તા. ૭-૩-૨૦૧૫ થી તા. ૧૩-૩-૨૦૧૫

તા. ૭-૩-૨૦૧૫ થી તા. ૧૩-૩-૨૦૧૫

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 04th March 2015 04:38 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ અકરાણ ચિંતાઓના કારણે ટેન્શન રહેશે. તમે સતત કાર્યરત રહીને તનાવ ઘટાડી શકો છો. જો તમે ઝડપથી પરિણામની આશા રાખતા હશો તો તેમ થવાની શક્યતા નથી. સંજોગો સુધરતાં અને કેટલાક સારા લાભની તક મળતાં આવક વધશે. બાંધી આવકવાળાને જરૂર પડે નાણાકીય વ્યવસ્થા થઈ શકશે. યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી છે. જમીન કે મકાનના ભાડા અંગેના પ્રશ્નોમાંથી માર્ગ મળે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મૂંઝવણમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થશે. બેચેની અને ઉત્પાત દૂર થાય. નાણાકીય જરૂરિયાતો માટે જોઈતાં નાણા મળવામાં અવરોધ આવશે. નાણાકીય આવક કરતાં ખર્ચ અને ચૂકવણીનો બોજ વધુ રહેતા આ સમય ચિંતામાં પસાર થશે. સરકારી નોકરિયાતોને આ અરસામાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. સહયોગીઓ સાથે ઘર્ષણ અને દલીલના પ્રસંગો બને. બઢતીમાં અવરોધ નડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન તમારી અંગત મૂંઝવણોના કારણે બેચેની-વિષાદ-વ્યથાનો અનુભવ થાય. આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાભીડ વર્તાશે. આર્થિક ટેન્શન વધે. જમીન-મકાનની સમસ્યાનો ઉકેલ મળે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય, પણ સરવાળે ઠેરના ઠેર જેવી સ્થિતિ રહેશે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકશે.

કર્ક (ડ,હ)ઃ સામાજિક અને જાહેર પ્રવૃત્તિઓના કાર્યમાં યશ-માન મળતાં તમારો ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચનાઓ સાકાર થાય. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચને માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. મિત્રો કે સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતો માટે સમય મહત્ત્વનો નીવડશે. મહત્ત્વના લાભની આશા રાખી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન ન કહેવાય, ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતાં અજંપો વર્તાશે. તમારા મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં પણ ચિંતાનો બોજો વધશે. નાણાકીય દૃષ્ટિએ આ સમયગાળામાં કોઈ અણધાર્યો લાભ કમાઈ લેવાની લાલચ ટાળશો. આવકના કરતાં ખર્ચા વધુ રહેવાના યોગો પ્રબળ હોવાથી સાચવીને નાણા વાપરજો. નોકરિયાતોને શુભ ફળ મળે. અવરોધો પાર કરી શકશો. બદલી-બઢતીના યોગ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કોઇ કારણ વગરની ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ અને બેચેની વધતાં જણાશે. માનસિક તાણનો ભોગ બનશો. અગાઉ કરેલા કેટલાક કામકાજોનો આર્થિક લાભ મેળવવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે. જરૂરિયાતો પૂરતી સગવડો ઊભી પણ થઈ શકશે. શેર-લોટરીથી લાભની કોઇ શક્યતા નથી. લાલચમાં લપેટાતા નહીં. નોકરિયાતોને સમસ્યાના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા, લાભના યોગ છે.

તુલા (ર,ત)ઃ તમારી સમય, સંજોગ અને આસપાસનો માહોલ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. કોઇ પણ ઉતાવળાં પગલાં લેતાં પહેલાં સો વાર વિચારજો. અહીં ખર્ચ વધુ અને આવક અલ્પ રહેતાં પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે. આ માટેના તમારા પ્રયત્નો સફળ પણ થશે ખરા. નોકરિયાતોને આ સમયગાળામાં અન્ય પ્રતિકૂળતાના કારણે લાભ અટકશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતાં જણાશે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ કે સંજોગો મુશ્કેલરૂપ બનશે.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે અગવડો ઊભી થતાં તમારી પ્રગતિ થશે. સારી તક મળશે. સફળતાના કારણે માનસિક ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. નાણાકીય આયોજનો પાર પડશે. ચિંતામાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કોઈની સહાય કે મદદથી તમારા ખર્ચને તમે પહોંચી વળશો. આર્થિક જવાબદારીઓ માટેની જોગવાઈઓ થાય. નોકરિયાતોને બઢતીનો લાભ મળશે. કેટલીક વ્યક્તિઓને વધુ સારી નોકરી મળી શકે છે. સ્થળાંતર પણ થઇ શકે છે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કોર્ટો-કચેરીના દાવાઓનો ઉકેલ આવતો જણાશે. વિવાદ-વિખવાદમાં સમાધાનકારી માર્ગ મળશે. વિરોધીઓ ફાવશે નહીં. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેના પગલે માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમે ધીમી છતાં મક્કમ પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારજો, પરંતુ ખોટા સાહસથી દૂર રહેજો. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની જશે. દામ્પત્યજીવનમાં અશાંતિ ડોકિયાં કરી જાય.

મકર (ખ,જ)ઃ અંગત બાબતોના કારણે અજંપો - વ્યથા વર્તાય. મન સક્રિય રાખશો તો ગમે તેવી નિરાશામાંથી પણ ઉગરી શકશો. નાણાકીય તકલીફોમાંથી છૂટકારો મેળવી શકશો. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. અણધાર્યા માર્ગે લાભ મળવાની કોઇ શક્યતા નથી. મકાનની લે-વેચનું કામ વિલંબમાં પડશે. ગૃહજીવનમાં સર્જાતા મતભેદો કે ગેરસમજોને દૂર કરી શકશો. તમારા આરોગ્યની પૂરતી કાળજી લેવી જરૂરી છે. સંતાનોના પ્રશ્નોથી માનસિક બોજો વધશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અકારણ અને ખોટી ચિંતાને કારણે માનસિક તાણ વધશે. તમારા આયોજનમાં ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાતાં અશાંતિ અને ઉત્પાત વધશે. મન અજંપો અનુભવશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થતી જણાય. વધારાના લાભની આશા પણ ફળશે. નોકરીના ક્ષેત્રે સંજોગો હજુ સુધરતાં જણાતા નથી.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. સપ્તાહમાં કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ ગ્રહયોગો શુભ હોવાથી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોની અગંત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ મોકળો થશે. હરીફો અંગે ચિંતા રાખવાને કોઇ કારણ નથી. ધંધા-વેપાર સાથે સંકળાયેલા લોકો માટે સમય સાનુકૂળ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter