બારેમાસ વેકેશન હોય એવા રૂપાળા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ક્યૂટ-ક્યૂટ ભૂલકાંવ! ઇન્ડિયામાં ભઠ્ઠી જેવા ઉનાળામાં સસ્તામાંનું વેકેશન શોધી રહેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ઇન્ડિયાની જાહેરખબરોમાં ગોવા ફક્ત ૨૮ હજારમાં! માલદીવી ટાપુઓ ફક્ત ૬૮ હજારમાં! સિંગાપર ફક્ત ૯૮ હજારમાં! આવું સાંભળીને પહેલા તો આપણને થાય કે આ બધું વેચવા કાઢ્યું? અને તે ય આટલા સસ્તામાં? પછી ખબર પડે કે બોસ, આ તો પેલી મોંઘી ફાઈવ સ્ટાર હોટેલમાં ફક્ત ત્રણ દિવસ અને બે રાત માટે પડી રહેવાનો ચાર્જ છે! (બીજી રીતે કહીએ તો ‘ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના’ ચાર્જ છે.) એમાં ખાયા પિયા ઉમેરો એટલે ફક્ત ૭૦ કલાકમાં ૭૦ હજારની ઊઠે! જેમને આ બધું પોસાય ન શકે તેમના માટે ખાસ રજૂ કરીએ છીએ સુખદ વેકેશનના કેટલાક સસ્તા શોર્ટ-કટ!
ફેમિલી અદલબદલ પ્રોગ્રામ
જેમ અમદાવાદ, વડોદરા, સુરત કે મુંબઈમાં વસતાં કુટુંબોને એમ થાય કે રજાઓમાં એકાદ અઠવાડિયું ગોવા, મહાબળેશ્વર કે ઉદયપુરમાં રહેવું જોઈએ. એમ ગોવા, મહાબળેશ્વર અને ઉદયપુરના કુટુંબોને પણ થતું તો હોયને કે ચાલો અમદાવાદ, વડોદરા કે મુંબઈમાં જઈને રહીએ!
તો આવો ફેમિલી અદલબદલ પ્રોગ્રામના સભ્ય બનો! અને તમારા મનગમતાં શહેર કે ગામમાં ‘ઘરની જેમ’ રહો! આ યોજનાના સરળ અને સુગમ નિયમો આ મુજબ છેઃ
(૧) ઘર ખાલી કરીને સોંપણી કરતાં પહેલાં તમામ કબાટો અને તિજોરીઓને તાળાં મારીને અમારી કંપનીમાં અધિકૃત સીલ મરાવવાનાં રહેશે.
(૨) ફર્નિચરની તોડફોડ, સોફાઓમાં ચીરા, ગોદડાંઓમાં ગાબડાં, ચાદરોની ચોરી, ટીવીમાં તકલીફ, ભીંતો પર આધુનિક ચિત્ર પ્રદર્શન, ટોઇલેટોમાં વીતેલા દિવસોની (સુ)વાસ, બલ્બ તથા ટ્યુબલાઇટ્સની ગેરહાજરી તથા પડોશીઓ સાથેના ઝઘડા જેવી તમામ ફરિયાદો જે તે સ્થળના સ્થાનિક પોલીસ સ્ટેશને કરવાની રહેશે. અમારી સંસ્થા આની કોઈ જ જવાબદારી લેતી નથી.
(૩) અઠવાડિયા માટે રહેવા આવેલા મહાબળેશ્વરના મહેમાન તમારો મુંબઈનો મહામૂલો ફ્લેટ પચાવી પાડે તો તેને ખાલી કરાવવા માટે યોગ્ય ‘સોપારી’ના વેપારીની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
(૪) અઠવાડિયાનો ચાર્જ ભરીને તે અઠવાડિયા દરમિયાન પેટા-ભાડૂઆત રાખી શકાશે નહીં.
(૫) અગમચેતીનાં પગલાંરૂપે ફક્ત અમદાવાદના રહેવાસી સભ્યોએ રૂ. ૧૦ હજારની ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. કારણ કે અમારી જાણ મુજબ ‘સગા બાપનોય ભરોસો ના કરાય’ એ કહેવતનો જન્મ અમદાવાદમાં જ થયો હતો.
‘ઘેરબેઠાં વેકેશન’ પેકેજ
સરકારી કર્મચારીઓ સિવાયના ૯૦ ટકા લોકો હજી એમ માને છે કે વેકેશન માણવા માટે ઘર છોડીને બીજે ક્યાંક જવું પડે છે. સરકારી કર્મચારીઓ આવું માનતા નથી, કારણ કે તેમને મન સરકારી ઓફિસ એ એક ‘રોજબરોજ જોવાલાયક સ્થળ’ છે અને તેઓ હાજરીપત્રકમાં સહી કરવાને બહાને ઓફિસમાં હવાફેર કરવા આવતા હોય છે.
છતાં જ્યારે તેઓ એકની એક હવા ખાઈને કંટાળી જાય છે ત્યારે એલટીસીનો ફાયદો ઉઠાવીને ‘ઘેરબેઠાં વેકેશન’ની મોજ માણે છે અને હવા ખાવાનાં સ્થળોની હવા ‘ખાઈ’ આવ્યાના પુરાવારૂપે ટુર ઓર્ગેનાઇઝરો પાસેથી ભળતી રસીદો રજૂ કરીને સરકારી નાણાં મેળવીને પછી ‘સસરાને ઘેરબેઠાં વેકેશન’ની મોજ માણતા હોય છે.
પરંતુ જે બિચારાઓ કમ્મરતોડ ખર્ચા કરીને ખરેખર બહારગામ ફરવા જઈ શકતા નથી તેમને માટે અમારી પાસે કેટલીક અદ્ભૂત યોજનાઓ છે.
• ફાઇવ સ્ટાર યાદગીરી યોજનાઃ તમે મોંઘીદાટ ફાઈવ સ્ટાર હોટેલોમાં ઊતર્યા હતા તેવી બડાશ મારવા માટેના સચોટ પુરાવા!
ફાઈવ સ્ટાર હોટેલોની ચમચીઓ, પ્લેટો, એશ-ટ્રે, સાબુની ગોટીઓ, નેપકિનો, ટુવાલો, બેગેજ સ્લિપો વગેરે તમે માગો તે હોટેલના મોનોગ્રામ સાથે મળશે.
સ્પેશિયલ ચાર્જ ભરવાની તૈયારી હોય તો આ હોટેલોનાં ખાણીપીણીનાં બિલો (સરખી રીતે બોલી પણ ન શકાય તેવાં અટપટાં નામોવાળી વાનગીઓના ઉમેરા સહિત) વાજબી કિંમતે મળશે.
• જોવાલાયક સ્થળોની સ્લાઇડ ટુરઃ ‘જીવ્યા કરતાં જોયું ભલું’ આ અમારો મુદ્રાલેખ છે.
માટે જ્યારે તમે ઉપરની યોજનાઓ હેઠળ તમારા વેકેશનના મજબૂત પુરાવાઓ એકઠા કરી લીધા હોય પછી એ બધી ચીજો પડોશીને બતાડતી વખતે ત્યાંનું વર્ણન કરતાં જવું બહુ જરૂરી છે.
આ માટે અમે એક આકર્ષક સ્લાઇડ શો તૈયાર કર્યો છે, જેમાં તમારી પસંદગીની પેકેજ ટુરમાં બતાડવામાં આવતાં તમામ સ્થળો તમે માત્ર ૧ કલાકમાં જોઈ શકો છો! (અને તે પણ બેઠાં બેઠાં!)
તમારી બડાશોમાં સચ્ચાઈનો રણકો આવે તે માટે તમે કઈ ટ્રેનમાં બેસીને, કયા સ્ટેશને ઊતરીને, કઈ બસમાં બેસીને, કયા ટટ્ટુને કેટલા રૂપિયામાં ભાડે કરીને, કેટલા વાગે ક્યાં પહોંચીને કયા મંદિરમાં કેટલા હજાર માણસોની લાઇનમાં ઊભા રહીને શેનાં દર્શન કર્યાં... અથવા ત્યાં કેટલા સેન્ટિગ્રેડ ઠંડી હતી અને સ્નોના ઘરમાં તમારાં બૂટ કેટલા ઇંચ ઊંડાં ઊતરી ગયાં હતાં તે તમામ ‘અગત્યની’ વિગતો દર્શાવતી એક રંગીન પુસ્તિકા અમારા સ્લાઇડ શો સાથે મફત મેળવો!
બસ, પછી તમારો પડોશી ઘસઘસાટ ઊંઘી ન જાય ત્યાં લગી આવી ‘અગત્ય’ની વિગતો સંભળાવીને એને બોર કરો!
યાદગાર પ્રસંગો કહેવાની ટ્રેનિંગ
મોટા ભાગના પ્રવાસીઓને પ્રવાસવર્ણન કરતાં આવડતું જ નથી હોતું. ‘આપણે ગયે સાલ ક્યાં ગ્યા’તા? બદ્રીનાથ... ના ના કેદારનાથ... હેં ચંચી આપણે ક્યાં ગ્યા’તા? હા, અમરનાથ! જો ચંચીને યાદ છે! તો અમરનાથ વખતે સું થ્યું કે અમે ધરમસાલાથી ટેક્સીમાં બેઠા ને પછી... ના ધરમસાલાથી તો બસ હતી.. ઓલ્યાં ક્યાંથી ટેક્સી કરી’તી? ને પછી ન્યાં ઓલ્યો પેલો કયો ઘાટ કે’વાય ચંચી? સાલું મને એનું નામ બરાબર યાદ નથી, પણ ઈ ઘાટ પર ચડતી વખતે હું ટટ્ટુ પર બેઠેલો ને ચંચી ડોળીમાં, ને પરેસ ને મુકેસ બીજા ટટ્ટુ પર... ને મેં ખાલી સ્વેટર જ પહેરેલું હોં! કારણ ચંચીને ટાઢ બઉ વાય અટલે એણે શાલેય ઓઢેલી ને મફલરેય બાંધેલું. કાં ચંચી? ને પરેસ ને મુકેસ હાટુ તો ઓલ્યાં ક્યાંથી જાલંધરથી ને? ના... બિયાસથી, ગરમ સૂટ લીધેલાને? તે... હા... હું સું કેતો’તો?... કે હા, લે! યાદ આઈવું હું ટટ્ટુ પર બેઠેલોને? તે એક વાર મારાથી નીચે ખીણમાં જોવાઈ ગયું...! તો મને તો ચક્કર આવી ગ્યા, બોલો!!’
આમાં ચક્કર આવી ગયાની વાત સિવાયની તમામ વાતમાં ‘ઘટનાતત્ત્વનો લોપ’ હોય એટલે આધુનિક ગુજરાતી વાર્તાની જેમ આમાં પણ આપણને ચક્કર આવી જાય!
પ્રવાસના યાદગાર પ્રસંગો કહીને છવાઈ જવું હોય તો અમારે ત્યાં પધારો! તમે નાયગ્રાના ધોધમાં કેવી રીતે ફસાયેલા, મદુરાઈની ધરમશાળામાંથી તમારો સામાન ચોરી જનાર ચોરને તમે કેવી રીતે પકડેલો અને એણે ફેંટ મારીને તમારા બે દાંત કેવી રીતે તોડી નાખેલા, સિંગાપોરમાં તમારો પાસપોર્ટ, વિઝા અને ક્રિડેટ કાર્ડ ચોરાઈ ગયા પછી તમે જેલમાંથી કેમ કરીને છૂટ્યા, એરપોર્ટ પર તમે કેવી સિફતથી તમારો માલ ‘અંદર’ કરી દીધો, કુંભમેળામાં તમારું આખું કુટુંબ એકબીજાથી કેવી રીતે છૂટું પડી ગયેલું અને પછી હિંદી ફિલ્મના અઢારમા રીલના ક્લાઇમેક્સ દૃશ્યોની જેમ તમારું કેવી રીતે પુનર્મિલન થયું... આવી સનસનાટીભરી દાસ્તાનો સંભળાવવાની ટ્રેઇનિંગ લો!
ખાસ નોંધઃ આવી દાસ્તાનો તમે જ્યારે તમારા પડોશીને ત્યાં ચા-નાસ્તો કરવા ગયા હો ત્યારે જ કરવી, જેથી નાસ્તાનો બીજો અને ત્રીજો રાઉન્ડ પણ આવી જાય! જો તમે તમારા ઘરમાં મહેમાનોને બોલાવીને આવી લાંબી લાંબી વાર્તાઓ માંડશો તો તમારે પોતે નાસ્તાના ત્રણ રાઉન્ડ કરાવવા પડશે!
રેડીમેડ ટુરિસ્ટ ફોટા યોજના
કોઈ પણ વેકેશનમાં બહાર ફરવા જવાનો મૂળ ઉદેશ તો તમારા પડોશીને તમારા ફોટાઓ બતાડીને તેને ઇર્ષ્યાની આગમાં જલાવવાનો જ હોય છે! પરંતુ આને માટે ખર્ચા કરીને ખરેખર બહારગામ જવાની કોઈ જ જરૂર નથી!
અમારા અતિ-આધુનિક કોમ્પ્યુટરાઇઝડ ફોટો સ્ટુડિયોમાં આજે જ પધારો! સ્પેશ્યિલ ઇફેક્ટસ અને ટ્રીક ફોટોગ્રાફી કરવા માટે છેક હોલીવૂડના સ્ટીવન સ્પીલબર્ગના સ્ટુડિયોમાં ટ્રેઇન થયેલા અમારા બાહોશ ફોટોગ્રાફરો તેમને અદલોઅદલ આવી તસવીરો પાડી આપશે.
તમારે ફક્ત આટલું જ કરવાનું છેઃ જુદા જુદા ડ્રેસીસ, સાડીઓ, સ્વિમ-સુટ્સ અને ચડ્ડીઓ તથા રંગબેરંગી ટોપીઓ લઈને સહકુટુંબ અમારા સ્ટુડિયોમાં આવીને ફોટા પડાવી જાઓ. પછી માત્ર એક જ સપ્તાહમાં તમને તમારા ‘ઓથેન્ટિક ટુરિસ્ટ ફોટાઓ’ મોકલી આપવામાં આવશે.
જેમ કેઃ તમે ભવ્ય તાજ મહેલ સામે તમારા ફેમિલી સાથે ઊભા છો, સાબુના સનસેટ પોઇન્ટ ઉપર તમે બગાસાં ખાઈ રહ્યા છો, કુતુબમિનાર પરથી તમે પ્રસન્નમુદ્રામાં નીચે પડી રહ્યાં છો.
પતાયાના પોપટને દાણા ખવડાવતા, સિંગાપોરની ડોલ્ફિનો સાથે ડાન્સ કરતા, કાશ્મીરના બરફ પરથી લપસીને ટાંટિયો ભાંગતા, ગોવાના દરિયામાં ગુલાંટ ખાતા, દીવની એરકન્ડિશન્ડ હોટેલના રૂમમાં પરસેવે રેબઝેબ થતા, ફાઈવ સ્ટાર હોટેલમાં ભોજનનું બે હજાર રૂપિયાનું બિલ હસતે મોઢે ચૂકવતા, તિરુપતિના મંદિરમાં રડતે મોઢે મૂંડન કરાવતા, નાસિકના વાંદરાઓને સરખે મોઢે મગફળી ખવડાવતા તથા માલદીવના દરિયામાં વોટર સ્કિઇંગ કરતાં ઊંધે મોઢે પછડાતા.... આવા અનેક મનગમતા ફોટા અમારી સ્પેશિયલ ટ્રીક ફોટોગ્રાફીને પ્રતાપે મેળવી શકશો!
જલદી કરો! દરેક ફોટાની કિંમત માત્ર રૂ. ૪૯.૫૦! છત્રીસ ફોટા પડાવનારને એક આલબમ મફત!!
રેડીમેડ યાદગારી-વસ્તુ યોજના
અંબાજીનું કંકુ, ગોવાનાં કાજુ, મહાબળેશ્વરની ચીકી, આગ્રાનો હાથીદાંતનો તાજ મહેલ, બેંગલોરનું સુખડનું અગરબત્તી-સ્ટેન્ડ, મદ્રાસના ઇમ્પોર્ટેડ બજારનું ઇલેક્ટ્રિક શેવર, સિંગાપુરનો ઓટોમેટિક કેમેરા, કન્યાકુમારીના દરિયાનાં છીપલાં, નેપાળનું અડધી બાયનું સ્વેટર, ત્રિવેણી સંગમનું ગંગાજળ, મથુરાની શક્તિપીઠના યજ્ઞની રખિયાં... આવી ઝીણી ઝીણી વસ્તુઓ લાવવા માટે હવે છેકત્યાં સુધી લાંબા થઈ થઈને તૂટવાની કોઈ જ જરૂર નથી!
અમારે ત્યાંથી આ તમામ વસ્તુઓ ઓરિજિનલ હોવાની ગેરંટી સાથે અત્યંત વાજબી દામથી મળશે! કિંમત માત્ર ૯ રૂપિયા ૫૦ પૈસાથી માંડીને ૯૯ રૂપિયા ૯૯ પૈસા!!
અને આ ખરીદી કરવા માટે અમારી ઓફિસની જાત્રા કરવાનીયે જરૂર નથી. ફક્ત ૩૫ રૂપિયાનો મનીઓર્ડર કરીને આ તમામ વસ્તુઓના રંગીન ફોટાવાળું સચિત્ર કેટલોગ મગાવો અને ઘેરબેઠાં ઓર્ડર આપો!
ખાસ નોંધઃ અમરનાથના મંદિરનો પ્રસાદ બરાબર ૪૫ દિવસનો વાસી થઈ ગયેલો હોય તેવો જ લાગશે તેની ગેરંટી!!
લ્યો ત્યારે, અમારાં દેશી વેકેશનો તો આવાં જ રહેવાનાં. પણ તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!