અવનવા સ્પેશ્યલ ડે!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 03rd June 2015 03:21 EDT
 
 

એવરીડે - એવરીડે જ્યાં બ્રાન્ડ-ન્યુ ડે લાગતો હોય એવા મલ્ટીકલર દેશના એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ‘અચ્છે-ડે’ (અચ્છે દિન)ની રાહ જોઈ રહેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

અમારી દેશી કોલેજોનાં છોકરા-છોકરીઓ આજકાલ રંગમાં છે. કોલેજોમાં જાત-જાતના સ્પેશ્યલ-ડે ઊજવાઈ રહ્યા છે. ‘રોઝ-ડે’ના દિવસે યુવક-યુવતીઓ એકબીજાને ગુલાબ આપે છે. ‘ટ્રેડિશનલ ડ્રેસ-ડે’ના દિવસે છોકરીઓ ચણિયા-ચોળી અને છોકરાઓ ફાળિયાં અને ધોતિયાં પહેરીને કોલેજમાં આવે છે. ‘વેજિટેબલ-ડે’ના દિવસે જો ભેટમાં લાલ મરચું આપવામાં આવે તો તે પ્રેમનું પ્રતીક ગણાય છે અને ડુંગળી આપવાથી ધિક્કાર પ્રગટ થાય છે! હવે આ રોગ સમાજના બીજા વર્ગોમાં પણ ફેલાવાનો છે. અને ત્યારે ઊજવાશે આવા અવનવા સ્પેશ્યલ ડે...

સરકારી કર્મચારી સ્પેશ્યલ-ડે

આજના સરકારી કર્મચારીની જિંદગી દહાડે દહાડે શુષ્ક થતી જાય છે. તુમારોના ઢગલા અને ફાઈલોના ડુંગરોમાં બિચારો કર્મચારી તેની રમૂજવૃત્તિ ખોઈ બેઠો છે. એમના કરમાયેલા ચહેરા પર મધુરી મુસ્કાનની એક ઝલક માટે અમે રંગબેરંગી ઊજવણીઓની યોજનાઓ ઘડી કાઢી છે.

અન્ડર-ધ-ટેબલ-ડેઃ આ સ્પેશ્યલ દિવસે તમે સરકારી ઓફિસમાં દાખલ થશો તો એક અજબ સન્નાટો જોવા મળશે! હંગામી ઈનવર્ડ ક્લાર્કથી માંડીને સૌથી મોટા અધિકારીઓનાં ટેબલ-ખુરશી ખાલીખમ્મ જોવા મળશે! પણ ચિંતા ન કરો, આજના દિવસે બધું જ સરકારી કામકાજ અન્ડર-ધ-ટેબલ એટલે કે ટેબલની નીચે ચાલી રહ્યું છે!

મોટા સાહેબને મીઠાઈનો ટોપલો આપવો છે? નાના સાહેબની ફાઈલ પર વજન મૂકવું છે? પટ્ટાવાળાનો હાથ ગરમ કરવો છે? તો આવી જાવ ટેબલની નીચે!!

ફાઈલ વજન-ડેઃ આવી જાવ બિરાદરો! આ દિવસે જાહેર જનતાને ખુલ્લું નિમંત્રણ છે! તમારા સરકારી ઓફિસોના પટાંગણમાં શામિયાણા બાંધવામાં આવશે અને ખુલ્લા મંચ ઉપર માનવંતા મહેમાનોની હાજરીમાં તમામ સરકારી ફાઈલોનાં ઓફિશિયલ વજન કરવામાં આવશે! જેથી તમામ કોન્ટ્રાક્ટરો, સપ્લાયરો અને સામાન્ય પ્રજાને જાણ થઈ જશે કે કઈ સરકારી ફાઈલનું ‘વજન’ કેટલું છે, અને તે ફાઈલોને હલાવવા માટે કેટલું ‘જોર’ લગાડવું પડશે!

જાગરણ-ડેઃ જાહેર જનતાની સેવા માટે જ સર્જાયેલી સરકારી ઓફિસોના કર્મચારીઓ માટે એક અતિશય કઠિન દિવસ છે. કારણ કે આ સ્પેશ્યલ દિવસે તમામ સરકારી કર્મચારીઓ આખેઆખા દિવસ દરમિયાન પોતપોતાનાં ટેબલો પર હાજર રહેશે! અને એટલું જ નહીં.... એ લોકો આખો દિવસ જાગતા પણ રહેશે! (શું થાય ભઈ? આપણી ઈમેજ સુધરે એટલા માટે એકાદ દિવસની ‘ઓફિસ-નીંદર’નો ભોગ આપવો જ રહ્યો!)

વર્કિંગ-ડેઃ હા! કામકાજનો દિવસ! આપણે સહુ સરકારી કર્મચારીઓ ગીતા પર હાથ મૂકીને સોગંદ લઈશું કે, ‘વરસમાં એક દિવસે તો અમે સરકારી ઓફિસોમાં કામ જ કરશું અને કામ સિવાય બીજું કંઈ નહીં કરીએ.’ પરંતુ ડરો નહીં દોસ્તો, કારણ કે આ દિવસ આપણે પહેલી એપ્રિલે જ ઊજવીશું! જેથી જનતા સમજી જાય કે...

ક્રિકેટર્સ સ્પેશ્યલ-ડે

બિચારા ભારતીય ટીમના ક્રિકેટરો! આજકાલ આ ટોળકીની લોકપ્રિયતામાં ધરખમ ઓટ આવી રહી છે. ક્રિકેટનાં મેદાનોમાં બિચારાઓ ગૂંચવાયેલા અને ધૂંધવાયેલાં ગલૂડિયાંની જેમ ભટકતા નજરે પડે છે. ક્રિકેટરો આજકાલ ટીવીની જાહેરખબરો સિવાય ક્યાંય હસતા નથી દેખાતા.

શરત-ડેઃ આ સ્પેશ્યલ ડેની સ્પેશ્યલ મેચમાં બધું જ ધાર્યા કરતાં ઊંધું જ થશે! શમી અને અશ્વિન ઓપનિંગમાં આવશે અને સેન્ચ્યુરીઓ ઠોકશે. ધોની વિકેટકીપરનાં ગ્લોવ્સ પહેરીને બોલિંગ કરશે. જાડેજા મૂરખની જેમ રન-આઉટ નહીં થાય (ડાહ્યા માણસની જેમ જ રન-આઉટ થશે.) આખી ટીમ જીતની બાજીને જીતમાં પલટીને બતાડશે(!).

આ મેચ ભારતભરના બુકીઓની ટીમ સાથે રમાશે, કારણ કે ક્યારેક તો બુકીઓએ હારવું જોઈને ને?

મહિલા ક્રિકેટ-ડેઃ જો શર્મિલા ટાગોર જેવી રિટાયર થવા આવેલી હિરોઈન પટૌડી સાથે પ્રેમમાં પડી શકતી હોય અને સંગીતા બીજલાની જેવી સાવ ખોવાઈ ગયેલી હિરોઈન અઝહર સાથે પરણીને લોકોની ચર્ચાનું કેન્દ્ર બની શકતી હોય તો બિચારા તુષાર કપૂરે શું ગુનો કર્યો છે?

જે દિવસે તુષાર કપૂર, અર્જુન રામપાલ કે બોબી દેઉલ જેવા પતી ગયેલા એક્ટરો કોઇ જાંબાઝ ખેલાડીના પ્રેમમાં પડશે, તે દિવસને મહિલા ક્રિકેટ-ડેના સુવર્ણ દિન તરીકે ઊજવવામાં આવશે!

ગુંડા સ્પેશ્યલ-ડે

બિચ્ચારા સોપારી લેતા ગુંડાઓની હાલત આજકાલ સૂડી વચ્ચેની સોપારી જેવી થતી જાય છે. મારી બેટી પોલીસ ખોટેખોટાં એન્કાઉન્ટરો કરીને સાચેસાચા ગુંડાઓને સાચેસાચ મારી નાખવા મંડી છે! પહેલેથી જ લઘુમતીમાં જીવી રહેલા આ ગુંડાઓની જાતિ ક્યાંક નામશેષ ન થઈ જાય તે માટે ભવ્ય આયોજનો કરવા જ પડશે.

ચોર-પોલીસ-ડેઃ નાનાં નાનાં ટાબરિયાંઓ જે રીતે ચોર-પોલીસની રમત રમતાં હોય છે તે રીતે આ દિવસે ચોર-પોલીસ જાહેરમાં સામસામા આવીને રમકડાંની પિસ્તોલો અને દિવાળીનાં દારૂખાનાં વડે ‘એન્કાઉન્ટર-એન્કાઉન્ટર’ની રમતો રમશે! કોઈ ખ્યાતનામ ઈન્ટરનેશનલ ગુંડો આ દિવસે કોઈ ટેલિફોન બૂથ પાસે ‘દેખા દેશે’ અને પોલીસ તેને પ્લાસ્ટિકની હાથકડી પહેરાવીને ‘ધરપકડ-ધરપકડ’ રમશે!

સોનાનાં અસલી બિસ્કીટોને બદલે ‘પારલે-જી’નાં અસલી બિસ્કિટોનો જથ્થો અમદાવાદના એરપોર્ટ પરથી પકડાશે! રાજસ્થાનની સરહદ પાર કરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલી ‘પેપ્સી-કોલા’ની આખેઆખી ટ્રક પકડાશે! આ બધું જ ૩૧મી જૂને કરવામાં આવશે, કારણ કે આમેય ‘વરસના વચલા દહાડે’ જ પોલીસ દરોડા પાડતી હોય છે ને?

ફિલ્મ સ્પેશ્યલ-ડે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલત એવી ભંગાર થઈ ગઈ છે કે સિલ્વર જ્યુબિલી તો છોડો, આજકાલ કોઈ ફિલ્મ ૧૦૦મો દિવસ પણ ઊજવી નથી શકતી. ફિલ્મી કલાકારોને કંઈક નવું કરવા મળે તે માટે આવા દિવસોની ઊજવણી જરૂરી છે.

સાચી ઉંમર-ડેઃ ચહેરા પર મેકઅપના થથેડા કરીને અને માથાના વાળ હેર-ડાઈ વડે કાળાં કરીને જુવાન દેખાવા મથતાં બુઢ્ઢા-બુઢ્ઢીઓ માટે આ ખરેખર સોનેરી દિવસ હશે. આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન જેવાં ‘ઉંમરલાયક’ કલાકારો આ દિવસે સ્ટેજ ઉપર આવીને પોતાની સાચી જન્મતારીખનું પ્રમાણપત્ર જાહેર જનતાને બતાડશે!

જાહેર જનતા તેમની નજીક આવીને બિલોરી કાચ વડે તેમના ચહેરાની કરચલીઓ ગણી શકશે અને કલાકારોના ડાઈ કર્યા વિનાના વાળમાંથી ઈચ્છે તેટલા કાળા વાળ ચૂંટી શકશે!

નો લફરાં-ડેઃ કમસે કમ આ દિવસે કોઈ છાપામાં કે કોઈ ફિલ્મી મેગેઝિનમાં ‘ફલાણા-ઢીંકણા હીરો સાથે ફલાણી-ઢીંકણી હિરોઈનનું લફરું!’ એવા સમાચાર નહીં છપાય! આ દિવસે ‘પેલો અને પેલી તો પરણી ગયેલાં છે!’ અને ‘પેલી તો બોલો, પ્રેગનન્ટ છે!’ એવી કાનાફૂસી પણ નહીં કરાય.

સોરી દોસ્તો, આપણે લોકોએ એકાદ દિવસ તો આવી વાહિયાત ગળચટ્ટી ખબરોથી દૂર રહેવું જ પડશે!

કપડાં-ડેઃ આ દિવસે હિંદી ફિલ્મના તમામ હીરો પીળાં પેન્ટ, લીલી ટોપી અને ગુલાબી બૂટ પહેરવાને બદલે સીધાસાદા માણસો પહેરે છે તેવા કપડાં પહેરશે. અને હિરોઈનો? વેલ, હિરોઈનો આ દિવસે પૂરાં કપડાં પહેરશે!

રાજકારણી સ્પેશ્યલ-ડે

રાજકારણીઓને તો જલસા જ હોય છે. બાળ દિવસ, મહિલા દિવસ, પર્યાવરણ દિન અને શિક્ષક દિનમાંથી એમને નવરાશ જ ક્યાં મળે છે? છતાં જનતાના લાભાર્થે હજી કેટલાક દિવસો ઊજવવા જેવા છે.

પ્રામાણિકતા-ડેઃ આપણા દેશની આ કમનસીબી છે કે હજી ક્યાંક ક્યાંક પ્રામાણિક નેતાઓ મળી આવે છે! એક રાષ્ટ્રીય અભિયાન દ્વારા આવા નેતાઓને ખૂણેખાંચરેથી શોધી કાઢવામાં આવશે. ‘પ્રામાણિકતા-ડે’ના ભવ્ય સમારંભમાં આ નેતાઓને હંમેશ માટે રાષ્ટ્રનાં મ્યુઝિયમો (સંગ્રહસ્થાનો)માં જીવતેજીવતા ચણી દેવામાં આવશે!

ફક્ત તેમનું મોં જ ખુલ્લું રાખવામાં આવશે. પછી હજ્જારોની મેદની સામે આપણે માનવંતા નેતાઓ આ પ્રામાણિક નેતાઓનાં મોમાં સો-સોની નોટો નાખીને તેમને જાહેરમાં પૈસા ખવડાવશે!

થૂંકેલું ચાટણમ્-ડેઃ જે પક્ષની સાથે હાથ મિલાવીને છ-છ મહિના રાજ કરવાના કરાર કર્યા હતા તે આજે અછૂત છે. જે ભાઈને કૌભાંડ-શિરોમણિનું બિરુદ આપીને જેલભેગા કરેલા તે જ ભાઈ આજે મહાન બિનસાંપ્રદાયિક પરિબળ છે. જે બહેન ભ્રષ્ટાચારની ખાણ હતાં તેમની સાથે રાતોરાત લગ્ન થઈ ગયાં. આપણા દેશના મહાન નેતાઓ, જે આખું વરસ કરતા હોય છે તે જ આ દિવસે પણ કરશે! પરંતુ જાહેરમાં...

આ ભવ્ય દિવસે ભારતના તમામ રાજકારણીઓ એક જ મંચ ઉપર ભેગા થઈને જાહેર જનતાની સામે પોતાનું જ થૂંકેલું ચાટશે!

ફાંસી-ડેઃ આખરે ભારતની ભોળી જનતાને પણ આનંદ લેવાનો અધિકાર છે. આ સ્પેશ્યલ દિવસે જનતા ધારે તે નેતાને પકડી લાવીને ચાર રસ્તાની વચ્ચોવચ અથવા વિધાનસભા કે લોકસભાની સામે ફાંસીએ ચડાવી શકશે!!

યેસ! અને નેતાઓ પણ આ કામમાં હોંશેહોંશે સાથ આપશે, કારણ કે ફાંસીનાં દોરડાં તકલાદી રબ્બરનાં બનેલાં હશે! ફાંસી અપાયાના બીજી જ મિનિટે નેતાશ્રી હેમખેમ બહાર આવી જશે!

ભલે ને ખોટી તો ખોટી, પણ વરસમાં એક દિવસ તો પ્રજાને તેની દાઝ કાઢવા મળશે?!

•••

લ્યો કરો વાત! પણ ઈન્ડિયામાં તો આવું જ છે! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter