તા. ૬ જૂન, ૨૦૧૫થી ૧૨ જૂન, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 03rd June 2015 01:49 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમે કાલ્પનિક અને વ્યર્થ ચિંતાઓ કરીને મનની શાંતિ ગુમાવશો તેમ લાગે છે. શંકા-વ્હેમ કે તર્કવિતર્કથી મન વધુ અસ્વસ્થ થશે. જોકે કાલ્પનિક ભીતિ રાખવાને કારણ નથી. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખીને ચાલશો તો કશું બગડશે નહીં. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવશે, જે તમે પાર કરી શકશો. તમારા મહત્ત્વના કામકામ પ્રસંગે કે વેપાર-ધંધા અંગેની નાણાકીય મૂંઝવણનો ઉકેળ મેળવી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધશે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. આર્થિક બાબતો તરફ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસ્થિત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણીથી આવક થાય. એકંદરે સારું ફળ મળે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રુંધાશે. વેપાર-ધંધામાં વાદવિવાદ સર્જાય. અંસતોષ અનુભવશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક અશાંતિ કે તણાવમાંથી મુક્તિ મેળવવામાં સપ્તાહની ગ્રહદશા મદદરૂપ નીવડશે. અલબત્ત, કેટલાક અન્ય વ્યક્તિઓ સાથેના માનસિક સંઘર્ષોના પ્રસંગો સર્જાય. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. લાંબા સમયથી અટવાયેલા લાભ કે આવક મેળવવાના તમારા પ્રયત્નો સફળ થશે.

કર્ક (ડ,હ)ઃ પૂર્વનિર્ધારિત કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી, સ્વસ્થતાપૂર્વક અને આયોજનબદ્ધ કામ કરશો તો લક્ષ્યાંક પાર પડશે. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી નાણાકીય જવાબદારીઓને પહોંચી વળાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરી શકશો. અટવાયેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સફળતા તથા વિકાસકારક છે. નવા લાભ મેળવી શકશો. કૌટુંબિક પ્રશ્નો મૂંઝવતા હશે તો તે અંગેના મહત્ત્વનો નિર્ણય લઈ શકશો.

સિંહ (મ,ટ)ઃ માનસિક રીતે એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા-સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓના કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી સમજવું. ગાફેલ રહેશો તો નુકસાન થવાની શક્યતા છે. ઝડપી આવકની આશા ફળે નહિ. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળશે. વેપાર-ધંધામાં લાભકારક કામકાજ પાર પડે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. માનસિક સ્વસ્થતા જાળવવા તરફ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળવાની શક્યતા નથી. આવક સામે વિશેષ ખર્ચના યોગ બળવાન છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ સાકાર થશે. નવી તકો ઉન્નતિ તરફ દોરી જાય. નોકરીમાં પ્રમોશનની તકો જણાય છે. તમારી મહેનત ફળશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં રચનાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો. આયોજન કરીને સમયનો બરાબર ઉપયોગ કરી લેજો. આવક વધારવાના કાર્ય સફળ થશે. વધારાની આવક પણ થાય. અલબત્ત, તમારા આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગ હોવાથી ઠેરના ઠેર જેવી સ્થિતિ જણાશે. આર્થિક આયોજન કરવું જરૂરી બનશે. નોકરિયાતો માટે ગ્રહયોગ શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો સર્જાતા માનસિક હળવાશ અનુભવશો. અવાસ્તવિક ચિંતાઓને મનમાં ટકવા દેશો નહીં. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાતને પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક બનશે. સંપત્તિને લગતા કામકાજોમાં મુશ્કેલી કે અવરોધ જણાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી મનની સ્વસ્થતા ટકાવી રાખવી જરૂરી છે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો આ સમય ખર્ચાળ જણાય છે. કોઈને કોઈ સ્વરૂપે ખર્ચ થાય. નાણાની ગોઠવણ કરવામાં પણ અંતરાય આવે. કાર્યસફળતા માટે પ્રયત્ન વધારવા પડશે. ધીરધાર કે ઉધારે નાણા આપવાનું ટાળવું. નોકરિયાત વર્ગને અહીં સમયના યોગો સાનુકૂળ થતા જણાય છે. હાથમાં આવેલી તકનો ઉપયોગ કરી લેજો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. ધાર્યું પરિણામ ન મળતાં નિરાશા જણાશે. માનસિક અશાંતિ રહેશે. અલબત્ત, એક વાત શુભ છે કે આ સમયમાં માર્ગમાં અવરોધો આવવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ જાળવી શકશો. ખર્ચાઓની વ્યવસ્થા થતી રહે તેટલા પૂરતો આ સમય શુભ કહી શકાય. નોકરીમાં હો કે સ્વતંત્ર વ્યવસાય કરતા હો, તમારી ગણતરીઓ સફળ થાય નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ જવાબદારીઓ અને કેટલીક અકારણ ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થશે. વાદ-વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. ખોટો ભય રાખવાને કારણ નથી. નાણાકીય કામકાજો પાર પડશે. અણધાર્યા પ્રસંગો માટે મિત્રો-સ્વજનો દ્વારા આર્થિક મદદ મળી રહેશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં મળવાના ઉજળા સંજોગો છે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે. યશ-માન મળે. ધંધા-વેપારમાં લાભકારક યોજનાઓમાં પ્રગતિ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને તણાવ સિવાય કંઇ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. આર્થિક આયોજન વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધશે. મોટા ખર્ચ વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મળવામાં વિલંબ થતો જણાશે. નોકરિયાતને સમસ્યાનો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ અને પરિવર્તન સૂચક જણાય છે. હાથમાં આવતી તકો ચૂકતા નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter