ત્રણ નવી ખુરશીકથાઓ

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 17th June 2015 02:41 EDT
 
 

સરસ મજાનાં પોચા ગાદી-તકિયે બેસીને ગુજરાતી કથાઓ કરાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ખુરશીને જ દેવતા ગણનારા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

પ્રાણીકથાઓ હોય, પરીકથાઓ હોય, અરે... સત્યનારાયણની કથા હોય તો ‘ખુરશીકથા’ કેમ ન હોય? ભલે કટકી પ્રસાદ મળે કે ન મળે. હે વાચક! આ ખુરશીકથાઓનું પઠન કરવાથી તને ફાયદો જ થશે!

ઈન્દ્રાણીનાં રૂસણાં

સંસારની રચના કરી નાખ્યા પછી આમેય બ્રહ્માજીને કંઈ કામ નહોતું એટલે આડે પડખે થઈને તેઓ આખો દિવસ ટીવી જોયા કરતા હતા. રિમોટ કંટ્રોલ વડે ચેનલો બદલી-બદલીને કંટાળેલા બ્રહ્માજીની આંખો મળી ગઈ હતી.

ત્યાં તેમની દાસીએ આવીને મીઠી નીંદરમાં ખલેલ પાડી.

‘બ્રહ્માજી, ઈન્દ્રાણી પધાર્યાં છે!’

બ્રહ્માજી આળસ મરડીને બેઠા થયા. આંખો ચોળીને દાઢી પર હાથ પસવારીને તેમણે બગાસું ખાતાં-ખાતાં દાસીને આદેશ આપ્યો, ‘મોકલો... અંદર મોકલો!’

ઈન્દ્રાણીજી પધાર્યાં.

‘અરેરે? આ શું?’ બ્રહ્માજી બોલ્યા, ‘નાક લાલચોળ છે, ભ્રૂકુટિ તંગ છે, હોઠ થથરી રહ્યા છે. ઈન્દ્રાણીજી, બહુ ગુસ્સામાં છો?’

‘મારું તો મગજ જ ઠેકાણે નથી!’ ઈન્દ્રાણીજી બોલ્યાં.

‘કેમ? શું થયું?’

‘કારણ કે મારા સ્વામી ઈન્દ્ર મહારાજ પોતાનું ઠેકાણું ભૂલ્યા છે!

‘જરા ફોડ પાડીને વાત તો કરો?’

‘ઈન્દ્ર મહારાજ મારા કક્ષમાં પધાર્યા ને મહિનાઓનાં વહાણાં વહી ગયાં છે. જ્યારે જુઓ ત્યારે તેઓ પેલી મૂઈ અપ્સરાઓને ત્યાં જ પડ્યાપાથર્યા હોય છે.’

‘ખરેખર?’

‘હાસ્તો વળી! સવારે મેનકા પાસે મુજરો કરાવે છે, બપોરે રંભા સાથે બ્રેક ડાન્સ કરે છે અને રાત્રે બધીયુંની હારે ડિસ્કો કરવા જાય છે!’ ઈન્દ્રાણીની આંખમાં આંસુ આવી ગયાં. ‘જાણે અમે તો આ દુનિયામાં છીએ જ નહીં!’

‘જરા ધીરજ રાખો ઈન્દ્રાણી, સમય જતાં બધું એની મેળે પાછું હતું એમનું એમ થઈ જશે.’ બ્રહ્માજીએ આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો.

‘ક્યાં લગી ધીરજ રાખું, બ્રહ્માજી? હવે તો તમે જ કંઈક ઉપાય કરો.’

‘હું? હું શું ઉપાય કરું?’ બ્રહ્માજી બોલ્યા.

‘તમારો અભરાઈ પર ચડાવેલો ચાકડો ફરી ઉતારો અને મારો ફરી વાર એવો ઘાટ ઘડી આપો કે મેનકા, રંભા અને ઉર્વશીના ડાંડિયા ડૂલ થઈ જાય. મને એવી સ્વરૂપવાન બનાવો કે મહારાજ ઈન્દ્રની નજર પળવાર માટે પણ બીજે ન ખસે!’

બ્રહ્માજીએ મંદ - મંદ સ્મિત કર્યું.

‘ઈન્દ્રાણીજી, પુરુષમાત્ર ભ્રમર હોય છે. એક ફૂલ છોડીને બીજા ફૂલ પર ભ્રમણ કરવું એ તેનો સ્વભાવ છે. આજે નહીં તો કાલે ફરી વાર તેઓ ચલિત નહીં થાય તેની શી ખાતરી? અને સમય જતાં તમે પ્રૌઢ થશો, મહારાજ ઈન્દ્ર પણ ઘરડા થશે ત્યારે શું?’

ઈન્દ્રાણી મૂંઝાયાં. ‘વાત તો તમારી સાચી છે, પરંતુ આ જગતમાં એવી કોઈ નારી છે જે તે પોતે ઘરડી થઈ જાય છતાં પુરુષમાત્રને આકર્ષી શકે? જુવાન તો ઠીક, પણ પંચ્યાશી કે પંચાણું વરસના બુઢ્ઢાને પણ પોતાના આકર્ષણમાં જકડી શકે એવી નારીનું સર્જન શક્ય છે ખરું?’

‘શક્ય છે! સો ટકા શક્ય છે!’ બ્રહ્માજીએ મંદ હાસ્ય કરીને કહ્યું.

‘તો પ્રભુ, મને ભાંગીને તમારા ચાકડે ચડાવીને મારામાંથી તેવી નારીનું સર્જન કરી આપો!’ ઈન્દ્રાણીએ કહ્યું.

‘તથાસ્તુ!’ બ્રહ્માજીએ આશીર્વચન ઉચ્ચાર્યાં.

અને પછી ઈન્દ્રાણીને પોતાના ચાકડા પર ચડાવીને બ્રહ્માજીએ ખુરશીનું સર્જન કર્યું!

તેત્રીસમી પૂતળીની વાર્તા

બત્રીસેબત્રીસ પૂતળીઓની માગણીઓ પૂરી કરવા માટે અનેક પરાક્રમો કરીને થાકી ગયેલો રાજા વિક્રમ આખરે સિંહાસન પર બેસવા આવ્યો.

ત્યાં જ એક તેત્રીસમી પૂતળી સિંહાસનમાંથી પ્રગટ થઈ. તેણે ત્રાડ પાડી, ‘ઠહરો! તુમ ઈસ સિંહાસન પર નહીં બૈઠ સકતે!!’

‘તું કોણ છે?’ રાજા વિક્રમ ચોંકી ગયો. ‘અને આમ હિંદી પિક્ચરનો ડાયલોગ કેમ ફટકારે છે?’

‘કારણ કે હું તમારા હિંદુસ્તાનની હિંદી ફિલ્મોની જ પૂતળી છું!’ તેત્રીસમી પૂતળી બોલી, ‘જ્યાં સુધી તું મારી શરત પૂરી નહીં કરે ત્યાં સુધી આ સિંહાસન પર નહીં બેસી શકે! અને જો બેસીશ તો સાતેય પેઢીનું નખ્ખોદ વળી જશે!’

‘ભલે!’ થાકેલો વિક્રમ બોલ્યો, ‘બોલ, તારી શું શરત છે?’

‘મારી એક જ શરત છે.’ તેત્રીસમી પૂતળીએ કહ્યું, ‘તું તારા રાજ્યમાં જઈને તારા માટે ફક્ત એક મત માગી લાવ!’

રાજા વિક્રમને થયું કે ‘આ તો સાવ સહેલું છે! એક મત? ફક્ત એક જ મત? એમાં શું ધાડ મારવાની છે? આ હમણાં ગયો અને હમણાં આવ્યો!’

પરંતુ રાજા વિક્રમ બહુ મોટા ભ્રમમાં હતા.

વિક્રમ પોતાના રાજ્યમાં ગામેગામ ફર્યો, ગલીએ-ગલીએ ઘૂમ્યો, શેરીએ-શેરીએ ભટક્યો, ઘેર-ઘેર જઈને એક મતની ભીખ માગી, પરંતુ તેને કોઈ કહેતાં કોઈએ પણ એક મત ન આપ્યો.

આખરે રાજા વિક્રમ થાકીને, હારીને પાછો સિંહાસન પાસે આવ્યો.

‘હે તેત્રીસમી પૂતળી! મારી મતિ ખરેખર મૂંઝાઈ ગઈ છે. બત્રીસ પૂતળીઓના કહેવાથી મેં કેટકેટલા પરાક્રમ કર્યાં. પાપીઓનો સંહાર કર્યો, નિર્દોષોના જીવ બચાવ્યા, ગરીબોને ધન આપ્યું, દુર્બળોને સહાય કરી, મારી પ્રજાના જાન-માલનું રક્ષણ કર્યું. અરે, આમ કરવા જતાં મેં ખુદ મારા જીવની પણ પરવા ન કરી... છતાં મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આજે મારી આટલી બધી પ્રજામાંથી મને એક પણ મત કેમ ન મળ્યો? મારી શું ભૂલ થઈ? હે તેત્રીસમી પૂતળી, મને સમજાવ કે મારાં પરાક્રમોમાં ક્યાં ઊણપ રહી ગઈ?’

જવાબમાં તેત્રીસમી પૂતળીએ મંદ-મંદ સ્મિત કર્યું અને કહ્યું, ‘હે મૂર્ખ રાજા વિક્રમ! તે બધું જ કર્યું, પરંતુ મત મેળવવાને લાયક થવા માટેનું એકમાત્ર કામ તેં હજી સુધી કર્યું જ નથી!’

‘શું?’

‘તેં ભ્રષ્ટાચાર નથી કર્યો!’ પૂતળીએ રહસ્ય ખોલ્યું.

બસ ત્યારથી રાજા વિક્રમ જરાય આઘું પાછું જોયા વિના ભ્રષ્ટાચાર કરવા નીકળી પડ્યો.

આજે, એટલે કે પૂરાં ૨૦૭૫ વર્ષ પછી રાજા વિક્રમના કમસે કમ બે કરોડ પંચોતેર લાખ વંશજો આ દેશમાં ભ્રષ્ટાચાર કરીને નાની-મોટી સાઈઝનાં અસંખ્ય સિંહાસનો પ્રાપ્ત કરીને સુખી જીવન જીવી રહ્યા છે!

સાત આંધળા અને એક અજાણ્યું પ્રાણી

એક ગામમાં સાત આંધળા રહેતા હતા.

એ જ ગામમાં એક કાણિયો પણ રહેતો હતો. હકીકતમાં તે કાણિયો નહોતો, પણ તેના ભેજામાં થોડી અક્કલ હતી એટલે બધા તેને કાણિયો કહેતા હતા.

એક દિવસ ગામના દરવાજે એક અજાણ્યું પ્રાણી આવ્યું.

‘આ શું આવ્યું?’ એમ કરતાં સાતે આંધળા ત્યાં ભેગા થઈ ગયા. અને વર્ષો પહેલાં જે રીતે એક હાથીનાં જુદાં જુદાં અંગો પકડીને તેમણે અટકળો કરેલી તે રીતે અટકળો કરવા લાગ્યા. પરંતુ આ પ્રાણી તો સાવ જૂદું જ હતું. છેવડે આંધળાઓને બહુ ગેડ ન પડી એટલે તેઓ પેલા કાણિયા પાસે ગયા.

‘એ કાણિયા, આ આપણા ગામને દરવાજે કયું પ્રાણી આવ્યું છે?’ બધાએ પૂછ્યું.

કાણિયાએ પટ્ટ દઈને જવાબ આપ્યો, ‘દાણા નાખી જુઓ! જો ચણે તો ચકલું, નહીંતર ઢોર!’

આંધળાઓને થયું, ‘ચલો, દાણા તો નાખી જોઈએ?’

એટલે બધા આંધળા અજાણ્યા પ્રાણી પાસે દાણા નાખવા લાગ્યા.

‘તું જરૂર બગલો હશે.’ પહેલા આંધળાએ અજાણ્યા પ્રાણીનો એક પગ પકડીને કહ્યું, ‘કારણ કે તારે પણ બગલાની જેમ એક જ પગ છે. તારે મારી સાથે જ દોસ્તી કરવી જોઈએ, કારણ કે હવે હું પણ તારી જેમ જ એક પગે ઊભો રહીને કોઈ પણ જાતનો ટેકો લીધા વિના તને પાંચ વર્ષ લગી સ્થિરતા આપીશ!’

‘ના ના. તું તો હંસ લાગે છે.’ બીજા આંધળાએ પ્રાણીના સુકાઈ ગયેલા પેટ પર હાથ મૂકીને કહ્યું, ‘કારણ કે અહીંથી બધું જ સાફ થઈ ગયેલું લાગે છે. તારે તો મારી જ મિત્રતા કરવી જોઈએ. જો હું પણ કેટલો સ્વચ્છ છું? હું દિવસમાં ચાર વાર સ્નાન કરું છું અને દિવસમાં દસ વાર બીજાઓને નવડાવી નાખું છું.’

આ સાંભળીને પ્રાણીની ખરબચડી બોચી પકડીને ઊભેલો આંધળો બોલી ઊઠ્યો, ‘અરે તું તો બળદ લાગે છે! અને તને રોજગારની જરૂર છે. ચિંતા ન કરીશ. હું તને ઘાણીએ ઘાલીને રોજ તેલ કાઢીશ.’

‘ડફોળ, આ બળદ નથી. આ તો ગાય છે!’ પ્રાણીને માથે પડેલી ટાલ પર હાથ ફેરવતાં ચોથો આંધળો બોલી ઊઠ્યો, ‘હે ગાય, હું તારે માટે એક મંદિર બંધાવીશ અને સવાર-સાંજ તારી આરતી ઊતારીશ!’

‘અરે છોડો... મિયાં? યે તો બકરા હૈ!’ પાંચમા આંધળાએ પ્રાણીની દાઢી પકડીને ચલાવ્યું, ‘બકરે, તૂ ફિકર મત કર! મૈં તેરે લિયે મસ્જિદ બનવાઉંગા. તુઝે ખિલાપિલા કર મોટા બનાઉંગા ઔર ફિર તુઝે હલાલ કરુંગા, તાકિ તૂ સીધા જન્નત મેં પહોંચ જાવે!’

‘ભાઈઓ, તમારી ભૂલ થાય છે. આ તો ભેંસ છે! જુઓને મને બધું કાળું કાળું જ દેખાય છે!’ છઠ્ઠા આંધળાએ ફૂટેલી આંખો પરનાં ગોગલ્સ સરખાં કરતાં કહ્યું, ‘આ ભેંસને પ્રાથમિક શિક્ષણ આપવાની જરૂર છે. અને તેની શરૂઆત હું આ ભેંસ આગળ ભાગવત વાંચીને કરીશ!’

‘અરે! આ તો ઘેટું છે!’ અત્યાર સુધી ગૂંચવાયા કરતો સાતમો આંધળો બોલ્યો, ‘ભાઈ ઘેટા, હું તારું દુઃખ સમજું છું. તને ટોળામાં રહેવાની અને કોઈ દોરે ત્યાં દોરાઈ જવાની ટેવ છે. પણ તું ચિંતા ન કરીશ, હું ઈટાલિયન ફિલ્મોની એક ઘરડી હિરોઈનને લઈ આવીશ. તેને જોવા માટે તારા જેવાં ઘેટાંનાં ટોળેટોળાં ઊમટી પડશે. પછી તને જરાય એકલું નહીં લાગે!’

ખેર, છેલ્લાં પચાસ વરસથી આ સાત આંધળાઓ અજાણ્યા પ્રાણી આગળ દાણા નાખ્યા કરે છે, પણ હજી સુધી તેઓ જાણી શક્યા નથી કે આ અજાણ્યું પ્રાણી કોણ છે અને તેને શું જોઈએ છે?

જોકે, હકીકત એ છે કે આ અજાણ્યું પ્રાણી કોણ છે અને તેને ખરેખર શું જોઈએ છે તે સૌ કોઈ જાણે છે. ફક્ત પેલા આંધળાઓ જ જાણવા નથી માંગતા!

•••

લ્યો, બોલો, બધું આમનું આમ છે. પણ ચિંતા કરો મા, તમે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter