તા. ૬ ઓગસ્ટ ૨૦૧૬ થી ૧૨ ઓગસ્ટ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 03rd August 2016 04:50 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ કેટલાક ચિંતાજનક પ્રસંગોથી મુક્તિ મેળવશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સધાય તો વધારે આનંદ માણી શકશો. નાણાકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે જોવું રહ્યું. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. તમારી આવક વધારવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહીં. મદદરૂપી આવક થાય. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. યથાવત્ સ્થિતિ રહેશે. નોકરી પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા જળવાય રહેશે. પ્રવૃત્તિઓ વિકાસતરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહમાં વધારો થશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભની આશા પણ જણાશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વેપાર-ધંધામાં વિકાસના પંથે પ્રયાણ કરશો.

મિથુન (ક,છ,ઘ)ઃ તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા જોવા મળે. માનસિક ભારણ વધતું જણાય. તમારા આર્થિક કાર્યોમાં અવરોધ જોવા મળશે. ખર્ચની શક્યતાઓ વિશેષ જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રગતિકારક અને સફળતા આપનાર જણાય. વિરોધીઓના હાથ હેઠાં પડશે. ધંધાકીય નવરચના સાકાર થાય. જોઈતી તકો પણ મળી રહેશે. વિકાસકાર્યમાં સાનુકૂળતા જોવા મળે.

કર્ક (ડ,હ)ઃ માનસિક સ્વસ્થતા જળવાશે અને પ્રવૃત્તિઓ વિકાસ તરફી થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સપ્તાહમાં કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહમાં વધારો થશે. ખર્ચ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભ પણ મળતા જણાશે. નોકરિયાતને નવી તક મળે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની સફળતા મેળવી શકશો.

સિંહ (મ,ટ)ઃ સર્જનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળવાથી આનંદ-ખુશી જણાય. મનની ઈચ્છાઓ સાકાર થતી જણાય. બેચેનીનો બોજ હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાં પણ એકંદરે પરિસ્થિત ટકાવી શકશો. નાણાના અભાવે કશું અટકે તેમ જણાતું નથી. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુના હાથ હેઠાં પડતાં જણાય. કેટલીક સારી તકો મળતાં આનંદમાં વધારો થશે. ધંધા-વેપાર ક્ષેત્રે તમે આગેકૂચ કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ હજુ માનસિક અશાંતિના વાદળો છવાયેલા રહેશે. તમારી લાગણી-આવેગોને સંયમમાં રાખજો. અલબત્ત, અંતરાયોને અલબત્ત પાર કરી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય ખર્ચાળ જણાશે. તમારી કેટલીક મૂંઝવણનો ઉકેલ સાંપડશે. અટવાયેલી ઉઘરાણી પણ મેળવી શકશો. નોકરિયાતોને સાનુકૂળ તક મળશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. વેપાર-ધંધામાં વિસ્તરણના યોગ છે.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ થશે. સપ્તાહમાં તમારી નાણાકીય પ્રવૃત્તિઓ વિસ્તરશે. યોજનાલક્ષી કામગીરીમાં સફળ થશો. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. જોકે વધુ મહેનતે તેનો ઉકેલ પણ મળી રહેશે. નોકરિયાતોને આ સમયગાળામાં ફેરફારો કે પરિવર્તનના સંજોગો સર્જાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિનું મન પર ભારણ વધવા દેશો નહીં. માનસિક સંયમ જ અજંપિત સ્થિતિમાંથી મુક્તિ આપશે. નાણાકીય જવાબદારી વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. નોકરી-ધંધાના ક્ષેત્રે હજી સંજોગો મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું. ઉપરી સાથે વિવાદ થતો અટકાવજો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી અણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ થશે. વધારાની જવાબદારી ઊઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. સારી આવકના અભાવે સપ્તાહ દરમિયાન નાણાકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે અણધાર્યા ખર્ચમાં વાપરવી પડશે. નોકરિયાતોના પ્રશ્ન માટે આ સપ્તાહ સાનુકૂળ છે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં હજી એક પ્રકારની અંજપા અને અકળામણની સ્થિતિનો અનુભવ થાય. વિલંબથી ફળ મળવાના કારણે તાણ અનુભવાશે. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. નાણાભીડના કારણે કેટલીક યોજનાઓ મુલત્વી રાખવી પડશે. જૂની ઉઘરાણીઓ પ્રત્યે વધુ ધ્યાન આપજો. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે ઘણી માનસિક મૂંઝવણો અને વ્યથાઓ જણાશે. કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. ધાર્યું પરિણામ ન આવતા નિરાશા જણાશે. આવેગ કે ઉગ્રતા વધે નહીં તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. અહીં આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોવું રહ્યું. આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહીં રહો તો નુકસાન ભોગવવું પડશે. નોકરિયાતોને પરિસ્થિતિ અશાંતિમય જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળામાં અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવેશ પર કાબૂ રાખવો. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. નાણાકીય સમસ્યાના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી જણાશે. વધારાની આવક કે જોગવાઈઓ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે સંજોગો હજુ મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. ઉપરી સાથે વિવાદ સર્જાતો અટકાવજો. સહકર્મચારી સાથે ઘર્ષણનો પ્રસંગ ઊભો થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter