ફોરેનમાં વસતા અને ફોરેનનાય ફોરેન કહેવાય એવા એવા રૂપાળા દેશોમાં ફરવા જાતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં બેઠાં બેઠાં ફોરેનના ભૂરિયા ટુરિસ્ટો જોઈને અમથા અમથા અંજાઈ જતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ફોરેનના ટૂરિસ્ટો જ્યારે ઇન્ડિયામાં આવે છે ત્યારે એમનું કેવા કેવા લોકો કેવી કેવી રીતે ‘કરી’ નાખે છે! તેમને કેવા ‘અદભૂત’ અનુભવો થાય છે? વાંચો, એમની ડાયરીનાં પાનાં...
વાઇલ્ડ લાઇફ પેકેજ
ઇન્ડિયાની વાઇલ્ડ લાઇફ જોવાની મને પહેલેથી હોંશ હતી. મેં આટલા બધા ડોલર્સ ભરીને આ પેકેજ ટૂર બુક કરાવી ત્યારે મારા એક ઇન્ડિયન ફ્રેન્ડે મને કહ્યું કે ‘હેરી, તું આટલા બધા પૈસા શા માટે ખરચે છે? યુ જસ્ટ બુક અ ફ્લાઇટ ટુ પટના! વિમાનમાંથી ઊતર્યા પછી જ્યાં જાય ત્યાં તને વાઇલ્ડ લાઇફ જોવા મળશે!’
બટ આઈ ગેસ, મારે બધા ટૂરિસ્ટો જોવા જાય છે તેવી જ વાઇલ્ડ લાઇફ જોવી હતી. એન્ડ આઈ ટેલ યુ, ઈટ વોઝ વેરી એક્સાઇટીંગ ટૂર!
અમારો વાઇલ્ડ લાઇફનો અનુભવ હોટલથી જ શરૂ થઈ ગયો. અમને વાઇલ્ડ લાઇફનું રીયલ એક્સાઇટમેન્ટ મળે એ માટે અમારા પલંગમાં ડઝનબંધ માંકડો રાખવામાં આવ્યા હતા. રાતના સમયે જ નહીં, પરંતુ દિવસે પણ ખાસ જંગલોમાંથી મંગાવેલા મચ્છરો સેંકડોની સંખ્યામાં રૂમમાં હાજર હતા! વાઉ! માત્ર ટોઇલેટ્સમાં જ નહીં, બધે જ વંદા હતા! તિરાડોવાળી દીવાલો પર કરોળિયાનાં જાળાં હતાં, ગરોળીઓ ફરતી હતી અને યસ, અમારા સ્પેશિયલ રૂમમાં તો કબૂતરનો એક માળો પણ હતો!
પછી શરૂ થઈ જંગલની ટૂર.
અમારા તંબુઓનાં કાપડ ઠેકઠેકાણેથી ફાટેલાં હતાં. આવું કેમ છે એમ પૂછતાં મને ટૂરિસ્ટ ગાઈડે કહ્યું કે તમે હોટલમાં જે જંગલી અને વાસી ભોજન લીધું તેના કારણે તમને ગેસ થવાનો સંભવ છે. રાતના સમયે તમે કે તમારા પાર્ટનર દુર્ગંધ મારતી વા-છૂટ કરો તો આ ખાસ વેન્ટીલેશન્સમાંથી દુર્ગંધ જતી રહેશે!
ગુડ થિન્કિંગ.
જંગલની ટૂર વધારે રીયલ બનાવવા માટે અમને કશું ખાવાનું આપવામાં જ નહોતું આવ્યું! અમારા ભોજનની વ્યવસ્થા અમારે જાતે કરી લેવાની હતી. (જોકે સરકારી કર્મચારીઓ તેમનાં ટીફીનો લઈને આવેલા. બિચારાઓ!) અમને ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે જે લાઇસન્સવાળી બંદૂકો આપેલી તેનાથી શિકાર કરવામાં બહુ સફળતા મળી નહીં. જોકે બંદૂકો ઐતિહાસિક હતી એટલે જ એવું બન્યું હશે. બપોર સુધીમાં તો ગોળીઓનો સરકારી ક્વોટા પણ પૂરો થઈ ગયો.
હવે કકડીને ભૂખ લાગી હતી. જંગલના કુદરતી ઝરણામાં આદિવાસીઓએ જાતે બનાવેલાં પિત્ઝા, સેન્ડવીઝ તથા ભજિયાં-સમોસા વગેરેના ટુકડા તરી રહ્યા હતા. પણ તેનાથી ભૂખ મિટાવવી અમને યોગ્ય ન લાગ્યું.
આફટર ઓલ, વાઇલ્ડ લાઇફનો ચાર્મ તો માણવો જોઈએ ને?
છેવટે અમને એક શિકારી મળી ગયો. તેની પાસે તાજા જ શિકાર કરીને જાતે જ રાંધેલાં સસલાં હતાં. ફ્રેશલી બેઈક્ડ ઈન જંગલ! તેણે માત્ર ૨૦૦ ડોલર્સમાં અમને બધો ખોરાક આપી દીધો. જોકે જમતી વખતે અમને લાગ્યું કે સસલાના માંસનો સ્વાદ જંગલી સુવ્વરના માંસ જેવો જ હતો! પણ અમને સરકારી લોકોએ કહ્યું કે આ જંગલનાં સસલાં સુવ્વર જેવાં જ છે.
વાઉ, ધેટ ઈઝ સમ વાઇલ્ડ લાઇફ!
પાછા વળતાં અમને સરકારી હાથી પર રાઈડ આપવામાં આવી. રસ્તે થોડાં ધાર્મિક સ્થળો પણ જોવા મળ્યાં. હાથી દરેક નાના-મોટા મંદિર પાસે ઊભો રહેતો હતો. શ્રદ્ધાળુ આદિવાસીઓ (હવે તો પેન્ટ-શર્ટ અને ગોગલ્સ પહેરે છે અને કેમેરા પણ રાખે છે) હાથીની સૂંઢમાં નાળિયેર અને રૂપિયા મૂકતા હતા. હાથી તરત જ બધું મહાવતને આપી દેતો હતો.
છેવટે હોટલ પર આવ્યા પછી અમારે બધા કર્મચારીઓને પાંચ પાંચ ડોલર્સની ટીપ આપવી પડી. પરંતુ પેલા હાથીએ કોઈ ટીપ ન માગી.
વન્ડર વ્હાય? કદાચ સરકાર તેને પૂરતો પગાર આપતી હશે.
હિસ્ટોરિકલ ટૂર પેકેજ
મારી વરસોથી ઇચ્છા હતી કે ઇન્ડિયાના મહારાજાઓ જેવી લાઇફ જીવતા હતા તેવી લાઇફ કમ-સે-કમ ત્રણ દિવસ અને બે રાત્રિઓ માટે જીવવી. એટલા માટે જ મેં આ હિસ્ટોરિકલ ટૂર પેકેજ લીધું. એન્ડ લેટ મી ટેલ યુ, ઇટ્સ વન્ડરફુલ!
અમે જે ફાઇવ સ્ટાર હોટલમાં ઊતર્યા પછી તે એક જમનામાં એક મહારાજનો પેલેસ હતો. જોકે અહીંના વેઇટરો માથા પર જે મોટા મોટા સાફા બાંધીને ફરે છે તે જોઈને મને ઘણી વાર વિચાર આવ્યો કે જો આ નોકરો આટલાં જાજરમાન કપડાં પહેરે છે તો મહારાજા તો શું ય પહેરતા હશે? પણ પછી એક વેઇટરે મને ખાનગીમાં કહ્યું કે જો ઇન્દિરા ગાંધી ન હોત તો તે પોતે જ એક મહારાજા હોત! ઈન ફેક્ટ, આજે પણ એ વેઇટર આ પેલેસના મહારાજાનો વારસદાર છે!
વાઉ! આઈ થોટ, ધીસ ઇઝ અમેઝિંગ, મારી સેવામાં ખુદ પ્રિન્સ હાજર છે!
અહીં અમને એ જ એક્ઝોટીક ભોજન પીરસવામાં આવે છે જે ખુદ રાજા-મહારાજાઓ ખાતા હતા. એક વાનગીને ‘રોટલાઝ’ કહેવાય છે. ડાર્ક ગ્રીન કલરના એકઝોટીક અનાજમાંથી આ વાનગી બનાવવામાં આવે છે. તેને બેઈક કરવા માટેનું સ્પેશિયલ ફાયરવૂડ જંગલોમાંથી મંગાવવું પડે છે અને તેને ખાસ હેન્ડ મેઈડ અર્ધન (માટીના) વાસણમાં જ શેકવાના હોય છે. સાથે ‘બૈંગન-કા-ભડથા’ નામની એક એકઝોટીક વેજીટેરીયન વાનગી હતી. મને અહીંના શેફે કહ્યું કે આની રેસીપી છેક મહારાજના ખાસ રસોઇયાના વંશ-વારસા પાસેથી મેળવવામાં આવી છે. જમ્યા પછી મહારાજાઓ જે એક્ઝોટીક પીણું પીતા તે અમને પીરસવામાં આવ્યું. કહે છે કે મહારાજાની ખાસ ઊંચી નસલની ગાયોના દૂધમાંથી જ્યારે માખણ બનાવવામાં આવતું ત્યારે તેની બાય-પ્રોડક્ટ તરીકે જે પીણું બને છે તેને જમ્યા પછી પીવાની રોયલ પરંપરા હતી. (મોટે ભાગે એ પીણાનું નામ ‘છા... છ’ કે ‘ચ્ચા... શ’ અથવા ‘છાશ’ છે.)
હિસ્ટોરિકલ ટૂરમાં અમને પુરાણા મહેલોની મુલાકાતે લઈ જવામાં આવ્યા. આ મહેલો એટલા બધા ઐતિહાસિક છે કે ઓથેન્ટીસીટી માટે ઘણી બધી હિન્દી ફિલ્મોનાં શૂટિંગ અહીં થાય છે. અમે જ્યારે એક મહેલમાં ગયા ત્યારે એક હિન્દી ગાયનનું શૂટિંગ ચાલતું હતું.
વાઉ! શું ગાયન હતું! અને શું નૃત્યની મુદ્રાઓ હતી! મને એ જોઈને ખરેખર આશ્ચર્ય થયું કે પ્રાચીન ભારતમાં વરસો પહેલાનાં નૃત્યોમાં બૂગી-વૂગી, રેપ, ટ્વીસ્ટ અને ડીસ્કો ડાન્સ જેવાં જ સ્ટેપ્સ હતાં! જોકે એક વાત ન સમજાઈ. હીરો અને હીરોઈને આધુનિક વસ્ત્રો શા માટે પહેર્યાં હતાં?
પછી પણ મારા ટૂરિસ્ટ ગાઈડે મને સમજાવ્યું કે ફિલ્મમાં આ ગાયન ડ્રીમ સિક્વન્સમાં આવે છે. રાજકુમારીને એવું સપનું આવે છે કે પ્રિન્સ અને પ્રિન્સેસ એકવીસમી સદીમાં પહોંચી ગયાં છે! જોકે પાછળ નાચી રહેલા ડઝનબંધ ડાન્સરોએ ચણિયા-ચોળી અને પાઘડીઓ પહેરેલી હતી. એવું કેમ?
આઈ ગેસ, ઇન્ડિયામાં ૧૮મી સદી અને ૨૧મી સદી સાથે ચાલી રહી છે એટલે.
અમારો ટૂરિસ્ટ ગાઇડ ઇતિહાસનો સ્કોલર છે. (તેણે મને પીએચ.ડી.ની ડીગ્રી પણ બતાડી) તેની પાસે અહીંની એક એક ચીજ માટે એક નવી વાર્તા છે. એક મામૂલી તોપ પાછળ લગભગ અઢી કલાક ચાલે તેવડી વાર્તા તેણે કીધી. તે આ વાર્તા કહી રહ્યો હતો ત્યારે એક બીજા ટૂરિસ્ટે કહ્યું, ‘બે વરસ પહેલાં તો તું કંઈ જુદી જ વાર્તા કહેતો હતો!’ જવાબમાં ટૂરિસ્ટે કહ્યું કે બે વરસમાં તેણે ઘણી નવી રીસર્ચ કરી છે. (પાછળથી મને ખબર પડી કે આ ટૂરિસ્ટ ગાઈડ મુંબઈમાં હિન્દી ફિલ્મો માટે વાર્તાઓ લખવા ગયો હતો. પણ તેની ઘણી બધી રીસર્ચ કરેલી વાર્તાઓ ચોરાઈ ગઈ એટલે તે અહીં આવીને ગાઈડ બની ગયો છે.) આજે પણ એ રીસર્ચ કરવા માટે હિન્દી ફિલ્મોની વાર્તાઓનો સહારો લે છે.
વાઉ! ધેટ્સ વન્ડરફૂલ!
જોકે આ વાત નથી સમજાતી. આ રાજાઓનાં સિંહાસનો મારબલ સ્ટોનના છે. એમના ઝરુખાઓ લાલ પથ્થરના છે, એમના પલંગો ગુલાબી પથ્થરના છે, એમના હિંચકાઓ રોટ-આયર્નના (લોખંડના) છે. પણ શું આટલી બધી કડક સરફેસ એમને કમ્ફર્ટેબલ લાગતી હશે?
કદાચ મહારાજાઓ અને મહારાણીઓનાં શરીર જ ગાદી-તકિયા જેવાં પોચાં હશે!
લાયન-શો પેકેજ
એશિયાટિક લાયનને જોવો એક લહાવો છે. અહીં પ્રાણી સંગ્રહાલયોમાં સિંહો છૂટા ફરતા હોય અને આપણે બંધ જીપમાં હોઈએ તેવા આર્ટીફિશીયલ વાતાવરણમાં મેં ઘણી વાર સિંહ જોયા છે, પણ ગિરનાં જંગલોમાં જ્યાં સિંહ પણ છૂટો ફરતો હોય અને આપણે પણ છૂટા ફરતા હોઈએ એ કલ્પના જ કેટલી એકસાઇટિંગ છે!
અમે આખો દિવસ જંગલમાં ફરતા રહ્યા, પણ સિંહ દેખાયો નહીં. બીજા દિવસે પણ એ જ હાલત હતી. એ લોકોએ અમને સિંહની હગાર, સિંહે ખાધેલા જાનવરનાં હાડકાં, સિંહનો ઊખડી ગયેલો નખ વગેરે બતાવ્યું. સાત જગાએ સિંહનાં પગલાં પણ બતાડ્યાં. એક જગાએ સિંહની કેશવાળીનો વાળ ને બીજી જગાએ સિંહની પૂંછડીનો વાળ બતાડ્યો, પણ સિંહનાં દર્શન ન થયાં.
અમે પૂછયું કે સિંહ કેમ દેખાતો નથી? તો એમણે કહ્યું કે તે ફોટોસેશનમાં બિઝી છે!
‘ફોટોસેશન?’ અમને નવાઈ લાગી, ‘સિંહ મોડેલિંગ કરે છે?’
તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારની આ નવી યોજના છે. તમે ૨૦૦ ડોલર્સ આપો તો સિંહની ડેટ લઈ લઈએ!
છેક આટલે આવ્યા પછી સિંહ જોવા ન મળે તેના કરતાં ૨૦૦ ડોલર્સ આપવા શું ખોટા? અમે કોન્ટ્રાક્ટ માગ્યો, પણ તેમણે કહ્યું કે યોજના નવી છે અને કોન્ટ્રાક્ટના ફોર્મ છપાયાં નથી! જો ફોર્મની રાહ જોવી હોય તો અઠવાડિયું લાગશે. એશિયાની બધી સરકારો આવી જ હોય છે. છતાં એશિયામાં ફોર્મ ભર્યા વિના પણ ઘણું થઈ શકે છે. અમે ડોલર્સ ચૂકવી દીધા. તેમણે પ્રે (મારણ)ના ૨૦૦ ડોલર્સ એકસ્ટ્રા માંગ્યા.
અડધા જ કલાકમાં એક સ્મોલ બફેલો આવી ગયો અને પાંચ જ મિનિટમાં સિંહ પણ આવી ગયો. વેરી પ્રોફેશનલ! દોરડા વડે બાંધેલા બેબી બફેલોનો સિંહે શિકાર કર્યો. સિંહને ખાવામાં સગવડ પડે એ ખાતર આ લોકોએ બફેલોને કાપીને નાના ટુકડા પણ કરી આપ્યા. તેમણે એમને કહ્યું, ‘સોરી, ઉતાવળમાં છરી-કાંટાની વ્યવસ્થા નથી કરી શકાઈ!’
વાઉ! ધેટ્સ ઈવન મોર પ્રોફેશનલ!
અમે ફોટા પાડતા હતા, વીડિયો કેમેરાથી શૂટ કરતા હતા ત્યાં અંધારું થઈ ગયું. એમણે કહ્યું, ‘ચિંતા ન કરો, તમે ફ્લેશ લાઇટ્સ અને સ્પોટ લાઇટ્સ વાપરી શકો છો.’ અમે કહ્યું કે સરાકરી બ્રોશરમાં તો આની મનાઈ છે. પણ તેમણે ખુલાસો કર્યો કે નવા બ્રોશરો છપાઈને આવતાં છ મહિના થશે.
સી! ધેટ્સ પ્રોફેશનલ!
અમે સિંહના ઢગલાબંધ ફોટા પાડ્યા. સિંહ ખૂબ જ કો-ઓપરેટિવ હતો. તેણે અમારી સાથે બેસીને, અમારી જીપ પર બેસીને અને અમારા ખોળામાં બેસીને સેંકડો પોઝ આપ્યા.
પણ પાછા વળતાં મને વિચાર આવે છે કે જો સિંહ મોડલિંગના ધંધામાં આટલું બધું કમાય છે તો તે બિચારો સાવ દૂબળો અને નંખાઈ ગયેલો કેમ હતો?
•••
લ્યો ત્યારે, તમે ઇન્ડિયામાં ફરવાની પેકેજ ટુરમાં આવી રીતે હલવાઈ નો જાતા! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!