નવી મોસમનાં નવાં કૌભાંડ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 30th March 2016 09:28 EDT
 
 

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

કૌભાંડો કરવાં એ અમારો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યોગ છે. પણ કૌભાંડોમાં વરાયટી ઘટતી જાય છે. છેલ્લા કેટલાક વરસથી લાલુ યાદવ અને જયલલિતાએ પણ કૌભાંડમાં કોઈ નવી તરાહ ઊભી કરી નથી, પરંતુ આવનારાં પાંચ વરસોમાં અમે સૌ કેવાં કૌભાંડો કરીશું?

કીડીને કણ કૌભાંડ

જે લોકો દુકાળનાં માર્યા મૂંગાં ઢોરનો ઘાસચારો ખાઈ જઈ શકે તેમને કીડીનો કણ ખાઈ જવામાં શરમ શાની?

કીડીને કણ ખવડાવવાની એક રાજ્યવ્યાપી યોજના પર્યાવરણ સુરક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવશે. આપણા નવા ચૂંટાયેલા મહાન નેતા કીડીને કણ ખવડાવતા હોય તેવા ફોટા પડાવવા માટે લાખોના ખર્ચે મોટી મોટી સભાઓ ગોઠવશે અને પછી નેચરલી, એ કણ પોતે જ ખાવા લાગશે!

શુદ્ધ હવા કૌભાંડ

જેવી રીતે ગંગા નદીના પાણીને શુદ્ધ કરવાનો પ્રોજેક્ટ છેક રાજીવ ગાંધીના જમાનાથી શરૂ થયેલો અને હજી ચાલી રહ્યો છે, છતાં ગંગાનું શુદ્ધ પાણી એ નામના મિનરલ વોટરના પાઉચમાં પણ મળતું નથી! એ જ રીતે હવે મહાનગરોની હવાને શુદ્ધ કરવાના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે.

‘હાથ ધરવામાં આવશે’ એનો મતલબ એમ નથી કે હવા શુદ્ધ થવા માંડશે! પહેલાં તો હવા શુદ્ધ કરવાના પ્રોજેક્ટોની જોરશોરથી જાહેરાતો થશે. પછી એવો પ્રચાર શરૂ થશે કે બીજાં રાજ્યો ગુજરાતમાં આવો પ્રોજેક્ટ થાય તેનાથી જલે છે અને પોતાનાં રાજ્યોની ગંધાતી હવા ગુજરાતમાં ધકેલી રહ્યાં છે. પણ ‘પાંચ કરોડ ગુજરાતીઓ હવે સાંખી નહિ લે’ એવી ચેલેન્જો સાથે શુદ્ધ હવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે!

પછી શું થશે?

હવે સમજી જાઓને, શુદ્ધ હવા પ્રોજેક્ટની કમાણીમાંથી આપણા નેતાઓ પોતાના બંગલાઓમાં શુદ્ધ હવા ‘ખાતાં ખાતાં’ ખૂબ જ પરસેવો પાડી રહ્યા હોવાનો દેખાવ કરશે!

પછી જતે દહાડે શુદ્ધ હવા માટે બનાવાયેલું ખાસ કોર્પોરેશન અબજો રૂપિયાની ખોટ કરતું થઈ જશે. છેવટે ખાનગી કંપનીઓને બજારમાં શુદ્ધ હવા વેચવાની પરવાનગી આપવામાં આવશે.

અને ત્યારે ‘૧૦૦ ટકા શુદ્ધ મિનરલ વોટર’ વેચતી કંપનીઓની જેમ ‘૧૦૦ ટકા શુદ્ધ હવા’ વેચતી કંપનીઓ ફુગ્ગામાં ભરી-ભરીને શુદ્ધ હવા વેચતી હશે! તેમનું સ્લોગન હશેઃ ‘ગુજરાતનું ગૌરવ, ફુગ્ગાની હવા!’

આજે કેટલાક નેતાઓ મોં ધોવા માટે પણ મિનરલ વોટર ‘પાણી’ની જેમ વાપરે છે તે જ રીતે આ નેતાઓ ભવિષ્યમાં પોતાની કેબિનમાં બેસીને બગાસાં ખાવા માટે શુદ્ધ હવાનાં ‘પાઉચ’ વાપરતા હશે!

વરસાદ એક્સપોર્ટ કૌભાંડ

ગુજરાતમાં પાણીનો પ્રશ્ન બહુ મોટો છે.

માત્ર ગુજરાત નહિ, આખા દેશમાં પાણીનો પ્રોબ્લેમ બહુ મોટો છે. તો એના માટે શું કરવાનું? વરસાદની નિકાસ કરવાની!

તમે કહેશો કે યાર, કેવી બોગસ વાત કરો છો? તો સાંભળો, ભારતમાં ભૂખમરાની સમસ્યા છે જ ને? છતાં આપણે અનાજની નિકાસ કરીએ છીએ કે નહિ? એટલે એ બધી માથાકૂટમાં પડવાને બદલે મારી વાત સાંભળો.

કમનસીબી એ નથી કે આજે પણ ભારતના ચેરાપુંજી જેવા વિસ્તારોમાં અતિશય વરસાદ પડે છે, કમનસીબી તો એ છે કે ભારતના નેતાઓને એમાંથી ફૂટી કોડીની કમાણી થતી નથી! એટલે હવે આપણા કલ્પનાશીલ નેતાઓ કોઈ પણ રીતે આવા ધોધમાર વરસાદને બારોબાર વિદેશમાં વેચી મારવાની પદ્ધતિ શોધી કાઢશે! અને તેય વેસ્ટ ઇન્ડિઝ જેવા કોઈ લીલાછમ્મ વરસાદી દેશમાં જ આપણા વરસાદની નિકાસ થતી હશે! કારણ કે જો આપણે કોરિયા જેવા અગ્રણી ખાંડ-ઉત્પાદક દેશમાં ખાંડની નિકાસ કરી શકતા હોઈએ, હોલેન્ડ જેવા દૂધ ઉત્પાદક દેશમાં મિલ્ક પાઉડર એક્સપોર્ટ કરી શકતા હોઈએ અને અફઘાનિસ્તાન જેવા આતંકવાદી દેશમાં મોટાં મોટાં કાર્ગો વિમાન ભરીને રાહતસામગ્રી મોકલી શકતા હોઈએ તો વરસાદી દેશમાં વરસાદની નિકાસ કેમ ના કરી શકાય?

વરસાદ આયાત કૌભાંડ

છેવટે વરસાદની નિકાસ કર્યા પછી જ્યારે આપણા દેશમાં વરસાદની ખેંચ વર્તાશે ત્યારે વરસાદ આયાત કરવામાં આવશે! આવી આયાત દુબઈ, મસ્કત જેવા અરબસ્તાની દેશોમાંથી જ કરવામાં આવશે જેથી તેના ભાવ વરસાદી વાદળો કરતાં પણ ઊંચા જ હોય!

આવી અવળચંડી નીતિ પાછળનું કારણ તો પૂછશો જ નહિ, કારણ કે આપણે પાકિસ્તાન પાસેથી ટનબંધ ખાંડ ખરીદેલી છે અને કોરિયા તથા જાપાન પાસેથી હજી કાપડ ખરીદીએ છીએ! આપણી જ ગારમેન્ટ ફેકટરીઓ કોટન કાપડમાંથી શર્ટ, ટ્રાઉઝર્સ, ટી-શર્ટ અને જાત જાતના ડ્રેસીસ સીવીને યુરોપમાં નિકાસ કરે છે અને પછી એ જ રેડીમેઇડ ગારમેન્ટ્સ આપણા દેશમાં આયાત થાય છે!

અને દોસ્તો, પાયાનો એક સવાલ તો પૂછતા જ નહિ કે બોસ, વરસાદની આયાત-નિકાસ થઈ જ કેવી રીતે શકે? છતાં જો જવાબ જાણવો જ હોય તો પહેલાં એ પૂછો કે દેશમાંથી આતંકવાદ દૂર કઈ રીતે થઈ શકે? ગરીબી અને બેરોજગારી શી રીતે ખતમ થઈ શકે? અદાલતોમાંથી ઝડપી અને સાચો ન્યાય શી રીતે મળી શકે! જવાબ સહેલો છે... માત્ર વાતો કરીને! અને વરસોનાં વરસો લગી પૈસાનું પાણી કરીને. (અને એ જ પાણીના પૈસા બનાવીને!)

ચંદ્ર પર જમીન કૌભાંડ

ફરી પાછા તમે એમ પૂછવાના કે બાપલ્યા, ભારતને ચંદ્ર પર જમીન ખરીદીને શું લાડવા લેવા છે?

પરંતુ કેટલીક વસ્તુઓ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ખાતર કરવી પડતી હોય છે. બાકી ભારત અણુબોમ્બ બનાવે તેનાથી ભદ્રકાળી મંદિરના ભિખારીને કયા લાડવા મળી જાય છે? દુનિયાભરના દોઢસો દેશોમાં આપણે એલચી કચેરીઓ ખોલીને બેઠા છીએ. હજારોનો સ્ટાફ રાખ્યો છે. કરોડોના પગાર ચૂકવીએ છીએ. છતાં આ એલચી કચેરીઓ વડે આપણા હાથમાં એલચી તો શું ધાણાની દાળ પણ નથી આવતી!

તોય માત્ર આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ખાતર આપણે યુનાઇટેડ નેશન્સ અને રાષ્ટ્રસંઘ પરિષદ જેવા તૂતમાં ભાગ લીધે રાખીએ છીએ કે નહિ? બસ, એ જ રીતે જ્યારે અમેરિકા, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો ચંદ્ર ઉપર ‘આંતરરાષ્ટ્રીય શાંતિ વસાહત’ બનાવવાનું તૂત ઊભું કરશે ત્યારે ભારત હોંશે હોંશે હજારો એકર જમીન ખરીદી લેશે!

અને, જ્યાં ખરીદી આવે ત્યાં... સમજી ગયા ને?

સાજ-ખાંપણ કૌભાંડ

પછી તો જનતા રિબાઈ રિબાઈને ટપોટપ મરવા લાગશે. એટલે આપણા દયાળુ નેતાઓ ‘ઘટાડેલા દરે ઠાઠડી’ અને ‘સરળ સાજ-ખાંપણ સબસિડી’ની યોજનાઓ બહાર પાડશે!

એક તરફ બહુમતીને ખુશ રાખવા માટે ‘મફત અગ્નિદાહ કાર્યક્રમ’ પુરજોશમાં ચાલતો હશે, તો બીજી તરફ લઘુમતી પણ નારાજ ન થાય એટલા માટે ‘કબ્રસ્તાન વિસ્તરણ કાર્યક્રમ’ ચાલતો હશે!

કબ્રસ્તાન વિસ્તરણના નામે બિલ્ડરો જમીનો પર જમીનો ખરીદતા જશે અને પછી જતે દહાડે તેમાં મલ્ટીસ્ટોરીડ એપાર્ટમેન્ટો બંધાઈ જશે. કોઈ પૂછશે કે ‘ભાઈ, આ તો કબ્રસ્તાન માટેની જગા હતી ને? અહીં બહુમાળી એપાર્ટમેન્ટ શી રીતે બંધાઈ ગયાં?’

તો જવાબ મળશે ‘માત્ર ૩.૬ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતાંની સાથે જ આ એપાર્ટમેન્ટો તૂટી પડવાના ને? એ હિસાબે આ બધાં કબ્રસ્તાન ન કહેવાય?’

પરંતુ મરવામાં આટલો બધો ફાયદો છે, એમ જ્યારે બધાને ખબર પડશે ત્યારે લોકો બબ્બે અને ત્રણ-ત્રણ વાર ‘બ્લેક’માં મરતા થઈ જશે! ભૂતિયાં રેશનકાર્ડ અને ભૂતિયાં ઓળખપત્રોની જેમ ભૂતિયાં ડેથ-સર્ટિફિકેટો પણ મળતાં થઈ જશે. આ કૌભાંડ તો એટલું બધું ફેમસ થઈ જશે કે છેક બાંગ્લાદેશથી માંડીને અફઘાનિસ્તાનના શરણાર્થીઓ ગુજરાતમાં ઘૂસ મારીને ‘બોગસ’માં ‘મરવા’ માટે પડાપડી કરતા હશે!

લ્યો બોલો, થાય છે તમારા દેશમાં આવાં કૌભાંડ? અટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter