ઘોં... ઘોં... ઘોંઘાટપ્રદૂષણ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 17th December 2014 04:02 EST
 

બહેરા લોકો ખરેખર નસીબદાર છે. આજકાલ ચારે તરફ ઘોંઘાટ એટલો બધો વધી ગયો છે કે ઘણી વાર મગજ ફરી જાય છે. એક લગ્નસમારંભમાં મેં એક સજ્જનને ફરિયાદ કરી કે, ‘બહુ ઘોંઘાટ છે.’ તો કાન પર હાથ મૂકીને કહે, ‘શું કીધું?’ મેં જરા મોટેથી કહ્યુંઃ ‘ઘોંઘાટ બહુ થાય છે!’ તો એ ભાઈ કહે, ‘જરા મોટેથી બોલોને, મને કાનમાં તકલીફ છે.’ એટલે મેં ઘાંટો પાડીને કહ્યું કે, ‘ઘોંઘાટ બહુ થાય છે! ઘોંઘાટ! ઘોંઘાટ... બહુ થાય છે!’

પેલા ભાઈ કહે, ‘થતો હશે, પણ યાર તમે તો શાંતિ રાખો!’ ટૂંકમાં, આજકાલ ઘોંઘાટ એટલો બધો વધી ગયો છે કે ઘોંઘાટની ફરિયાદ પણ સંભળાતી નથી!

ક્રિકેટનો ઘોંઘાટ

ટેસ્ટ મેચો બહુ પોપ્યુલર હતી એવા જૂના જમાનામાં અમારી ઓફિસમાં એક ભાઈ કોમેન્ટ્રી સાંભળવા માટે રેડિયો લઈને આવે. ટેબલ પર રેડિયો મૂકી રાખે અને ખૂબ ધ્યાનથી કોમેન્ટ્રી સાંભળતાં હોય તેમ ટેબલ પર ઊંધું માથું કરીને આખો દિવસ બેઠા હોય.

એક વાર મેં અમસ્તું જ પૂછયું, ‘દિલીપભાઈ, સ્કોર શું થયો?’

દિલીપભાઈ સફાળા જાગી ગયા. ‘હેં?’

‘સ્કોર શું થયો?’ મેં ફરી વાર પૂછયું. જવાબમાં દિલીપભાઈએ તેમની આંખો ચોળી, આળસ મરડી અને એક બગાસું ખાઈને કહ્યું, ‘હમણાં થોડી વાર પહેલાં એકસો એકવીસે બે હતી એટલે... થયા હશે, એકસો પચીસ-ત્રીસ જેવા!’

હું વિચારમાં પડી ગયો. ‘યાર દિલીપભાઈ, તમે તો કાન પાસે રેડિયો રાખીને કોમેન્ટ્રી સાંભળો છો છતાં સાચા સ્કોરની ખબર નથી?’

દિલીપભાઈ ખભા ઉલાળીને કહે, ‘શું કરીએ યાર? કોમેન્ટ્રીમાં ઘોંઘાટ બહુ આવે છે!’

જોકે, એ વાતની મને હંમેશા નવાઈ લાગે છે કે વિજ્ઞાન ક્રિકેટની કેટલી મદદ કરી રહ્યું છે... સ્ટંપમાં કેમેરા, એક્શન રિપ્લે, વોકી-ટોકી જેવાં જાતજાતનાં યંત્રો મેચમાં વપરાય છે તો એ લોકો કોમેન્ટ્રી આપનારાઓને સાદીસીધી કાચની કેબિનમાં કેમ નહીં બેસાડતા હોય? કમસે કમ ઘોંઘાટ તો ઓછો થાય?

પણ દિલીપભાઈ મને કહે, ‘ઘોંઘાટ ન હોય તો મેચની મજા જ ન આવે ને? સાચું કહું? હું તો ઘોંઘાટ પરથી જ સ્કોર ગણું છું!’

‘એટલે?’

‘જુઓ સમજાવું. જ્યારે આપણી બેટિંગ ચાલતી હોય ત્યારે જો ચોગ્ગો વાગે તો અમુક લેવલનો ઘોંઘાટ થાય, છગ્ગો પડે તો એનાથી વધારે ઘોંઘાટ થાય, આપણી વિકેટ પડે ત્યારે સોંપો પડી જાય. સામેવાળાની વિકેટ પડે તો જુદી જાતનો ઘોંઘાટ થાય, એમાંય વળી પાકિસ્તાનની વિકેટ પડે તો...’ દિલીપભાઈએ મને કોમેન્ટ્રીના ઘોંઘાટનું આખું ગણિત સમજાવ્યું. અને છેવટે ઉમેર્યું કે ‘જો રેડિયોમાં ઘોંઘાટ ન થતો હોય તો સમજવું કે મેચમાં કંઈ સાંભળવા જેવું છે જ નહીં!’

લોકસભામાં ઘોંઘાટ

જે રીતે રોજ સમાચારોમાં હવામાનના સમાચાર આપવામાં આવે છે એ રીતે જ્યારે જ્યારે લોકસભાનું સત્ર ચાલતું હોય ત્યારે ‘વિશેષ શોર-શરાબા બુલેટિન’નો સમાવેશ થવો જોઈએ.

‘આઈએ એક નજર ડાલેં આજ કે શોર-શરાબે પર! લોકસભા મેં આજ શોર-શરાબે કા પ્રમાણ સામાન્ય સે બીસ ડેસિબલ અધિક રહા. ભાજપા મંત્રી નિરંજન જ્યોતિ કે ઇસ્તીફે કી માંગ કરતે સમય લગભગ બીસ મિનિટ કે લિયે સંસદ મેં શોર કા પ્રમાણ એકસો પચાસ ડેસિબલ રહા. દર્શકો કો યાદ દિલાયેં કિ ઇતના શોર એક હવાઈ જહાજ કે ઉડને પર હોતા હૈ!’

‘વૈસે સંસદ કે પિછલે ઘન્ટોં મેં શોર કા પ્રમાણ ઘટ કર કેવલ બીસ ડેસિબલ હો ગયા. શોર-વિશેષજ્ઞોં કા કહના હૈ કિ વિરોધ પક્ષ કે વોકઆઉટ કર જાને કે બાદ શોર મેં ભારી ગિરાવટ આઈ. શોર કા પ્રમાણ દસ ડેસિબલ તક ભી ગિર સકતા થા, મગર શાસક પક્ષ કે કુછ સદસ્ય સંસદ-ભવન મેં નીંદ લેતે હુએ ખર્રાટે ભર રહે થે. ઇન ખર્રાટોં કી વજહ સે શોર કા પ્રમાણ બઢતા હુઆ દિખાઈ દિયા થા, ક્ષમા કરેં, સુનાઈ દિયા થા!’

ગેરેજ મિકેનિકનો ઘોંઘાટ

ગેરેજના બધા જ મિકેનિકોને એક કોમન ટેવ હોય છે. તમે જેવી એને સ્કૂટરની ચાવી આપશો કે તરત તીતીઘોડાની જેમ કૂદી કૂદીને કીકો મારીને ચાલુ કરી નાખશે અને એક્સિલરેટર એટલું બધું રેઇઝ કરશે કે આખી ગાડી ધણધણી ઊઠે! ધુમાડાના ગોટેગોટા ઊડતા હોય, તમે તમારી આંખો ચોળતા હો એ જ વખતે પેલો મિકેનિક તમારી ગાડીનું હોર્ન વગાડશે!

મેં એક વાર મારા મિકેનિકને પૂછેલું, ‘યાર, દર વખતે તું ગાડી આટલી બધી રેઇઝ કરીને હોર્ન કેમ વગાડે છે?’

‘વો તો ટેસ્ટિંગ કરને કા મેથડ હૈ!’

‘એટલે? કેવી મેથડ?’

‘અગર હોર્ન કે આવાજ સે ગાડી કા આવાજ જ્યાદા આતા હૈ તો સમઝનેકા ગાડી મેં ભોત રિપેરિંગ માંગતા હૈ!’

જોકે મિકેનિકનો તર્ક મને હજી પણ ગળે નથી ઊતર્યો. હું તો એમ જ માનું છું કે મિકેનિકો ગાડી એટલા માટે રેઇઝ કરે છે કે તેમાંના જેટલા સ્પેર પાર્ટો છૂટા પડવાના હોય તે રિપેરિંગ કરતાં પહેલાં જ છૂટા પડી જાય!

રેલવે સ્ટેશનમાં ઘોંઘાટ

‘ચલે... ચાય ગરમ!’ ‘ભજિયાવાલે...!’ ‘દા...લ ચણાની!’ વગેરે ઘોંઘાટો તો કમસે કમ સૂરમાં ગવાતા ગીત જેવા હોય છે એટલે સહન કરી શકાય છે, પરંતુ સૌથી અસહ્ય ઘોંઘાટ હોય તો તે પ્લેટફોર્મ પરના સ્પીકર દ્વારા થતા એનાઉન્સમેન્ટનો છે! સ્ટેશન પર ભજવાયેલું એક દૃશ્ય મને હંમેશા યાદ રહેશે.

‘ઓ ભાઈ!’ એક રઘાવાયાં બહેન પ્લેટફોર્મ પર ઊભેલા ટી.સી.ને પૂછી રહ્યાં હતાં, ‘આ ભૂસાવળ જવાની ગાડી -’

‘શું કહ્યું?’ ટી.સી.એ કહ્યું, ‘જરા મોટેથી બોલો!’

‘ભૂસાવળ! ભૂસાવળ! આ ભૂસાવળ જવાની ગાડી -’

‘એક મિનિટ બહેન!’ ટી.સી.એ કહ્યું, ‘આ માઇકમાં બોલે છે એટલે કંઈ સંભળાતું નથી. એનાઉન્સમેન્ટ પતી જવા દો!’

કાનના પડદામાં કાણું પાડી દે તેવા તીણા-કર્કશ અવાજવાળું એનાઉમેન્ટ પત્યું એટલે બહેને પૂછયું, ‘ભાઈ, આ ભૂસાવળ જવાની ગાડી કેટલા વાગે ઊપડે છે!’

‘ભૂસાવળ?’ ટી.સી.એ કહ્યું, ‘એ તો ઊપડી ગઈ! સાંભળ્યું નહીં? એનાઉન્સમેન્ટમાં એ જ તો બોલ્યા!’

પેલાં બહેન માથું કૂટવા બેઠાં એટલે ટી.સી. અકળાયો, ‘બહેન, તમારે સાંભળવું જોઈએ ને? છેલ્લી દસ મિનિટથી માઇકમાં બોલે છે!’

બહેન બગડ્યાં, ‘બોલે છે એ હાચું, પણ શું બોલે છે એ હમજાવું જોઈએને?’

પાછું, આ એનાઉન્સમેન્ટ ત્રણ ત્રણ ભાષાઓમાં થાય છે. પણ ક્યારે કઈ ભાષા બોલાય છે એ રેલવેના કુલીઓને પણ નહીં ખબર પડતી હોય! પેલાં બહેન અને ટી.સી. વચ્ચે ઝઘડો થઈ ગયો. હું તેમાં વચ્ચે પડ્યો. ‘બહેનની વાત સાચી છે. માઇકમાં શું બોલે છે એ સમજાતું જ નથી. બોલો, તમને સમજાય છે?’ મેં ટી.સી.ને પૂછયું.

તો કહે, ‘હા! સમજાય જ ને? દસ વર્ષથી નોકરી કરું છું એમાં છેલ્લાં બે વર્ષથી સમજાવા લાગ્યું છે!’

ફિલ્મોમાં ઘોંઘાટ

વિદેશી ફિલ્મવિવેચકો હિન્દી ફિલ્મો જોઈને કહે છે કે આપણી ફિલ્મો સંગીતપ્રધાન છે, લાગણીપ્રધાન છે. પણ મને તો હંમેશા આપણી ફિલ્મ ઘોંઘાટપ્રધાન લાગી છે. એમાં શાંતિથી કશું થતું જ નથી! દિલ તૂટે ત્યારેય વીજળીના કડકા થાય છે!

જોવા જેવી - સોરી - સાંભળવા જેવી વાત એ છે કે ગોળી છૂટવાના અવાજ કરતાં ફેંટ મારવાનો અવાજ વધારે મોટો હોય છે!

અને હું ગીતાના પુસ્તક પર હાથ મુકીને સોગંદ ખાવા તૈયાર છું કે હિન્દી ફિલ્મોમાં મેં ક્યારેય વાસણ ઘસવાનો, કપડાં ધોવાનો કે બાથરૂમમાં ટપકતા નળનો અવાજ નથી સાંભળ્યો! ફક્ત હોરર ફિલ્મનાં બારી-બારણાં ઉઘાડ-બંધ થાય ત્યારે કિચૂડ કિચૂડ અવાજ આવે છે! ગામડાના બેકગ્રાઉન્ડ પર સેંકડો ફિલ્મો બની ગઈ, પણ માફ કરજો, ગાયના ભાંભરવાનો અવાજ ભાગ્યે જ સાંભળવા મળ્યો છે.

ટીવીનો ઘોંઘાટ

ટીવીની કોમેડી સિરિયલોમાં હસવાનો અવાજ એટલો બધો ઠોકી દીધેલો હોય છે કે વચ્ચે વચ્ચે ક્યારેક સંવાદો પણ સાંભળવા મળી જાય છે! ગેઇમ-શો કે અંતાક્ષરી જેવો પ્રોગ્રામ હોય તો તાળીઓના અવાજો સંભળાયા કરે છે. એમાં વળી સંચાલકોને ખબર નહીં શાનું શૂર ચઢતું હોય છે તે બૂમો જ પાડ્યા કરતા હોય છેઃ ‘ઔર ટીમ એ કો મિલતે હૈં થર્ટી પોઇન્ટ્સ... (તાળીઓ) ટીમ બી કો મિલતે હૈં થર્ટી પોઇન્ટ્સ...! (તાળીઓ)!’

મને એ નથી સમજાતું કે શૂટિંગ વખતે જે પ્રેક્ષકો સામે જ બેસીને જોઈ રહ્યા છે એમની આંખો ફૂટી ગઈ હશે? એ ડફોળોને સ્કોર નથી દેખાતો? ત્રણે ટીમના ત્રીસ ત્રીસ પોઇન્ટ થયા એમાં આટલી તાળીઓ શું વગાડવાની?

બાકી, એક અસહ્ય અવાજની તો વાત જ રહી ગઈ બાપલ્યા, અતિશય આધુનિક માઇક્રોફોન વડે રેકોર્ડ કરવામાં આવે તો પણ એ અવાજ માંડ બે ડેસિબલ જેટલો જ હોય છે. છતાં તે અવાજથી ભલભલા ભડવીરો ભરઊંઘમાંથી જાગીને સફાળા બેઠા થઈ જાય છે. કારણ કે તે અવાજ કાન પાસે બણબણતા મચ્છરોનો હોય છે!

લ્યો ત્યારે, અમે આ ઇન્ડિયાના ઘોંઘાટથી બચવા માટે કાનમાં ઇયરપ્લગ ખોસીને હિન્દી પિકચરનો ઘોંઘાટીયાં ગાયનો સાંભળવા બેસી ગયા છીએ... અટલે ઝીંકે રાખો બાપલ્યા, આયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter