અમારા છાપાંવમાં અવારનવાર ફોરેનની એવી ખબરો છપાય છે કે એક જાપાની કપલે અંડરવોટર મેરેજ કર્યાં, કે પછી ઓસ્ટ્રેલિયાનો એક માણસ રોજના ૧૫૦ અળસિયાં ખાઈ શકે છે! અમારા ઇન્ડિયામાં આવા ‘ફ્રીક્સ’ બહુ ઓછા છે. પણ અમુક એવી ‘ફ્રીક’ ઘટનાઓ બને છે કે અમારા છાપાંમાં ય છપાતી નથી! તમે વાંચો તો જ ખબર પડશે....
અનોખી ફેરતપાસ
૧૨મા ધોરણનાં પરિણામો પછી એક અકલ્પ્ય કિસ્સો બન્યો છે. ગુજરાતના એક નાના ગામડાનાં વિદ્યાર્થીને લાગ્યું કે તેને ગણિતના વિષયમાં ઓછા માર્ક મળ્યા છે. તેણે પેપરની ફેરતપાસ કરવાની માગણી કરી. ને નવાઈની વાત એ છે કે ફેરતપાસ કરવામાં આવી! એટલું જ નહીં, માત્ર બે દિવસમાં વિદ્યાર્થીને ગણિતમાં મળેલા ૨૮ માર્ક સુધારીને ૮૨ કરી આપવામાં આવ્યા!
આ સમાચારથી શિક્ષણજગતમાં સનસનાટી ફેલાઈ ગઈ છે, કારણ કે બગડાની જગ્યાએ આઠડો અને આઠડાની જગ્યાએ બગડો, આમ પૂરેપૂરા બે આંકડાની અદલાબદલી કરવા જેવું અશક્ય લાગતું કામ માત્ર બે દિવસમાં પાર પડી ગયું !
આનાથી પણ ચોંકાવનારા સમાચાર એ છે કે કોમ્પ્યુટર એ છે કે કોમ્પ્યુટરમાં ખોટા આંકડા ટાઇપ કરનાર કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે!!
નવાઈભર્યું ટેલિફોન-બિલ
અમદાવાદમાં એક ટેલિફોનધારકને ત્યાં ૩૮,૦૦૦ રૂપિયાનું બિલ આવ્યું હતું! ફોનમાં ઇન્ટરનેશનલ ડાયલિંગની સુવિધા ન હોવા છતાં આટલું બધું બિલ શી રીતે આવ્યું તે વાતની નવાઈ લાગે છે? ના! એની તો કોઈ નવાઈ જ નથી! નવાઈ તો એ વાતની છે કે તે ટેલિફોનધારકે અમદાવાદ ટેલિફોન્સના એક અધિકારીને માત્ર એક જ ફોન કર્યો અને બીજે જ દિવસે તે ગ્રાહકને નવું સુધારેલું બિલ હાથોહાથ પહોંચાડવામાં આવ્યું !!!
એને એનાથી પણ નવાઈની વાત એ છે કે અધિકારીએ લેખિત માફી માગતો એક પત્ર પણ બિલ સાથે મોકલ્યો હતો!!!
છેલ્લે પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ આ ગ્રાહકને અતિશય આનંદના કારણે હળવો હાર્ટ-એટેક આવી ગયો હતો.
ચમત્કારી બાબો
મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક ચમત્કારી બાબો વસે છે. આ બાબાની ઉંમર ચાર વર્ષની છે. તેના ઘરમાં બબ્બે કલર ટીવી હોવા છતાં બાબાને ટીવીની એક પણ જાહેરખબર મોઢે નથી! ફક્ત એટલું જ નહીં, આ બાબો સચીનને પણ નથી ઓળખી શકતો!
તે ફિલ્મી ગાયનો જોઈને ડાન્સની નકલ નથી કરતો, શાહરુખ-સલમાન કે કેટરીના તેને માટે સાવ અજાણ્યા લોકો છે! માન્યામાં ન આવે, પરંતુ હકીકત એ છે કે આ બાબો ચાર વર્ષનો થઈ ગયો છતાં હજી તેને ટીવી જોવામાં રસ જ નથી પડતો!
વળી એવું પણ નથી કે બાબો મંદબુદ્ધિનો હોય, તે નિયમિતપણે બાલમંદિરે જાય છે. ત્યાં લસરપટ્ટી અને હીંચકા ખાય છે. તે કાગડા અને હંસને ચિત્રો દ્વારા ઓળખી શકે છે, પરંતુ વિધિની વક્રતા તો જુઓ! તેને સચીન અને શાહરુખના તફાવતની ખબર નથી!!!
ખરેખર, આજના જમાનામાં કોઈ બાળકને ટીવીમાં રસ ન પડતો હોય તે તો ચમત્કાર જ કહેવાય!
વિચિત્ર કુલીઓ
દક્ષિણ ભારતના નામ્બિયાર રેલવે સ્ટેશન પર વિચિત્ર પ્રકારના કુલીઓ વસે છે. આ કુલીઓ અત્યંત વિચિત્ર પ્રકારનું વર્તન કરે છે. તેઓ ટ્રેનના પ્રવાસીઓ સાથે નમ્રતા અને વિવેકથી વાત કરે છે. સામાનને સાચવીને ઉપાડે છે અને ગાડીના ડબ્બામાં ચડી પ્રવાસીઓને માટે જગ્યા કરી આપીને તેમને સારી રીતે બેસાડવા છતાં તે કામના એકસ્ટ્રા પૈસા નથી લેતા!
વિચિત્ર શહેર
દક્ષિણ ભારતમાં આવેલું કોટ્ટીઆડીપુરમ્ નામનું નાનકડું શહેર ભારત દેશમાં જ આવેલું હોવા છતાં તેની એક ખાસ વિચિત્રતાને કારણે પ્રખ્યાત થઈ ગયું છે. આ શહેરની આંખે ઊડીને વળગે તેવી વિચિત્રતા એવી છે કે અહીં ફાટેલી નોટો છે જ નહીં! જી હા, આખાય શહેરમાં તમામ નાણાંવ્યવહારમાં નવી, તાજી અને અસલી નોટો જોવા મળે છે! ફક્ત એટલું જ નહીં, છેલ્લા અગિયાર મહિનાથી અહીં છૂટા પૈસા માટે કોઈ કચકચ પણ નથી થઈ!
આખા શહેરમાં નવીનક્કોર નોટો વડે થતો વહેવાર જોવા માટે આખા દેશમાંથી રોજ સેંકડો પ્રવાસી અહીં આવે છે, અને નવી કડકડતી નોટો જોઈને અચંબામાં પડી જાય છે!
નવાઈ-સમાચાર સંચય
મોટી-મોટી નવાઈના નાના-નાના સમાચારો આ મુજબ છેઃ
• મુંબઈમાં એક જ્ઞાતિમંડળ દ્વારા યોજાયેલા સત્કાર સમારંભનો સમય ૭.૩૦નો રાખવામાં આવ્યો હતો. અને તે બરાબર ૭.૩૦ વાગ્યે શરૂ થઈ ગયો હતો!
• રાજકોટના એક વિસ્તારમાં એક કેબલ નેટવર્કની ત્રણસોએ ત્રણસો ચેનલો સતત એક મહિના સુધી કોઈ પણ જાતની ફરિયાદ વિના ચાલુ રહી હતી! આશ્ચર્યની વાત એ છે કે આ એક મહિના દરમિયાન કોઈ પણ ચેનલનું ચિત્ર અસ્પષ્ટ કે ઝાંખું નહોતું આવતું, તથા કોઈ પણ ચેનલ ઉપર દાણા-દાણા કે લીટા પણ નહોતા પડ્યાં !
• જામનગરમાં આવેલી એક રાષ્ટ્રીકૃત બેન્કના કેશ કાઉન્ટર પર બેસતા એક કર્મચારી છેલ્લા ચાર વરસથી સમયસર બેન્કમાં આવી જાય છે અને કાઉન્ટર બંધ થવાનો સમય થઈ ગયા પછી પણ લગભગ ૧૫ મિનિટ સુધી ગ્રાહકોને સેવા આપે છે!
• આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજથી હજી પણ રેડિયોનું પ્રસારણ થાય છે!
૧૦૦ ટકા શુદ્ધ ભારતીય
પશ્ચિમ બંગાળના કાલીકટ બંદરે વસતા આશુતોષ મુખોપાધ્યાયને એક વિચિત્ર ધૂન લાગી છે। તેઓ ૧૦૦ ટકા ભારતીય વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ રાખે છે! આના કારણે તેને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. કારણ કે ટુથપેસ્ટ, બ્રશ, સાબુ, બૂટ-ચંપલ, સ્કૂટર, સ્કૂટરનું ઓઇલ, બલ્બ, ટ્યૂબલાઇટ, ફ્રિઝ, ટીવી, કોમ્પ્યુટર, ફોનથી માંડીને છેક બોલપેન અને રિફિલ સુધીની વસ્તુઓના નિર્માતા ૧૦૦ ટકા ભારતીય હોય તેની ખાતરી કરવા માટે તેઓ ખૂબ જ માથાકૂટ કરે છે. જો કોઈ કંપનીમાં વિદેશી રોકાણકારોનો એક ટકા જેટલો પણ હિસ્સો હોય તો શ્રી મુખોપાધ્યાય તેની વસ્તુ નથી ખરીદતાં!
અમુક ઇલેકટ્રોનિક આઇટમો ખરીદતાં પહેલાં તેઓ કંપનીને કાગળ લખીને પૂછી લે છે કે આમાં કોઈ ઇમ્પોર્ટેડ પાર્ટ્સ તો નથી ને? જ્યારથી એમને ખબર પડી કે ટેલિફોન એક્સચેન્જોમાં અમુક સામગ્રી વિદેશી હોય છે ત્યારથી તેમણે ટેલિફોનનો ઉપયોગ બંધ કર્યો છે! તેઓ ટ્રેનમાં પણ મુસાફરી નથી કરતાં, કારણ કે રિઝર્વેશનમાં વપરાતાં કોમ્પ્યુટરોમાં વિદેશી સ્પેર-પાર્ટો હોય છે!
ફિલ્મી નવાઈઓ
ફિલ્મી દુનિયામાં પણ ‘માનો યા ન માનો’ જેવી ઘટનાઓ હજી પણ બની રહી છે. જેમ કે -
• હિમેશ રેશમિયા નવી ચાર ફિલ્મોમાં હીરો તરીકે આવી રહ્યો છે! નિર્માતાઓની ડોક્ટરી તપાસ કરતાં જાણવા મળ્યું છે કે તેમાંથી કોઈને માનસિક બિમારી નથી!
• એક હિરોઈન ખરેખર ‘લક્સ’ સાબુથી નહાય છે!!
એમ છે ત્યારે! ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા! પણ કભી કભી ઓન્લી... એટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!