તા. ૯ ઓક્ટોબર ૨૦૨૧થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 08th October 2021 08:04 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ સફળ સાબિત થઈ શકે છે. શૈક્ષણિક હેતુ માટે ગોઠવાયેલી નાની સફર આનંદદાયક સાબિત થઈ શકશે. સંગીત, સર્જનાત્મક લેખન પ્રત્યે રૂચિમાં વધારો જોવા મળે. મુસાફરી અથવા તો તમારા અંગત ખર્ચાઓમાં વધારો જોવા મળશે. બિનઆયોજિત ખર્ચમાં પણ વધારો થાય. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો આવે. નોકરીમાં પ્રગતિ જોવા મળશે. ધંધાકીય ક્ષેત્રોમાં ન ધારેલા ફાયદા થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ થોડા મિશ્ર પરિણામોવાળું સાબિત થાય. ધાર્મિક-આધ્યાત્મિક ગતિવિધિમાં વધુ સમય પસાર થાય. કોઈ વારસાગત મિલકત માટેના વિવાદમાં ઉકેલ આવતો જોવા મળે. આર્થિક મામલામાં થોડું સમજી-વિચારીને નિર્ણયો લેવા. અતિ આત્મવિશ્વાસુ બનવું તમારા માટે નુકસાનદાયક સાબિત થાય. વ્યવસાય-નોકરીમાં પરિસ્થિતિની જેમની તેમ જોવા મળે. સાધારણ માઈગ્રેન અથવા માથાના દુઃખાવાના કારણે બેચેની લાગે.
• મિથુન (ક,છ,ઘ)ઃ લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મેળવી શકશો. સપ્તાહ દરમિયાન આપના વ્યક્તિગત કાર્યો ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે. આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે રસ્તાઓ મેળવી શકશો. નેચરલ પ્રોડક્ટ અથવા એગ્રીકલ્ચરના વ્યવસાયમાં ફાયદો થાય. નવા કરારો પણ મેળવી શકાય. મેનેજમેન્ટ સાથે વાદવિવાદ ઓછા થાય. નોકરીમાં જગ્યાની ફેરબદલીની ઈચ્છા પૂર્ણ થાય.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં જે પણ કામગીરી હાથમાં લેશો તેને સફળતાપૂર્વક પાર પાડી શકશો. માત્ર થોડું સમજી-વિચારીને આગળ વધવું. વ્યાપારિક કામગીરીમાં પણ કાર્યબદ્ધતા તેમજ યોજનાઓને પાર પાડી શકશો. જમીન-મકાનને લગતા કાર્યોમાં નુકસાનીમાંથી બહાર આવી શકશો. આર્થિક ગતિવિધિઓમાં સામાન્ય ફેરફાર જોવા મળે. આઈટી, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સારી એવી તકો હાથ લાગે. સ્વાસ્થ્ય સંબંધિત થોડી કાળજી લેવી.
• સિંહ (મ,ટ)ઃ સમયની કિંમતને ઓળખવી જરૂરી રહેશે. જો હાથમાં આવેલો સમય જતો રહેશે તો પસ્તાવાનો વારો આવી શકે છે. અનેક પ્રકારના ચઢાવ-ઉતાર બાદ સારી એવી તકો હાથ લાગી છે, જેને વ્યર્થ ન જવા દેવાની સલાહ છે. નાણાકીય તકલીફો દૂર થાય. વ્યવસાય માટે વધુ માર્કેટિંગ અથવા તો હરીફાઈમાં ટકી રહેવા બદલાવ લાવવો જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું. નાની સફર આનંદની પળો આપી જાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી સર્જનાત્મક પ્રતિભા અને ક્ષમતાઓને બહાર લાવવી જરૂરી રહેશે, જે તમને બધા કરતાં અલગ પાડશે. તમારા વ્યવસાયિક જીવનમાં પણ સકારાત્મક વિકાસ લાવી શકશે. ઉદ્યોગ ક્ષેત્રે જોઇએ તો, સપ્તાહના મધ્યમાં કેટલાક મોટા સોદા કરવા માટે સારી એવી તકો હાથ લાગી શકે છે. જોકે, અંગત જીવનમાં થોડાઘણાં વિક્ષેપોની સંભાવનાઓ રહેશે. નોકરીમાં પ્રગતિ સાધી શકશો. નવી નોકરી અથવા જગ્યા પણ બદલી શકશો.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ લાભદાયી રહેશે. તમારા સપનાંઓને સાકાર કરી શકશો. આર્થિક રીતે પણ સમય આપની તરફેણમાં રહેશે. વ્યાવસાયિક નિર્ણયો લેતી વખતે તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધશો. દરેક પરેશાનીનો ઉકેલ પ્રાપ્ત કરી શકશો. પ્રોપર્ટીને લગતા વ્યાપારમાં ફાયદો થાય. લગ્નોત્સુક યુવક-યુવતીને યોગ્ય પાત્ર મળવાની શક્યતાઓ રહેશે. ઘરમાં માંગલિક પ્રસંગો ઊજવાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ જવાબદારીના ભારણને કારણે મન થોડું બેચેન રહેશે. પરંતુ જો દરેક પળને મન ભરીને જીવતા શીખી જશો તો જીવનનો ભરપૂર આનંદ માણી શકશો. ઘરના વડીલો સાથે પણ થોડો સમય વીતાવો. આ સમય નાણાકીય રીતે નહીં નફો નહીં નુકસાનવાળો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પરિસ્થિતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરી આગળ વધશો તો કોઈ તકલીફ નહીં પડે. આંખ, પેટ કે માથાનો સામાન્ય દુઃખાવાની તકલીફ આ સપ્તાહે વધતી જણાય.
• ધન (ભ,ફ,ધ,ઢ): તમારા આવેશ કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેવું સલાહનીય રહેશે. નહીં તો તમને જ નુકસાની વેઠવી પડે. તમારા અગત્યના કામોમાં હજી થોડો વિલંબ જોવા મળે. નોકરી-ધંધા માટે સમયની અનુકૂળતા આવતાં હજી વાર લાગશે. મકાન-સંપત્તિના પ્રશ્નો અહીં ઉકેલાતા દેખાય. આરોગ્ય બાબતે ચિંતા પણ અહીં દૂર થતી જોવા મળશે. સરકારી કામગીરીમાં હજી ગૂંચવાડા ઊભા થાય.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ થોડા વધુ પુરુષાર્થ તેમજ પરિશ્રમવાળું રહેશે. જોકે, તેના ફાયદા પણ જોઈ શકશો. આર્થિક રીતે સાનુકૂળતા વધશે. આવકવૃદ્ધિના નવા રસ્તાઓ પ્રાપ્ત થાય, જેના કારણે આર્થિક ચિંતાઓ ઓછી થાય. નોકરી-વ્યવસાયના કારણે મુસાફરી કે દોડધામમાં વધારો જોવા મળે. સંતાનોની લગ્નવિષયક ચિંતાઓ દૂર થાય. કૌટુંબિક મિલકતના પ્રશ્નો અહીં ઉકેલાતા જોવા મળે. જોકે, સ્વાસ્થ્ય સંબંધિત થોડી ઘણી તકલીફોનો સામનો કરવો પડે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય દરમિયાન હજી તમારા માર્ગ આડેના અંતરાયો યથાવત્ રહેશે. તમારા વિચારોના ઘોડાને નિયંત્રિત નહીં કરો તો અશાંતિ વધશે. નોકરિયાત વ્યક્તિઓને કામનું ભારણ વધતું જોવા મળે. ઉપરી અધિકારીઓનું દબાણ પણ વધતું જોવા મળે. જોકે, આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો. વૈવાહિક બાબતો માટે પણ સમયની સાનુકૂળતા જોવા મળે. કોઈ અંગત અથવા પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાતથી દિલ થોડું હળવું થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ ખૂબ જ વ્યસ્ત પસાર થશે. સાથે જ નવા કાર્યની જવાબદારીઓ પણ આવશે. આર્થિક રીતે આપની જે પણ ઈચ્છાઓ હશે એ પૂર્ણ થતી જોવા મળશે. વ્યવસાય સંબંધિત કાર્યોમાં કોઈ સરકારી મંજૂરી લેવાની હોય તો આ સમય આપના તરફેણમાં રહેશે. કાર્યને જરૂરી નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટેના માર્ગ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. જોકે, કામની વ્યસ્તતાને કારણે કૌટુંબિક વ્યક્તિઓ સાથે નાના-મોટાં વિવાદો સર્જાય એવી પણ શક્યતાઓ રહેશે. એકંદરે સમય સારો પસાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter