તા. ૮ ડિસેમ્બર થી ૧૪ ડિસેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 07th December 2018 05:25 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ તમારા આયોજન, ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાતાં અશાંતિ અને ઉત્પાત વધશે. મનમાં અજંપો વરતાશે. આર્થિક સમસ્યાઓ ગમેતેટલી ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. જોકે ધીરજની કસોટી થશે. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. નોકરીમાં પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. સંપત્તિ, મકાન કે જમીનને લગતા પ્રશ્નોથી ચિંતા રહે. તમારી મકાન બદલવાની ઇચ્છા ફળશે નહીં. ગૃહજીવનનું વાતાવરણ ડહોળતા અશાંતિ અને ગેરસમજ વધશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા થાય નહીં તે જોવું રહ્યું.

વૃષભ (બ,વ,ઉ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ સ્વસ્થતા ધારણ કરી શકશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચાઓ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. સારો લાભ મળશે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. સંપત્તિમાં વૃદ્ધિના યોગ છે. મહત્ત્વની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજો હલ કરી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. ગૃહજીવનની કોઈ સમસ્યા હશે તો તેનો સાનુકૂળ રીતે ઉકેલ લાવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અંગત કારણસર અજંપો કે બેચેનીનો અનુભવ કરે તેવું વાતાવરણ જણાશે. ધાર્યું આયોજન પાર નહીં પડવાથી નિરાશા કે હતોત્સાહ બનશો નહીં. મનોબળ ટકાવી રાખજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સુધારો સૂચવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. લાંબા સમયથી અટવાયેલાં નાણાં મળે. ઉઘરાણીના કામકાજ પાર પડતા જણાશે. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. આપની અંગત સમસ્યાઓ અંગે સારો ઉકેલ મળશે. દામ્પત્યજીવનમાં નજીવા મતભેદો સિવાય શાંતિ મળે. અપરીણિત વયસ્કોને લગ્ન-વિવાહની વાતચીતો માટે સમય સાનુકૂળ જણાય. ગુપ્ત વિરોધીઓ તેમના પ્રયત્નોમાં નિષ્ફળ થતાં જોવા મળશે.

કર્ક (ડ,હ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ - વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતા નાણાંભીડ રહે. નવીન મૂડીરોકાણમાં સમજદારી જરૂરી છે. ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતા નાણાંભીડ રહે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ. નોકરીયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. ઉજ્જવળ જણાશે અને મહત્વના લાભની આશા રાખી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. ધાર્યા અનુસાર આવી સમસ્યા હલ થાય નહીં. પરિણામે માનસિક ભારણ વધે. આપના ગૃહજીવનના મતભેદો સહકાર - સમજદારી તથા પ્રેમપૂર્વક ચાલીને ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે આપને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ-માન કે લાભ ન મળવાથી મન વ્યથિત બને. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. પ્રશ્નો સમાધાનથી ઉકેલવાની સલાહ છે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ રહેશે. અવિવાહિતોના લગ્ન માટે સમય શુભ છે. ભાઇભાંડુથી મતભેદ રહે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. આ સમયમાં નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચ વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવતા વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતો માટે આ સમય માનસિક અને અન્ય પ્રતિકૂળતાના કારણે તાણ રખાવશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતાં લાગે. ગૂંચવાયેલી સમસ્યા જેમની તેમ જણાય. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો મુશ્કેલીરૂપ બનશે. તમારી સંપત્તિ કે મિલકતની સમસ્યાઓ ગૂંચવાયેલી લાગે. ધીમી પ્રગતિ થાય. નાણાંકીય લેવડદેવડ કોઈના ભરોસે કરવી નહીં. પ્રવાસમાં ધાર્યું ફળ ન મળે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ નભી જશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા સાંપડે. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધી હિતશત્રુ ફાવે નહીં. ઉકેલ મળે. મકાન-મિલકત અને જમીન સંબંધિત કામકાજો કરવા માટે જોઈતી તકો અથવા તો સાનુકૂળતા મેળવી શકશો. પુરુષાર્થ ફળદાયી બનશે. સંપત્તિમાં લાભ મેળવી શકશો. ગૃહજીવનની સમસ્યાના ઉકેલનો માર્ગ મળી આવશે. ગેરસમજો નિવારી શકશો. સ્વજનો સહકારરૂપ બને. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિ યા તો તંગદિલીના પ્રસંગો ઘટશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જે તેવો છે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સાથસહકાર મળે. નોકરીની સારી તક મળે. વેપારી વર્ગ કે ધંધાર્થી માટે પણ સફળતા અને વિકાસનો સમય છે. મોટી તકરારમાં ન પડવું. મનને શાંત રાખીને પ્રશ્નો હલ કરવા. ગૃહજીવનની પરિસ્થિતિ મનને મૂંઝવતી જણાશે. નાહકની ગેરસમજોથી માનસિક તાણ અનુભવશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પ્રગતિ આડેના વિઘ્નો દૂર થાય. તમારા માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. આર્થિક આયોજન આવશ્યક છે. જોકે કુદરતી રીતે આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા - યશ મળે. હિતશત્રુ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. વૃદ્ધિ લાભની આશો ફળશે. મકાનની લે-વેચના તેમજ સરકારી કામકાજ ઉકેલી શકશો. કૌટુંબિક વિવાદોનો નિવડો આવતો જણાશે. સામાજિક વાતાવરણ વ્યથા આપશે. કેટલાક નિર્ણયોથી કામ વિલંબમાં પડશે. સ્વસ્થતાપૂર્વક નિર્ણય કરવા સલાહ છે. મહત્ત્વની કોઈ વ્યક્તિ ઉપયોગી બનશે. આરોગ્ય ક્ષેત્રે કાળજી લેજો.

મકર (ખ,જ)ઃ લાંબા ગાળાના અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ-હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવું મૂડીરોકાણ ટાળજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગો જોવા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધોને પાર કરી શકશો. મકાન બદલવું હશે અથવા તો નવું લેવું હશે તો સંજોગોની પ્રતિકૂળતાના કારણે તે ઇચ્છા બર આવે નહીં. વિવાદાસ્પદ પ્રસંગોથી દૂર રહીને સમાધાનકારી વલણ લેવું. તમારા ગૃહજીવનમાં અકારણ બેચેનીનું વાતાવરણ રહે. કોર્ટ-કચેરી તથા સરકારી સમસ્યાઓ હજુ યથાવત્ રહેતાં જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક ચિંતા કે સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીનો ઉકેલ મળે. ખર્ચ અને દેવાને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટું ખર્ચ થશે. નોકરિયાતોને હિતશત્રુથી સાવધ રહેવું જરૂરી છે. વેપાર-ધંધાની કામગારી માટે ગ્રહયોગ મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ અને શુભ છે. યાત્રા-પ્રવાસની તક મળે. જીવનસાથીનો સહકાર-પ્રેમ વધે. અંગત આરોગ્યની તકેદારી લેજો. કોઈ સ્વજનની તબિયત ચિંતા કરાવી જતી લાગશે. કોર્ટ-કચેરી અને સરકારી કામકાજ માટે સમય સારો નથી. સંપત્તિ અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓથી સાવધ રહેવું. માનસિક અકળામણ વર્તાશે. નોકરીને લગતા પ્રશ્નો હજુ યથાવત્ રહે. કૌટુંબિક અને ગૃહજીવન સંબંધિત બાબતો માટે સમય સાનુકૂળ અને શુભ છે. યાત્રા-પ્રવાસની તક મળશે. જમીન અને મકાન સંબંધિત પ્રશ્નો હલ થતાં જણાશે. મકાનની લે-વેચ થઈ શકશે. જરૂરતના સમયે ભાઈભાંડુનો સહકાર મદદરૂપ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter