તા. ૩૦ માર્ચ થી ૫ એપ્રિલ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 29th March 2019 05:38 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણ અને એક પ્રકારની અજંપાની ભાવનાનો બોજો સૂચવે છે. ધીરજ દાખવવી પડશે. અકળામણ વધશે. તમે જે લાભની આશા રાખો છો તે હજુ આ સમયમાં મળે તેમ નથી. આવકના નવા માર્ગ મળે નહીં. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવવું પડે. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળશે. સંજોગો અનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. તેમજ જરૂરી આવક ઊભી થાય. નોકરિયાત માટે વિકાસની તકો મળશે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ મુશ્કેલીઓ દૂર થાય. નવા કરાર થાય. લાભદાયી આયોજન પાર પડે. જમીન-મકાનના કાર્ય માટે આ સમય શુભ જણાય છે. જીવનસાથીથી મતભેદો થાય. લગ્નવિવાહના પ્રશ્નો ગૂંચવાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં માનસિક અશાંતિ કે તાણના બનાવોથી મુક્તિ મેળવવામાં ગ્રહો મદદરૂપ નીવડશે. અલબત્ત, કેટલાક મનોસંઘર્ષોના પ્રસંગો સર્જાય. મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. લાંબા સમયથી અટવાયેલા લાભ કે આવક મેળવાના તમારા પ્રયત્નો સફળ થશે. પારિવારિક આયોજન પાછળ ખર્ચ થઇ શકે છે. નોકરિયાતને પ્રશ્નો હલ થતાં જણાય. ઉપરી વર્ગ તરફથી યશમાન મળે. નવીન સારા સમાચાર મળે.

કર્ક (ડ,હ)ઃ નિર્ધારિત આયોજનમાં સફળતા મળતાં આનંદ-ખુશી જણાય. મનની ઇચ્છાઓ બર આવતી જણાય. બેચેનીનો બોજ હળવો થાય. નાણાંકીય મૂંઝવણનો ઉપાય મળશે. મિત્રો-સ્વજનોની મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે લાભના પ્રયત્નો કરશો તો સફળ થશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વની તક આપનાર છે. લાભ અટકયો હશે તો મળવાની આશા છે. વિરોધીઓની કારી ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં તમારામાં હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. ખોટો ભય કે ચિંતા રાખશો નહીં. નિરાશા અને નકારાત્મક વિચાર છોડી દેવા જરૂરી છે. નાણાકીય તકલીફ વધશે. ખોટો ખર્ચ વધી જવાની સંભાવના છે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં હજુ વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો લાગે. ઉપરી અધિકારી વર્ગ સાથે વાદવિવાદ ટાળજો. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે જ આશાજનક અને પ્રગતિકારક થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી માનસિક દૃઢતા અને સ્વસ્થતામાં વધારો થશે. મહત્ત્વકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મહત્ત્વમાં વધારો થશે. તમારી યોજનાઓમાં પ્રગતિ થતી નિહાળી શકશો. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. તો બીજી તરફ, કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતોને માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલતો જણાય. સારી ધંધાકીય તક મળે.

તુલા (ર,ત)ઃ આયોજનબદ્ધ પ્રયત્નોને સફળતા મળતી જણાશે. વિકાસની નવી તકો સાંપડશે. કાર્યદક્ષતા વધારીને તકોનો લાભ ઉઠાવી શકશો. માનસિક તંગદિલી ઘટતી જણાશે. ઉત્સાહ-ઉમંગ વધે. પ્રગતિકારક સંજોગો સર્જાય. આવકવૃદ્ધિ સામે ચૂકવણીઓ, નુકસાન, વ્યયના કારણે તમારી આર્થિક સ્થિતિ સંકડામણભરી રહેશે. કોઈ અણધારી મદદ કે લાભની આશા ઠગારી નીવડશે. નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઓ જણાશે. ધાર્યા લાભ અટકતા જણાશે. કામનો બોજો વધશે. પરિવર્તન લાભકારક બનશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ અરસામાં તમારા મન પર ભાર, બોજો અને અશાંતિના ઓળા છવાશે. કામકાજો અટકેલા લાગશે. એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરશો. વધુ પડતા ખર્ચ તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. અવરોધો વિલંબ સૂચવે છે. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજી અવરોધાયેલો જણાશે. કંઈને કંઈ વિઘ્નો આવ્યા કરશે. ધીરજ અને સ્વસ્થતા ટકાવી રાખવા પડશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં માનસિક શાંતિ અને આનંદ જણાશે. પ્રગતિકારક સંજોગો નવી આશા પ્રેરશે. મૂંઝવણો હલ થાય. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા સાંપડશે. ઉઘરાણી - દેવાના પ્રશ્નો ઉકેલી શકશો. જરૂરિયાત અનુસાર યોગ્ય વ્યવસ્થા થઈ શકશે. માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લાં પડતાં જણાશે. ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવે. ધંધા-વેપારમાં નવીન તકો મળે. મકાન-જમીનને લગતી બાબતો ઉકેલાશે. જીવનસાથીનો પ્રેમ-સહકાર મેળવી શકશો.

મકર (ખ,જ)ઃ મનની મુરાદ આ સમયમાં ફળશે નહીં. તમારા કામમાં ગૂંચવાડો ઊભો થતો જણાય. આર્થિક તકલીફો વધતી જણાય. કૌટુંબિક કારણસર પણ અણધાર્યા ખર્ચ આવે. નોકરિયાતને ઉપરી વર્ગથી સાચવવું જરૂરી છે. સહકર્મચારી સાથે વાદવિવાદમાં ઉતરવું નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે નવીન તકો ભવિષ્યમાં લાભદાયી થઈ પડશે. વિરોધીઓ પાછા પડતા જણાય. કૌટુંબિક સંપત્તિ અંગે આ સમયમાં મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. જમીન-મકાનના પ્રશ્નોનો ઉકેલ વિલંબમાં પડે. જીવનસાથી સાથે ઘર્ષણ ટાળવું આવશ્યક છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં મન પરથી બોજ ઊતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. તમારા જરૂરી ખર્ચ કે મૂડીરોકણ અંગે જોઈતી આર્થિક સહાય મેળવી શકશો. કામકાજો અટકે નહિ. ખર્ચને પહોંચી શકશો. યશ-માન-આબરૂમાં વધારો થાય. લાંબા સમયતી અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારમાં વિઘ્નો હશો તો પાર કરી શકશો. સફળતા મેળવી શકશો. શત્રુઓની કારી ફાવે નહીં. મકાન-મિલકતના કામકાજો માટે જોઈતી તકો અને સાનુકૂળતા મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહના ગ્રહયોગ દર્શાવે છે કે કેટલીક સાનુકૂળ અને નવીન પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસની તક મળશે. તમારા માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વના કાર્યોમાં સંતોષકારક લાભ મળે નહીં. વધુ મહેનતે ઓછું ફળ મળે. ધારી આવક થાય નહીં. શેરસટ્ટામાં નુકસાનીના યોગ છે. વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે નોકરિયાત હો તો મુશ્કેલીના સમયે ધીરજ - શાંતિ જાળવવા સૂચન છે. નવા પરિવર્તનો જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતાની સામે અંતરાયો વધુ જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter