સ્ટેન્ડ-અપ કોમેડીનાઇટ્સ અને લેટનાઇટ કોમેડી શો જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં કોમેડિયનોને બદલે રાજકીય નેતાઓને જોઈને અમારો હાસ્યનો સ્ટોક પૂરો કરી લેતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં એક બહુ મોટો ભ્રમ પ્રવર્તી રહ્યો છે કે ‘લોકો વાંચે છે!’ એથીયે મોટો એક ભ્રમ એવો છે કે, ‘લોકો હાસ્ય-લેખો વાંચે છે!’ અને એનાથી યે મોટો એક એવો જબરદસ્ત ભ્રમ, ખાસ કરીને હાસ્યલેખકો સિવાયના લોકો, જેવા કે સંપાદકો, તંત્રીઓ અને પ્રકાશકોમાં ફેલાયેલો છે કે, ‘વાચકો હાસ્ય-લેખો વાંચીને હસે છે!!’
હશે ચાલો, ભૂલ-ચૂક માફ, બસ? હવે આગળ ના વાંચતા! કારણ કે હવે પછીનો મામલો વાચકો માટે નહીં, પરંતુ હાસ્યલેખકો માટેનો છે. જે લોકો ઓલરેડી હાસ્યલેખકો બની ચૂક્યા છે એ લોકો તો છો કુટાતા, (નસીબ એમનાં) પણ જે લોકો હાસ્યલેખકો બનવા માગે છે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે ભાઈ, લોકો તારા લેખ વાંચીને હસશે એ વાત જ ભૂલી જજે! જો ખરેખર લોકોને હસાવવા હોય તો આ રહ્યા વર્ષો જૂના ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ નુસખાઓ.
હિન્દી ફિલ્મના કોમેડિયન બનો
મહેમૂદની જેમ હિટલર-કટ મૂછો રાખો, તપેલી કટ વાળ કપાવો, સસલા જેવા નકલી દાંત પહેરો, મંદબુદ્ધિ બાળકની જેમ તોતડું બોલો, બોલતાં બોલતાં થૂંક ઉડાડો.
કે પછી રાજેન્દ્ર નાથની જેમ પટ્ટાવાળી ચડ્ડી પહેરો, બાબાસૂટ પહેરીને દૂધની નીપલ ચૂસો, છાતીના વાળ દેખાય એ રીતે બૈરી બનો.
અથવા તો કેસ્ટો મુખરજીની જેમ હાથ-પગના સાંધામાં વધારે પડતું ઓઇલીંગ કરાવડાવો, ગરદનમાં સાવ ઢીલી સ્પ્રીંગ નંખાવો, આંખોમાં ડબલ સાઇઝની બોલ-બેરિંગ નંખાવડાવો અને હાથમાં સાદા પાણીથી છલકાતી બાટલી પકડીને, બગડી ગયેલી ગાડીને સ્ટાર્ટ કરવાથી જેવા અવાજો થાય તેવા અવાજો કરીને હસ્યા કરો.
અરે, ચાહો તો અસરાનીની જેમ ખિખિયાટા કરો, જગદીપની જેમ ગળાની નસો ફુલાવો કે પછી રમેશ મહેતાની જેમ વાસી તકિયાકલામ ફટકારો... લોકો જરૂર હસશે! પણ મહેરબાની કરીને હાસ્યલેખ ના લખતા.
હિન્દી હાસ્ય કવિ બનો
આ કામ અઘરું છે, પણ હિંમત ન હારો. કોઈ અતિશય જૂનો, ઘસાયેલો, વાસી જોક શોધી કાઢો અને પછી એને મારીમચડીને પ્રાસમાં ફીટ કરો. પછી ઉપર જણાવેલા કોઈ પણ કોમેડિયનની સ્ટાઇલમાં પ્રદર્શન પરથી રજૂ કરો કે -
‘એક ચાચા જા રહા થા,
એક રિક્ષા આ રહા થા.
ચાચાને પૂછા ક્યું ભલા,
મણિનગર તક જાઓગે?
ડ્રાઇવરને બોલા હાં!
ચાચાને બોલા જા!’
આ સાંભળીને નિમંત્રિત શ્રોતાઓ હસશે નહીં તો જશે ક્યાં?
લાલુ પ્રસાદ બનો
‘બોબી-કટ’ વાળ રાખો, દેહાતી બોલી બોલો, સુસરા અને સાલા બોલો, સાઇકલ ચલાવીને સચિવાલય જાઓ, ભેંશ દોહતા ફોટા પડાવો, પોતાના વખાણની ચાલીસા છપાવો, કરોડો રૂપિયા ચાંઉ કરી જાઓ અને આરોપો સાબિત થાય તો ફાંસીએ ચડી જવાનું વચન આપો... અને પછી જુઓ કે લોકો કેવા હસે છે?!
લો બોલો, લોકોને હસાવવા માટે લાલુ પ્રસાદે ક્યારેય હાસ્યલેખ લખ્યો હોય એવું સાંભળ્યું છે?
સરકસમાં નોકરી કરો
સરકસમાં જોકર બનીને ગુલાંટો ખાઓ, હીંચકા પરથી નીચે પડતી વખતે પાયજામો ઊતરી જવા દો, પોપટ બંદૂક ફોડે ત્યારે બેભાન થઈને પડી જાઓ. અરે, જરૂર લાગે તો વાંદરાનો ડ્રેસ પહેરીને તૂટેલી સાઇકલ ચલાવો, હાથીનો વેશ સજીને સૂંઢમાં બેટ પકડીને સિક્સરો લગાવો અને જુઓ કે લોકો કેવા ખડખડાટ હસે છે!
મિમિક્રી આર્ટિસ્ટ બનો
માત્ર આ બે વાક્યો ગોખી નાંખો. (૧) ‘જીવનમાં હાસ્ય ક્યાં ક્યાંથી મળી આવે છે’ અને (૨) ‘જોક ક્યાં નથી થાતી?’
અને પછી ચલાવો ‘આ ગઈકાલે હું બાથરૂમમાં ન્હાવા ગ્યો. હજી સાબુનું રેપર ખોલ્યું યાં તો અંદરથી એક જોક નીકળી! જીવનમાં જોક ક્યાં ક્યાંથી મળી આવે છે...’
તમે પોતે જે જોક સેંકડો વાર સાંભળી હોય તે તો ખાસ કહેજો કારણ કે લોકો એવી જોક હજારમી વખત સાંભળીને પણ જાણે ચોથી જ વાર સાંભળતા હોય એટલા જોરથી હસે છે. (ચોથી વાર એટલા માટે કે પહેલી, બીજી અને ત્રીજી વાર ભાઈને જોક સમજાણી જ ન હોય!)
દ્વીઅર્થી સંવાદોવાળાં નાટકો ભજવો
એક તો નાટકોનાં નામો જ એવાં પાડો કે લોકોને ગલગલિયાં થાય. પછી નાટકમાં ખાસ કંઈ કરવાનું રહેતું નથી. રૂપાળી કન્યાઓને જરા ટૂંકાં કપડાં પહેરાવો અને લગ્નજીવનમાં થતી ઇતર પ્રવૃત્તિ વિશેની ઘટનાઓ જોડી કાઢો. મજા એ છે કે લોકોને હસાવવા માટે તમારે કંઈ કરવાનું જ નથી હોતું! પ્રેક્ષકોનાં મગજ જ એવાં થઈ ગયાં હોય છે કે તમારી તમામ વાતો એમને દ્વીઅર્થી લાગશે. એટલે કેળાં, તડબૂચ, લીંબુ અથવા ગાડી, ગિયર, બોડી, બમ્પર વિશે સાદાસીધા સંવાદો બોલો. લોકો અમથા અમથા હસ્યા કરશે!
હાસ્યમાં ફિલોસોફી ઠોકો
જ્હોની લિવર જેવો પરદા પર આવે કે તરત જ જેમ થિયેટરમાં હાસ્યનું હુલ્લડ ફાટી નીકળે છે, તેમ મિમિક્રી આર્ટિસ્ટ બિચારો પ્રખ્યાત થઈ જાય પછી સ્ટેજ પર આવીને છીંક પણ ખાય તો લોકો હસવા લાગે છે.
હજાર વખત કહેવાઈ ચૂકેલી જોક્સ પણ જ્યારે ખલાસ થઈ જાય ત્યારે ‘મહાન તત્ત્વચિંતક આર્નોલ્ડ શ્વાઝનેગરે કહ્યું છે કે, શ્વાસ તો શ્વાન જેવો છે, તૂ તૂ કરે તો પાસે આવે અને હડે હડે કરે તો દૂર જાય છે.’ આનું કંઈ પણ ન સમજાય એવું બ્રહ્મવાક્ય બોલશો તો ય લોકો એને જોક સમજીને હસવા માંડશે!
લાફિંગ કલબની સ્થાપના કરો
છતાંય લોકો હસતા નથી? સ્સાલ્લાઓ? બોલાવો એ બધાં ફાંદવાળાઓને, શેરબજારના ટેન્શનવાળાઓને, ઇન્કમટેક્સના લોચાવાળાઓને, માર્કેટિંગના ટાર્ગેટવાળાઓને, દિવેલિયા ડાચાંવાળાઓને, મુંજી બોચિયાઓને... અને સવાર સવારના કોઈ બગીચામાં લાઈનસર ઊભા કરી દો બધ્ધાને!
અને પછી એમને બીવડાવો કે, ‘હસો! નહીં તો મરી જશો!’ અને દુનિયાભરની થિયરીઓ સમજાવો કે, ‘હસવાથી સ્નાયુઓને કસરત મળે છે. ૩૮.૭ ધમનીઓ અને ૨૭.૬ શિરાઓમાં લોહી વહેવાને કારણે બ્લડપ્રેશરમાં ૧૯.૨ ટકા અને ડાયાબિટીસમાં ૨૧.૭ ટકા ફાયદો થાય છે...’ ટૂંકમાં પહેલાં એ બધાને બોર કરો.
અને પછી સરમુખત્યાર હીટલરની જેમ એમની પાસે હસવાની કસરત કરાવડાવો. બિચારાઓ બનાવટી હાસ્ય કરી કરીને થાકી ન જાય ત્યાં લગી તેમને હસાવો અને પછી તેમની દયાજનક સ્થિતિ ઉપર ક્રૂર અટ્ટહાસ્ય કરો!
ખાસ નોંધઃ જો કોઈ વાચક ભૂલભૂલમાં લેખ વાંચતા વાંચતા અહીં સુધી પહોંચી ગયો હોય, અને એ દરમિયાન તેને ક્યાંક હસવું આવી ગયું હોય તો માફ કરજો, તમને મૂરખ સાબિત કરવાનો અમારો કોઈ જ બદ-ઇરાદો નહોતો!
લ્યો, બવ હાહા હાહી નો કરો, નહિતર કોઈ ક્યેશે કે આમની ચસકી ગઈ છે કે શું? અટલે તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!