ક્રિકેટની જન્મભૂમિ ગણાતા દેશમાં રહીને ઈન્ડિયાની મેચુંમાં રસ લેતા હંધાય એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ તથા ભૂલકાંવ! ઈન્ડિયામાં ભળતી-સળતી મેચો પર સટ્ટો રમ્યા કરતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!
સાંભળ્યું છે કે બેંગ્લોરની જે કોલેજમાંથી કુંબલે, દ્રવિડ અને લક્ષ્મણ પાસ થઈને નીકળ્યા તે કોલેજમાં હવે ક્રિકેટનો ફૂલ-ટાઈમ કોર્સ ચાલુ કરવામાં આવશે! વાહ! હવે તો ક્રિકેટ ટીમમાં ગોલ્ડ મેડાલિસ્ટો જ હશે... પણ એ કેવા હશે? એક કલ્પના...
પહેલી ટેસ્ટ
આવા જ એક સરસ્વતીચંદ્રન્ નામના ગોલ્ડ મેડાલિસ્ટ ક્રિકેટ ગ્રેજ્યુએટનું ટીમમાં સિલેક્શન તો થઈ ગયું, પણ ધોની આમેય બહુ ઘમંડી. એને ટૂર પર લઈ તો ગયો, પણ એકેય મેચ રમવાનો ચાન્સ જ ના આપે. બિચારો સરસ્વતીચંદ્રન્ આખો દિવસ પાણી, ડ્રિંક્સના બાટલા અને ટુવાલો લઈને સિનિયર પ્લેયરોની સેવા કરવા દોડાદોડી કરતો ફરે. બધા એની બરાબર પદૂડી કાઢે.
એક દિવસ સરસ્વતીચંદ્રન્ સાંજના સમયે થાકીને ઢીલો ઘેંશ જેવો થઈને ગ્રાઉન્ડ પરની ફોલ્ડિંગ ખુરશી પર જ ઊંઘી ગયેલો. તેને કોઈ ઊઠાડ્યો પણ નહીં. સવાર સવારના અચાનક તેની આંખ ખૂલી ગઈ. જોયું તો ધોની તેને સ્ટમ્પ વડે ગોદા મારીને ઊઠાડી રહ્યો હતો.
‘એય સસ્સુ! ઊઠ, આજે તારી ટેસ્ટ છે!’
સરસ્વતીચંદ્રન્ તો બિચારો ડઘાઈ જ ગયો. પછી માંડ માંડ પૂછ્યું, ‘શાની ટેસ્ટ છે? પ્રેક્ટિકલ કે રીટર્ન ટેસ્ટ?’
હન્ડ્રેડ પરસેન્ટ ફિલ્ડિંગ
સરસ્વતીને મોડે મોડે ટ્યુબલાઈટ થઈ કે આ તો તેની જિંદગીની પહેલી ટેસ્ટ મેચ હતી! બિચારો બહુ જ નર્વસ થઈ ગયેલો. ‘સાલું મેં નોટિસ બોર્ડ પર જોયું જ નહોતું કે શું? કે પછી ટેસ્ટનું ટાઈમટેબલ અગાઉથી આપવામાં જ નહોતું આવ્યું? અને કેપ્ટન સર બી ખરા છે ને? થોડું વહેલું કીધું હોત તો આગલી રાત્રે નોટ્સ વાંચવાનો ટાઈમ તો મળત?’
પણ આ તો સીધા ગ્રાઉન્ડમાં જ આવી ગયા. હવે શું થાય? ધોની ટોસ હારીને આવેલો એટલે બેટિંગ પીચ ઉપર પહેલાં ફિલ્ડિંગ ટીચવાનો વારો આવ્યો હતો. ગ્રાઉન્ડ પર જતાં જતાં ધોનીએ ડોળાં કાઢીને બધાને કીધેલું ‘આઈ વોન્ટ હન્ડ્રેડ પરસેન્ટ ફ્રોમ યુ! અન્ડરસ્ટેન્ડ?’
એટલે તો એ વધારે નર્વસ હતો. કારણ કે કોલેજમાં પણ તેના ફિલ્ડિંગમાં ક્યારેય ૧૦૦માંથી ૧૦૦ તો આવેલા જ નહીં. બધા ફટાફટ ફિલ્ડિંગ પોઝિશન પર ગોઠવાવા લાગ્યા, પણ સરસ્વતી તો બાઘાની જેમ ઊભો રહ્યો ‘હું કંઈ પોઝિશન પર સર?’ ધોનીએ મોં બગાડીને કહ્યું ‘સ્કેવર થર્ડ મેન પર ચલા જા. એન્ડ બી ઓન એલર્ટ! સમઝા સસ્સુ?’
મરી ગયા! સ્કેવર થર્ડ મેન તો સમજ્યા પણ ‘ઓન એલર્ટ’ એટલે શું? જો તે ‘સ્કવેર થર્ડ મેન ઓન એલર્ટ’ પર જઈને નહીં ઊભો રહે તો ધોની એની ધૂળ કાઢી નાખશે. હવે કરવું શું? અચાનક સરસ્વતીને આઈડિયા આવ્યો. હજી સામેની ટીમના ઓપનિંગ બેટ્સમેનો આવે તે પહેલાં જરા ટાઈમ હતો. તે સીધો પેવેલિયન તરફ દોડ્યો. અંદર જઈ ઝડપથી પોતાની કિટ-બેગ ખોલીને ખાંખાખોળા કરવા માંડ્યો. ત્યાં જ અચાનક કોઈએ જોરથી તેને કાન ખેંચ્યો. જુએ તો ધોની!
‘ક્યા હૈ? ઈધર ક્યા ઢૂંઢતા હૈ?’
‘ફિલ્ડીંગ પોઝિશન, સર.’
‘ફિલ્ડિંગ પોઝિશન? ઈધર?’ ધોની બગડ્યો, ‘મેં તને ક્યાં ઊભા રહેવાનું કીધેલું સસ્સુ?’ સરસ્વતીએ તરત જ કહ્યું, ‘સ્કવેર થર્ડ મેન ઓફ એલર્ટ. પર સર. મને ઓન એલર્ટમાં જરા ડાઉટ હતો એટલે ગાઈડમાંથી સહેજ ચેક કરવા માગતો હતો!’
ફર્સ્ટ બોલિંગ ચાન્સ
સામેની ટીમવાળા આપણી બોલિંગ ધડાધડ ઝૂડતા હતા એટલે ધોનીનો મૂડ આમેય બગડેલો હતો. એમાં ને એમાં એણે હરભજનને પેવેલિયન છેડાથી બોલિંગ કરાવવાને બદલે સામેના છેડેથી ચાલુ કરાવી દીધો. ત્રણ સળંગ ઓવરો ઝુડાઈ એટલે રૈનાએ ધોનીને સલાહ આપી કે હરભજનનો છેડો બદલી નાંખને? આમ વચ્ચેની એક ઓવર નાંખવા માટે ગાંગુલીએ આપણા સરસ્વતીચંદ્રનને બોલાવ્યો.
સરસ્વતી તો ફૂલીને ફાળકો થઈ ગયો. ‘સર બોલો, કેવો બોલ નાખું? લેફ્ટ આર્મ કે રાઈટ આર્મ?’
ધોની કહે, ‘કેમ અલ્યા, બંને હાથે બોલિંગ કરતાં આવડે છે?’
‘યસ સર. લેફ્ટ આર્મમાં મને ફાઈનલ યરમાં સત્તાણું માર્કસ આવેલા!’
‘ઠીક છે, ઠીક છે. લેફ્ટ આર્મ નાંખ.’ ધોનીએ તેને બોલ આપ્યો.
‘પણ સર, લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ નાંખું કે ઓવર ધ વિકેટ?’ ધોનીએ બે ક્ષણ જોઈને જવાબ આપ્યો, ‘ઓવર ધ વિકેટ.’ પણ સરસ્વતીએ વધુ સ્પષ્ટતા માગી. ‘અને સર, મિડીયમ પેસર નાંખું કે સ્લો મિડિયમ? ઈન સ્વિંગર નાંખું કે આઉટ સ્વિંગર નાખું? આમ તો મને કટર્સ પણ ફાવે છે. તમે કહેતા હો તો પહેલાં બે ક્વીકર નાંખીને ત્રીજો સ્લોઅર વન નાખું? કે પછી શોર્ટ પીચ આઉટ સાઈડ ધી ઓફ સ્ટમ્પ નાંખીને સ્ટાઈલ બાઉન્સી ઈન-કટર નાંખું? બાકી મને રિવર્સ સ્વિંગ પણ ફાવે છે, પણ સર, શરૂઆત બ્લોક-હોલમાં સ્ટ્રેઈટ અને ક્વીકર ડિલિવરીથી કરું તો કેવું રહેશે?’
ધોનીએ બે મિનિટ સુધી તો માથું ખંજવાળ્યું. પછી પૂછ્યુંઃ ‘ઘૂસૂડીયા બોલ નાંખતાં આવડે છે?’
બિચારા સરસ્વતીએ માથું ધુણાવીને ના પાડી. અને એમાં જ એનો પહેલો બોલિંગ ચાન્સ ગયો!
પહેલો સ્પેક્ટેક્યુલર કેચ
પરંતુ ગોલ્ડ મેડાલિસ્ટ સરસ્વતીચંદ્રન્ એમ કંઈ હાર માને તેવો નહોતો. તેણે મનમાં કહ્યું, ‘બોલિંગ ના મળી તો શું થયું? ફિલ્ડિંગમાં તો મારા હંમેશા નાઈન્ટી પ્લસ જ આવતા હોય છે અને ફિલ્ડિંગનો ચાન્સ તો અગિયારે અગિયાર પ્લેયરને સરખો જ મળે ને?’ જોકે, ધોની બહુ ખંધો નીકળ્યો, મારો બેટો પોતે સ્લીપમાં કે મિડ-વિકેટ પર શાંતિથી પગ પહોળા કરીને ઊભો રહે અને આપણા સરસ્વતીચંદ્રનને બાઉન્ડરીઓ પર જ દોડાવ્યે રાખે! એમાંય સામેની ટીમવાળો ગેપમાંથી ઉપરાઉપરી બાઉન્ડરી માર્યા કરતો હતો તેનાથી ૨૦ યાર્ડ દૂર જ સરસ્વતીને ઊભો રાખે. જેથી દર વખતે બિચારાને વીસ-વીસ યાર્ડ દોડીને છેવટે ડાઈવ મારી મારીને બોલ રોકવા પડે. આમાં ને આમાં સરસ્વતીના ઘૂંટણ છોલાઈ ગયા.
પણ પછી એને ગજબનો ચાન્સ મળ્યો. સામી ટીમનો જે બેટ્સમેન ખૂબ જ જામી ગયેલો તેણે એક ઊંચી ગિલોલી ચડાવી. સરસ્વતીને થયું ‘આહાહા! આ તો ૮૩ના વર્લ્ડ કપમાં કપિલ દેવે ૩૦ યાર્ડ દોડીને ઝડપેલો તેવો જ કોપી ટુ કોપી કેચ!’ પણ ના, આ તો એનાથીય ઊંચી ગિલોલી હતી. સરસ્વતીનું મગજ અતિશય ઝડપથી ચાલવા લાગ્યું. તેણે બોલનો વેગ શોધી કાઢ્યો, કેચની ઊંચાઈ, તેની ટ્રેજેક્ટરી, પવનની દિશા, પવનની ઝડપ અને પોતાની પોઝિશનની ગણતરી ઝડપથી માંડીને મનમાં ને મનમાં કમ્પ્યુટરની ઝડપે ગુણાકાર-ભાગાકાર અને સરવાળો-બાદબાકી કરવા માંડી અને ગણતરીની પળોમાં જ તેણે સાચો જવાબ શોધી કાઢ્યો. પછી જરાય સમય વેડફ્યા વિના તે એક્ઝેક્ટલી એ જ જગાએ પહોંચી ગયો અને બે હાથનો ખોબો બનાવીને ઊભો રહી ગયો!
ત્યાં જ આખા સ્ટેડિયમમાં તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો! ફટાકડા ફૂટવા માંડ્યા! ઢોલ વાગવા માંડ્યા! હર્ષઘેલા પ્રેક્ષકોની ચીસો સંભળાવા લાગી! સરસ્વતીને થયું, વાહ, હજી તો મેં કેચ પકડ્યો પણ નથી પણ મારી ગણતરી પર જ પબ્લિક આટલી ગાંડી થઈ ગઈ છે તો હું કેચ કરીશ ત્યારે તો શું નું શું થઈ જશે?!
તે એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને આકાશમાં જોવા લાગ્યો. પણ ઘણો સમય થઈ જવા છતાં બોલ કેમ ન આવ્યો? ક્યાં ખોવાઈ ગયો બોલ? તેણે ફરી આંખો ઝીણી કરીને આકાશમાં જોયું. બોલ ક્યાંય દેખાયો જ નહીં. ઊલ્ટું તેણે જોયું કે તેના સિવાયની આખી ટીમ પીચ આગળ ભેગી થઈ ગઈ હતી! સરસ્વતીએ ત્યાં જઈને પૂછ્યું, ‘શું થયું?’
‘અબે સસ્સુ!’ ધોની બોલ્યો ‘તેં જોયું નહીં? વિરાટે કપિલ દેવને પણ ભુલાવી દે એવો ગજબનો કેચ પકડ્યો! ૪૦ યાર્ડ દોડીને!’
હવે સરસ્વતીને સમજાયું કે તમામ ગણતરીએ કરીને જ્યારે તે કેચિંગ પોઝિશનમાં ગોઠવાયો હતો તેની બાર સેકન્ડ પહેલાં જ તે કેચ પકડાઈ ગયો હતો.
બેટિંગ સ્ટ્રેટેજી
સામેની ટીમે બે દિવસ બરાબર બેટિંગ કરીને સાડી છસ્સો રન ખડકી દીધા હતા. બીજા દિવસને અંતે બધા થાકીને ઠુસ્સ થઈ ગયા. પેવેલિયનમાં પાછા આવ્યા પછી કોઈ કંઈ બોલ્યું નહીં. ધોની પણ નાહીને કપડાં બદલીને મૂંગોમૂંગો બેસી રહ્યો. હોટેલ પર આવ્યા પછી બધા મૂંગા મોઢે જમીને ફટાફટ ગુડ નાઈટ કરીને ઊંઘી ગયાં. વિંગમાં સન્નાટો છવાઈ ગયો હતો. પણ સરસ્વતીચંદ્રન્ ઊંઘ્યો નહીં. તેણે તેની કિટ બેગમાંથી ચોપડીઓ કાઢી અને વ્યવસ્થિત રીતે નોટ્સ ઉતારતાં જઈને અભ્યાસ કરવા માંડ્યો.
સવારે જ્યારે ધોની પોતાના પેડ્ઝ બાંધી રહ્યો હતો, ત્યારે તેણે તક ઝડપી લીધી, ‘સર, બે-ત્રણ વાત કરવી છે.’
‘જલદી બોલ...’ ધોનીએ રજા આપી કે તરત તેણે શરૂ કર્યું, ‘સર, મેં બરાબર સ્ટડી કર્યો છે. બિલ્કુલ આવી જ પોઝિશન ૧૯૫૮, ૧૯૬૪ અને ૧૯૭૧માં થઈ હતી. પરંતુ ત્રણે વખતે ભારતીય ટીમે તેની સ્ટ્રેટેજી ઘડવામાં થાપ ખાઈ ગયું હતું. મને લાગે છે કે ૧૯૮૧માં ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝની સિરીઝમાંથી ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજી અપનાવવી સૌથી વધુ હિતાવહ રહેશે. જોકે, તેમાં પણ થોડા મૌલિક ફેરફાર જરૂરી છે, પરંતુ આપણે ડિફેન્સ તથા એટેકનું રાઈટ મિક્સચર એડોપ્ટ કરીએ અને જો શરૂઆતમાં એક કલાકમાં વિકેટો જાળવી રાખીએ, બહાર જતા બોલને છંછેડવા પર કાબૂ રાખીએ, વિકેટના ઉછાળને એડ્જસ્ટ થવાનો સમય આપીને આંખો બોલ પર સેટ થાય તેની ધીરજ રાખીને સાથે સાથે ઓકેઝનલ લૂઝ બોલને બાઉન્ડરી બહાર મોકલતાં રહીએ તો -’
‘એક મિનિટ.’ ધોનીએ તેને અટકાવ્યો. પછી પોતાનું બેટ તેના હાથમાં ધરી દીધું. ‘એક કામ કર. સસ્સુ, તું હી ઓપનિંગ મેં ચલા જા!’
સરસ્વતી તો બઘવાઈ જ ગયો. પણ હવે છૂટકો જ નહોતો. પેવેલિયનમાંથી નીકળીને પીચ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો બિચારાના ટાંટિયા ઢીલા થઈ ગયા. હજી તે કંઈ સમજે તે પહેલાં તો ૯૧ માઈલની ઝડપે બોલરના હાથમાં બોલ વછૂટ્યો... તેણે બેટ તો વીંઝ્યું, પણ પેલો બોલ ક્યાંથી ઘૂસીને સ્ટંપલાં ઊડાડી ગયો તેની સમજ જ ન પડી! માથું ધુણાવતો બિચારો પેવેલિયનમાં પાછા આવતાંની જ સાથે તે ખુરશીમાં ફસડાઈ પડ્યો.
તે વખતે કોમેન્ટ્રીવાળો નવજોત સિદ્ધુ ત્યાં જ હતો. તેને દયા આવી એટલે તેણે સસ્સુના ખભે હાથ મૂકીને કહ્યું ‘ડોન્ટ વરી. હોતા હૈ...’ જવાબમાં સસ્સુ કંઈક બોલ્યો પણ સિદ્ધુને સંભળાયું જ નહીં એટલે તેણે વાંકા વળીને પૂછ્યું, ‘ક્યા કહા?’
સરસ્વતી તેના કાન પાસે મોં લાવીને ફરી બોલ્યો. તે જે બોલ્યો તે સાંભળીને નવજોત સિદ્ધુ એવો ખડખડાટ હસવા લાગ્યો કે તેનું હસવું કેમેય કરીને બંધ જ ન થાય!
સિદ્ધુને આ રીતે હસતો જોઈને બધા ટોળે વળી ગયા. નવજોત તો એટલું હસ્યો કે તે રીતસરનો આળોટવા જ માંડ્યો, આખરે વિરાટ કોહલીથી ન રહેવાયું. તેણે આપણા સસ્સુને પૂછ્યું, ‘તેં આ નવજોતને એવું તે શું કહ્યું?’
સસ્સુ કહે, ‘શી ખબર, મેં તો ફક્ત એટલું જ કહેલું કે હું જે બોલ પર આઉટ થયો તે આખેઆખો કોર્સ બહારનો બોલ હતો!’
•••
લો બોલો, સાંભળ્યું છે કે હવે આવા ક્રિકેટના કોર્સમાં ‘મેચ-ફિક્સિંગ’ના ચેપ્ટરો પણ ભણાવવાનાં છે! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!’