અમારી દેશી વેબ-સાઇટો!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 29th July 2015 09:05 EDT
 
 

મોબાઈલુંની ચાંપું દાબીને ઘેરે બેઠાં શોપિંગ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ધીમી ગતિના સમાચારની જેમ ઇન્ટરનેટનાં ગોળ ફરતા ચકરડા સામે બેસીને વાટ જોતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

અમારા દેશમાં જ્યાં જુવો ત્યાં વેબસાઇટુંના રાફડા ફાટ્યા છે! આખું ભારત ‘ડોટડોટડોટ.કોમ’મય બની રહ્યું છે! પરંતુ આ વેબસાઇટોમાં હોય છે શું? આવો, જરા ‘સાઇટસીઈંગ’ કરીએ.

વિઝિટ-અવર-વેબસાઇટ ડોટ કોમ

મોટા ભાગની નાની-મોટી કંપનીઓની પોતાની વેબસાઇટો હોય છે. વળી આજકાલ તમારી કંપની હોય અને તેની વેબસાઇટ ન હોય તે શરમની વાત ગણાય છે. તમે ભલેને તમારા ઘરના વંડામાં ચાર કારીગર ભેગા કરીને કપડાં ધોવાનો સાબુ બનાવતા હો, પણ તમારા પેમ્ફલેટોની નીચે જરૂર લખેલું હોવું જોઈએઃ ‘વિઝિટ અવર વેબસાઇટ!’

ઇન્ટરનેટ પરની આવી વેબસાઇટોમાં શું હોય છે? તો કહે, એમાં કંપની વિશેની માહિતી હોય છે. જેમ કે -

અમારી પ્રખ્યાત કંપની અમદાવાદ શહેરથી ફક્ત ૫૨૫ કિલોમીટરના અંતરે આવેલી છે. અમારી ફેકટરીનો ઝાંપો અમે ગયા મહિને જ રંગાવ્યો છે, કારણ કે આ વેબસાઇટ ઉપર અમારે ફેકટરીનો ફોટો મૂકવાનો હતો! અમારી ફેકટરીમાં ત્રણ વિભાગો છે.

પહેલો વિભાગઃ જ્યાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ કાં તો ચા પીવા દોઢ કિલોમીટર દૂરની લારીએ ગયા હોય છે અથવા ઓફિસનું નાનકડું કામ કાઢીને શહેરમાં જતા રહ્યાં હોય છે!

બીજો વિભાગઃ જ્યાં કંપનીના માલિકોની એરકંડિશન્ડ કેબિનો આવેલી છે. અહીં ચા, નાસ્તો, જમવાનું બધું જ ગરમાગરમ મળે છે, પણ ફક્ત સાહેબના પટાવાળાને!

ત્રીજો વિભાગઃ અહીં આજુબાજુના પછાત વિસ્તારનાં ગામડાંઓમાંથી વખાના માર્યા ઓછા પગારે નોકરી કરવા આવતા કારીગરો તથા મજૂરો વિશ્વના હાઇએસ્ટ સ્ટાન્ડર્ડની વસ્તુઓનું ઉત્પાદન કરે છે!

અમારી ફેકટરીની વિઝિટે ફકત એ જ લોકો આવે છે જેમની ઉઘરાણી છ મહિનાથી ચઢી ગઈ છે. એટલે અમારી આ ઇન્ટરનેટ સલાહ માનો - ડોન્ટ વિઝિટ અવર કંપની, વિઝિટ અવર વેબસાઇટ!

એક્સપોર્ટનું-ચાલું-કર્યું-છે ડોમ કોમ

તમે નહીં માનો, પણ આજકાલ તો ફૂટપાથ પર ચાની લારી આગળ પોતાનું સેકન્ડ-હેન્ડ ઠાઠિયું સ્કૂટર પાર્ક કરીને ‘બે અડધી’નો ઓર્ડર આપ્યા પછી આ રીતે વાત કરવાની ફેશન છે - ‘આ સાલું એક્સપોર્ટનું ચાલુ કર્યું ને? એટલે ટાઇમ જ નથી મળતો!’

આપણે નવાઈથી કહીએ, ‘એક્સપોર્ટનું?’

‘હા.’ ભાઈ રુઆબથી કહેશે, ‘ઇન્ટરનેટર કનેકશન લીધુંને? એના પર એક્સપોર્ટના ઓર્ડરો લઈએ છીએ!’

આવી ‘એક્સપોર્ટ’ના હેતુથી શરૂ કરેલી વેબસાઇટોમાં શું હોય છે? તો કહે, લગભગ આવું -

અમારી ‘મલ્ટીપ્લેક્સ કનેક્ટિવિટી ઇમ્પેક્સ’ નામની કેપની છેલ્લાં સાત વરસથી કનેક્ટિવિટી એટલે કે વિવિધ વસ્તુઓના સંધાનમાં ક્ષેત્રમાં કાર્યરત છે. ‘સંધાન’નું આ મહાન કાર્ય અમે મુખ્યત્વે અમારી ચાર પ્રોડક્ટો વડે કરીએ છીએ – ટાંકણી, સૂતળી, નાડું અને બટન!

અમારી આ ચારેય પ્રોડક્ટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની વિવિધ સાઈઝોમાં ઉપલબ્ધ છે. હાલમાં અમારી આ ઉત્કૃષ્ટ પ્રોડક્ટો કૂકરેજા, કૂકરવાડા, વેકા, ચલથાણ, સાંતેજ, કઠવાડા તથા ગોતા ચોકડીના દરજીઓ તથા સરકારી ઓફિસોના કર્મચારીઓ હોંશે હોશે વાપરે છે!

જો તમારા દેશમાં આવાં ઉત્કૃષ્ટ ઉત્પાદનોની આયાત કરવી હોય તો ઇન્ટરનેટ પર ઓર્ડર ફોર્મ ભરીને અમને ઈ-મેઈલથી મોકલી આપો. અમને તમારું ઓર્ડર ફોર્મ મળતાંની સાથે જ આયાત કરવા માટે જરૂરી એવાં ૩૨ સરકારી ફોર્મ તરત જ ઈ-મેઈલ દ્વારા મોકલી આપીશું!

ઇન્ટરનેટ-પર-બધું-મળે-છે ડોટ કોમ

હવે તો કહે છે કે કેબલ ટીવીના કનેકશન દ્વારા ઇન્ટરનેટનું કનેકશન મળતું થઈ ગયું છે એટલે ખરીદી કરવા માટે પણ ઘરની બહાર જવાની ઝંઝટ મટી જશે. દાળ, ચોખા અને ઘઉં જેવી વસ્તુઓનો ઓર્ડર પણ ઇન્ટરનેટ વડે આપી શકાશે. એટલું જ નહીં, હવે તો મેંદુવડા સાથે ખાવાની કોપરાની ચટણી તથા ફાફડા સાથે ખાવાની પપૈયાની ચટમી પણ ઇન્ટરનેટ દ્વારા મગાવી શકાશે!

આવી જ કોઈ દેશી વાનગીઓનું ઉત્પાદન કરતી કંપનીની વેબસાઇટ તમે ખોલો, તો સૌથી પહેલા તમારે કંપનીનો ઇતિહાસ તો વાંચવો જ પડશે! જેમ કે -

અમારી ઇન્ડિયા સ્પાઇસિસ એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના છેક ૧૮૫૭માં અમારા પરદાદાના પરદાદાએ કરી હતી. ૧૮૫૭ના બળવા દરમિયાન કમળ અને રોટી સપ્લાય કરવાનો દેશવ્યાપી કોન્ટ્રાક્ટ અમારે હસ્તક હતો! ૧૯૩૦માં થયેલી દાંડીકૂચના કાર્યકર્તાઓએ અમારી કંપનીનું ભાથું બાંધીને સાબરમતી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી!

હાલમાં અમારી કંપની તીખી તમતમતી ભાખરવડી તથા ગરમાગરમ મઠિયાં તેમ જ શક્કરપારાના ઉત્પાદનમાં કાર્યરત છે. જો તમને આ વાંચીને એકદમ તાજી ભાખરવડી, મઠિયાં કે શક્કરપારા ખાવાનું મન થતું હોય તો તમારા ક્રેડિટ કાર્ડનો નંબર નોંધાવીને ઇન્ટરનેટ દ્વારા ઇન્સ્ટન્ટ ઓર્ડર આપો!

ખાસ નોંધઃ નાસ્તાની ડિલિવરીમાં મિનિમમ ૧૫ દિવસનો સમય લાગતો હોય છે. છતાં જો તમને ઉતાવળ હોય તો તમારા માણસને કહેજો કે રોકડા લઇને અમારી દુકાને આવે!

ઇન્ટરનેટ-શોપિંગ-કમ્પલેઇન ડોટ કોમ

હજી ઇન્ટરનેટ ટેકનોલોજી નવી-નવી છે એટલે શોપિંગમાં ક્યારેક બધું સમુસૂંતરું પાર નથી ઊતરતું. ગ્રાહકોને પડતી તકલીફો દૂર કરવાના હેતુથી એકાદ આવી શોપિંગ-કમ્પલેઇન સેવા પણ ચાલું થશે. જેમ કે -

શું તમે તમારી નાની બેબી માટે સુંદર મજાના ફ્રોકનો ઓર્ડર ઇન્ટરનેટ દ્વારા આપ્યો હતો? અને એ ફ્રોકની સાઇઝ તમારી મોટી બેબીની સાઈઝ કરતાં પણ મોટી છે? અને હવે દુકાનવાળા કહે છે કે તેમની પાસે નાની સાઇઝનું ફ્રોક સ્ટોકમાં નથી? તો જરાય ચિંતા ન કરો! તમે અમને એ ફ્રોકની સાઇઝ જણાવો. અમે તરત જ એ સાઇઝની બેબી મોકલી આપીશું!

શું તમે ઇન્ટરનેટના સ્ક્રીન પર દેખાતા ચળકતા રંગોવાળો ડ્રેસ જોઈને અંજાઈ ગયા હતા? અને તમે તરત જ એ ડ્રેસનો ઓર્ડર આપી દીધો હતો? હવે તે ડ્રેસ તમારા ઘરે પહોંચ્યા પછી તમને લાગે છે કે તેના રંગઢંગ સાવા ઝાંખા-ફિક્કા છે? ચિંતા ન કરો. અમારો સંપર્ક કરો. ડ્રેસમાં જે પ્રોબ્લેમ છે તે સાવ નાનો છે. તેની ફોટોગ્રાફી કરતી વખતે તેને જે લાઇટો વડે ઝગમગતો કરવામાં આવેલો તે લાઇટો તમારી પાસે નથી! અમે તમારો ઓર્ડર મળતાંની સાથે જ એવી લાઇટો મોકલી આપીશું કે પ્યાલા બરણીવાળીને આપવા માટે કાઢેલી જૂની સાડીઓ પણ ઝગમગી ઊઠશે!

બાકી જો તમે એમ સમજતા હો કે ઇન્ટરનેટ દ્વારા ખરીદી કરવામાં તમે છેતરાયા હો ત્યારે તમને કોઈ મદદ કરવા આવશે, તો તમે ખાંડ ખાઓ છો! ખરીદેલી વસ્તુ માટે ઝઘડા કરવાનું કામ તો તમારે જાતે જ જઈને કરવું પડશે.

ઘેર-બેઠાં-સમય-બચાવો ડોટ કોમ

બધા કહે છે કે ઇન્ટરનેટ આવી ગયું છે એટલે બધા લોકોનો બહુ ટાઈમ બચી જશે. પણ આખો લોચો એ છે કે અત્યારે તમારે અમસ્તુંય ઇન્ટરનેટ સર્ફિંગ કરવું હોય (લટાર મારવી હોય) તો તેનું કનેકશન મેળવતાં જ ફેં ફાટી જાય છે! દિવસના સમયે તો તમે થાકી જાવ ત્યારે માંડ કનેકશન મળે.

કનેકશન મળ્યા પછી તમે ભળતીસળતી વેબસાઇટો પર પહોંચી જાવ ત્યારે એ વેબસાઇટ સાવ નકામી છે એવી ખબર પાડવામાં ખાસ્સો અડધો કલાક થઈ જાય છે! કલાકના ૧૦થી ૧૫ રૂપિયાના ભાવે આવો ફાંફાં માર્યા કરવાનો શોખ તમને પોસાય? ન પોસાયને?

એટલે જ તમારો સમય બચાવતી એક વેબસાઈટ છે જેનું નામ છે ‘ટાઈમ સેવિંગ ટાઇમપાસ ડોટ કોમ!’ તેનાં મુખ્ય આકર્ષણો આ મુજબ છે -

શું તમે દુનિયાની ૧૨ લાખ કરતાં વધુ વેબસાઇટનાં જાળાઓમાં ફસાઈ ગયા છો? અમારી વેબસાઇટનું લવાજમ ભરો. પોણા ભાગની નકામી વેબસાઇટો ઓટોમેટિક લોક થઈ જશે! એ પછી બાકી રહેલી વેબસાઇટોમાંથી તમે અમને કહેતા જાવ તે વેબસાઇટો ઉપર અમે તરત જ તાળાબંધી કરી દઈશું! સરવાળે તમને ખૂબ જ મોટો ફાયદો થશે, કારણ કે એક મહિનાના સમયમાં તો તમારા ઇન્ટરનેટની તમામ વેબસાઇટો સાવ નકામી છે તેનું તમને ભાન થઈ જશે! આના કારણે તમારા સમયની ભારે બચત થશે અને તમે કારણ વિનાના ઉજાગરા બંધ કરીને નિરાંતે ઊંઘતાં થઈ જશો!

માહિતીનો-ભંડાર-છે ડોટ કોમ

મારો એક મિત્ર છે તે હંમેશાં કહ્યા કરે, ‘ઇન્ટરનેટ તો માહિતીનો ભંડાર છે. તમને જે જોઈએ તે મળે!’

‘પણ કલાકના ૧૦-૧૫ રૂપિયા મોંઘા ન કહેવાય?’ મેં પૂછ્યું.

‘એ ખરું, પણ એટલું બધું જાણવા મળે? દુનિયાભરની નવા-જૂની, દરેક વિષયની માહિતી... ઉપરાંત શોપિંગ અને એવું બધું -’

‘પણ એના માટે કોમ્પ્યુટર વસાવવું પડે અને ઇન્ટરનેટ કનેકશન તો લેવું પડેને?’ મેં પૂછ્યું.

‘એ તો લેવું જ પડે ને!’

‘પણ બોલો, તમને એવી એક વેબસાઇટની ખબર છે જે તમને ફક્ત દિવસના ચાર રૂપિયાના ભાવે પડે?’ મેં ચેલેન્જ ફેંકી.

‘ન હોય!’ મારો મિત્ર ચોંકી ગયો. ‘દિવસના ચાર જ રૂપિયા?’

‘હા! અને એમાં બધું જ હોય, દુનિયાભરના સમાચારો, રમતગમત, ભવિષ્ય, મનોરંજન, ફિલ્મો, મ્યુઝિક, જોક્સ, શેરબજારના ભાવ, શહેરમાં આજે ક્યાં કેવા કાર્યક્રમો છે, બજારમાં કઈ નવી પ્રોડક્ટ આવી છે, કઇ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે. આરોગ્ય, મહિલાઓ માટે, બાળકો માટે, વડીલો માટે, ધર્મ-અધ્યાત્મ ચિંતન... પોલિટિક્સ અને સમાજની ચર્ચાઓ...’

‘ઓ હો હો? આટલું બધું?’

‘હા!’ મેં કહ્યું અને છેલ્લો પાસો ફેંક્યો, ‘અને એ વેબસાઇટનું કનેકશન તમે ગમે ત્યાં મેળવી શકો, વગર ઇન્ટરનેટે! પાનને ગલ્લે, ચાલતી ટ્રેનમાં, દોડતી બસમાં, ઓફિસમાં, હેરકટિંગ સલૂનમાં, ઘરમાં, ડ્રોઇંગ રૂમમાં, બેડરૂમમાં... અરે ટોઇલેટમાં પણ તમે ઇચ્છો તે ઘડીએ આ વેબસાઇટનું કનેકશન મળે!’

મારો મિત્ર તો ડઘાઈ જ ગયો. ‘ફક્ત ચાર રૂપિયામાં? આટલું બધું? ક્યાં મળે છે? કઈ વેબસાઇટ પર?’

‘એ વેબસાઇટ નથી, મૂરખ!’ અમે મંદ મંદ સ્મિત કરતાં કહ્યું, ‘એનું નામ છાપું છે!’

લ્યો બોલો, ઇન્ટરનેટના આ જમાનામાં ય છાંપાં હજી કેટલાં સસ્તાં ટકાઉ અને કામનાં છે! એટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધાં ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter