વેસ્ટર્ન કન્ટ્રીમાં રહીને પણ અમારા શાસ્ત્રીય સંગીતને માણતા અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં જેટલું ફોરેન સ્ટાઇલનું એટલું સારું એમ સમજીને ગમે તેવા મ્યુઝિકમાં ડોકાં ઘૂણાવતાં હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!
અમારા ‘દેશી’ પોપ-સિંગરો ચાર પ્રકારના હોય છે. એક પંજાબી લોકગીતો ગાય છે અને તેમની આજુબાજુ છોકરીઓ નાચતી હોય છે. બીજા રાજસ્થાની લોકગીતો ગાય છે અને તેમની આજુબાજુ છોકરીઓ નાચતી હોય છે. ત્રીજા અંગ્રેજી ગાયનોની હિંદીમાં નકલ કરીને ગાય છે અને તેમની આજુબાજુ છોકરીઓ નાચતી હોય છે. અને ચોથા હિંદી ગાયનોની હિંદીમાં નકલ કરીને ગાય છે અને તેમની આસપાસ છોકરીઓ નાચતી હોય છે! ટૂંકમાં, જેની આસપાસ છોકરીઓ નથી નાચતી તેઓ પોપ-સિંગરો નથી હોતા!
પોપ-સિંગર કેવી રીતે બનાય?
પોપ-સિંગર બનવા માટે તમારે એક વીડિયો આલબમ બહાર પાડવું ખૂબ જ જરૂરી છે. વીડિયો આલબમ બહાર પાડવા માટે તમારી પાસે પૈસા હોવા જરૂરી છે અને પૈસા હોવા માટે તમારે કોઈ પૈસાદારનાં દીકરા અથવા દીકરી હોવું ખૂબ જ જરૂરી છે. છતાં જો તમારી પાસે પૈસા ન હોય તો કોઈ પ્રોડ્યુસરને પરણી જાવ, તમે પોપ-સિંગર બની જશો!
બાકી તમને સારું ગાતાં આવડતું હોય તો ટીવીના રિયાલિટી શો ‘સારેગામા’માં જાવને? અને છતાં તમારે જાણવું હોય કે આજના મહાન પોપ-સિંગરો આટલા મહાન કેવી રીતે થઈ ગયા, તો આવો, એમને જ પૂછી લઈએ...
રેમો ફર્નાન્ડીસનું રહસ્ય
અમે રેમો ફર્નાન્ડીસને પૂછ્યું, ‘હમ્મા-હમ્મા અને પ્યાર તો હોના હી થા પછી તમે તો ટોપ-મોસ્ટ પોપ-સિંગર બની ગયા છો તો તમારી સફળતાનું રહસ્ય શું છે?’
‘રહસ્ય?’ રેમોએ તરત ગિટાર વગાડતાં કહ્યું, ‘ડુડી પ્પાપ્પા, ડીલીયપ્પી યેહી યેહી ડૂઈડિયાડિયાડિયા હૂ ડમ્મા ઉમ્મા રુમ્મા યુબ્બીડિયાડિયે... હેય...!’
અમે ગૂંચવાઈ ગયા. ‘કંઈ સમજ ન પડી. હમણાં તમે શું કહ્યું?’
‘એ જ!’ રેમોએ કહ્યું, ‘એ જ મારી સફળતાનું રહસ્ય છે. સમજ ન પડવી જોઈએ! હિંદી ગાયનો ગાવાનાં, પણ એનો ઉચ્ચાર એવો કરવાનો કે કંઈક ભળતું જ સંભળાય! જેમ કે પ્યાર તો હોના હી થા એવું સીધું ગાવાને બદલે પ્યાર તો હોન્ના હી..ઇ તા.. આ આઆ! એવું ગાવાનું.’
‘એવું!’
‘યો! ડુબ્બીડિયાઈયાઈ... ઇયા ઇયા હૈ હૈ હૈ! યો!’
‘યો? આ યો એટલે શું?’
‘યો એટલે નથી ખબર?’ રેમો હસી પડ્યો. અમે છોભીલા પડી ગયા.
દલેર મહેંદી દા સિક્રેટ
દલેર મહેંદીની સફળતાનું સિક્રેટ તો અમે જાણતા જ હતા, એટલે સીધો જ સવાલ કર્યો, ‘તમે પંજાબીમાં ગાઓ છો એટલે જ આટલા સફળ થયા ને?’
‘ઓ પાપે, કી ગલ કરન્દી હો તુસી!’ દલેર મહેંદી બોલી ઊઠ્યા, ‘હું ક્યાં પંજાબીમાં ગાઉં છું?’
અમે ચોંકી ગયા. ‘તમે પંજાબીમાં નથી ગાતા? અમને તો એમ કે તમે પંજાબી ભાષામાં જ ગાઓ છો?’
‘ના રે ભાઈ, હું તો સ્વાહિલીમાં ગાઉં છું!’
‘સ્વાહિલી? એ તો આફ્રિકાની ભાષા છે!’ અમે ખરેખર ગૂંચવાઈ ગયા. ‘તો પછી લોકોને તમારા ગાયનોમાં સમજ શી રીતે પડે છે?’
‘ઓ પાપે, વહી તો સિક્રેટ દી ગલ હૈ!’ દલેર મહેંદીએ એકરાર કર્યો, ‘લોકોને સમજ ન પડવી જોઈએ!! હકીકતમાં તો હું પંજાબમાં શો કરતો હોઉં ત્યારે જ પંજાબીમાં ગાતો હોઉં છું. પાકી બીજે બધે તો હું સ્વાહિલી, ઝુલુ, પખ્તુની, હિબ્રૂ અને અરબી ભાષામાં ગાઉં છું! હા, વચ્ચે-વચ્ચે પંજાબી જેવું લાગે એટલા માટે હું રબ દી, કુડી, ઇથ્થે વીચ્ચ, સોણિયા અને બલ્લે બોલ્યા કરું છું! યો!’
‘યો?’ અમે ફરી ચોંક્યા. ‘યો એટલે?’
‘લો જી, તુસી નહીં પતા?’ દલેર મહેંદી હસી પડ્યા.
જૂનૂનની જિગ-સો-પઝલ
‘સૈંયોની...’વાળા ત્રણ ‘જૂનૂન’ આલબમવાળાઓને અમે મળવા ગયા ત્યારે એ લોકો એક અખાડામાં કુસ્તી કરતાં કરતાં એકબીજાના વાળ ખેંચતા હતા. અમે સમજી ગયા કે કાં તો એ લોકો સંગીતની પ્રેક્ટિસ કરી રહ્યા હશે અથવા તો તેમના વાળ વધારવા માટે રોજની કસરત કરતા હશે.
અમે તેમને પૂછ્યું, ‘તમે તમારા પોપ-ગ્રૂપનું નામ જૂનૂન શી રીતે પાડ્યું?’
‘બહુ વિચિત્ર રીતે.’ એક જૂનૂન-બાવાએ બીજાના વાળ ખેંચતાં ખેંચતાં કહ્યું, ‘એક દિવસ બપોરે અમે ત્રણે જણા એકબીજાના વાળમાંથી જૂ કાઢતા હતા. ‘ભરબપોરે’ અમારા વાળમાંથી એટલી બધી જૂ નીકળી કે અમને થયું આ જ નામ ઠીક રહેશે - ‘જૂ... નૂન!’
‘અચ્છા અચ્છા, નૂન એટલે બપોરે!’ અમે સમજી ગયા. ‘પણ તમારી સફળતાનું રહસ્ય શું છે?’
‘બહુ સિમ્પલ છે.’ પહેલા બાવાએ કહ્યું, ‘હું ખૂબ ઊંચા ઠેકડા મારી શકું છું.’
બીજા બાવાએ કહ્યું, ‘હું પહેલાં બ્રિટનમાં ઘેટાં ચરાવતો હતો એટલે મને મોટે-મોટેથી ચીસો પાડવાની પ્રેક્ટિસ છે!’
ત્રીજા બાવાએ કહ્યું, ‘અને હું સ્વિમિંગ ચેમ્પિયન થવા માગતો હતો, પણ મને ગમે તેટલા હાથ વિંઝવા છતાં તરતાં જ ન આવડ્યું એટલે અત્યારે હું તરવાની પ્રેક્ટિસ કરતો હોઉં એ રીતે તબલાં વગાડું છું! યો!!’
‘યો? ફરી પાછું યો? આ યો એટલે શું?’
‘યો?’ એ લોકોએ કહ્યું, ‘યુ ડોન્ટ નો?’
આશા ભોંસલેનો આઇડિયા
‘યો’માં અમે એવા બાઘા સાબિત થતા હતા કે આશા ભોંસલેને મળતાંની સાથે અમે હાથ જોડીને કહ્યું, ‘યો!’
આશાજીએ પણ સફેદ સાડી સરખી કરતાં કહ્યું, ‘યો ! યો!’
અમે આશાજીને અભિનંદન આપતાં કહ્યું, ‘તમે તો નંબર વન પોપ-સ્ટાર બની ગયાં છો. યો!’ પછી અમે સવાલ કર્યો, ‘તમે હિન્દી ફિલ્મોમાંથી પોપ-મ્યુઝિકમાં ક્યાંથી આવી ગયાં?’
‘યો!’ આશાજીએ આંખ મીંચકારી, ‘જાનમ સમઝા કરો! યો!’
‘ઓ...હો, યો! યો!’ અમે પણ ચલાવી. ‘પણ તમે તો બધું સમજાય એવું ગાઓ છો, તો પછી આ રિ-મિક્સિંગ કેમ શરૂ કર્યું? યો!’
‘યો!’ આશાજી હસી પડ્યાં, ‘જેને સમજાતું નથી એમને માટે આ જ રિ-મિક્સ ગીતો છે. યો! બાકી જે સમજે છે એ તો મારાં ઓરિજિનલ જ સાંભળે છે! યો!’
‘યો!’ અમે પણ હસી પડ્યાં. ‘અચ્છા આશાજી, આ યો એટલે શું?’
‘લો ખબર નથી? યો!’ આશાજીએ આંખો પટપટાવતાં કહ્યું, ‘યો એટલે યો! યો!’
કમાલ ખાનની કમાલ
અમને કમાલ ખાન વિશે ઝાઝી ખબર નહીં, એટલે સીધું જ પૂછી લીધું, ‘તમને પહેલી સફળતા ક્યારે મળી?’
‘અ-ઔ જાને જાના!’ કમાલે ગિટાર ખખડાવતાં કહ્યું.
‘બરાબર. પછી બીજી સફળતા ક્યારે મળી?’
‘અ-ઔ જાને જાના! એ સલમાન ખાનની ફિલ્મમાં આવ્યું ત્યારે.’
‘અચ્છા. અને ત્રીજી સફળતા?’
‘અ-ઔ જાને જાના! મેં સ્ટેજ ઉપર ગાયું ત્યારે!’
સફળતાનું આટલું બધુ રિપિટેશન સાંભળીને અમે સવાલ જરા બદલ્યો, ‘તો હવે તમે નવું શું કરી રહ્યા છો?’
‘અ-ઔ જાને જાના! એ મારું નવું આલબમ છે.’
‘પણ એ તો તમે ગાયું? હવે ફરીથી?’
‘હા. હવે એનું રિ-મિક્સ કરવાનું છે! અ-ઔ જાને જાના!’
અમને થયું કે આ કમાલ ખાન અ-ઔ જાને જાના સિવાય બીજું કંઈ કરે છે ખરો? એટલે અમે પૂછ્યું, ‘અ-ઔ જાને જાના સિવાય તમે જિંદગીમાં બીજું શું કરવા માગો છો?’
જવાબમાં કમાલ ખાને ગિટાર ખખડાવીને કહ્યું, ‘બસ, હવે તો અ-ઔ જાને જાના એ જ મારી જિંદગી છે.’
‘એક ગાયન પર તમે આખી જિંદગી કાઢશો?’ અમારો આવો સવાલ સાંભળીને કમાલ ખાન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ભીનાં થઈ ગયેલા ગોગલ્સને રૂમાલ વડે સાફ કરતાં કરતાં તે કહે, ‘સાહેબ, એક ગાયન પર જ જીવવું પડે ને? અત્યારે ઓછામાં ઓછા ચાર ડઝન પોપ-સિંગરો તો એવા છે કે બિચારાઓનું અડધું ગાયન પણ નથી ચાલ્યું....’
મોક્ષ હુસેનની માસ્ટરી
મોક્ષ હુસેનની સીડી જોવા જેવી છે. જાણે કોઈ પ્રખ્યાત અમેરિકન હેવી મેટલ મ્યુઝિકનું આલબમ હોય એવી ભેદી સ્ટાઈલમાં મોક્ષ શબ્દ લખેલો છે. સીડીનો દેખાવ, ગેટ-અપ અને પેકિંગ જોઈને તો એમ જ લાગે કે ખલ્લાસ! ભારતમાં નવા બિટલ્સનું આક્રમણ થયું! પણ જ્યારે સીડી વાગવાની શરૂ થાય ત્યારે શું સંભળાય, ખબર છે? ભજનો! અસ્સલ દેશી ભજનો! ‘રઘુપતિ રાઘવ રાજારામ’ અને ‘હરે રામા હરે ક્રિષ્ણા’ જેવાં!
એટલે અમે મોક્ષ હુસેનને પાયાનો સવાલ કર્યો, ‘પોપ-મ્યુઝિકની પાયાની શરત એ છે કે લોકોને સમજ ન પડવી જોઈએ. પણ આ તો સીધાંસાદાં ભજનો જ છે. આ તો બધાને સમજાય એવાં છે!’
‘એ જ જોવાનું ને?’ મોક્ષ હુસેને કહ્યું, ‘જે લોકો આ કેસેટ ખરીદે છે એમને ક્યાં કશાયમાં સમજ પડે છે? યો!’
‘યો?’ અમે ફરી ભડક્યા એટલે પૂછી જ લીધું, ‘આ યો એટલે શું? યાર, તમારે તો કહેવું જ પડશે.’
‘યો.. એક જાતની ગાળ છે.’ મોક્ષ હુસેને અમને સમજાવ્યું. ‘અમે લોકો આ ગાળ બીજા સફળ ગાયકોને વારંવાર આપીએ છીએ.’
‘હા. પણ એ યો... એટલે શું?’ અમે અકળાઈને પૂછ્યું.
‘યો એટલે... યુ ઓરિજિનલ!?!’
(લો બોલો! પેલા ‘યો યો’ હની સિંહના નામનો મતલબ અમને છેક હવે સમજાયો!)
લ્યો હાલો ત્યારે પોપ-સિગરુંનો તો આવું જ રહેવાનું! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઇટ છે!