આવાં કેવાં દેશી બેરાં?

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 04th March 2015 04:38 EST
 
 

ઘણા પતિઓ પોતાની પત્નીની ઓળખાણ ‘અમારાં મિસિસ’ કહીને આપે છે. કેટલાક પતિઓ પત્નીને ‘આપડાં વાઈફ ખરાંને?’ એમ કહીને યાદ કરે છે. તો વળી કેટલાક જુનવાણી પતિઓ ‘અમારા ઘરેથી’ એમ કહે છે. મારા એક મિત્ર તેની પત્નીને જાહેરમાં ‘એ પત્ની! એ પત્નીઈઈ! અહીં આવ તો?’ એમ કહીને બોલાવે છે. પરંતુ આ તમામ પતિઓ જ્યારે પત્ની પર અકળાય છે ત્યારે અચુક આ વાક્ય બોલે છે - ‘શું બૈરું મળ્યું છે!’

નાન્યતર બૈરું

પત્ની માટે નાન્યતર જાતિનો શબ્દ ‘બૈરું’ શા માટે વાપરવામાં આવતો હશે? અને એથી ઊલટું, પત્નીઓ પતિ માટે કેમ નાન્યતર જાતિનો શબ્દપ્રયોગ નથી કરતી? જેમ કે, ‘લે, આ મારું ધણું આયું!’ કે પછી મારું ‘પતું’ વાતવાતમાં મારું પત્તું કાપી નાખે છે!’

જ્યારે પતિઓ પત્નીની ગેરહાજરીમાં બેધડક એવા શબ્દપ્રયોગો કરે છે કે ‘જવા દે ને યાર? મારું બૈરું છે જ એવું!’ ‘આજે તો ઘરે વહેલા જવું પડશે, નહીંતર બૈરું કચકચ કરશે...’ ‘બૈરું આજકાલ બહુ ફાટી ગયું છે!’

પરંતુ મજાની વાત એ છે કે ગુજરાતના કોઈ પતિની મજાલ નથી કે પત્નીની સામે જ, તેની હાજરીમાં તેને બૈરું કહે. જેમ કે ‘લે, તને ઓળખાણ કરાવું, આ મારું બૈરું!’

અત્યારે મારી સિચ્યુએશન પણ એવી જ છે. મારું બૈરું અત્યારે જરા આઘુંપાછું છે ત્યાં સુધીમાં ચાલો નાનકડી ‘બૈરાં-પરેડ’ જોઈ લઈએ....

ગભરાટિયું બૈરું

ગુજરાતી બૈરાંઓમાં આ સર્વસામાન્ય બીમારી છે. કારણ વિના ગભરાટ કરવો.

ગભરાટિયું બૈરું પડોશણ સાથે હંમેશા આ જ રીતે વાત કરતું સંભળાશે. ‘તમારે વાસણ થઈ ગ્યાં? હાય હાય, હજી તો મારે ગઈ કાલનાં વાસણ એમનાં એમ પડ્યાં છે ને કપડાંય હજી તો બોળવાનાં બાકી છે!’

ઘરમાં તમે એમનો ગભરાટ સાંભળો તો તે આવો જ હશે, ‘હાય હાય, કેટલા વાગ્યા? હજી તો મારે શાક સમારવાનું બાકી છે અને કામવાળી મૂંઈ આજેય નથી આઈ!’ પછી તમારા નામની બૂમ પડશે, ‘એ કહું છું... સાંભળો છો?’

તમે કહો કે, ‘હા, બોલો, સાંભળું છું.’ તો કહેશે, ‘શું સાંભળો છો? ધૂળ? હું એમ પૂછું છું કે આ કૂકરની કેટલી સીટી વાગી? બે વાગી કે ત્રણ? હાય હાય, હું પેલી ગાયને રોટલી આપવામાં રહી એમાં સીટીઓ ગણવાનું ભૂલી ગઈ! હવે સૂરણનું શાક કાચું રહી જશે તો તમને નહીં ભાવે અને વધારે ચડી જશે તો બાબલાને નહીં ભાવે....હાય હાય... કહું છું સાંભળો છો?’

ગભરાટિયા બૈરાંની રેકોર્ડ આખો દિવસ નોન-સ્ટોપ ચાલતી જ રહે છે. સવારના ઊઠતાંની સાથે જ કહેશે, ‘હાય હાય, સાત વાગી ગયા? હજી તો મારે કેટલાં કામ પડ્યાં છે?’ અને રાત્રે સૂતી વખતે તેનો છેલ્લો ડાયલોગ આ જ હશે, ‘હાય હાય, સાડા અગિયાર વાગી ગયા? બળ્યું, હજી તો મારે કેટલાં કામ પડ્યાં છે?’

ગભરાટિયું બૈરું શાક લેવા જતી વખતે બંને પગમાં બે જુદી જુદી જાતની સ્લિપરો પહેરી જશે. દવાવાળાને ત્યાં શાકની થેલી ભૂલી આવશે. પડોશણને ઘેર પાકીટ ભૂલી આવશે અને પૂરેપૂરી શક્યતા છે કે કોઈના લગ્નના રિસેપ્શનમાં જાજરમાન સાડી સાથે ઊંધું બ્લાઉઝ પહેરીને પહોંચી જશે!

ગભરાટ કરાવતું બૈરું

ગભરાટનો આ બીજો પ્રકાર છે. આ જાતના બૈરાં કોઈ પણ કારણ વિના આખા ઘરમાં ગભરાટ ફેલાવી દેવામાં એક્સપર્ટ હોય છે. ‘હાય હાય! કહું છું, સાંભળો છો? આજે તો રસોડામાંથી વીંછી નીકળ્યો!’

‘વીંછી?’ તમે ચોંકી જ જાઓ.

‘હા હા. મોટો દૈત વીંછી હતો. હું લોટનો ડબ્બો કાઢવા ગઈને તો નીચેથી નીકળ્યો!’ એની આંખો પહોળી થઈ ગઈ હોય.

‘પછી?’

‘પછી શું? આ તો બાજુવાળાં મંગુમાસી ઘરમાં જ હતાં. એમણે ધોકા વડે છૂંદી નાંખ્યો. મંગુમાસી કહેતા’તાં આ વીંછી ન હોય, આ તો કરોળિયો હશે.’

‘તે કરોળિયો જ હશે.’ તમને જરા શાંતિ થતી હોય તેમ લાગે, પણ તે ક્ષણભંગુર હોય.

‘પણ ધારો કે વીંછી હોય તો? હાય હાય બા! મને તો બહુ બીક લાગે છે. આપણા માળિયામાં વીંછી ભરાયા હશે તો? ભઈસાબ, તમે આ રવિવારે ઉપર ચડીને આખું માળિયું મને સાફ કરી આપજો!’

પત્યું! હવે તમને રાતના જરૂર સપનું આવવાનું કે માળિયામાં વીંછી ભરાયા છે! અને રવિવારે માળિયું સાફ કરતી વખતે ભૂલથી એકાદ કરોળિયો સળવળીને તમારા તરફ દોડ્યો તો તમે ચોક્કસ ચીસ પાડીને હેઠા પડવાના! ગેરંટી!

રોજ સાંજ પડે તમે ઓફિસેથી ઘરે પાછા આવો ત્યારે ગભરાટ કરાવતાં બૈરાં પાસેથી નવી નવી વેરાઈટીઓ સાંભળવા મળે - ‘હાય હાય! ખબર છે આજે તો બાબલો લખોટી ગળી ગયો હતો!’ હકીકતમાં વાત એમ હોય કે બાબલો લખોટી સાથે રમતો હતો અને મને થયું કે જો આ ગળી જાય તો? એટલે મેં લખોટીઓ લઈ લીધી! પણ વાતની શરૂઆત તો આ જ રીતે થાય - ‘હાય હાય! સાંભળો છો? આજે બાબલો લખોટી ગળી ગયો હતો!’

આવા ‘સાંજ-સમાચાર’માં આસપાસની ખબર પણ હોય છે. જેમ કે, ‘બોલો આજે તો બાજુવાળી સોસાયટીમાં ચોર આયા’તા!’

‘પેલી કચરાપેટી બાજુ ન જતા! કાલે ત્યાં સાપ નીકળેલો!’

‘આપણે ત્યાં શાકની લારી લઈને આવે છે ને? એ તો પાકિસ્તાનનો જાસૂસ છે, બોલો!’

આવા પ્રકારનાં બૈરાંને જ્યારે સગાં-વહાલાંને ત્યાં લગ્નપ્રસંગ આવે ત્યારે ફાવતું મળી જાય છે. તે એવા એવા ગભરાટ ફેલાવી મૂકે છે કે દાળ ખૂટી પડવાના ભયથી મહારાજો દાળમાં ડબલ પાણી ધબકાવી દે છે. શાક ખૂટી પડવાના ડરથી વહીવટીયાઓ ડબલ શાક મગાવી લે છે અને મોહનથાળ ચોરાઈ જવાની બીકે મોહનથાળ એવી જગ્યાએ સંતાડી દેવામાં આવેલો હોય કે અડધી જાન જમીને ઊઠી જાય પછીયે મોહનથાળ શોધ્યો ન જડે!

ગભરાટ ફેલાવવામાં એક્સપર્ટ બૈરું લાગ મળે તો વરરાજાના કાનમાં પણ એવી ફૂંક મારી આવે છે કે ‘જો જો! કન્યાને ચોરીમાં પધરાવે ત્યારે તેનો ઘૂમટો ઊંચો કરીને બરાબર મોં જોઈ લેજો! આ લોકો તમને બીજી જ છોકરી પરણાવી દેવાની ફિરાકમાં છે!’ બિચારો વરરાજા.... ‘કન્યા પધરાવો સાવધાન’ ન થાય ત્યાં સુધી તેનો જીવ ફફડ્યા જ કરે!

રોજિંદા જીવનમાં સવારના સમયે ગભરાટ ફેલાવતી એવરેજ પત્નીઓ મૂળે સ્વાર્થી હોય છે. સવાર સવારના તમને પથારીમાંથી ખંખેરી કાઢે, ઝટપટ નવડાવીને, ટિફિન હાથમાં પકડાવીને તમને તથા તમારાં બાળકોને ઘરમાંથી દસ વાગ્યા પહેલાં તગેડી મૂકવા પાછળનો તેમનો એક જ આશય હોય છે... બપોરે ઘસઘસાટ ઊંઘવા મળે!

આખી બપોર પલંગમાં નિરાંતે આળોટ્યા પછી જેવા પતિદેવ સાંજે ઘરમાં પગ મૂકે કે તરત જ શરૂ! ‘હાય હાય ભૈસાબ! આજે તો મને બે ઘડીની નિરાંત નથી મળી! શાક લાવવાનું ય રહી ગયું! કહું છું જરા ઊભા ઊભા જઈ આવો છો?’

ટુંડ્ર પ્રદેશનું બૈરું

આનાથી વિરુદ્ધ, અમુક બૈરાં એવાં હોય છે કે જેમના સ્વભાવમાં ટુંડ્ર પ્રદેશ જેવી ઠંડક હોય છે. ભલભલું આભ તૂટી પડે તોય એમના સપાટ ચહેરા પર એક કચરલીયે ન સળવળે!

તમે છત્રી લીધા વિના ઓફિસે ગયા હો અને સાંજના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હોય તો આ ટુંડ્ર પ્રદેશનું બૈરું તમારા આવવાના સમયે બારણા પાસે જ ઊભું હોય. જેવો તમે ઓટલા પર પગ મૂકો કે તરત ઠંડા અવાજે કહેશે, ‘પાંચ મિનિટ ઓટલા પર જ ઊભા રહેજો. કપડાંમાંથી પાણી નીતરી જાય પછી અંદર આવજો!’

આટલું કહી મેડમ ઘરમાં જતાં રહે.

બરાબર પાંચ મિનિટે મેડમ ઘરના બારણે પાછાં આવે. હાથમાં જૂની ચાદર હોય. તે બારણાના નકૂચા પર લટકાવે, અને કંઈ પણ બોલ્યા વિના બેક ટુ કિચન! તમારે જાતે જ સમજી જવાનું કે હવે જૂની ચાદર વડે શરીર લૂછવાનું છે, બૂટ કાઢીને ઓટલાની દીવાલે નીતરતાં મૂકવાના છે, મોજાં અને રૂમાલ દોરી પર સૂકવવાનાં છે અને ટાઈલ્સ ઉપર જરાય છાંટા ન પડે એ રીતે ચાલીને ઘરમાં આવીને કપડાં બદલી લેવાનાં છે.

જમવાના સમયે આવી પત્ની ક્યારેય ટહુકા ન કરે કે, ‘કહું છું, કેટલી વાર? ભાણું કર્યું છે!’

રાતના બરાબર ૭-૫૫ના ટકોરે તમારું ભાણું રસોડામાં પિરસાઈ જાય અને મેડમ પોતાની થાળી લઈને ડ્રોઈંગરૂમમાં ‘ઝી-ટીવી’ સામે ગોઠવાઈ ગયાં હોય. તમારી તરફ એક જ વાર નજર ફરે, જેમાં સમજી જવાનું કે, ‘ભાણું તૈયાર છે. જમવું હોય તો જમી લો!’

ટુંડ્ર પ્રદેશના બૈરાં ઉપર ખુશીના સમાચારોની પણ ઝાઝી અસર નથી વર્તાતી. ‘અલી સાંભળ્યું? આજે તો મને પ્રમોશન મળ્યું!’ આવા સરસ મજાના સમાચાર સાંભળ્યા પછી તે તમારા ચહેરા તરફ ત્રણ મિનિટ સુધી ટગરટગર જોયા કરશે.

તમને થાય કે હમણાં મારી બૈરી ખુશ થઈને બોલશે, ‘અરે વાહ! હવે તમારો પગાર કેટલો થઈ જશે?’

પણ એવું કંઈ જ ન થાય. ત્રણ મિનિટના મૌન બાદ તેનું પહેલું અને છેલ્લું વાક્ય આ હશે - ‘આવું તો તમે પાંચ વરસથી કહેતા હતા.’

પત્યું? કહેવાનો મતલબ એમ કે તમને પાંચ વરસ મોડું પ્રમોશન મળ્યું! આવી પત્નીઓ કોમેડી સિરિયલો જોતી વખતે હસતી નથી. ટ્રેજેડી સિરિયલો જોતી વખતે રડતી નથી. કેબલ ટીવી ઉપર અઠવાડિયાની સાત હિંદી ફિલ્મો જોઈને કંટાળતી નથી. સાસુજી સાથે કથા સાંભળવા જાય ત્યારે પણ બોર નથી થતી. હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા જાય ત્યારે ભપકાદાર સાડી પહેરીને જાય છે અને લગ્નના રિસેપ્શનમાં તેનું મોં બેસણામાં આવી હોય તેવું ગંભીર હોય છે.

ટૂંકમાં જેને આવી ટ્રુંડ પ્રદેશની પત્ની મળી હોય તેના જીવનમાં ‘શાંતિ’ હોય છે! આ સારું કહેવાય કે ખરાબ, તે તમે જ નક્કી કરજો!

લ્યો હાલો ત્યારે આંયા તો આવું જ હાલવાનું! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter