ફિલ્મોમાં ફેરી-ટેલ અને ટીવીમાં ટેલિ-ટેલ જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જેટલા મોઢાં એટલી વારતા ફેલવતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!
દંતકથાઓનું એવું છે કે તે ક્યાંથી આવે છે, કોણ બનાવે છે અને કોણ તેમાં કેટલું મીઠું-મરચું ભભરાવે છે તેની ખબર જ નથી પડતી. પણ મોટે ભાગે એવું હોય છે કે દંતકથાઓ જૂની હોય છે. જોકે અમારા હાથમાં જે ગુજ્જુ દંતકથાઓ આવી ચડી છે તે નવી છે!
રૂપિયાના અડધા
એક જાદુગર હતો. તે જાતજાતના જાદુના ખેલ કરે. ખેલ બતાડી લોકોનું મનોરંજન કરે અને લોકો ખુશ થઈને જે આપે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે.
એક દિવસ એને થયું, ‘આમ ને આમ કેટલા દહાડા ચાલશે? મારે કોઈ એવો જાદુ શોધવો જોઈએ જેનાથી જીવનભરની નિરાંત થઈ જાય.’ એટલે તેણે દિવસ-રાત મહેનત કરીને એક ગજબનો જાદુ શોધી કાઢ્યો.
પછી તે મુંબઈનગરીમાં આવ્યો. નગરીના ચોકમાં ઊભો રહી તે બૂમ પાડવા લાગ્યો, ‘જાદુઈ રૂપિયા લઈ લો! જાદુઈ રૂપિયા લઈ લો! રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય!’
લોકો ભેગા થઈ ગયા. બધા પૂછે, ‘રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય એટલે શું?’
જાદુગર કહે, ‘એ જ મારા જાદુઈ રૂપિયાનો જાદુ છે. તમે મારી પાસેથી રૂપિયો લો. તેને જમીન પર નાખો એટલે એની મેળે તેના બે અડધા થઈ જાય. પછી તેના પર થોડું પાણી, થોડું ખાતર અને થોડી મહેનત નાખો એટલે અડધાનો છોડ ઊગે. તેના પર આખો રૂપિયો ઊગે! બસ વાવતા જાવ ને ઉગાડતાં જાવ! ફટાફટ ફટાફટ!’
આમ કહીને જાદુગરે એક રૂપિયો જમીન પર નાખ્યો. ઘડીક વારમાં તો તેના બે અડધા થયા અને બે અડધામાંથી બે છોડ ઊગ્યા. બીજી બે ઘડી થઈ ત્યાં તો છોડ ઉપર એક-એક રૂપિયો ઊગ્યો!
લોકો તો દંગ થઈ ગયા. બધા કહે, ‘મને આપો, મને આપો!’
જાદુગર કહે, ‘એક રૂપિયાની કિંમત એક સોનામહોર!’
લોકો કહે, ‘ભલે! સૌએ એક-એક સોનામહોર કાઢીને રૂપિયા ખરીદી લીધા. જેની પાસે સોનામહોર નહોતી તે થોડું પાણી, થોડું ખાતર અને થોડી મહેનતના ધંધામાં લાગી ગયા.’
જાદુગરને તો ઘણી કમાણી થઈ ગઈ એટલે તે આગળ ચાલ્યો. ફરતો ફરતો તે સુરત નગરીમાં આવ્યો. આ નગરીના ચોકમાં ઊભો રહીને તે બૂમ પાડવા લાગ્યો, ‘જાદુઈ રૂપિયા! જાદુઈ રૂપિયા! રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય!’
લોકો પૂછે, ‘એટલે શું?’
જાદુગરે તેના રૂપિયાનો જાદુ બતાડ્યો એટલે સુરતના લોકો તો ઘેલા થઈ ગયા. સૌ કહે, ‘મને આપો! મને આપો!’
જાદુગર કહે, ‘એક સોનામહોરનો એક રૂપિયો!’ સુરત તો સોનાની મૂરત. ત્યાં ક્યાં સોનામહોરની ખોટ હતી! લોકો તો ખોબલે - ખોબલે સોનામહોરો આપીને રૂપિયા લઈ ગયા.
પણ સુરતના લોકો તો લહેરી. એમને રૂપિયા ઊડાડવાની મજા પડે, પણ ઝાઝી મહેનત કરવાનું ન ગમે. એટલે લોકોએ જાદુઈ રૂપિયા ઊડાડ્યા. જ્યાં પડ્યા ત્યાં અડધા થયા અને પછી ધીમેધીમે તેના છોડ ઊગ્યા, છોડ પર નવા રૂપિયા ઊગ્યા. લોકો કહે, ‘આ સારું છે!’ સૌ લહેર કરતાં જાય, રૂપિયા ઊડાડતાં જાય અને જ્યારે ફરી ઊગે ત્યારે ફરી લહેર કરે અને ફરી રૂપિયા ઊડાડે.
જાદુગરને તો સુરતનગરીમાં ઘણી કમાણી થઈ એટલે તે આગળ ચાલ્યો. ફરતો ફરતો તે અમદાવાદ નગરીમાં આવ્યો. માણેક ચોકમાં ઊભો રહીને તે બૂમો પાડવા લાગ્યો. ‘જાદુઈ રૂપિયા! જાદુઈ રૂપિયા’ રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય!’
જાદુગરે તેનો જાદુ બતાડ્યો. પણ આ તો અમદાવાદી લોકો! એમ કંઈ દંગ પણ ન થાય અને એમ કંઈ ઘેલા પણ ન થાય. બધા મૂંગામૂંગા ખેલ જોઈ રહ્યા. પછી પૂછે, ‘એ તો ઠીક. પણ રૂપિયાની કિંમત શું?’
જાદુગર કહે, ‘એક સોનામહોરનો એક રૂપિયો.’
લોકો કહે, ‘બહુ મોંઘો, ભાઈ બહુ મોંઘો! જરા ઓછા ન થાય!’
જાદુગર કહે, ‘એક જ ભાવ! લેવા હોય તો લો, નહીંતર હાલતાં થાવ!’ અમદાવાદી તો બધા હાલતાં થયાં. જાદુગરે બીજા દિવસે ચોકમાં ઊભા રહીને ખેલ બતાડ્યો. પણ લોકો કહે, ‘ભાવ ઓછા ન થાય?’ જાદુગર કહે, ‘એક જ ભાવ!’ અને લોકો હાલતાં થયા.
આમ ને આમ ઘણા દિવસ ચાલ્યું. જાદુગર તો કંટાળ્યો. ભીડ ભેગી થાય, સૌ ખેલ જુએ, પણ કોઈ રૂપિયો ખરીદે નહીં. એક દિવસ સાંજના સમયે જાદુગર તેની પોટલી બાંધતો હતો ત્યારે ભીડમાંથી એક જણ આવીને તેને કહે, ‘બોસ, રૂપિયાના ત્રણ અડધા થાય એવા જાદુઈ રૂપિયા ખરા? એ પોષાય!’
જાદુગર વિચારમાં પડ્યો. તે આખી રાત વિચારતો રહ્યો. પછી તેને એક યુક્તિ સૂઝી. બીજા દિવસે તે ચોકમાં આવીને કહે, ‘જાદુઈ રૂપિયા! જાદુઈ રૂપિયા! રૂપિયાના ત્રણ અડધા થાય!’ આ સાંભળીને લોકો તો પડાપડી કરવા લાગ્યા, ‘મને આપો! મને આપો!’ જાદુગર કહે, ‘લાઈનમાં આવો!’
સૌ એક-એક સોનામહોર લઈને લાઈનમાં ગોઠવાઈ ગયા. જાદુગર દરેકની પાસેથી સોનામહોર લેતો જાય અને રૂપિયા હવામાં ઊછાળતો જાય, ‘આ ત્રણ અડધા તમારા!’
લેનારે પૂછે, ‘ક્યાં પડ્યા?’
જાદુગર ત્રણ દિશામાં આંગળી ચીંધીને કહે, ‘એ પડ્યા! એ પડ્યા! એ પડ્યા!’ ખરીદનાર દોડતો-દોડતો જાય અને તેના અડધા શોધવા લાગે. પણ ત્રણ અડધા હોય તો જડે ને?
જાદુગર તો ફટાફટ સોનામહોરો ઉઘરાવીને રૂપિયા ઉછાળીને હાલતો થયો. આજની ઘડી તે કાલનો દી!
તે દિવસથી આજ સુધી અમદાવાદી લોકો રૂપિયાના ત્રણ અડધા શોધ્યા કરે છે!
ખુરશીમાં ગુજરાતીનો ભમરો
આજથી ઘણાં વર્ષો પહેલાંની વાત છે. ત્યારે ભારત એક હતું. તેના પર લોર્ડ માઉન્ટબેટનની આણ હતી. પણ પછી લોર્ડને ઉપરથી તેડું આવ્યું કે, ‘પાછા આવતા રહો અને ભારતના ભાગલા પાડતા આવજો!’
નેહરુને ખબર પડી કે લોર્ડ ભારતના ભાગલા પાડવાના છે એટલે તે દોડતાં-દોડતાં આવ્યા, ‘હે લોર્ડ! ભારતના ભાગલા ન પાડો!’
લોર્ડ કહે, ‘એ તો કેમ બને? ભાગલા તો પડીને રહેશે.’
નેહરુ કહે, ‘ભાગલા ભલે કરો, પણ મને કંઈક વરદાન આપો જેથી મનને શાંતિ થાય.’
લોર્ડ કહે, ‘ભલે. હું કંઈક કરું છું.’ એમ કહી લોર્ડ સમાધિમાં સરી પડ્યા. સમાધિમાંથી એમને એક ગુજ્જુ સાધુબાવા દેખાયા! એમણે એક ઉપાય બતાડ્યો. લોર્ડ સમાધિમાંથી ઊઠ્યા એટલે નેહરુ કહે, ‘લોર્ડ શું કર્યું?’
લોર્ડ કહે, ‘મેં પાકિસ્તાનની ખુરશીમાં એક ભમરો મૂકી દીધો છે. તેના કારણે પાકિસ્તાનની ખુરશી પર બેસનાર ક્યારેય સુખેથી બેસી નહીં શકે.’
નેહરુ ખુશ થઈને જતા રહ્યા, પણ ઝીણા સંતાઈને બધું સાંભળતા હતા. તે આવીને લોર્ડ આગળ ભેંકડો તાણીને રડવા લાગ્યા. લોર્ડ કહે, ‘કેમ રડો છો?’
ઝીણા કહે, ‘તમે અંચઈ કરો છો. પાકિસ્તાનની ખુરશીમાં ભમરો ને ભારતની ખુરશીમાં નહીં?’
લોર્ડ કહે, ‘વરદાન તો અપાઈ ગયું. હવે કંઈ ન થાય.’
પણ ઝીણાએ તો બહુ ધમપછાડા કરવા માંડ્યા. એટલે લોર્ડ કહે, ‘સારું સારું. હવે તો એક જ ઉપાય છે.’
ઝીણી કહે, ‘શો?’
લોર્ડ કહે, ‘સમય જતાં એ ભમરાના અનેક વંશજો થશે. તે વંશજો ઊડતાં-ઊડતાં ભારતમાં આવશે અને ભારતની ખુરશીમાં ઘૂસી જશે.’
ઝીણા કહે, ‘ધન્ય હો, લોર્ડ! ધન્ય હો!’
ખુરશીના ભમરાના વંશજોને ભારતમાં આવતાં અઢારેક વર્ષ થયાં. પણ પછી એ ભમરાઓ ભારતમાં એવા ફેલાયા કે વાત ન પૂછો! જે નેતા ખુરશીમાં બેસે એને પેલા ભમરા ચેનથી બેસવા ન દે. આને કહેવાય ગુજરાતી ભમરો!
ગેંડાની ચામડી
ચાર ભાઈબંધ હતા. તેમાંથી ત્રણ ઈન્ડિયાના હોંશિયાર અને ચોથી ગુજરાતી જડથો. ચારે તપ કરવા નીકળ્યા. પહેલાએ કાળીમાતાનું તપ આદર્યું. બીજાએ સરસ્વતીમાતાનું તપ આદર્યું. ત્રીજાએ લક્ષ્મીમાતાનું તપ આદર્યું. ચોથો ગુજરાતી જડથો. તેણે તો નારદજીના પગ પકડી લીધા.
નારદજી જ્યાં જાય તેની પાછળ-પાછળ જડથો જાય. નારદજી બેસે તો તેમના પગ દાબે. નારદજી સૂએ તો તેમના પગ દાબે. નારદજી ચાલે તો પગલાંની પૂજા કરે, નારદજી ઊભા રહે તો દંડવત્ પ્રણામ કરે. નારદજી જડથાને જોઈને મનમાં ને મનમાં મલકાય.
એક દિવસ પેલાં ત્રણેયનાં તપ પૂરાં થયાં. તેઓ પાછા આવતા હતા. જડથો પહેલાને પૂછે, ‘તને કાળીમાતાએ શું આપ્યું?’ તો કહે, ‘તલવાર.’ જડથો કહે, ‘તલવારનું શું કરીશ?’ તો કહે, ‘તલવારથી ગાદી લઈશ.’
બીજો આવ્યો. ‘તને સરસ્વતીમાતાએ શું આપ્યું?’ ‘બુદ્ધિ.’
‘બુદ્ધિનું શું કરીશ?’ તો કહે, ‘બુદ્ધિથી ગાદી લઈશ.’
ત્રીજો આવ્યો. ‘તને લક્ષ્મીમાતાએ શું આપ્યું?’ ‘ધન આપ્યું.’
‘ધનનું શું કરીશ?’ તો કહે, ‘ધનથી ગાદી લઈશ.’
સાંભળી જડથો નારદજીને કહે, ‘મેં તમારા પગ દાબ્યા, કંઈક તો આપો?’ નારદજીએ તેને ગેંડાની ચામડી આપી. કહે ‘લે, આ પહેરી લે.’ જડથો કહે, ‘આનાથી શું થશે?’ જવાબમાં નારદજી મરક મરક હસ્યા.
જડથાએ ગેંડાની ચામડી પહેરી લીધી. ચામડી તેના આખા શરીરે ચપોચપ બેસી ગઈ. આ જોઈ જડથાને બહુ હિંમત આવી ગઈ. તે પહેલાં પાસે ગયો. કહે, ‘ચાલ ગાદી પરથી ઊતર.’
પહેલાએ હથિયારોનો મારો ચલાવ્યો. પણ ગેંડાની ચામડી પર કંઈ અસર થાય? પહેલો હારી ગયો. જડથાએ ગાદી પચાવી પાડી.
પછી તે બીજા પાસે ગયો. બીજો કહે, ‘જડથા, ગાદી પર બેસવા માટે બુદ્ધિ જોઈએ.’ પણ જડથાના કાન ઉપર પણ ગેંડાની ચામડી. તેને કંઈ સંભળાય? બીજો બુદ્ધિપૂર્વકની દલીલો કરતો રહ્યો અને ગેંડાએ તેને ગાદી પરથી ગબડાવી પાડ્યો. પછી જડથો ત્રીજી ગાદી તરફ ચાલ્યો. લક્ષ્મીનો પૂજારી તો દૂરથી જ ચેતી ગયો. તે નાણાંનો વરસાદ વરસાવવા લાગ્યો. ‘લે લઈ લે તને આનું જ કામ છે ને? જોઈએ એટલાં નાણાં લે, પણ ગાદીથી દૂર જ રહે.’ પણ જડથો જેનું નામ! એ તો નાણાં લેતો જાય ને ગાદી પાસે આવતો જાય. છેવટે તેણે ત્રીજી ગાદી પણ પચાવી પાડી.
ત્યારથી કાળી, સરસ્વતી, અને લક્ષ્મીના પૂજારીઓ તો સમજી જ ગયા છે કે ગાદી પર બેસવું હોય તો ગેંડાની ચામડી હોવી જોઈએ! બોલો, તમે સમજ્યા કે નહીં?
•••
આવી વારતાઉં તો હાલતી જ રહેવાની! હંધીય વારતાઉં કામની ના પણ હોય! અટલે તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!