હાઈ-ફાઈ દેશમાં હાઈ-ફાઈ કોર્સ કરીને પેટિયું રળતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ભણ્યા વિના જ કમાવાનો કોર્સ કરી ચૂકેલાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
મહાન શિક્ષણકારોની હંમેશા એ ફરિયાદ રહી છે કે આજનું શિક્ષણ વ્યવસાયલક્ષી નથી રહ્યું. પુસ્તકિયું જ્ઞાન અને જીવનની વાસ્તવિક્તા વચ્ચે આભ-જમીનનું અંતર છે. તો લો, હવે એ અંતરને દૂર કરતા કેટલાક તદ્દન નવા કોર્સ હાજર છે!
અરજી-એપ્લિકેશન કોર્સઃ
ગડબડિયા અક્ષરોવાળી, ખોટી જોડણીવાળી અને કઢંગી વાક્યરચનાઓ વાળી અરજીઓ તો કચરાપેટીમાં જાય જ છે, પરંતુ જે અરજી સાથે ૪૦ ટકા અને ૪૫ ટકાવાળી માર્કશીટોની ઝેરોક્સ હોય તે અરજીઓ પણ કચરાટોપલીને શરણ થાય છે.
અરજી કેવા કાગળ પર કરવી? કયા ફોન્ટમાં ટાઈપ કરવી? સાથે ૮૦ ટકા અને ૮૫ ટકા માર્કવાળી માર્કશીટોની ઝેરોક્સ બીડીને ઈન્ટરવ્યુ કોલ કેવી રીતે મેળવવો? ઈ-મેઈલ વડે ઓન-લાઈન નકલી બાયોડેટા શી રીતે એટેચ કરવો?
આવો, આ પાંચ દિવસના સ્પેશ્યલ કોર્સમાં જોડાઓ અને મોટી-મોટી કંપનીઓની મોટી-મોટી પોસ્ટ માટે જાજરમાન અરજીઓ કરી આવવા-જવાના ભથ્થા સહિતના ઈન્ટરવ્યુ કોલ મેળવો! યાદ રહે, પ્રવાસભથ્થું મહત્ત્વનું છે, નોકરી નહીં!! નોકરી મળે કે ન મળે, નવાં નવાં શહેરોમાં પારકે પૈસે ફરવા તો મળશે જને?
ખાસ નોંધઃ આ કોર્સમાં પ્રવેશ માટેની અરજી તો હાથેથી જ લખેલી જોઈશે અને કોઈ પ્રવાસભથ્થું આપવામાં આવશે નહીં.
લાગવગ/ઓળખાણ ભલામણપત્ર પ્રાપ્તિ કોર્સઃ
છતાં જો નોકરી મેળવવી જ હોય તો લાગવગ, ઓળખાણ અને ભલામણપત્રો જોઈશે. લાગવગ કેવી રીતે લગાડવી? ઓળખાણ કેવી રીતે કાઢવી? સાહેબના સાળાની સળોતરીના મામાના પડોશીના બાબા જોડે રેલવે પ્લેટફોર્મ પર એક વાર ચા પીધી હતી તે ઓળખાણનો કેવી રીતે ઉપયોગ કરવો?
સાહેબના પટ્ટાવાળાને ફોડીને સાહેબની મિસિસની વિવિધ સગાઈઓ કેવી રીતે ખોળી કાઢવી? જિલ્લાના ધારાસભ્ય, શહેરના કોર્પોરેટર કે ગામની પંચાયતના પ્રમુખની પરમેનન્ટ ભલામણ ચિઠ્ઠી અથવા કેરેક્ટર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું?
આ તમામ અટપટા દાવપેચનું પદ્ધતિસરનું પ્રશિક્ષણ અનુભવી લાગવગીઆઓ દ્વારા...
જલદી કરો! પ્રથમ ૫૦ વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ભલામણપત્રો મફત!!
ખાસ નોંધઃ અરજી કરનારે ઓછામાં ઓછી બે ઓળખાણ અને ત્રણ ભલામણપત્રો આપવાનાં રહેશે.
લાંચ લેવા/આપવાનો સંપૂર્ણ કોર્સ (પ્રેક્ટિકલ્સ સાથે)ઃ
નોકરી મેળવ્યા પહેલાં અને નોકરી મળી ગયા પછી આ દેશમાં જીવતા રહેવું હોય તો આ કલા હસ્તગત કરવી અનિવાર્ય છે. લાંચ કેવી રીતે આપવી? ટેબલ નીચેથી આપવી કે ટેબલ ઉપરથી? મીઠાઈના ડબ્બામાં મૂકીને આપવી કે ગ્રીટિંગ કાર્ડ સ્ટેપલ કરીને આપવી? પટ્ટાવાળાને આપવી કે સાહેબનાં મિસિસને આપવી? રોકડામાં આપવી કે ભેટસ્વરૂપે આપવી? પંચાયત કક્ષાથી માંડીને રાષ્ટ્રીય કક્ષા સુધી ચાલતી વિવિધ લાંચપદ્ધતિઓની સંપૂર્ણ છણાવટ દેશનાં સુપ્રસિદ્ધ વિશેષજ્ઞો દ્વારા! રૂ. ૫૦૦૦ એકસ્ટ્રા ભરનાર વિદ્યાર્થીને તેના જ પૈસા વડે લાંચ આપવાનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બિલકુલ મફત!
ખાસ આકર્ષણઃ કોર્સના અંતિમ દિવસે સુપ્રસિદ્ધ કૌભાંડી નેતા શ્રી સુખરામ ખાસ લેક્ચર આપવા પધારશે.
ખાસ નોંધઃ પ્રવેશપત્રની કિંમત બે રૂપિયા છે. જે ૧૦૦ રૂપિયાની લાંચ આપવાની મળી શકશે.
પ્રેમપત્રો લખો અને પૈસા કમાઓ!
કમનસીબે પરીક્ષામાં સારા માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ માટે આજકાલ વધારાની કમાણીના કોઈ રસ્તાઓ રહ્યા જ નથી. ગ્રૂપ ટ્યૂશનની ‘વેકેશન બેચો’ હોંશિયાર વિદ્યાર્થીઓને જે આવડે છે એનું એ જ ભણાવીને છેતરવાના ધંધા કરે છે.
આજના હોંશિયાર વિદ્યાર્થીઓ માત્ર બીજાની પરીક્ષામાં ડમી તરીકે બેસીને જ કમાણી કરી શકે છે. જોકે ઘણા બોચિયા વિદ્યાર્થીઓને આ પદ્ધતિ જોખમી લાગે છે.
પરંતુ ચિંતા ન કરો બોચિયાઓ! તમારે માટે પ્રસ્તુત છે આ ‘પ્રેમપત્ર લેખનનો સ્પેશ્યલ કોરસ્પોન્ડસ કોર્સ!’ તમારા રોમેન્ટિક મિત્રોને તમે કવિતા-શાયરીઓથી ભરપૂર આલંકારિક પ્રેમપત્રો લખી આપીને ઘેરબેઠાં કમાણી કરી શકો છો.
ખાસ ભેટઃ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ‘૫૦૧ ફિલ્મી શાયરીઓ’ તથા ‘૧૦૧ પ્રેમપત્રો’ આ બે પુસ્તકો ભેટ આપવામાં આવશે!
ખાસ નોંધઃ અરજી ગુલાબી કાગળ પર જ કરવી. અરજી ઉપર ગુલાબનું અત્તર છાંટવું. સાથે એક ગુલાબનું ફૂલસાઈઝ ફૂલ બીડવું અનિવાર્ય છે. સસ્તા મોગરાની કળી ચાલશે નહીં.
પેપર ફોડવાની તાલીમઃ
આ એક અત્યંત ઉચ્ચ કક્ષાનો ‘માસ્ટર્સ કોર્સ’ છે, જેમાં માત્ર ૧૦ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે. જે ઉમેદવાર એ શોધી લાવશે કે (૧) આ કોર્સ ક્યાંથી ચલાવવામાં આવે છે? (૨) એના સંચાલકો કોણ છે? અને (૩) દરેક સિઝનમાં તેઓ કેટલા રૂપિયાની રોકડી કરી નાખે છે? તેમને જ આ માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ મળશે.
ખાસ અનેરું આકર્ષણઃ આમાં પ્રવેશ ફી એક પૈસો પણ નથી! (કારણ કે અમને પોતાને આવા બાહોશ ‘કારીગરો’ની તાત્કાલિક જરૂર છે.)
સ્પેશ્યલ ઈન્સેન્ટિવઃ પ્રવેશ પામનાર સદભાગી ઉમેદવારોને આ સિઝનમાં પેપર તપાસનાર પરીક્ષકોનાં નામ-સરનામાંની યાદી મફત!
‘બ્લેક એન્ડ વ્હાઈટ’ નામા-પદ્ધતિઃ
એ તો હવે જગજાહેર હકીકત છે કે આજકાલ દરેક ઓફિસમાં બે જાતના ચોપડા રાખવામાં આવે છે. એક ‘બ્લેક’ અને એક ‘વ્હાઈટ’, પરંતુ કોલેજોમાં અપાતું શિક્ષણ ‘બ્લેક’ ચોપડાઓ માટે પૂરતું નથી હોતું.
આંકડાઓના એડ્જસ્ટમેન્ટ્સ કેવી રીતે કરવા? નફામાં ખોટ કેવી રીતે બતાડવી? કરપાત્ર રકમને બિન-કરપાત્ર કેવી રીતે બનાવવી? કેટલી રકમનાં વાઉચરો ફાડી શકાય? નકલી બિલો કેવી રીતે પેદા કરવા? વગેરે જેવા સામાન્ય પ્રશ્નોથી માંડીને ઈન્ટરનેશનલ હવાલા પદ્ધતિ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં ઓવરબિલિંગ, અન્ડર ઈનવોઈસિંગ તથા સ્વિસ બેન્કોની કાર્યપદ્ધતિ જેવા ગહન વિષયોનું પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવશે.
અનોખી ભેટયોજનાઃ પ્રવેશ ફીની પૂરેપૂરી રકમ ‘વ્હાઈટ’માં ભરનારને આધુનિક હવાલા ડાયરીના નવા સાંકેતિક ‘કોડ’ તથા ‘રેડ’ પડે ત્યારે શું કરવું? આ બે બહુમૂલ્ય પુસ્તિકાઓ ભેટ!
ફેંકમફેંક સંભાષણ તાલીમ કેન્દ્રઃ
માત્ર ચાર સપ્તાહના આ સરળ કોર્સને અંતે તમે ભલભલા ભારાડીઓને તમારી વાક્છટાથી આંજી શકશો!
પાનના ગલ્લે ઊભા રહીને ૧૨૦નો મસાલો ખાતાં ખાતાં ‘આપણને તો ધીરુભાઈ સાથે ઘર જેવા સંબંધો છે...’ અથવા ‘કરસનભાઈ પટેલ આપડા ખાસ ભઈબંધ, હોં? એ સાઈકલ પર ફરી ફરીને વોશિંગ પાઉડર વેચતા’તાને? એ સાઈકલ આપડી હતી બોસ!’ આના જેવી પ્રાથમિક ફેંકમફેંકી કરતાં શીખો.
બીજાની એરકંડિશન્ડ કેબિનમાં બેસીને તેના જ ફોન ઉપર ગાંધીનગરના નંબરો જોડો, પછી લાઈન બીઝી હોવાનો દેખાવ કરીને ચલાવો કે, ‘બાપુ સાથે કાલે જ ફોન પર વાત થઈ ગઈ છે. પરમ દિવસે આપડે ઘરે જમવા આવવાના છે. બોલો, તમારું પતાઈ આપું?’ આ પ્રકારની ઊંચી ફેંકમફેંકની તાલીમ મેળવો.
એલિમેન્ટરી/ઈન્ટરમિડીએટ પોલિટિક્સઃ
ક્લાસના મોનિટર કેવી રીતે બનવું? કોલેજમાં જી.એસ.નું ઈલેક્શન કેવી રીતે જીતવું? ઓફિસમાં સાહેબોની મસ્કાબાજી કરીને પ્રમોશન કેવી રીતે મેળવવું? સરખી રીતે કામ કરતા કર્મચારીને કેવી રીતે ફસાવી મારવો? તથા હરીફ કર્મચારી વિરુદ્ધ સતત કાનભંભેરણી કેવી રીતે કરવી? વગેરે પ્રાથમિક તથા માધ્યમિક રાજકારણના ૧૦૧ દાવપેચોની તાલીમ મેળવો.
ખાસ નોંધઃ આ કોર્સમાં માત્ર નાનું અને પરચૂરણ પોલિટિક્સ શીખવવામાં આવે છે. મોટું અને જથ્થાબંધ પોલિટિક્સ જો અમને આવડતું હોત તો અમે પોતે જ મિનિસ્ટરો ન બની ગયા હોત?
•••
લ્યો હાલો, તમારે તો કોઈ કોર્સ કરવા નથી પછી શું ચિંતા, હેં? એટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!