મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહિ. સમય આર્થિક રીતે મધ્યમ રહે તેથી વધારાની આવક ઉભી કરવા વધુ મહેનત કરવી પડે. નવા ખર્ચાઓનો બોજો પણ વધશે, જેને તમે સારી રીતે પાર પાડી શકશો. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. તેથી આગેકૂચ માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળતા જણાશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મનોસ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી બનશે. જોકે તે માટે કોઈ નક્કર કારણ જણાશે નહિ. સપ્તાહ દરમિયાન અનુકૂળતા અને સફળતાઓનો બને તેટલો લાભ લઈ લેજો. ગાફેલ બનશો નહિ. વિકાસ અને પ્રગતિ માટે તક મળવાની છે. નાણાંકીય સંજોગો ગમે તેટલા વિપરીત હોય તો પણ હિંમત હારશો નહિ. યોગ્ય માર્ગ મળી રહેશે. નોકરિયાતને ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય. ધંધાકીય સમસ્યા હલ થતી જણાય. મુશ્કેલીમાંથી માર્ગ મળી રહેશે. કૌટુંબિક યા ગૃહજીવનને લગતી સમસ્યાઓ વાદ-વિવાદને બદલે કુનેહથી નિપટાવજો. મકાન-મિલકત કે ભાડાના મકાન અંગેના પ્રશ્નો ઉકેલાશે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ જણાશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં આપને માથે જવાબદારીઓ બોજો વધશે. વળી લાગણીઓ ઘવાતાં મન અજંપો અનુભવશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખવાથી બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. આ સમયમાં નાણાંકીય સંકડામણનો પણ અનુભવ થશે. બચત થાય નહિ. નુકસાન કે છેતરપિંડી થવાનો યોગ છે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે સારી તક અને લાભ મળવાના સંજોગો જોવા મળશે. સમય પ્રગતિકારક છે. વેપારી વર્ગને ધંધાકીય મુશ્કેલીઓ દૂર થશે. ધંધાકીય પ્રશ્નોનો ઉકેલ મળશે. પ્રયત્નો ફળતા જણાય. જમીન-મકાન વિષયક કામકાજોમાં સફળતા વધશે. મિલકતના કામકાજો પાર પડતા જણાય. કૌટુંબિક ઉપાધિઓ હવે હળવી થશે. સંયુક્ત કુટુંબના પ્રશ્નો યથાવત્ રહે. ભાતૃવર્ગનો સહકાર મળે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદોના પ્રસંગો આવશે. શાંતિ અને માનસિક સંયમ કેળવજો. લાગણીઓ પર કોઈ પણ બાબતની અસર થવા લેશો નહિ. બને તેટલા વ્યવહારિક બનજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર છે. અચાનક લાભ યા મદદનો યોગ છે. અહીં કેટલાક વિશેષ ખર્ચાઓ કરવા પડશે. જેની જોગવાઈ પણ કરી શકશો. નોકરિયાત અને ધંધાદારી વ્યક્તિને મહત્ત્વની મુલાકાત થશે જે લાભદાયી બનશે. હાથ ધરેલી કામગીરીઓ સફળતાપૂર્વક પાર પાડી શકશો. કેટલાક વિરોધીઓ અંતરાય નાંખવાની કોશિશ કરશે, જેને નાકામિયાબ બનાવી શકશો. મકાન-વાહન અંગે સમય પ્રતિકુળતા સૂચવે છે. થોડી ઘણી હેરાનગતિ પણ જોવા મળે. જેથી ટેન્શન વધે.
સિંહ (મ,ટ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ધંધાકીય પરિસ્થિતિ વધુ બગડે નહિ તે જોવા ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી છે. આવક વધવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહિ. મદદરૂપી આવક થાય. નોકરિયાતની સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ-હિતશત્રુઓથી નુકસાન થશે નહિ. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા લાભ જણાશે. મકાનની લે-વેચ જેવા કાર્યોનો ઉકેલ લાવવા વધુ પરિશ્રમ કરવો પડે. વિઘ્નો બાદ મકાનની ફેરબદલી થાય. નવા મકાનમાં રહેવા જવાના સંજોગો આવશે. કૌટુંબિક પ્રશ્નો હશે તો હલ થશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મૂંઝવણનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહીથી સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો દ્વારા આવક વધે. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજો માટે પણ વિકાસકારક સમય છે. અગવડોમાંથી માર્ગ મળે. મકાનની ફેરબદલીનું કામ યા નવા આયોજન ખોરંભે ચડતાં લાગે. હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખવા.
તુલા (ર,ત)ઃ માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાયા તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાકીય પરિસ્થિતિમાં નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાય અને વિરોધી હરીફો પર વિજય મળે. આ સમયના ગ્રહયોગો મકાન-સંપત્તિના કામકાજો માટે પ્રતિકૂળતા તેમજ મુશ્કેલી સૂચવે છે.
વૃશ્ચિક (ન,ય)ઃ વિકાસની નવી કેડીનો માર્ગ મોકળો થતાં આશા-ઉત્સાહ વધશે. શાંતિનો અનુભવ થાય. આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતાં આનંદ મળે. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આવે. આવક યા નાણાંકીય જરૂરિયાત માટેના પ્રયત્નો સફળતા સૂચવે છે. નોકરી કે ધંધાની બાબતો માટે આ સમયમાં વિકાસની તક છે. કોઈની મદદ ઉપયોગી થાય. સ્થાનપ્રાપ્તિ કે સ્થાનવૃદ્ધિની આશા ફળદાયી બને. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારો સૂચવતા નથી. જેમની તેમ સ્થિતિ રહે. સંઘર્ષ વિવાદના પ્રસંગો ન સર્જાય તે જોજો.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર ન ભાર વધારવા ન દેશો. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરવી નહિ. મોટા સાહસમાં પડશો નહિ. નુકસાન-હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીના હાથ હેઠા પડશે. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રમાં વાતાવરણ મૂંઝવણભર્યુ લાગશે.
મકર (ખ,જ)ઃ ચિંતાઓ હળવી થાય. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના ઓરતા પૂર્ણ થતા લાગે. એકાદ ચકમક સિવાય એકંદરે સારું રહે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા વધુ સજાગ રહેવું યોગ્ય. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય નહિ તે જોજો. ઉઘરાણી મેળવવા વધુ પ્રયત્નો કરવા પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઉભા થાય. ઉપરી સાથે સંબંધો સારા રહે. સહકર્મચારી સાથે વિવાદ ન સર્જાય તે જોવું રહ્યું. વેપારી વર્ગ સાવચેતીથી ચાલશે તો સારા લાભ મેળવી શકશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનોવ્યથા અને બેચેનીના પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક વિચારો છોડશો તો જ શાંતિ મળે. ધીરજ અને સમતાના ગુણો કેળવી લેજો. નાણાકીય જરૂરિયાતો અને તે માટે જોઈતા નાણાં મેળવવામાં અવરોધ જણાશે. નાણાકીય આવક કરતાં ખર્ચ ચૂકવણીનો બોજ વધુ રહેતાં ચિંતામાં આ સમય પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહિ. ઉપરી સાથે ઘર્ષણ વિવાદના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળતા ભરી રહેશે. મિલકતના કામકાજોમાં પ્રગતિ થાય. સફળતા અને પ્રગતિ જણાશે. મકાનની ફેરબદલી કરી શકશો. જમીનના લે-વેચના કાર્યો પણ થઈ શકશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ ઇચ્છિત તકો પ્રાપ્ત કરી શકશો. પરિણામે તમારો ઉત્સાહ વધે. સક્રિયતા વધશે. માનસિક તાણ હળવી બનાવી શકશો. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો પાર પડશે. જરૂરિયાતના પ્રસંગ માટે યોગ્ય વ્યવસ્થા કરી શકશો. ધીરેલા ફસાયેલા નાણાં અને અન્ય કોઈ આવક વધતાં રાહત મળે. માર્ગમાં આવતાં વિઘ્નો અને અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. વિરોધીઓ ખુલ્લા પડતાં જશે. ઉપરી અધિકારી સાનુકુળ વલણ દાખવશે. ધંધામાં નવીન તકો મળે. સારા મકાનમાં જવાની ઇચ્છા બર આવે. સંપત્તિના કામમાં સફળતા મળે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થાય.