ચકાચક હોલીવૂડની ટનાટન ફિલ્મો જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં નાચ-ગાના અને ઢીસૂમ-ઢીસૂમથી ભરપૂર ફિલ્મું જોઈને જલ્સો કરી રહેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
કહે છે કે હવે ફિલ્મોને ‘ઉદ્યોગ’નો દરજ્જો આપવામાં આવશે. પાપડ ઉદ્યોગ, અથાણાં ઉદ્યોગ અને ડિટરજન્ટ ઉદ્યોગની જેમ હવે આપણી ચટપટી ફિલ્મો ઔદ્યોગિક રીતે આપણી ‘ધુલાઈ’ કરશે! અને કહે છે કે ફિલ્મોના ઉત્પાદનને ઉદ્યોગનો દરજ્જો આપવાથી કાળાં નાણાં અને ધોળી ‘સોપારી’નાં દૂષણો પણ દૂર થશે. એ બધું તો જ્યારે થવાનું હોય ત્યારે થાય, પણ આટલું તો જરૂર થશે કે...
કાનૂન ચેતવણી હશે
દરેક ફિલ્મની શરૂઆતમાં આવી ચેતવણી બતાડવી ફરજિયાત બની જશે.
કાનૂની ચેતવણીઃ હિંદી ફિલ્મ જોવી એ મગજના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ફિલ્મની ટિકિટ પર આવી ચેતવણી તો હશે જ, પણ સાથે સાથે ફિલ્મની મેન્યુફેકચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખવી પણ ફરજિયાત હશે.
બધા પગાર પર હશે
ડિરેકટર પગાર પર હશે, લેખક પગાર પર હશે, કેમેરામેન પગાર પર હશે અને અમિતાભ બચ્ચન જેવો લંબુ પ્રોડક્શન કંપની લિમિટેડના પગાર પર હશે.
એટલે કે પછી હીરો જ્યારે સેટ પર આવે ત્યારે તેણે હાજરીપત્રકમાં સહી કરવાની રહેશે. અને વિલનો સેટ આવે ત્યારે તેમણે ટાઈમ કાર્ડ પંચ કરવાના રહેશે. હીરો હોય કે વિલન, મહિનામાં ત્રણ વાર મોડો પડશે તો તેને ‘મેમો’ આપવામાં આવશે.
અને એટલે જ પછી અક્ષયકુમાર ઓવરટાઈમ માગશે, સલમાન ખાન જિમખાના એલાઉન્સ માગશે, સંજય દત્ત જેલભથ્થુ માગશે અને અર્જુન કપૂર જેવા ફટીચર હીરો પોતાની ગરીબીને કારણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માગણી કરશે.
હિરોઈનોને પણ વરસાદમાં પલળવા માટે શરદીભથ્થું અને જાતજાતના વસ્ત્રો પહેરવા માટે ફિટિંગભથ્થું આપવામાં આવશે. વસ્ત્રોની લંબાઈ જેમ જેમ ઘટતી જશે તેમ તેમ તેના વ્યસ્ત પ્રમાણમાં ભથ્થામાં વધારો કરી આપવો પડશે.
ખંડણીઓ કાયદેસર બનશે
શૂટિંગ દરમિયાન હીરો-હિરોઈનને ઈજા થાય તેનો વીમો ઊતરાવવો પડશે. તે તો સમજ્યા, પણ ગમે ત્યારે ગમે ત્યાં કોઈ ગેન્ગસ્ટર તેમને શૂટ કરી નાખે કે હાડકાં ભાંગી નાખે તેનો વીમો પણ ફિલ્મો બનાવતી લિમિટેડ કંપનીએ ઊતરાવવો પડશે. કહેવાની જરૂર નથી કે આ તમામ વીમા કંપનીઓની હેડ-ઓફિસો દુબઈમાં હશે!
અને એટલે જ સ્વાભાવિક છે કે આ વીમાના પ્રીમિયમ તરીકે પ્રોડ્યુસરો ખંડણી ચૂકવશે!
આવા વીમા ઉતારવા માટે કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા થશે, કારણ કે ખંડણી ઉર્ફે પ્રીમિયમનું પેમેન્ટ ચેક દ્વારા કરવામાં આવશે! આખરે નાણાપ્રધાનનું સપનું સાકાર થશે, કારણ કે ફિલ્મી વીમા પોલીસીઓને કારણે રાતોરાત અબજો રૂપિયાનું કાળું નાણું સફેદ થઈ જશે!
લોન લેવા વાર્તા કહેવી પડશે
ફિલ્મો બનાવવા માટે બેન્કો લોન આપશે, એટલે પ્રોડ્યુસરો અને ફિલ્મસ્ટારો બેન્કના આંટાફેરા કરતા થઈ જશે. બેન્ક મેનેજરોના ભાવ રાતોરાત વધી જશે અને તેઓ ફાંકામાં આવીને કહેશે, ‘વો સબ તો ઠીક હે, મગર પિકચર કી સ્ટોરી ક્યા હૈ?’
એટલે બનશે એવું કે બેન્ક મેનેજરને ખુશ કરવા માટે લેખકો તેમની વાર્તામાં બેન્ક મેનેજરના પાત્રને ખૂબ મહત્ત્વનું બનાવશે. પણ જતે દા’ડે એવું બનશે કે ફિલ્મનો હીરો બેન્ક મેનેજર હોય એવી વાર્તાઓને તરત લોન મળી જશે!
એટલે કે પછી દસ હિંદી ફિલ્મોમાંથી આઠ ફિલ્મોનો હીરો બેન્ક મેનેજર જ હશે!
નવી જાતના કૌભાંડ હશે
કલ્પના નાથ રાય પ્રોડક્શન કંપની એક રાષ્ટ્રીયકૃત બેન્ક પાસેથી કરોડો રૂપિયાની લોન લેશે. જમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ અને સ્પેશિયલ મેકઅપને અતિશય મોટું બજેટ ફાળવેલું હશે. વર્ષો લગી આ કંપનીના માલિક ફિલ્મ બનાવશે જ નહીં. છેવટે છાપાંઓમાં હોબાળો થશે અને સંસદમાં સવાલો થશે ત્યારે કલ્પના નાથ રાય હોંગ કોંગમાં બનેલી જેકી ચેનની ૧૫ વર્ષ જૂની ફિલ્મ હિંદીમાં ડબ કરીને ફટકારી મારશે!
લોકો પૂછશે કે આમાં અક્ષયકુમાર ક્યાં છે? ઐશ્વર્યા રાય છે? તો કલ્પના નાથ રાય કહેશે કે, ‘ભાઈ, એ જ તો સ્પેશિયલ ઇફેક્ટસ અને સ્પેશિયલ મેકઅપની કમાલ છે ને?’
મોનોપોલી એક્ટ હશે
મોટી મોટી લિમિટેડ કંપનીઓ આ ઉદ્યોગ પર છવાઈ ન જાય એટલા માટે એવો મોનોપોલી એક્ટ હશે કે આ કંપનીઓ વરસમાં ત્રણથી વધુ ફિલમો બનાવી નહીં શકે. કોઈ પણ શહેરમાં ત્રણથી વધુ થિયેટરોમાં તેમની ફિલ્મો બતાવી નહીં શકે અને એ ફિલમોના રોજના ત્રણથી વધુ શો કરી નહીં શકે!
છથી નવમનો પ્રાઈમ ટાઈમ શો દરેક થિયેરમાં લઘુ ફિલ્મઉદ્યોગની ફિલ્મો માટે આરક્ષિત રહેશે! સરકારી સહાયથી બનેલી આ લઘુ ઉદ્યોગની ફિલ્મ જોઈને બહાર નીકળતા પ્રેક્ષકોને પોતાનું માથું કૂટવા માટેના ખાસ પથ્થરો રાહત દરે આપવામાં આવશે!
લઘુમતી ફિલ્મ ઉદ્યોગ હશે
ફિલ્મોમાં લઘુઉદ્યોગ હોવા ઉપરાંત એક ખાસ ‘લઘુમતી ફિલ્મ’ ઉદ્યોગની સ્થાપના થશે! જેમાં લઘુમતી પ્રજાની સમસ્યાઓ પર લઘુમતી કોમનો પ્રોડ્યુસર લઘુમતી હીરો, લઘુમતી હિરોઈન અને લઘુમતી લેખક-ટેક્નિશિયનોને લઘુતમ પૈસા આપીને ગુરુત્તમ એટલે કે વધુમાં વધુ પૈસા બનાવશે!
હીરો અને વિલનોની જાxખ હશે
જેમ સાબુ, ટૂથપેસ્ટ અને બોલપેનની જાહેરખબરો હોય છે તેમ ફિલ્મી હસ્તીઓ પણ પોતાની જાહેરખબરો ટીવી પર કરી શકશે. જેમ કે -
‘ભાઈ, મેં તો હંમેશાં કરન જોહર કી ફિલ્મેં હી દેખતાં હૂં. ન દિમાગ ચલાને કી જરૂરત, ન માર ખાને કા ડર!’
•
‘૫૦ પૈસા કી છૂટ! અમિતાભ બચ્ચનકી ફીલ્મો પર ૫૦ પૈસે કી છૂટ! જલ્દી કીજીયે! જલ્દી કીજીયે!’
‘૫૦ પૈસે કી છૂટ? તબ તો મૈં કલ હી દેખને જાઉંગા!’
‘કલ? અરે કલ તક તો પિક્ચર ફ્લોપ હો જાયેગી!’
•
‘અબ છે ફૂટ કે અમિતાભ કે સાથ પાંચ ફૂટ કા ગોવિંદા ફ્રી!!’
‘ક્યા કહા? ગોવિંદા ફ્રી? યે કૈસે હો સકતા હૈ?’
‘અચ્છા ચલો, પાંચ ફૂટ કે ગોવિંદા કે સાથ છે ફૂટ કા અમિતાભ ફ્રી!’
‘હા!! યે હુઈ ના ફાયદે કી બાત, બડે મિયાં!’
‘ચ...લો? યૂં હી સહી છોટે મિયાં!’
ટચૂકડી જાxખ હશે
છેવટે એવા દહાડા આવશે કે સરકારી કચકચ અને બેન્કોની આડોડાઈને કારણે કંઈ કેટલીયે ફિલ્મો અધૂરી રખડી પડશે. ત્યારે છાપાંઓમાં આવી ટચૂકડી જાહેરખબરો જોવા મળશે.
અધૂરી ફિલ્મ વેચવાની છે
જ્યાં છે - તેમ છે - તે હાલતમાં એક અધૂરી ફિલ્મ વેચવાની છે. હિરોઈન જાડી થઈ ગઈ છે, હીરોના વાળ સફેદ થઈ ગયા છે, વિલનોએ કરિયાણાની દુકાન ખોલી છે. ત્રણ ફાઈટ, બે કાર-ચેઇઝ અને ચાર ગીતો તૈયાર છે. વીસ ટકા જેટલી વાર્તા પણ છે, રસ ધરાવતી પાર્ટીઓએ ચા-નાસ્તો પોતાને ઘરેથી લઈને આવવા વિનંતી.
લ્યો બોલો, ફિલ્મી દુનિયામાં કેવું કેવું હાલે છે! પણ તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!