મૂહૂર્ત, કુંડળી અને શુકન-અપશુકન વિનાના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં અમારી તમામ નિષ્ફળતામાં ગ્રહોનો દોષ શોધતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!
એક ભાઈ છેલ્લાં દસ વરસથી નોકરીમાં ટીચાયા કરે છે, છતાં પ્રમોશન તો છોડો, સરખું ઇન્ક્રિમેન્ટ પણ મળતું નથી. ભાઈએ જાતજાતના જ્યોતિષીઓને બતાડીને ભાતભાતના ગ્રહોને રીઝવવા માટેના અનેક નુસખા કર્યા, છતાં એની હાલત એવી ને એવી જ છે. એ ભાઈ જો મને મળ્યા હોત તો હું એમને કહેત કે ‘ભાઈ! તને રાહુ, કેતુ કે શનિ નથી નડતો. તને તારો બોસ નડે છે!’ આજકાલ નવા જમાનાના માનવીને નડતરૂપ બનવા માટે હવે નવા નવા ગ્રહો મેદાનમાં આવી ગયા છે...
છોકરી નામનો ગ્રહ
કુંડળીમાં ભલે મંગળ નીચેનો હોય, રાહુ વિપરીત સ્થાને હોય કે શનિ મહારાજની પાઘડીનો પનો ટૂંકો હોય, ગ્રહોના કુંડાળામાં ભલે છોકરી નામની કોઈ ચીજ ન હોય, છતાં દુનિયામાં કોઈ માઈનો લાલ એવો નથી કે જેનો પગ ‘છોકરી’ નામના ગ્રહના કુંડાળામાં ન પડ્યો હોય!
છોકરી નામનો આ ગ્રહ દેખાવે સુંદર છે, પણ સ્વભાવે ભયંકર છે. જાતકને પોતાના આકર્ષણની જાળમાં ફસાવીને કરોળિયાની જેમ તેનું જીવતેજીવ લોહી પી જાય છે! અને મજાની એ વાતની છે કે જાતક સામે ચાલીને આ ગ્રહના કુંડાળામાં પગ મૂકવા માટે તલપાપડ હોય છે.
•••
જાતક જો નિશાળનો છોકરો હોય તો તેને દુનિયાની ભૂગોળને બદલે આ ગ્રહની ભૂગોળમાં વધારે રસ પડવા લાગે છે. ગુજરાતીની નોટમાં તે અંગ્રેજીમાં I Love You ચીતર્યા કરે છે અને ગણિતની નોટમાં પ્રેમના સમીકરણો માંડે છે. ભૂમિતિની નોટમાં તે હૃદયમાં તીર ભોંકાતું હોય તેવી વૈજ્ઞાનિક આકૃતિઓ દોરતો હોય છે અને વિજ્ઞાનના પ્રેક્ટિકલ્સ દરમિયાન તે પોતાના પ્રેમના પ્રયોગો કરવા માટે સામગ્રી શોધતો હોય છે. છોકરી સ્કૂલના ઝાંપામાં આવતી દેખાય તો તેને આઈ.એમ.પી. આવતી જણાય છે અને ટ્યૂશન ક્લાસિસમાં ગમતી છોકરી જોડે બેસવા ન મળે તો ‘ખાલી જગ્યાઓ’ ખોડી પડે છે!
•••
યુવાનીમાં પ્રવેશેલા જાતકના જીવનમાં જ્યારે આ ગ્રહ પ્રવેશે છે ત્યારે જાતકના જીવનમાં ધરખમ ફેરફારો થવા લાગે છે. અરીસા સામે પહેલાં દોઢ મિનિટ પણ ન ટકી શકતો જાતક દોઢ દોઢ કલાક લગી અરીસાનું નિરીક્ષણ કરે છે. જાતકને પોતાના પ્રતિબિંબમાં ચમત્કારિક રીતે હૃતિક રોશન, શાહરુખ ખાન અને સલમાન ખાનનાં દર્શન થવા લાગે છે. હીરો જેવા મસલ્સ બનાવવા જતાં તેના સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને મોટરસાઈકલ વડે ‘રોલો’ પાડવા જતાં તેના બાપાનું ખિસ્સું ખેંચાઈ જાય છે!
•••
છોકરીના કુંડાળામાં પડેલા પ્રૌઢ વયના જાતકની હાલત સૌથી વધુ દયાજનક થઈ જાય છે. વધેલી ફાંદ પર ભડકીલા રંગના શર્ટ પહેરવાને લીધે તે જોકર જેવો દેખાય છે અને સફેદ વાળને કાળા કર્યા પછીના પંદરમા દિવસે જ્યારે વાળનાં મૂળિયામાં એક સેન્ટિમીટર લાંબી ‘સફેદી’ ઊગી નીકળે છે ત્યારે તે ઝેબ્રા ક્રોસિંગ જેવો લાગે છે! ‘ફોર્ટી-પ્લસ’ થઈ ગયો હોવા છતાં ‘થર્ટી-પ્લસ’ની ગોળીઓ ખાય છે અને યુવાની છટકી ગયા છતાં ‘યૌવનના ઘોડાપુર’વાળી દવાઓનાં ચાટણ ચાટવા લાગે છે!
•••
એક ભાઈ પિસ્તાલીસને આરે આવી ગયા છતાં પરણવાનો કોઈ મેળ નહોતો પડતો. મને કહે, ‘બોસ, શું નસીબ છે? છોકરી જ નથી મળતી! ઘણા જ્યોતિષીઓને બતાડ્યુ. કોઈ કહે છે કે મંગળ નડે છે, કોઈ કહે છે કે રાહુ નડે છે.’
મેં તરત જ પરખાવ્યું, ‘લગ્નની આડે તમને છોકરી જ નડે છે, બોસ! છોકરીને બદલે કોઈ પ્રૌઢા કે વૃદ્ધા શોધવાનું કરો, પૈણી જશો!’
નોકરી નામનો ગ્રહ
નોકરી નામના ગ્રહને રિઝવવાનો કોન્ટ્રાક્ટ કહો તો કોન્ટ્રાક્ટ અને એજન્સી કહો તો એજન્સી આજકાલ ખુદ સરકારે જ લઈ લીધી છે!
આ ગ્રહને રિઝવવા માટે સરકારે મોટાં-મોટાં મંદિરો બાંધ્યા છે જેને બેકાર યુવાનો ‘એંપ્લોમેંટ એક્ષચેન’ કહે છે. કહેવાય છે કે આ મંદિરોમાં પૂજારી તરીકે નોકરી મેળવવા માટે પણ ‘એંપ્લોમેંટ એક્ષચેન’માં તમારી કુંડળી નોંધાવવી પડે છે.
નોકરી નામના ગ્રહને રિઝવી આપનારા પૂજારીઓ ફક્ત આ મંદિરમાં નહીં, દરેક સરકારી ઓફિસોમાં હાજર હોય છે. મંદિર કરતાં અહીંનો રિવાજ જરા ઊંધો છે. અહીં પહેલાં ‘પ્રસાદ’ ધરાવવો પડે છે પછી જ ‘ભોગ’ ઝાપટવાના ચાન્સ ઊભા થાય છે.
રાજ-રજવાડાના જમાનામાં આ ગ્રહ ફક્ત ઉચ્ચ વર્ણના લોકો પર જ મહેરબાન રહેતો હતો, પરંતુ કાળક્રમે આ ગ્રહની ચાલ હવે વક્રી થતાં તે પછાત જાતિ, પછાત જનજાતિ અને ભટકતી જનજાતિના જાતકોને વિશેષ ફળ આપનારો આપ્યો છે.
•••
જાતકનો નોકરી-ગ્રહ પ્રાઇવેટ ભુવનમાં હોય કે સરકારી ભુવનમાં, જાતક પર તેનો પ્રભાવ એક બાબતમાં સરખો હોય છે. તે ઘડિયાળ જોતો થઈ જાય છે!
મકાનોની જેમ નોકરીઓ પણ મોકાની જગ્યાએ હોય છે! આવી જગ્યાઓ પર પગારનું મહત્ત્વ ઘટી જાય છે અને ‘મોકા’ઓનું મહત્ત્વ વધી જાય છે.
નોકરી નોકરીની જગ્યાએ સારી છે અને છોકરી છોકરીની જગ્યાએ સારી છે, પરંતુ જે જાતક ‘નોકરી કરતી છોકરી’ની ગ્રહદશામાં સપડાય છે તેની હાલત કફોડી થઈ જાય છે!
પતિ નામનો ગ્રહ
‘દોસ્ત, હું જોઉં છું કે તું રોજ રાત્રે દારૂ પીએ છે, મોડી રાત સુધી બહાર ભટક્યા કરે છે, તારાં કપડાં લઘરવઘર હોય છે અને તું હંમેશાં ચિંતામાં જણાય છે. એનું કારણ શું?’
‘કારણ કે હું પરણેલો નથી, પણ દોસ્ત તારું પણ મારા જેવું જ છે. તું મોડી રાત સુધી બહાર ભટકે છે, તારાં કપડાં લઘરવઘ હોય છે અને તું પણ હંમેશાં ચિંતામાં હોય છે!’
‘કારણ કે હું પરણેલો છું!’
•••
પત્ની નામના જાણીતા અને ખતરનાક ગ્રહ વિશે તજજ્ઞોએ (ખાસ કરીને પરણેલા તજ્જ્ઞોએ) થોથાંના થોથાં ભરીને લખ્યું છે, પરંતુ પતિ નામના નિર્દોષ અને નિરુપદ્રવી ગ્રહ વિશે ઘણું ઓછું લખાયું છે.
પતિ નામનો ગ્રહ દેખાવે સૂરણની ગાંઠ જેવો અડીખમ હોય છે, પરંતુ સ્વભાવે બાફેલા બટાકા જેવો પોચકો હોય છે. આ ગ્રહ ‘લેંઘાનું નાડું તૂટી ગયું છે.’ જેવા સાવ મામૂલી કારણોસર તપીને લાલચોળ થઈ જાય છે, પરંતુ ‘હાય હાય! મારો સોનાનો અછોડો ચોરાઈ ગયો છે!’ જેવા મોટા પ્રસંગે અકલ્પનીય શાંતિ રાખતો હોય છે.
આ ગ્રહના આગ્રહો વિચિત્ર હોય છે. તેમની દાળમાં મીઠું નહીં હોય તો ચાલશે, પણ બૂટ-મોજાં કે રૂમાલ ઠેકાણે નહીં હોય તો આતંક મચાવી મૂકશે!
પોતાના પગારમાંનું અડધોઅડધ બજેટ પત્ની સાડીઓમાં ખર્ચી નાખે તો એક અક્ષર પણ નહીં બોલે, પણ અરુણ જેટલીએ દેશનું બજેટ કેવી રીતે બનાવવું જોઈએ એ વાત પર બે કલાક ભાષણ ઠોકશે!
આ ભોળા ગ્રહને રિઝવવો બહુ જ સહેલો છે. રવિવારે સવારે ગરમાગરમ ચા સાથે હૂંફાળા બટાકા-પૌંઆનો ભોગ ધરાવવાના બદલામાં તે સાંજે હોટેલમાં જમાડવાનું વચન આપી બેસે છે!
ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, કૂકર કે માઇક્રોવેવ ઓવન જેવી વસ્તુઓ કે જેને તે દિવસમાં એકાદ વાર અડવા પણ નથી પામતો તેવી વસ્તુઓને પ્રાપ્ત કરવાના ચક્કરમાં તે આખો દિવસ ઘરની બહાર ભટકતો ફરે છે અને પગારવધારો કે પ્રમોશન જેવી ભ્રામક વસ્તુઓ કે જેનાથી તેની દોડધામ ઓર વધવાની છે તે મેળવવાનાં સપનાં જુએ છે!
ગ્રહ અભી ઔર ભી હૈં
જેમ કે, બોસ નામનો ગ્રહ તમને ફક્ત ‘નડે’ છે એવું નથી, તે ‘કનડે’ છે!
કેટલાક લોકોને રાહ કે કેતુ ન નડે એટલું રેલવે ફાટક નડતું હોય છે!
ચાલો, માની લઈએ કે લોકોને મરી ગયેલા માણસોના પ્રેતાત્મા નડતા હોય છે, પરંતુ તમે જોજો, લેન્ડલાઈનમાં ડેડ ટેલિફોન કરતાં જીવતો ટેલિફોન વધુ કનડગત કરતો હોય છે!
આખા બ્રહ્માંડમાં સૌથી ઓછો વગોવાયેલો ગ્રહ કયો છે, ખબર છે?
પૃથ્વી! કારણ કે જ્યોતિષીઓ પૃથ્વીને ગ્રહ જ નથી ગણતા!!
લ્યો, ઇન્ડિયામાં આવું ને આવું જ હાલવાનું! એટલે તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!