નવું વિકાસ-પેકેજ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 18th March 2015 08:34 EDT
 
 

ઈંગ્લેન્ડ જેવા ડેવલપ્ડ કન્ટ્રીમાં રહીને ડેવલપ થઈ ગયેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં એકબીજાને ‘મેક-ઉલ્લુ’ સિવાય કશું ‘મેઈક ઈન ઈન્ડિયા’ કરતાં નથી આવડતું એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

અમારા મોદીભાઈની ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં હારી ગઈ પછી મોદીભાઈ પર બધા તૂટી પડ્યા છે કે તમે ખાલી વિકાસની વાતું જ કરી છે. વિકાસ ક્યાં છે? તો મોદીભાઈ માટે અમે થોડાં ‘વિકાસ-પેકેજ’ બનાવ્યાં છે! તમે ય વાંચો.

૧. ‘પગાર-બંધ’ પેકેજ

સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની કમાણી પગારો કરવામાં જ પૂરી થઈ જાય છે! એટલે પછી વિકાસકાર્યો માટે વિશ્વબેંક પાસે ભીખ માગવી પડે છે! આ સમસ્યાનો અમારી પાસે એક મજબૂત ઉકેલ છે.

અમારા એક જ સવાલનો જવાબ આપો. પોલીસોને પગાર આપવાની શી જરૂર છે? એ લોકો એની મેળે કમાઈ જ લે છે ને? આ જ રીતે કસ્ટમ વિભાગ, ઈન્કમટેક્સ વિભાગ, સેલ્સટેક્સ વિભાગ, ઓક્ટ્રોય, લાંચ-રુશ્વત વિરોધી ખાતું, વિજિલન્સ ખાતું આવા તમામ કર્મચારીઓના પગાર સરકારે કરવાની જરૂર જ નથી!

ફક્ત ઉપર લખ્યા છે એ વિભાગો જ નહીં, પરંતુ આખા સરકારી તંત્રમાં જે જે નોકરીઓ ‘મલાઈદાર’ નોકરીઓ તરીકે ઓળખાય છે તે તમામ ઓફિસરો/ કર્મચારીઓના પગાર બંધ!

ઊલ્ટું, આ નોકરી મેળવવા માટે અથવા એ હોદ્દા પર ચીટકી રહેવા માટે એ લોકોએ સરકારને મોટી રકમની ડિપોઝિટો આપવાની રહેશે! આ ડિપોઝિટ બે લાખ રૂપિયાથી માંડીને બે કરોડ રૂપિયાની હોઈ શકે છે!

હવે તમને સવાલ એ થશે કે જો આ લોકો પોતપોતાની રીતે પોતાનાં ખિસ્સાં ભરવા માંડે તો સરકારને શું મળે? તો એનો જવાબ પણ અમારી પાસે છે! છેલ્લાં બે વર્ષના સરકારી રેકોર્ડ મુજબ જેટલાં દંડ, ટેક્સ, કસ્ટમ ડ્યુટી વગેરે જમા થતાં રહ્યાં છે તેટલી આવક તો આ લોકોએ ‘ઓન રેકોર્ડ’ સરકારમાં જમા કરાવવી જ પડશે. એ સિવાયની જે ‘ઉપરની’ આવક થાય તેનો માસિક હિસાબ આપવાનો રહેશે અને તેમાંથી સરકારને ૧૦ ટકા કમિશન આપવાનું રહેશે!

હવે પાછા તમે કહેશો કે સરકારી ઓફિસરો સાચા હિસાબો ન બતાવે તો શું? તો મહેરબાન, જવાબ એ છે કે પેલા ઈન્કમટેક્સવાળાઓ અને એન્ટિ-કરપ્શનવાળા બેઠાં જ છે ને? એ લોકો હોંશેહોંશે એમના હિસાબો ‘પતાવી’ નાંખશે!

આ યોજના અમલમાં મુકાયા પછી સેલ્સટેક્સ અને ઈન્કમટેક્સવાળા તો તમારા ઘરે આવીને તમારી પાસે રિટર્ન ભરાવી જશે! બોલો, છેને જોરદાર આઈડિયા?

૨. ‘ઝડપી ન્યાય પેકેજ’

આજે પરિસ્થિતિ આવી છે કે દેશની કોર્ટોમાં કરોડો કેસો નિકાલ થયા વિના પડ્યા છે. એમની સંખ્યા વધતી જ જાય છે. અને છતાંય આપણી કોર્ટો દિવાળીમાં વેકેશન પાડે છે, ઉનાળામાં વેકેશન પાડે છે, અને આટલું ઓછું હોય તેમ દર શનિ-રવિ પણ દેશનો ‘ન્યાય’ રજા ઉપર હોય છે.

શા માટે ભાઈ? શું ગુનેગારો જાહેર રજાઓને દિવસે ગુના નથી કરતા? એટલા માટે અમારી યોજના એવી છે કે હવે પછી કોર્ટો ફેક્ટરીઓની જેમ ત્રણ-ત્રણ શિફ્ટમાં કામ કરશે! શું કહ્યું? જજસાહેબોને ઓવરટાઈમ? અરે ભાઈ, શેનો ઓવરટાઈમ? જજસાહેબોના પગારો પણ બંધ કરવામાં આવશે! એ સાહેબો દર મહિને જેટલા કેસોનો નિકાલ લાવી શકે તેના પ્રમાણે તેમને પૈસા આપવામાં આવશે!

ઊલ્ટું, અમને તો એમ થાય છે કે આ જજો જ્યારે પગાર લેવા માટે આવે ત્યારે વારંવાર ‘મુદ્દતો’ પાડવી જોઈએ!

સિસ્ટમનો બીજો ફાયદો એ છે કે લોકોને કોર્ટોમાં હાજર રહેવા માટે આખા દિવસની રજા નહીં મૂકવી પડે! રવિવાર રાત્રે ભાજી-પાઉં ખાધા પછી લટાર મારવા નીકળ્યા હોઈએ ત્યારે ‘નો પાર્કિંગ’નો દંડ ભરતાં આવવાનું! બોલો, આઈડિયા છે ને?

૩. ‘ફાઈવ સ્ટાર જેલ’ પેકેજ

હાલત તો અત્યારથી જ એવી છે કે જેલો ઊભરાઈ રહી છે. ઉપરથી મોટી મોટી હસ્તીઓ બહાર કરતાં જેલની હવા ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં જો અમારું બે નંબરનું પેકેજ અમલમાં આવે તો જેલની વસતિમાં ‘અણધાર્યો’ ઉછાળો આવે તેવી શક્યતા છે! આવા સંજોગોમાં બિચારા ગુનેગારોને સુવિધાઓથી વંચિત રાખવા યોગ્ય નથી. માટે દેશની તમામ જેલોને થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલોની સગવડોથી સજ્જ કરવામાં આવશે! જેલોમાં એરકન્ડિશનર, કલર ટીવી તથા મોબાઈલ ફોનની સગવડ ઉપરાંત ૨૪ કલાકનું પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવશે! આ બધી સેવાઓનો બાકાયદા ચાર્જ લેવામાં આવશે! અમને તો લાગે છે કે અમારી આ યોજનાને એવી જબરદસ્ત સફળતા મળશે કે મોટા મોટા કૌભાંડીઓ સુપ્રીમ કોર્ટના ડરથી ફફડ્યા કરવાને બદલે જેલોમાં જ રહેવાનું પસંદ કરવા લાગશે!

બોલો, આઈડિયા કૈસા લગા?

૪. ‘લોટરી-મંદિર’ પેકેજ

‘હે માતાજી, મારું કામ થઈ જાય તો હું તમારા મંદિરમાં પાંચ નાળિયેર અને સવાશેર પેંડાનો પ્રસાદ ધરાવીશ!’ આપણે જ્યારે આપણા આરાધ્ય દેવને આવી ઓફર કરીએ છીએ ત્યારે હકીકતમાં તો ‘કામ પત્યા પછી જ હિસાબ પતાવવાની’ વાત કરતાં હોઈએ છીએ! આવી બોગસ ઓફર હોય તો કયો ભગવાન એવો નવરો છે કે આપણું કામ પતાવી આપે?

એના કરતાં અમારી ‘મંદિર-લોટરી’ યોજના પર જરા ધ્યાન આપો. આમાં મંદિરની દાનપેટીમાં પૈસા નાખવાને બદલે પૂજારી પાસેથી સીધેસીધી લોટરીની ટિકીટો ખરીદવાની રહેશે! લોટરીમાં પણ આપણે દરેક જાતની વેરાયટીઓ રાખવાના છીએ - ડેઈલી લોટરી, દિવસમાં બે વાર ખૂલતી લોટરી, વીકલી બંપર ડ્રો અને મંથલી સુપર બંપર ખજાના! આનાથી મંદિરની આવકમાં ધરખમ વધારો થશે.

શું કહ્યું? મંદિરની આવકમાંથી રસ્તાઓનું સમારકામ? ગંધાતી ગટરોની સફાઈ? નવી શાળાઓ? હોસ્પિટલો? રામ-રામ કરો ભાઈ, મંદિરોની આવકનો આવો ઉપયોગ કરતાં જો આપણને આવડતું હોત તો આ દેશમાં કોમી રમખાણો થતાં જ ન હોતને?

૫. ‘આધુનિક ક્રિકેટ’ પેકેજ

ક્રિકેટ એ આપણી રાષ્ટ્રીય ઘેલછા છે. ક્રિકેટની પાછળ આપણે દર વર્ષે કરોડો માનવકલાકો બગાડીએ છીએ. પ્રજાને પાયમાલ કરતી આવી ઘેલછામાંથી તેને છોડાવવી શી રીતે? ઉપાય થોડો લાંબો છે, પરંતુ સચોટ છે.

દેશની તમામ કોલેજો તથા શાળાઓમાં ક્રિકેટને એક ફરજિયાત વિષય બનાવી દો! તેનાથી શું થશે? અરે સાહેબ, કોઈ પણ વસ્તુનો કચ્ચરઘાણ વાળવો હોય તો તેને માસ્તરોના હાથમાં સોંપી દો! આપણા દેશના માસ્તરો ક્રિકેટનો પણ કચ્ચરઘાણ કાઢી નાંખશે. ક્રિકેટનો કોર્સ ૧૫ x૧૫ના અંધારિયા ક્લાસરૂમમાં ભણાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓએ વાઈડ બોલની ‘વ્યાખ્યા’ ગોખવી પડશે, નો બોલના ‘નિયમો’ શીખવા પડશે, બેટના હેન્ડલ અને બોલના ટાંકાનો ‘ઈતિહાસ’ ભણવો પડશે, ક્રિકેટ તથા ગેડી-દડાની સરખામણી વિશે ૧૫ માર્કનો સવાલ પૂછાશે, ડોન બ્રેડમેનના જીવનચરિત્ર પર ‘પીએચ.ડી.’ કરી શકાશે અને ‘સુનીલ ગાવસ્કરની સત્તરમી સદીનો પૂર્વાપર સંબંધ’ની ટૂંકનોંધ ‘આઈ.એમ.પી.’ ગણાતી હશે!

ટૂંકમાં બાળપણથી જ વિદ્યાર્થીઓને ક્રિકેટ ઉપર એટલી બધી ચીતરી ચઢતી થઈ જશે કે એસ.એસ.સી.માં આવતાં સુધીમાં તો તે જે રીતે ‘સંસ્કૃત’ કે ‘સમાજવિદ્યા’ના નામથી ડરે છે તે રીતે ‘ક્રિકેટ’ના નામથી ભડકતો થઈ જશે!

દસ-પંદર વર્ષનો સમય ભલે લાગે, પણ પછી ભારતમાંથી ક્રિકેટનું નામોનિશાન મટી જશે! બોલો, આઈડિયા કેવો છે?

૬. ‘ટીવી-હોલિડે’ પેકેજ

પતિ મહાશય ઘરમાં પધાર્યા નથી કે ટીવીની સામે ડાચું કરીને બેસી જાય છે. ભાઈસાહેબ પોતાની પત્નીનું મોઢું દિવસમાં બે વાર પણ સરખી રીતે નહીં જોતા હોય, પણ કેટરીના કૈફને દહાડામાં દોઢસો વખત કમર હલાવતી જોયા કરશે! બપોરના સમયે પત્નીઓ પડોશણની કુથલી કરવાને બદલે ચાર-ચાર સિરિયલોમાં આવતાં સ્ત્રી-પાત્રોની મુસીબતો પોતાને માથે લઈને ફરતી થઈ ગઈ છે.

પ્રજાને ટીવી નામના આ દૂષણમાંથી છોડાવવાની યોજના સાવ સિમ્પલ છે. ટીવીની તમામ ચેનલો શનિ-રવિ રજા પાળશે! (કેમ ભાઈ, માસ્તરો અને જજસાહેબો રજા પાડે છે તો ટીવીવાળાઓએ શો ગુનો કર્યો છે?) ફક્ત એટલું જ નહીં, દિવાળી વેકેશનો, ઉનાળાનાં વેકેશનો તથા ક્રિસમસ વેકેશનોમાં પણ ટીવી જડબેસલાક બંધ રાખવામાં આવશે!

આનાથી ઘણા ફાયદા થશે. પતિઓને ખબર પડશે કે પાંચ ઘર છોડીને પડોશમાં જે માલતીબહેન રહેવા આવ્યાં છે તે પૂરણ પોળી સરસ બનાવે છે! પત્નીઓને ખબર પડશે પોતે પાંચ ઘર દૂરની તો શું, પચ્ચીસ ઘર દૂર રહેતી પડોશણની પંચાત પણ કુશળતાથી કરી શકે છે! અને મુન્ના-મુન્નીઓ સાતતાળી, સંતાકૂકડી તથા આંબલી-પીપળી જેવી ઈતિહાસની ગર્તામાં ધકેલાઈ ગયેલી રમતો ફરીથી રમતાં થશે!

૭. ‘ફિલ્મ ઉદ્યોગ’ પેકેજ

સરકારે ફિલ્મને ‘ઉદ્યોગ’નો દરજ્જો તો આપી દેવો જોઈએ, પણ બધી અડચણો ઊભી કરવી જોઈએ, એટલાં બધાં અટપટાં ફોર્મ્સ અને નિયમો બનાવવાં જોઈએ કે ભલભલા સ્મગલરો પણ ફિલ્મ ઉદ્યોગમાં નાણાં રોકતાં બંધ થઈ જાય! સરવાળે ફાયદો સમાજને જ થશે, કારણ કે પછી વર્ષમાં માંડ પાંચ ફિલ્મો પણ નહીં બનતી હોય!

ફિલ્મોમાં વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ પણ લાવવાની જરૂર છે, જેથી ઘરડા અમિતાભ બચ્ચનો, ધર્મેન્દ્રો અને મિથુનો સદાને માટે રિટાયર થઈ શકે. હાશ!

૮. ‘હાસ્ય-બંધ’ પેકેજ

અને છેલ્લે, દેશમાં તમામ હાસ્ય લેખો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આપણી ભવ્ય સરકાર છાશવારે રાષ્ટ્રીય સાઈઝના જોક મારી રહી છે ત્યાં આવા ફાલતુ ફૂસફૂસિયા હાસ્યલેખોની શું જરૂર છે? બોલો, આઈડિયા કેવો છે?

શું કહ્યું? ગમ્યો? બી સિરિયસ, યાર!

લ્યો હાલો ત્યારે આવાં તો અમારી પાસે ઢગલાબંધ વિકાસ-પેકેજું છે, પણ તેની વાત ફરી ક્યારેક! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter