ઇંગ્લેન્ડમાં બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયામાં હાલતા વર્લ્ડ કપમાં ઇન્ડીયન ટીમની શું હાલત થશે એની ચિંતા કરતા અમારા વ્હાલા ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં બુકીઓએ પાડેલા ભાવ ઉપર સટ્ટો લગાડીને લાખના બાર હજાર કરતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ક્રિકેટની આબોહવામાં ‘માન’ ઘટતું જાય છે અને ‘પાન’ વધતું જાય છે એવી સત્તાવાળાઓને શંકા પડવા લાગી છે. ફિક્સિંગનું ભૂત રહી રહીને ધૂણવા લાગ્યું છે. જૂના જમાનાની ડિટેક્ટિવ સિરિયલના જાસૂસ કરમચંદને આ ફિક્સિંગની તપાસ સોંપાઈ છે! સાથમાં એની સેક્રેટરી કિટ્ટી પણ છે... જુઓ, એ લોકો શું શોધી શકે છે! ક્રિકેટ બોર્ડને મન અત્યંત લઘુ જેવી શંકાના નિરાકણ માટે જાસૂસ કરમચંદ મેદાને પડ્યો છે.
સઇદ અજમલનો ખુલાસો
‘બોસ, બોસ?’ કિટ્ટીએ કરમચંદને પૂછયું, ‘ક્રિકેટ એટલું શું?’
‘ક્રિકેટ એટલે... ક્રિકેટ એટલે... ક્રિકેટ એટલે...’ કરમચંદ ગૂંચવાયો. પછી તે એક જાડી ડિકશનરી ઉપાડી તેનાં પાનાં ઊથલાવવા લાગ્યો, ‘હા, ક્રિકેટ એટલે...’ કરમચંદે ચશ્માં ચડાવીને વાંચ્યું, ‘ક્રિકેટ એટલે એક જાતનું તીતીઘોડા જેવું જીવડું, જે તીણો અવાજ કરે છે!’
‘સર, યુ આર અ જિનિયસ!’ કિટ્ટીએ કહ્યું.
‘શટ અપ કિટ્ટી!’ કરમચંદે ડુંગળીનું એક સાવ નાનકડું બટકું ભરતાં કહ્યું.
‘સર, તમે ડુંગળીનું મોટું બટકું કેમ નથી ભરતા?’
‘મોંઘા ભાવની છે. ચૂંટણી પહેલાંનો સ્ટોક છે!’ કરમચંદે ડુંગળીને કોટના ખિસ્સામાં સાચવીને મૂકતાં કહ્યું, ‘કમ ઓન કિટ્ટી, આજે આપણે સઇદ અજમલ મળવાનું છે.’
•••
સઇદ અજમલને કરમચંદે ધારદાર સવાલ કર્યો. ‘ગયા વર્લ્ડ કપની ભારત-પાકની ચેન્નઈવાળી મેચ ફિક્સ કરવામાં આવી હતી?’
‘મને શી ખબર.’ અકરમે કહ્યું, ‘મને તો પેટમાં દુખતું હતું. હું તો એ મેચ રમ્યો પણ નહોતો.’
‘પણ તે દિવસે તમારા પર એક બુકીનો ફોન આવેલો!’ કિટ્ટીએ ધડાકો કર્યો.
‘બુકી? ના ના, એ તો એક ડોક્ટરનો ફોન હતો.’ અકરમ હસ્યો.
‘તમારે શું વાત થઈ?’ કિટ્ટીએ પૂછયું.
‘ખાસ કંઈ નહીં. મેં ડોક્ટરને કહ્યું કે આજની મેચ રમવાની ખરેખર મજા આવશે. બસ, મને જરા પેટમાં દુખે છે. તો ડોક્ટર મને કહે, ના... ના, તમે પાંચ ગોળીઓ લઈ લો અને આરામ કરો! મેં કહ્યું, ના, મારે તો સાત ગોળીઓ લેવી પડશે તો જ મને આરામ મળશે!’
‘અચ્છા? પછી શું થયું?’
‘પછી ઘણી રકઝક થઈ.’ અકરમે ખુલાસો કર્યો, ‘છેવટે એવું નક્કી થયું કે મારે સાડા છ ગોળીઓ લઇને આરામ કરવો.’
કિટ્ટી એકદમ ઉત્તેજિત થઈ ગઈ. તે ઇશારો કરવા માટે કરમચંદને કોણીઓ મારવા લાગી. પણ કરમચંદ ગુસ્સે થઈ ગયો, ‘કિટ્ટી સરખી બેસને? મારી ડુંગળીને ડિસ્ટર્બ ન કર!’
બહાર નીકળ્યા પછી પણ કિટ્ટીની ઉત્તેજના નહોતી શમી. ‘સર! તમને શું લાગે છે?’
‘ખાસ કંઈ નહીં.’ કરમચંદે દેશી ડુંગળીની સુગંધ માણતાં કહ્યું, ‘બિચારા અજમલને ફુદીન-હરાની ગોળીઓનો ખર્ચો ભારે પડતો હશે.’
કિટ્ટી તો ડઘાઈ જ ગઈ. તેણે ગુસ્સે થઈને પૂછી જ નાખ્યું, ‘અજમલ તમારો સગો થાય છે?’
ધોનીનો ફોન
કિટ્ટી દોડતી આવી. ‘બોસ! મારા હાથમાં ધોનીના એક અત્યંત ખાનગી ફોનની ટેપ આવી છે! સાંભળો!’ કિટ્ટીએ ટેપ ચાલુ કરી.
‘ધોનીભાઈ!’ ફોન પર ભારતના એક મોટા બુકીનો અવાજ સંભળાતો હતો, ‘આ શું માંડ્યું છે? શ્રીલંકા સામે જીત પર જીત?’
ધોનીએ હસીને જવાબ આપ્યો, ‘જીતવું તો પડે જ ને? એટલા માટે તો હું કેપ્ટન બન્યો છું!’
‘ખરી વાત છે ધોનીભાઈ.’ બુકીનો અવાજ સંભળાયો, ‘પણ આટલી બધી જીતની ખુશીમાં અમારે તમને હાર પહેરાવવા છે હાર!’
‘હાર?’
‘હા હા, હાર!’
‘હારને?’ ધોનીએ કહ્યું, ‘તો પહેરાવોને? બોલો કેટલા હાર પહેરાવશો?’
‘ટોચના પાંચ ખેલાડીઓને પહેરાવી દઈએ!’
‘ના, ના, ભાઈજાન! હાર તો સાત જોઈશે! સામે શ્રીલંકાની ટીમ છે. અમારા પૂંછડીયો અશ્વિન છગ્ગા મારવા લાગશે તો છેલ્લી ઘડીએ મેદાનમાં કેવી રીતે હાર પહેરાવશો?’ ધોનીએ સવાલ કર્યો.
‘પણ ભાઈજાન, દર વખતે તો આપણો ચાર કે પાંચ જ -’
‘એ તો સામેની ટીમ ઓસ્ટ્રેલિયાની હોય ત્યારે!’ ધોની બોલ્યો, ‘આ વખતે તો સાત હાર જોઈશે જ. અને તે પણ મેચ ચાલુ થાય તે પહેલાં પહોંચી જવા જોઈએ.’
‘પહોંચી જશે ભાઈજાન.’ બુકીએ કહ્યું, ‘દર વખતની જેમ સ્વિત્ઝર્લેન્ડના ગુલાબોના હાર હશે. પણ આ વખતે થોડા પાતળા હારથી ચલાવી લો તો સારું!’ બુકી લુચ્ચું હસ્યો.
‘ઠીક છે. ચાલશે.’ ફોન કટ થઈ ગયો.
‘જોયું? આઈ મીન, સાંભળ્યું બોસ?’ કિટ્ટી ઉશ્કેરાઈ ગઈ હતી. ‘હાર! હાર!! હાર!!!’
‘એમાં નવું શું છે?’
કરમચંદે ટાઢાબોળ અવાજે કહ્યું, ‘ક્રિકેટરો લોકપ્રિય હોય એટલે તેમના ચાહકો હાર તો પહેરાવે જ ને?’
કિટ્ટી ફરી વાર ડઘાઈ ગઈ. તેમણે પૂછયું, ‘બોસ, સાક્ષી ધોની તમારી શું સગી થાય?’
વિરાટ કોહલીનો સોદો
કિટ્ટી કંટાળી ગઈ હતી. તેને થયું કે કરમચંદને ક્રિકેટમાં કંઈ જ ગતાગમ નથી પડતી. એટલે તેણે અમસ્તું અમસ્તું જ પૂછયું, ‘બોસ, વાઈડ બોલ કેવો હોય?’
‘વાઈડ બોલ... વાઇડ બોલ...’ કરમચંદે ફરી વાર ડિકશનરી ખોલી, ‘વાઈડ બોલ પહોળો હોય!’
‘ઓહ!’ કિટ્ટીને જરાય નવાઈ ન લાગી. ‘અને નો બોલ એટલે?’
‘નો બોલ? એ તો સાવ સહેલું છે.’ કરમચંદે ડિકશનરી ખોલ્યા વિના જવાબ આપ્યો, ‘નો બોલ એટલે જે બોલ નથી તે. અને જે બોલ ન હોય તે શું હોય? બેટ!!’
‘સર યુ આર અ જિનિયસ.’ કિટ્ટીએ કટાણું મોં કરીને વખાણ કર્યાં.
‘ચાલ હવે, વધારે મસ્કા ન માર.’ કરમચંદે પોતાની હેન્ડબેગમાં ડુંગળીઓ ભરતાં કહ્યું, ‘તારો સામાન તૈયાર કર. આપણે ઓસ્ટ્રેલિયા જવાનું છે. આપણને એવી માહિતી મળી છે કે વિરાટ કોહલી ત્યાંની એક રેસ્ટોરન્ટમાં ભારતનાં એક બુકી સાથે એક મોટો સોદો કરવાનો છે.’
‘વાઉ!’ કિટ્ટી ખુશ થઈ ગઈ. ‘હવે આપણે ઇન્ટરનેશનલ જાસૂસો થઈ જઈશું!’
‘હું તો ક્યારનો થઈ ગયો છું.’ કરમચંદે પોતાની હેન્ડબેગ બતાડતાં કહ્યું, ‘હવે હું દેશી ગાજરને બદલે ઈરાનની ઇમ્પોર્ટેડ ડુંગળીઓ જ ખાઉં છું!’
•••
‘જુઓ, જુઓ, પેલો રહ્યો ભારતીય બુકી!’ કિટ્ટી બોલી ઊઠી.
‘શટ અપ કિટ્ટી.’ કરમચંદે તેને ચૂપ કરતાં કહ્યું, ‘તે ‘કહેવાતો’ બુકી છે.’
‘બોસ, છાપાંવાળા તમારાં શું સગાં થાય?’
‘શટ અપ.’ કરમચંદે કહ્યું, ‘આપણે ચૂપચાપ તેમની પાસેના ટેબલ પર ગોઠવાઈ જવાનું છે.’
કરમચંદ અને કિટ્ટી કાન સરવા કરીને સાંભળવા લાગ્યા. વિરાટ કોહલી કહેવાતા બુકીને પૂછી રહ્યો હતો, ‘બોલો, બાર કપ-રકાબીઓના સેટની શી પ્રાઈઝ છે?’
‘બાર નહીં, પંદર.’ વિરાટ કોહલીએ સુધાર્યું.
‘કેમ પંદર?’
‘કેમ, પેલી ત્રણ એકસ્ટ્રા કપ-રકાબીઓ નહીં ગણવાની? ડ્રિન્કસ ઇન્ટરવલ વખતે તો તેમની ખાસ જરૂર પડે છે.’
‘ઓકે, પ્રાઇઝ બોલો.’ કહેવાતા બુકીએ કહ્યું.
‘પંચોતેર હજાર ડોલર. કીટલીઓ અને ટ્રેના એકસ્ટ્રા.’
‘ડન!’ કહેવાતા બુકીએ કહી જ નાખ્યું.
આ સાંભળીને કરમચંદ પોતાનું કપાળ કૂટવા લાગ્યો. ‘શું થયું, સર?’ કિટ્ટીએ પૂછયું.
‘મને શી ખબર કે ઓસ્ટ્રેલિયામાં ટી-સેટના આટલા સારા ભાવ મળે છે?’ કરમચંદે રડમસ અવાજે કહ્યું, ‘હજી પરમ દહાડે જ મેં મારો જૂનો ટી-સેટ ફક્ત પાંચસો રૂપિયામાં કાઢી નાખ્યો!’
કિટ્ટી ફરી એક વાર ડઘાઈ ગઈ, પણ આ વખતે તેણે કંઈ ન પૂછયું.
જાવેદ અખ્તર ઝડપાયા
ખબર એકદમ પાકી હતી. એક સમયના પાકિસ્તાની અમ્પાયર જાવેદ અખ્તર લંડનમાં એક અંધિયારી ગલીના છેડે આવેલી એક જૂનીપુરાણી હોટેલમાં એક રહસ્યમય માણસને મળવા માટે મધરાતે જવાના હતા.
કરમચંદ અને કિટ્ટીએ તેમની કારનો પીછો કર્યો. કાર હોટેલ પાસે આવીને ઊભી રહી. જાવેદ અખ્તર કારમાંથી ઊતરીને બંધિયાર હોટેલમાં ગયા. કરમચંદ અને કિટ્ટી દબાતે પગલે તેમની પાછળ પાછળ ચાલ્યાં. જાવેદ અખ્તર એક ઓરડામાં ગયા. બારણું બંધ થઈ ગયું. અંદરથી ઘુસપુસના અવાજો સંભળાતા હતા.
થોડી જ ક્ષણોમાં જાવેદ અખ્તર બહાર નીકળ્યા. કરમચંદને દરવાજા સામે જ ઊભેલો જોઈને તેમનો ચહેરો ફિક્કો પડી ગયો.
‘તમે અહીં કોને મળવા આવ્યા હતા?’ કરમચંદે ધારદાર સવાલ કર્યો.
‘હું... હું અહીં એક ક્રિકેટના અભ્યાસુને મળવા આવ્યો હતો.’ જાવેદ અખ્તરે થોથવાતાં કહ્યું, ‘તેઓ અમ્પાયરિંગ ઉપર પીએચ.ડી. કરે છે.’
‘અચ્છા?’ કરમચંદે ઈરાની ડુંગળીને બટકું ભરતાં પૂછયું, ‘તમારે શું વાતો થઈ?’
‘રસપ્રદ વાતો થઈ.’ જાવેદ અખ્તર હવે આત્મવિશ્વાસ સાથે બોલવા લાગ્યા, ‘તેમને એલબીડબલ્યુ અને કોટ બિહાઇન્ડના નિયમો વિશે જાણવું હતું.’
‘તો તમે શું કહ્યું?’
‘મેં કહ્યું કે એ બન્ને માટે એક જ સીધો-સાદો નિયમ હોય છે. હું આંગળી ઊંચી કરું તો આઉટ, નહીંતર નોટઆઉટ!’
કરમચંદ માથું ખંજવાળવા લાગ્યો. આ તકનો લાભ લઈને અમ્પાયર જાવેદ અખ્તર સરકી ગયા, પણ કિટ્ટી ખૂબ જ ઉત્તેજિત હતી. ‘જોયું... સર? જોયું? અમ્પાયર આમાં સંડોવાયેલા છે!’
પણ કરમચંદ માથું ખંજવાળતો રહ્યો. કિટ્ટીએ પૂછયું, ‘શું વિચારો છો, સર?’
‘મને તો એમ હતું કે ક્રિકેટના નિયમો બહુ અટપટા હોય છે.’ કરમચંદ હજી માથું ખંજવાળતો હતો. ‘પણ આ તો સાવ સીધી ને સટ ગેમ છે!’
હવે કિટ્ટી ખરેખર ગુસ્સે થઈ ગઈ. તેણે ઘાંટો પાડીને પૂછયું, ‘સર, હું પૂછું છું કે તમને ડિટેક્ટિવ બનાવ્યા કોણે?’
‘ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ચેરમેન શ્રીનિવાસને!’