઈ સમસ્યા હશે તો તેનો સાનુકૂળ રીતે ઉકેલ લાવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અંગત કારણસર કોઈ અજંપો કે બેચેનીનો અનુભવ કરાવતું વાતાવરણ રહેશે. ધાર્યું ન થવાથી નિરાશ યા હતોત્સાહિત ન બનશો. મનોબળ ટકાવી રાખજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય સુધારો સૂચવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. અટવાયેલા નાણાં મળે. ઉઘરાણીના કામકાજ પાર પડતા જણાશે. નોકરીની પરિસ્થિત સાનુકૂળ રહેશે. તમારા વિરોધીઓ ફાવશે નહીં. વ્યાવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. મહત્ત્વની ખરીદી થાય. અંગત સમસ્યાઓનો સારો ઉકેલ મળશે. દામ્પત્યજીવનમાં નજીવા મતભેદો સિવાય શાંતિ રહે. લગ્નવિવાહની વાતચીતો માટે સાનકૂળતા જણાય. ગુપ્ત વિરોધીના પ્રયાસ નિષ્ફળ જાય.

કર્ક (ડ,હ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. કૌટુંબિક અને ગૃહજીવનને લગતા ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતાં નાણાભીડ રહે. નવીન મૂડીરોકાણ સમજીવિચારીને કરવું. ખર્ચાનું પ્રમાણ વિશેષ રહેતા નાણાભીડ રહે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. લાભની આશા રાખી શકો છો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. સમસ્યા હલ થાય નહીં. પરિણામે માનસિક બોજો વધે. ગૃહજીવનના મતભેદો સમજદારી અને પ્રેમના માધ્યમથી ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો જોતાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરી મુજબ યશ કે લાભ ન મળવાથી મન ઉદ્વેગ બનશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડે. આ સમય નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. પ્રશ્નો સમાધાનથી ઉકેલવા સલાહ છે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ રહેશે. અવિવાહિતોના લગ્ન માટે સમય શુભ છે. ભ્રાતૃવર્ગથી વિખવાદ બાદ સમાધાન થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી સ્વસ્થતા અને સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. આ સમયમાં નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાં વિલંબ જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતો માટે આ સમય માનસિક અને અન્ય પ્રતિકૂળતાના કારણે તાણ રખાવશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતાં લાગે. ગૂંચવાયેલી સમસ્યા જેમની તેમ રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ ને સંજોગો મુશ્કેલીરૂપ બનશે. તમારી સંપત્તિ કે મિલકતની સમસ્યાઓ ગૂંચવાયેલી લાગે. ધીમી પ્રગતિ થાય. નાણાકીય લેવડદેવડ કોઈના ભરોસે કરવી નહીં. પ્રવાસમાં ધાર્યું ફળ ન મળે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બનશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ નભી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરશો. અવરોધો દૂર થાય. કાર્યસફળતા મળે. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધી કે હિતશત્રુ ફાવે નહિ. સમસ્યાનો ઉકેલ મળે. મકાન-મિલકત, જમીન સંબંધિત કામકાજો કરવા માટે જોઈતી તકો તથા સાનુકૂળતા મેળવી શકશો. પુરુષાર્થ ફળદાયી બનશે. સંપત્તિમાં લાભ મેળવી શકશો. ગૃહજીવનની સમસ્યાના ઉકેલનો માર્ગ મળશે. ગેરસમજો નિવારી શકશો. સ્વજનો સહકારરૂપ બને. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિ યા તંગદિલીના પ્રસંગો ઓછા થશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જશે. તેમના અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સહકાર મળે. નોકરીની સારી તક મળશે. વેપારી વર્ગ કે ધંધાર્થી માટે પણ સફળતા અને વિકાસનો સમય છે. તકરારમાં ન પડવું. મનને શાંત રાખીને પ્રશ્નો હલ કરવા. ગૃહજીવનની પરિસ્થિતિ મનને મૂંઝવતી જણાશે. નાહકની ગેરસમજોથી માનસિક તાણ વ્યથા સર્જાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો દૂર થાય. તમારા માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ અને વ્યયનું પ્રમાણ વધતું જણાશે. ખર્ચ અને ખરીદી પર કાબુ રાખજો. કુદરતી રીતે આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા અને યશ મળે. હિતશત્રુ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. વૃદ્ધિ અને લાભની આશા ફળશે. મકાનની લે-વેચનું તથા સરકારી કામકાજ ઉકેલી શકશો. કૌટુંબિક વિવાદોનો નિવેડો આવતો જોઈ શકશો. સામાજિક વાતાવરણ વ્યથા આપશે. કેટલાક નિર્ણયોથી કામ વિલંબમાં પડશે. સ્વસ્થતાથી નિર્ણય કરવા સલાહ છે. મહત્ત્વની કોઈ વ્યક્તિ ઉપયોગી બનશે. આરોગ્યની ખાસ કાળજી લેજો.

મકર (ખ,જ)ઃ લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિત સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ અને હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણને ત્યાગજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગો જોવા મળે. વેપાર-ધંધાના ક્ષેત્ર જણાતા અવરોધોને પાર કરી શકશો. ઘર કે મકાન બદલવું હશે યા નવું લેવું હશે, પણ સંજોગોની પ્રતિકૂળતાના કારણે તે ઇચ્છા સાકાર થાય નહીં. વિવાદસ્પદ પ્રસંગોથી દૂર રહીને સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ છે. ગૃહજીવનમાં અકારણ બેચેની અને અજંપાનું વાતાવરણ રહે. કોર્ટ-કચેરી તથા સરકારી સમસ્યાઓ હજુ યથાવત્ રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી ચિંતા કે સમસ્યા હશે તો તેને ઉકેલ મળે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતું જણાય. પ્રયત્નો સફળ થતાં લાગશે. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ મળે. તેમજ તમારા ખર્ચ અને દેવાને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટું ખર્ચ થશે. નોકરિયાતોને હિતશત્રુથી સાવધ રહેવું જરૂરી છે. વેપાર-ધંધાની કામગીરી માટે ગ્રહયોગ મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ તથા શુભ કાર્ય સૂચક છે. પ્રવાસની તક મળે. તમારા જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધે. અંગત આરોગ્યની તકેદારી લેજો. કોઈ સ્વજનની તબિયત ચિંતા કરાવશે. કોર્ટ-કચેરી કે સરકારી કામ અંગે સમય સારો નથી. સંપત્તિ અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાકીય મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓથી સાવધ રહેવું. માનસિક અકળામણ જણાશે. નોકરીને લગતા પ્રશ્નો હજુ યથાવત્ રહે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબતો માટે સમય સાનુકૂળ અને શુભ છે. પ્રવાસની તક મળે. સંપત્તિ-મકાન-જમીન અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે. મકાનની લે-વેચ થઈ શકશે. મુશ્કેલીમાં ભાઇભાંડુનો સહકાર મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter