ઇન્ડિયા-પાકિસ્તાનનાં ટેન્શનોને દૂરથી ટીવીમાં જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પાકિસ્તાનીઓની જોક્સ મોબાઇલમાં ફરતી કરીને હરખાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
પાકિસ્તાનને અને લશ્કરને લાંબુ લેણું છે. લશ્કર પાકિસ્તાનનો પીછો નહીં છોડે. પાકિસ્તાની ફૌજી જોક્સની સંખ્યા એક બટાલિયન જેટલી છે. એમાંથી અહીં થોડી જોક્સ પેશ કરી છે.
હિંદુસ્તાન કા ક્યા સોચા?
પાકિસ્તાન ઉપર જનરલ ઝિયા-ઉલ-હકનું રાજ ચાલતું હતું તે સમયની વાત છે. દર મહિનાની પહેલી તારીખે એક હજામ ઝિયા-ઉલ-હકના વાળ કાપવા માટે આવે. આમ જુઓ તો ઝિયાસા’બને માથે ટાલ હતી. વાળ ઝાઝા ઊગતા જ નહોતા. પણ શિસ્ત એટલે શિસ્ત! પહેલી તારીખ એટલે પહેલી તારીખ. હજામ બિચારો હાજર થઈ જાય.
એક વાર તે ઝિયાસા’બના વાળ કાપતો હતો. ઝિયાસા’બ છાપું વાંચી રહ્યા હતા. થોડી વાર પછી હજામ કહે, ‘હુજૂર, ફિર હિન્દુસ્તાન કે બારે મેં આપને ક્યા સોચા?’
આ સાંભળીને ઝિયાનું લોહી ગરમ થઈ ગયું. તેઓ તમતમી ઊઠ્યા પણ કંઈ બોલ્યા નહીં. છાપું વાંચતા રહ્યા.
થોડી વાર થઈ એટલે હજામે ફરી પૂછયું, ‘હુજૂર, ફિર હિંદુસ્તાન કે બારે મેં આપને ક્યા સોચા?’
ઝિયા ફરી તમતમી ઊઠ્યા પણ તોય કંઈ ન બોલ્યા. છાપું વાંચતાં રહ્યા. થોડી વાર થઈ એટલે હજામે ફરી પૂછ્યું, ‘મૈંને કહા હુજૂર. યે હિંદુસ્તાન કે બારે મેં-’
ત્યાં તો ઝિયા ઊકળી પડ્યા, ‘યે ક્યા હિંદુસ્તાન-હિંદુસ્તાન લગા રખ્ખી હૈ? તું વારેઘડીએ હિંદુસ્તાનનું નામ શા માટે લીધા કરે છે?’
હજામ કહે, ‘બેઅદબી માફ કરજો, હુજૂર. પણ આમેય આપના માથા પર વાળ ઓછા છે એટલે વાળ કાપતાં જરા તકલીફ પડે છે. પણ જેવું હું હિંદુસ્તાનનું નામ લઉં છું કે તરત તમારા બધા વાળ ઊભા થઈ જાય છે! તે વખતે વાળ કાપવાનું જરા સહેલું પડે છે!!!’
લશ્કરની સ્પીડ કેટલી છે?
બંગલાદેશ યુદ્ધ વખતની આ જોક છે. જનરલ યાહ્યા ખાન બેઠા હોય લાહોરમાં અને તેમનું લશ્કર લડતું હોય બંગલાદેશમાં! યાહ્યા ખાનને અહીં બેઠાં બેઠાં ચટપટી થયા કરે એટલે વારંવાર ઢાકા ફોન લગાડે, ‘હમારી ફૌજે ક્યા કર રહી હૈ?’
‘આગે બઢ રહી હૈ, સર!’ ઢાકાથી જવાબ મળે.
‘કિતની સ્પીડ મેં આગે બઢ રહી હૈ?’ યાહ્યા ખાન પૂછે. એટલે ફોનમાં બે મિનિટ સુધી ઘર્રર્રર્ર ઘર્રર્રર્ર અવાજો સંભળાય. પછી સામેનો સિપાઈ જવાબ આપે, ‘સર, હમારી ફૌજ કી સ્પીડ દો કિલોમીટર કી હૈ!’
‘નહીં ચલેગા, જરા ભી નહીં ચલેગા!’ યાહ્યા ખાન ફોન પર ઘાંટા પાડે, ‘ઔર તુમ કહાં થે દો મિનિટ તક?’
‘મૈં તો પતા કરને ગયા થા સર, હમારી ફૌજેં તો બહોત દૂર નિકલ ચૂકી હૈ!’
‘ઠીક હૈ, ઠીક હૈ.’ યાહ્યા ખાન હુકમ કરે, ‘ફૌજ કો પૈગામ ભેજો કે સ્પીડ બઢાઓ!’
‘જી હુજૂર!’
હજી માંડ પંદર-વીસ મિનિટ ન થઈ હોય ત્યાં યાહ્યા ખાન ફરી ઢાકા ફોન લગાડે, ‘ક્યા હુઆ? હમારી ફૌજ કી સ્પીડ કિતની હૈ?’
‘અભી પતા કરતા હૂં, સર!’ કહીને સિપાઈ પાંચ મિનિટે પાછો ફોન પર આવે, ‘સર, હમારી ફૌજ કી સ્પીડ પાંચ કિલોમીટર કી હો ગઈ!’
‘નહીં ચલેગા. નહીં ચલેગા!’ યાહ્યા ખાન બરાડે, ‘સ્પીડ બઢાઓ!’
વળી પંદર મિનિટે યાહ્યાખાન ફોન ખખડાવે, ‘ક્યા હુઆ? ફૌજ કી સ્પીડ કિતની હો ગઈ?’
‘અભી બતાતા હૂં!’ કહીને સિપાઈ સાત મિનિટે જવાબ આપે, ‘અર અભી તો હમારી ફૌજ કી સ્પીડ દસ કિલોમીટર કી હો ગઈ!’
‘નહીં ચલેગા. નહીં ચલેગા! સ્પીડ બઢાઓ!’ યાહ્યા ખાનને લાહોરમાં બેઠાં બેઠાં ઉતાવળ આવી રહી હતી. બીજી દસ મિનિટ વીતી ત્યાં તો ફરી ફોન લગાડ્યો. ‘ક્યા હુઆ? ફૌજ કી સ્પીડ કિતની હૈ?’
‘અભી બતાતા હૂં!’ કહીને સિપાઈ ગયો અને બીજી જ મિનિટે ફોન પર આવીને બોલ્યો, ‘સર! કમાલ હો ગયા! હમારી ફૌજ કી સ્પીડ ચાલીસ કિલોમીટર કી હો ગઈ!!!’
‘અચ્છા?!’ યાહ્યા ખાન ખુશ થઈ ગયા, ‘યે કૈસે હુઆ? ક્યા હિંદુસ્તાન કી ફૌજ ભાગ રહી હૈ?’
‘નહીં સર!’ સિપાઈએ જવાબ આપ્યો, ‘હમારી ફૌજ ભાગ રહી હૈ!!’
લશ્કરનું સંગીત
પાકિસ્તાનના ફૌજી અફસરોને બે જ કામ કરતાં આવડે છે. લડાઈ ચાલતી હોય ત્યારે સિપાઈઓને દબડાવવાના અને લડાઈ ન ચાલતી હોય ત્યારે પણ સિપાઈઓને દબડાવવાના! તેમાંય જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની શાંતિની વાટાઘાટો ચાલતી હોય ત્યારે અફસરોનો પિત્તો આસમાને પહોંચી જતો હોય છે!
એક દિવસ સવારથી એક અફસરનો મિજાજ છટકેલો હતો. તેમણે સવારથી પાંચ વાગ્યાથી સિપાઈઓની ટુકડી પાસે કવાયત કરાવવા માંડી હતી. છેક બપોરના બે વાગ્યા સુધી પરેડ કરી સિપાઈઓ સાવ ટેં થઈ ગયા હતા. ત્યાં અફસરસાહેબ પધાર્યા. કહે, ‘બધા પરેડ કરી થાકી ગયા હશો નહીં?’
સિપાઈઓમાં ‘હા’ કહેવાના પણ હોશ નહોતા.
અફસર કહે, ‘ચાલો એક કામ કરીએ. તમારામાંથી સંગીતનો શોખ કોને કોને છે? એ લોકો આગળ આવે.’
દસ-બાર સિપાઈઓ બિચારા કંઈક રાહત મળશે એમ ધારીને આગળ આવ્યા. ‘અચ્છા.’ અફસરે કરડા અવાજે પૂછ્યું, ‘આમાંથી હિંદી ફિલ્મોના ગાયનો કોને આવડે છે?’
ચાર સિપાઈઓ ઉત્સાહથી વધારે આગળ આવ્યા.
‘વાહ!’ અફસર કહે, ‘સંગીતનો શોખ તો હોવો જ જોઈએ. એમાં પણ હિંદી ફિલ્મનાં ગાયનોનો શોખ? એ તો બહુ સારી વાત છે!’
પેલા ચાર સિપાઈઓ વધારે ખુશ થયા.
‘જાઓ!’ અફસરે હુકમ કર્યો, ‘કર્નલસાહેબના ક્વાર્ટરમાંથી પિયાનો ઉપાડી લાવો!’
સિપાઈઓ હોંશે હોંશે દોડીને પિયાનો ઉપાડી લાવ્યા. પિયાનો ખાસ્સો વજનદાર હતો. ‘વાહ!’ અફસરે છેલ્લો હુકમ કર્યો, ‘હવે આ પિયાનો ખભે ઉપાડીને સાંજ સુધી આ મેદાનના રાઉન્ડ માર્યા કરજો!’
પાકિસ્તાની જાસૂસ
એક જમાનામાં પાકિસ્તાનને અણુબોમ્બ બનાવવાની બહુ ચટપટી આવી ગઈ હતી. એટલે તેણે એક જાસૂસને અમેરિકા મોકલીને અણુસંશોધન કેન્દ્રમાં ઘૂસ મારીને અણુબોમ્બ બનાવવાની ફોર્મ્યુલા શોધી લાવવાનું કામ સોંપ્યું.
જાસૂસ વેશપલ્ટો કરીને અમેરિકા પહોંચી ગયો, પણ અણુમથકની આસપાસ મોટી કાંટાળી વાડ હતી ને ચારે બાજુ સખત પહેરો હતો. આમાં અંદર શી રીતે ઘૂસવુ? પાકિસ્તાનના જાસૂસને થયું, ‘રાત પડે ત્યારે વાત.’
રાતના પાકિસ્તાની જાસૂસ સંતાતો સંતાતો વાડ પાસે પહોંચ્યો. ત્યાં તેને બીજો એક માણસ દેખાયો. એ પણ અંદર ઘૂસવા માટે લાગ શોધતો હતો. પાકિસ્તાની જાસૂસ કહે, ‘તું કોણ છે?’
‘હું ઈરાનનો જાસૂસ છું.’ પેલા માણસે કહ્યું, ‘અમારે પણ અણુબોમ્બ બનાવવાની ફોર્મ્યુલા જોઈએ છે.’
‘સારું સારું.’ પાકિસ્તાની જાસૂસે કહ્યું, ‘પહેલાં તું ઘૂસ માર.’
ઈરાની જાસૂસ વાડમાંથી ઘૂસવા ગયો એટલે ખખડાટ થયો. એ સાંભળીને અમેરિકન ચોકીદારે બૂમ પાડી, ‘એ...ય! ત્યાં કોણ છે?’
ઈરાની જાસૂસ ચાલાક હતો. તે તીણો અવાજ કાઢીને બોલ્યો, ‘મિં....યા..ઉં!’ ચોકીદારને એમ કે બિલાડી હશે. તેણે ધ્યાન ન આપ્યું. ઈરાની જાસૂસ વાડમાંથી અંદર ઘૂસી ગયો.
થોડી વાર પછી પાકિસ્તાની જાસૂસે વાડમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. તરત જ ખડખડાટ થયો. ચોકીદારે બૂમ પાડી, ‘એ...ય! ત્યાં કોણ છે?’
પાકિસ્તાની જાસૂસે તરત જ જવાબ આપ્યો, ‘એ તો બીજી બિલાડી છે!!!’
ફૌજી જમાઈ
કરાચીમાં એક ધનવાન વેપારી રહેતો હતો. તેની દીકરી પરણાવવા લાયક થઈ હતી એટલે તેણે એક મૌલવીને બોલાવીને કહ્યું, ‘મારી દીકરીને લાયક કોઈ સારો છોકરો હોય તો બતાડોને?’
મૌલવી કહે, ‘મારા ધ્યાનમાં ત્રણ છોકરાઓ છે. પહેલો છોકરો સરકારી વકીલ છે. તે મહિનેદહાડે પાંચ-સાત હજાર રૂપિયા કમાઈ લે છે. બીજો છોકરો જે મારા ધ્યાનમાં છે તે સરકારી અફસર છે. તે મહિનેદહાડે આઠ-દસ હજાર કમાય છે. અને ત્રીજો છોકરો ફૌજમાં બહુ મોટો અફસર છે. તેનો મહિનાનો પગાર જ પંદર હજાર રૂપિયા છે. ઉપરથી સરકારી ક્વાર્ટર, નોકરચાકર તથા સરકારી જીપ પણ છે.’
વેપારી કહે, ‘વાહ! તો આ ફૌજી અફસરને જ મારો જમાઈ બનાવાયને?’
‘એમ? છતાં તમે વિચારી જોજો.’ મૌલવી જરા ઢીલું ઢીલું બોલ્યો.
‘કેમ? વેપારીએ પૂછ્યું, ‘ફૌજી અફસરમાં વાંધો શું છે? સારો પગાર છે. બંગલો છે, નોકરચાકર છે, જીપ છે.’
‘વાંધો ફક્ત એક જ છે.’ મૌલવીએ કહ્યું, ‘પાકિસ્તાનના ફૌજી અફસરોની એક જૂની આદત છે. એ લોકો ગમે ત્યારે ગમે તેને કાઢી મૂકે છે!’
•••
લ્યો હાલો, પાકિસ્તાનમાં ઈ તો આમ જ હાલવાનું! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઈટ છે!