મુંડે મુંડે હડતાલ ભિન્ના!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 06th May 2015 11:14 EDT
 
 

ચોવીસે કલાક કામ કરતા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભુલકાંવ! ઇન્ડિયામાં ચોવીસે કલાક કામ ન કરવાનાં બહાનાં શોધતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ઇન્ડિયામાં વારંવાર હડતાળ પડે છે. ‘હડતાળ બહુ ખરાબ ચીજ છે. એ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે.’ આવું બધું છાપાંઓમાં કહેવાતું હોય છે. પરંતુ જે લોકો હડતાલ પાડે છે એમની પોતાની હાલત કેવી હોય છે તે કોઈએ વિચાર્યું છે? ચાલો જોઈએ કે જુદા જુદા લોકો હડતાલ પર ઊતરે ત્યારે શું થાય છે...

સફાઈ કર્મચારીઓની હડતાલ

સફાઈ કર્મચારીઓનો યુનિયન લીડર ભરી સભામાં એલાન કરે કે, ‘ભાઈઓ અને બહેનો! આવતીકાલથી શહેરના તમામ કર્મચારીઓ હડતાલ પાડશે. કર્મચારીઓ પોતાના હાથમાં ઝાડુ લઈને શહેરની મુખ્ય સડકો પર સરઘસ કાઢશે!’

ખલાસ! આ જાહેરાત થતાંની સાથે જ મેદનીમાં ચણભણ થવા લાગે કે -

‘અલ્યા હાથમાં ઝાડુ લેવાની ચાં વાત કરે...? નોકરીના દા’ડેય હાથમાં ઝાડુ નહી લેતા તો હડતાલમાં ચેવું...?’

‘ને અલ્યા સડકો પર જવાનું? આખ્ખો દા’ડો રોડ પર ફરવાનું? એના કરતે નોકરી શું ખોટી લ્યા?’

બસ કન્ડકટરની હડતાળ

બિચારા બસ કન્ડકટરોને આખો દિવસ પેસેન્જરો સાથે માથાફોડ કરવાની આદત પડી ગઈ હોય છે કે હડતાલને દિવસે ઘરે બેઠા હોય તો પણ એ આદત જતી નથી.

ઘરમાં જ્યારે સાત-આઠ મહેમાનો આવી ચડે કે તરત કન્ડકટરની જબાન ચાલુ થઈ જાય, ‘ચલો, ચલો... લાઈનમાં આવો! અને આગળ ચાલો આગળ! ત્યાં બહુ જગા છે. પેલા સોફા પર, પેલી ખુરશી પર બેસી જાઓ બહેન!’

‘હાં ચાલો કોને શું જોઈએ? ચા કે કોફી? છુટ્ટા રાખો છુટ્ટા રાખો, બેસતી વખતે પગ છુટ્ટા રાખો! હાં બોલો, ચા કે કોફી?’

‘ચાર ચા અને ત્રણ કોફી! આપી દઉં! શાંતિ રાખો ભાઇ!!’

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હડતાલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડતાલ પડે એટલે શૂટિંગો બંધ, રેકોર્ડિંગ બંધ, એડિટિંગ બંધ, ડબિંગ બંધ.

ફક્ત એક જ કામ આવી હડતાલ દરમિયાન થઈ શકે - સ્ટોરી સેશન!

એટલે ફિલ્મના પ્રોડ્યુસરો, ડિરેકટરો અને હીરો-હિરોઈનો ફિલ્મના લેખકો સાથે સ્ટોરી સેશન કરવા ઊટી, મહાબળેશ્વર કે ખંડાલા પહોંચી જાય.

પંદરેક દિવસ સુધી રોજેરોજ વાર્તા ઉપર ચર્ચા થતી હોય એટલે એક ચમત્કાર થાય.. ધીમે ધીમે બધાને વાર્તા સમજાવા લાગે!

અને સોળમે દિવસે એનાથી પણ મોટો ચમત્કાર થાય. તમામ ફિલ્મના તમામ પ્રોડ્યુસરો ચીસ પાડીને કહે, ‘બા...પ રે!!! આવી વાહિયાત વાર્તા પાછળ હું ૫૦ કરોડ રૂપિયા ખર્ચવાનો હતો???’

પોલીસ કોન્સ્ટેબલોની હડતાલ

પેલી પ્રખ્યાત જોકની જેમ રાતના પોલીસ કોન્સ્ટેબલની પત્ની તેના પતિને ઢંઢોળીને જગાડે, ‘ઊઠો ઊઠો! ઘરમાં ચોર ઘૂસ્યો લાગે છે!’

અને પોલીસ ઊંઘમાં જ જવાબ આપે, ‘ઘૂસવા દે... હું હડતાલ પર છું!’

•••

પણ પછી પોલીસ સફાળો જાગી જાય અને ચોરને પકડી પાડેઃ ‘સા...લા? મારા જ ઘરમાં ચોરી કરે છે?’

ચોર હાથ જોડીને કહે, ‘શું કરું સાહેબ? ગઈ કાલે મારા ઘરમાં પણ ચોરી થઈ ગઈ!’

‘સારું સારું.’ પોલીસ તેને આશ્વાસન આપે, ‘હડતાલ પતે એટલે ચોકીમાં આવીને કંમ્પલેઇન લખાવી દેજે.’

‘શું કંપ્લેન લખાવું સાહેબ? પોલીસલોકોએ જ ચોરી કરેલી!’

‘અચ્છા? તું મને એ લોકોના નામ આપી શકે?’

‘આપું. પણ તમે શું કરશો?’ ચોર પૂછે.

‘હું હપ્તો માગીશ!’

•••

કોક પત્રકાર કોઈ દારૂના અડ્ડે પહોંચી જાય અને અડ્ડાના માલિકને પૂછે, ‘તમારે તો આજકાલ શાંતિ હશે નહીં? પોલીસ લોકોની હડતાળ છે એટલે એમને હપ્તો પણ નહીં આપવાનો અને ઉપરથી ઘરાકો બિન્દાસ્ત અડ્ડામાં આવી શકે એટલે ઘરાકી પણ વધી હશે નહીં?’

‘અરે જવા દોને સાહેબ!’ અડ્ડાનો માલિક બળાપો કાઢે, ‘પહેલાં તો એકાદ પોલીસ દિવસમાં એક વાર દારૂ પી જતો હતો, પણ આ હડતાલમાં બધા નવરા પડી ગયા છે એટલે આખો દિવસ આખી પલટન આ અડ્ડામાં જ અડ્ડો જમાવીને પડી છે!’

સાજ-ખાંપણ અને સ્મશાન કર્મચારીઓની હડતાલ

આમ તો ઠાઠડી, માટલી અને સ્મશાનના લાકડાં વેચનારાઓને બિચારાઓને એક પણ દિવસની રજા પાડવી પોસાતી નથી. પરંતુ કોઈ મજબૂરી હેઠળ જ્યારે તેઓ હડતાળ પર જાય ત્યારે આગલે દિવસે જાહેર જનતાના હિતમાં તેઓ આવી જાહેરખબર છપાવડાવે.

જાહેર જનતા જોગ અપીલ

આવતીકાલે સાજ-ખાંપણના સામાન વેચતા વેપારીઓ તથા સ્મશાનમાં ફરજ બજાવતા કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ હોવાથી જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે મહેરબાની કરીને કોઈએ આવતીકાલે મરવું નહીં.

છતાં જો કોઈ આવતીકાલે મરવા માગતું હોય તો તે કામ તેણે પોતાને ખર્ચે અને જોખમે કરવું.

ટ્રક-ડ્રાઇવરો તેમ જ લકઝરી બસના ડ્રાઇવરબંધુઓને ખાસ વિનંતી કે આ એક દિવસ સાચવી લેશો. પરમ દિવસથી તમે પાડશો એટલી લાશો અમે પહોંચી વળીશું.

ખાસ નોંધઃ ઉપરની વિનંતી ડોક્ટરોને પણ લાગુ પડે છે.

સરકારી કર્મચારીઓની હડતાલ

સરકારી કર્મચારી ત્રણ-ચાર દિવસ સુધી ઘરે બેસી રહે ત્યાં લગી એને બહુ વાંધો ન આવે, પરંતુ છ-સાત દિવસ પછી સરકારી કર્મચારી અસ્વસ્થ થવા લાગે, પેટમાં અપચો, માથું ભમવું, ચક્કર આવવા, કબજિયાત, ગેસ કે બેચેની જેવા અનેક લક્ષણો દેખાવા લાગે.

આખરે એક દિવસ સરકારી કર્મચારી બહાર જાય અને બજારમાંથી એક ખુરશી અને એક ટેબલ ખરીદી લાવે.

પત્ની પૂછે કે, ‘આ ખુરશી-ટેબલ કેમ લઈ આવ્યા!’

તો તરત જવાબ મળે, ‘તબિયત સુધારવા! છેલ્લા કેટલાય દિવસથી બપોરના બરોબર ઊંઘ નહોતી આવતી!’

યુનિયન લીડરોની હડતાલ

યુનિયન લીડરોનું કામ જ હડતાલ પડાવવાનું હોય છે. તો પછી એ લોકો શા માટે હડતાલ પર ઊતર્યા? વાંચો આ મુલાકાતમાં.

પત્રકારઃ ‘તમે લોકો શા માટે હડતાલ પર ઊતર્યા છો?’

યુનિયન લીડરઃ ‘કારણ કે હડતાલ પાડવી એ અમારો સ્વભાવ છે.’

પત્રકારઃ ‘પણ કંઈક કારણ તો હશે ને?’

યુનિયન લીડરઃ ‘હા. અમે એ ટૂંક સમયમાં શોધી કાઢીશું.’

પત્રકારઃ ‘તમને કોઈથી અસંતોષ છે?’

યુનિયન લીડરઃ ‘અમને બધાથી અસંતોષ જ હોય છે. પણ આ વખતે અમને અમારા યુનિયનના મેમ્બરોથી જ અસંતોષ છે.’

પત્રકારઃ ‘કેમ?’

યુનિયન લીડરઃ ‘એમાંના ઘણા લોકો પગારના બદલામાં કામ કરવાની વાત કરે છે.’

છાપાં, મેગેઝિનો અને ટીવી સમાચારોની હડતાલ

ધારો કે એકાદ મહિના લગી છાપાં કે મેગેઝિનો બહાર જ ન પડે અને ઉપરથી ટીવીની તમામ ચેનલો પરથી સમાચાર પણ પ્રસારિત ન થાય તો શું થાય?

ઘણા બધા ફાયદા થાય. દાખલા તરીકે, અરવિંદ કેજરીવાલ પબ્લિસિટીના અભાવે આત્મહત્યા કરી નાખે. અને, એની પણ કોઈને ખબર ન પડે!

દેશમાંથી ડિપ્રેશન, હતાશા કે માનસિક તાણ જેવા રોગો લગભગ નાબૂદ થઈ જાય. ‘તમે રોજ રોજ લૂંટાઈ રહ્યા છો’ એવું બ્રેઇનવોશિંગ બંધ થવાથી દેશના ૮૦ ટકા નાગરિકોમાં નવો ઉત્સાહ જાગ્રત થાય! આગે બઢેલા ઇંડિયા!

લ્યો હાલો, ઇન્ડિયામાં તો આમ જ હાલવાનું! તમ તમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધાં ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter