ઉજળા દૂધ જેવા દેશમાં વસતા ઉજળા દૂધ જેવા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ઊડતી ધૂળ અને છાણનાં પોદળાંઓ વચ્ચે જીવતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
અમારા ઈન્ડિયાના વોશિંગ પાઉડરો તો એના એ જ છે, ટૂથપેસ્ટો ય એ જ છે, નહાવાના સાબુઓ એના એ જ છે, પણ એમની જાહેરખબરોના દાવાઓ વધતા જ જાય છે! જો આમને આમ ચાલ્યું તો એક સમયે ટીવી પર એવી જાહેરખબરો આવવા લાગશે કે, જુઓ આ નમૂના!
વોશિંગ પાઉડરની સુપર ચેલેન્જ
પહેલાં તો ઠીક છે કે વોશિંગ પાઉડરોમાંથી વીજળીના કડાકા જ થતા હતા, પણ હવે તો વોશિંગ પાઉડરો ચમત્કારની સરહદો પાર કરી ગયા છે! એક કાપડના ટુકડા ઉપર રોટલા જેવડી સાઈઝના અથાણાનો પિઝા ચોપડવામાં આવે છે. પછી એને ઈસ્ત્રી કરીને સૂકવવામાં આવે છે. અને પછી એના બે ટુકડા કરીને ચેલેન્જ કે સાથ એક ટુકડાને વોશિંગ પાઉડર વડે ધોઈને એક જ ધોલાઈમાં દૂધ જેવો ઊજળો કરી બતાવવામાં આવે છે.
આ જ વોશિંગ પાઉડરની હવે પછીની જાહેરખબર કંઈક આવી છેઃ
એક મોટી સડક છે. સડકની વચ્ચોવચ એક સફેદ કપડાંનો ટુકડો મૂકવામાં આવે છે. એક તરફથી એના ઉપર ડામર અને કપચીનું મિશ્રણ લઈને રાક્ષસી મશીન ફરી વળે છે અને કપડાં ઉપર વ્યવસ્થિત રીતે ડામરનો બે ઈંચ જાડો થર કરીને જતું રહે છે.
બીજી તરફથી બાર ફૂટના વ્યાસવાળું રોડ રોલર આવે છે. તે કપડાં ઉપર ફરી વળે છે. પછી હેલ્મેટ પહેરેલા છ એન્જિનિયરો કપડાંને ડામરની સડક ઉપરથી ઉખાડે છે. લાકડાં કાપવાની કરવત વડે કાપડના બે ટુકડા કરે છે અને એક ટુકડાને વોશિંગ પાઉડર વડે ધોવામાં આવે છે. અને ચમત્કાર! કાપડનો ટુકડો પહેલાં કરતાં પણ સફેદ થઈ જાય છે!
આપણને ભલે એમ થાય કે બાપા, અમારાં કપડાં પર કયે દહાડે ડામરના ડાઘ પડવાના છે? પણ એમ જોવા જાવ તો આપણે કયે દિવસે આપણા શર્ટ ઉપર અથાણાનો પિઝા ચોપડીને એના ઉપર ઈસ્ત્રી મારીએ છીએ?
પ્રોટીનયુક્ત નહાવાનો સાબુ
આજકાલના પ્રોટીનયુક્ત શેમ્પુઓ તમારા વાળના મૂળ સુધી ઘૂસી જઈને પોષણ આપે છે, જેના લીધે તમારા વાળ વધુને વધુ મજબૂત બને છે. (જાણે આપણે લોકો ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાવવા માટે આપણા વાળ વડે બબ્બે ખટારાઓ ખેંચી બતાડવાના હોઈએ!)
હવે જો માથાના વાળ ધોવાના શેમ્પુ વડે પ્રોટીન મળતું હોય તો ‘નહાવાનો’ સાબુ પ્રોટીનયુક્ત કેમ ન હોઈ શકે? આ સાબુની જાહેરખબરમાં સલમાન ખાન મોડેલિંગ કરતો હશે. અને જાહેરખબર આવી હશેઃ
એક કિંગ સાઈઝનો સોનેરી બાથટબનો સેટ છે. ચારે બાજુ સુંદરીઓ ડાન્સ કરી રહી છે અને વચ્ચે સલમાન ખાન ઉઘાડા શરીરને નાચી રહ્યો છે. એના એક હાથમાં ગિટાર છે અને બીજા હાથમાં પ્રોટીનયુક્ત સાબુ છે. સલમાન ખાન નહાતાં નહાતાં તેના મસલ્સ ફુલાવીને બતાવી રહ્યો છે અને ઝૂમી ઝૂમીને ગાઈ રહ્યો છે...
અ ઓ જાને જાના, સાબુન કા મૈં દીવાના,
સપનોં મે રોજ નહાને, બાથરૂમ મેં આના સનમ!
રૂપાળી એનાઉન્સર છોકરી આવીને કહે છે, ‘સલમાન ખાન જૈસે મસલ્સ પાઈએ, પ્રોટીનયુકત સાબુન સે નહાઈએ!’
આપ કૌન સા ટૂથપેસ્ટ ખાતેં હૈ?
આજકાલની લડાયક ટૂથપેસ્ટો લગાતાર કીટાણુઓ સે લડ્યા જ કરે છે! કેટલીક બારાહ ઘન્ટા તો કેટલીક ચૌબીસ ઘન્ટા સુધી લડે છે. હવે ટૂથપેસ્ટ બનાવનારા મહાન વૈજ્ઞાનિકો આનાથી પણ આગળ વધી જવાના છે. હવે એવી ટૂથપેસ્ટો આવશે જે ખાઈ શકાય! બિન્ધાસ્ત ખાઈ શકાય!
જેથી તે દાંતના કીટાણુઓ સાથે તો લડે જ લડે, પણ હવે તો પેટમાં જઈને પેટના કીટાણુઓ સાથે પણ લગાતાર વિશ્વયુદ્ધ કર્યા કરશે! આ ટૂથપેસ્ટની જાહેરખબર આવી હશેઃ
મમ્મી ૧ઃ ‘બચ્ચે તો બચ્ચે હૈ, ટૂથપેસ્ટ ખા હી જાતે હૈં.’
મમ્મી ૨ઃ ‘તો ખાને દો ના? ઉનકી સેહત કે લિયે અચ્છા હૈ!’
મમ્મી ૧ઃ ‘અચ્છા?’ વો કેસૈ?’
મમ્મી ૨ઃ ‘તુમ્હેં પતા નહીં? નયા ઢિશૂમ-ઢિશૂમ ટૂથપેસ્ટ પેટ મેં જાને કે બાદ ભી કીટાણુઓે સે લડતા રહતા હૈ!’
મમ્મી ૧ઃ ‘અરે વાહ! દાંતો કી લડાઈ અબ પેટ મેં ભી?’
મમ્મી ૧ઃ ‘લગાતાર! ઢિશુમ-ઢિશુમ!’
એનાઉન્સરઃ ‘બચ્ચે ભી ખાએં, બાપ ભી ખાએં
કીટાણુઓં સે લડતે હી જાએં!
નયા, ઢિશૂમ-ઢિશૂમ ટૂથપેસ્ટ!’
ટૂથપેસ્ટનાં લક્ષણ પારણામાં
ટીવીની જાહેરખબરો જોયા પછી જ આપણને સમજાય છે કે નાનાં- નાનાં ભૂલકાંઓ માટે ગમે તેવો પાઉડર ન ચાલે, એમને માટે તો ફલાણો- ઢીંકણો બેબી પાઉડર જ જોઈએ! બાબાને માલિશ કરવા માટે મામૂલી તેલ ન વપરાય. હવે તો ફલાણા-ઢીંકણા બેબી ઓઈલ જ બાળકોની ત્વચાને માફક આવે છે! બાળકોના શિશુ-આહારથી માંડીને બાળોતિયાં સુધીની વસ્તુઓ ખાસ કંપનીની ન હોય તો હવે કદાચ તમારો બાબો છ મહિનાનો થતાં સુધીમાં તો અનેક રોગોનો શિકાર થઈ જવાનો છે!
પણ વારો હવે ટૂથપેસ્ટનો છે. તમને થશે કે છ મહિનાના બાબલા માટે પણ ટૂથપેસ્ટ? તો જવાબ છે, હા! કારણ કે તેના વડે બાળકનાં પેઢાં મજબૂત બને છે અને દાંત સહેલાઈથી ઊગે છે! માન્યામાં ન આવતું હોય તો જોઈ લો આ જાહેરખબર...
દાદીમાઃ ‘ઊંહ! ટૂથપેસ્ટ... ટૂથપેસ્ટ! ઈતને છોટે બચ્ચોં કો ટૂથપેસ્ટ કી ક્યા જરૂરત?’
મમ્મીઃ ‘લેકિન મસૂડેં ભી મજબૂત હોના જરૂરી હૈ! બગ્ગીઝ બેબી ટૂથપેસ્ટ સે મસૂડે મજબૂત હોતે હૈ, મૂંહ ખૂલા ખૂલા લગતા હૈ, ઈસલિયે દાંત ભી આસાની સે ઊગતે હૈ!’
દાદીમાઃ (બાબાને રમાડતાં) ‘દો ઘંટે સે રોયા ભી નહીં.... તૂ તો ઈતના રોતી થી!’
મમ્મીઃ ‘બગ્ગીઝ હોતી તો મૈં ભી નહીં રોતી!’
એનાઉન્સરઃ ‘બગ્ગીઝ બેબી ટૂથપેસ્ટ. ઝૂલા ઝૂલાને સે પહલે ઔર દૂધ પિલાને કે બાદ બચ્ચો કે મસૂડોં પર ઈસે ધીરે ધીરે મલના ન ભૂલિયે! બચ્ચે કા દિમાગ રહેલા કુલ, વો રોના જાયેગા ભૂલ!’
લેટેસ્ટ વોશિંગ મશીન
વોશિંગ મશીનવાળાઓ પહેલાં દરિયાનાં મોજાં બતાડતા હતા, તોફાની વંટોળ બતાડતા હતા. પછી કંઈક ફઝી લોજિક અને ટ્વિસ્ટર બ્લાસ્ટરની વાતો કરતા હતા. હવે એ લોકો ફરી ફરીને પાછા મૂળ સરખામણી પર આવી ગયા છે. કહે છે કે, ‘જૈસે હાથ કી ધુલાઈ!’ (અલ્યા, ભઈ, એ તો અમારી પત્નીઓ કરતી જ હતી ને?)
આ કંપની એક નવું મોડેલ બજારમાં મૂકવાની છે. તેને ખરીદવા માટે જ્યારે ગ્રાહક શો-રૂમમાં જશે ત્યારે કંઈક આવું જોવા મળશે...
‘ભાઈ, પેલું નવું લેટેસ્ટ સુપર-ડુપર વોશિંગ મશીન નીકળ્યું છે તે બતાડો ને?’
‘આ રહ્યું, જોઈ લો સાહેબ!’
‘અરે બાપ રે! આ તો બાથરૂમ જેવડું મોટું છે! આને મૂકવાનું ક્યાં?’
‘બાલ્કનીમાં, ડ્રોઈંગરૂમમાં, ધાબા ઉપર... જ્યાં મૂકવું હોય ત્યાં મૂકાય!’
‘સારું સારું. જરા બતાડશો, આમાં કપડાં કેવી રીતે ધોવાય છે?’
‘બહુ જ સહેલું છે સાહેબ! સૌથી પહેલાં તો તમારે આ મોટું બારણું ખોલી નાંખવાનું! પછી જેટલા કપડાં ધોવાના હોય તે બધાં ડોલમાં બોળી દેવાના! જોકે આમાં ઉત્તમ ક્વોલિટીનો વોશિંગ પાવડર વાપરશો તો જ કપડાં ઊજળાં થશે.’
‘સારું, સારું પછી?’
‘પછી બાજુમાં ધોકો મૂકી દેવાનો, બ્રશ મૂકી દેવાનું, પાટલો મૂકી દેવાનો, નળમાંથી પાણી બરાબર આવે છે કે નહીં તે ચેક કરી લેવાનું.’
‘બસ? પછી દરવાજો બંધ કરી દેવાનો?’
‘ના! પછી કામવાળીને કહેવાનું કે જા, અંદર જઈને કપડાં ધોઈ નાંખ!’
‘હેં?’
‘જી હા! આ સુપર-ડુપર વોશિંગ મશીન સાથે એક મહિના માટે એક કામવાળી મફત મળે છે!’
લ્યો હાલો ત્યારે આંયા તો આવું જ હાલવાનું! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઇટ છે!