ફોરેનમાં ઘૂસીને ફોરેનની પોલીસની આંખમાં ધૂળ નાંખીને ઇન્ડિયાના પાંચ દેશીઓ મોંઘામાં મોંઘો ડાયમન્ડ ચોરી જાય એવી સ્ટુપિડ ફિલમો જોઈને પણ રાજી થતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં એનાથી યે મોટી ‘અસલી ઉઘાડી ચોરીઓ’ થતી જોવા છતાં પેટનું પાણી ન હલતું હોય એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ.
સલમાન ખાન હાઇ કોર્ટમાં તો છૂટી ગયો! હજી કોર્ટને ખબર જ નથી કે એની કાર ચલાવતું કોણ હતું? છતાં ‘ભૂતિયા કાર’ની તપાસ ઇન્ડિયાની સીબીઆઇ પણ કરવાની નથી! ખેર, એ બધું છોડો, હમણાં તો સલમાનની મિક્સ-મીડિયા વેરાયટીઓ માણો...
સલમાનની ટીવી એડ.
સલમાનની એક્સિડેન્ટ કરનારી કાર લેન્ડ ક્રુઝર હતી, તે હવે ઇમ્પોર્ટેડ ‘લેન્ડ ક્રુઝર’ ગાડીની એડમાં ચમકવાનો છે!
કેટરીના તેની સેન્ટ્રોમાં જઈ રહી છે ત્યાં તો પાછળથી સલમાન ફૂલ સ્પીડમાં તેને ઓવરટેઇક કરીને આગળ જતો રહે છે. આગળ અભિષેક અને અમિતાભ મારુતિ વાનમાં જઈ રહ્યા છે. સલમાન તેમને પણ સડસડાટ ઓવરટેઇક કરી જાય છે. શાહરુખ તેની સેન્ટ્રોમાં છોકરીઓને બેસાડી જાતજાતના સ્ટંટ બતાવી રોફ મારતો હોય છે, સલમાન તેને પણ પાછળ પાડી દે છે.
આગળ જતાં અક્ષય કુમાર તેને બૂમ પાડીને પૂછે છે, ‘એ સલમાન! ક્યાં જાય છે? થમ્સ-અપ લેવા?’
‘ના!’ સલમાન કહે છે, ‘મારું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા!’
સલમાનનો ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ
આટલી બધી કાનૂની બબાલ થયા પછી સલમાનને ડ્રાઇવિંગ લાઇસન્સ આસાનીથી મળે તે વાતમાં માલ જ નહોતો. બિચારાને એક લેખિત ટેસ્ટ આપવો પડ્યો. આ રહ્યા તેમાંના કેટલાક સવાલ અને સલમાને આપેલા જવાબ-
સવાલઃ ટ્રાફિક સિગ્નલ પર લાલ, પીળી અને લીલી લાઇટો શા માટે હોય છે?
જવાબઃ રાતના ટાઇમે કાળા રોડ રંગીન દેખાય એટલા માટે.
સવાલઃ કાર ચલાવતાં પહેલાં શું શું ચેક કરી લેવું જોઈએ?
જવાબઃ પૈસાનું પાકીટ ચેક કરી લેવું જોઈએ. જેથી જ્યારે તલબ લાગે ત્યારે દારૂ પીવાના, અને એક્સિડન્ટ થાય ત્યારે લાંચ આપવાના પૈસા પૂરતા પ્રમાણમાં હોય.
સવાલઃ વિના લાઇસન્સે, દારૂ પીને, બીજાની કારમાં બેસી, એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખવાની શું સજા હોય છે?
જવાબઃ માત્ર ૧૩ દિવસની જેલ. હું હમણાં જ જઈને આવ્યો.
સવાલઃ કોઈ આંધળો રાહદારી રસ્તો ક્રોસ કરતો હોય ત્યારે કાર ચલાવનારે શું કરવું જોઈએ?
જવાબઃ હોર્ન વગાડવું જોઈએ. જેથી તેને બચવાનો ચાન્સ મળે. ન બચી શકે તો ભોગ એના, કારણ કે આમેય એ ક્યાં આપણી નંબરપ્લેટ વાંચવાનો છે?
લેખિત પ્રશ્નપત્રની સપ્લીમેન્ટરીમાં સલામાને છેલ્લે નોંધ લખેલીઃ ‘ડીયર એક્ઝામિનર સાહેબ, આ સાથે ટાંકણી મારીને ૫૦૦ રૂપિયાની ત્રણ નોટ બીડેલી છે, તે તમારા બાળકોની મીઠાઈ માટે છે. વધુ મીઠાઈ જોઈતી હોય તો મારા સેક્રેટરીને ફોન કરજો. મળી જશે.’
સલમાનનું નવું આલ્બમ
સલમાન ખાન હવે એટલો બધો ફેમસ થઈ ગયો છે કે તે બેસૂરા અવાજે ગાયનો ગાઈને પોતાનું વીડિયો આલ્બમ બહાર પાડશે. તેના આલ્બમનું નામ હશેઃ ‘હમ કિલ કર ચૂકે સનમ’
આ આલ્બમનું પહેલું ગાયન સલમાને કરુણ સ્વરોમાં ગાયું છે.
‘તડપ તડપ કે ઇસ દિલ સે
આહ નીકલતી રહી
ઐસા ક્યા ગુનાહ કિયા
કે જેલ ગયે...
જેલ ગયે હમ તેરી ફૂટપાથોં સે...’
પરંતુ જેલમાં ગયા પછી સલમાનને આખા કાયદાની પોલમપોલ સમજાઈ જાય છે. ૯૫૦ રૂપિયાનો દંડ ભરીને માત્ર ૧૩ જ દિવસમાં તે જેલમાંથી છૂટી ગયા પછી આ ખુશીનું ગીત ગાય છેઃ
‘ઇન્ડિયા કી ફૂટપાથ વાહ વાહ
ઇન્ડિયા કે ભિખારી વાહ વાહ
ઇન્ડિયા કે કાનૂન વાહ વાહ
૯૫૦ રૂપિયા વાહ વાહ...’
જેલમાંથી છૂટ્યા બાદ ઘેર જઈને બરાબર શાંતિથી ‘બે નંબર’ કરી લીધા પછી સલમાન કેટરીનાના એપાર્ટમેન્ટ પાસે પહોંચી જાય છે. ત્યાં નીચે ઊભો રહીને તે શર્ટ કાઢીને નાચતો નાચતો ગાવા લાગે છેઃ
‘ઊંચી હૈ બિલ્ડિંગ
લિફટ તેરી બંદ હૈ
કૈસે મૈં આઉં?
યા ફૂટપાથ પે જાઉં?’
કેટરીના સલમાનને ભાવ નથી આપતી એટલે સલમાન બિલ્ડિંગની દીવાલમાં માથું પછાડવા લાગે છે. બે કલાક પછી કંટાળીને તે જતો રહે છે અને એક બારમાં જઈને રડતો રડતો દારૂ પીવા બેસી જાય છે. દારૂ પીધા પછી અચાનક તેને ચડે છે. તે ફુલ સ્પીડમાં કાર ચલાવવા લાગે છે. સલમાનની કાર જોઈને ફૂટપાથ પર સૂતેલા લોકો જાગી જઈને તેના પર પથ્થરમારો કરવા માંડે છે. પણ સલમાન કારનું હૂડ ખોલીને સીટ પર ઊભો ઊભો ગાયન ગાવા લાગે છેઃ
‘સુનો ગૌર સે ફૂટપાથવાલો
બુરી નજર ના હમ પે ડાલો
ચાહે જિતના જોર લગા લો
બચતે રહેંગે કારવાલે
હમને પઢા હૈ જો...
તુમ ભી પઢો...
(મુંબઈ મોટર વ્હીકલ એક્ટ ૧૮૪-એ)
હમને પઢા હૈ જો, તુમ ભી પઢો!’
સલમાન ખાન ૯૫૦ રૂપિયાનું ચિલ્લર હવામાં ઉછાળતો જતો રહે છે અને તેનું વીડિયો આલ્બમ પૂરું થાય છે.
સલમાનની નવી ફિલ્મ
આટલી બધી નાલાયકી કર્યા પછી પણ હિન્દી ફિલ્મના પ્રોડ્યુસરો સલમાનને પોતાની ફિલ્મોમાં લીધા જ કરવાના છે. હકીકતમાં સૂરજ બડજાત્યા તો સલમાનની જેલના અનુભવોને ધ્યાનમાં રાખીને તેમની નવી ફિલ્મ આખી જેલમાં જ બનાવવાના છે. આ ફિલ્મનું નામ છે - ‘હમ સાથ સાથ સોતે હૈં!’
સૂરજ બડજાત્યાની અગાઉની જેમ આ ફિલ્મમાં પણ સ્ટોરી જેવું કંઈ છે જ નહીં, પરંતુ ફિલ્મની ખાસિયત એ છે કે જેલમાં જ બધાં સગાંવહાલાં રહે છે. જેલનો અનુભવ લઈ આવેલા ફિલ્મસ્ટારો સંજય દત્ત, સલમાન ખાન અને ફરદીન ખાન ત્રણે ભાઈઓ છે.
રક્ષાબંધનના દિવસે એક સામાજિક સંસ્થામાંથી કરીના, કેટરીના, સોનાક્ષી અને બીજી ૭૦ બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા આવે છે. રાખડી બંધાવતી વખતે બધા એકબીજાની બહેનોના પ્રેમમાં પડી જાય છે. બિચારી હીરોઇનો કોઈને કોઈ ગુનો કરીને જેલમાં ભરતી થઈ જાય છે.
બસ, પછી જેલમાં જ કડવા-ચોથ, ગૌરીવ્રત, નવરાત્રિ, દિવાળી બધું ઊજવાતું રહે છે. દર પાંચ મિનિટે બધાં સરસ કપડાં પહેરીને ગાયનો ગાતાં રહે છે. છેવટે એકસામટી ૭૦ સગાઈ, ૭૦ વરઘોડા, ૭૦ લગ્ન અને ૭૦ બિદાઈના સીન ભજવાય છે. ૭૦ જોડી બૂટ સંતાડવામાં આવે છે અને ૭૦ ગાયનો એક જ લાયનમાં આવે તેવી લાં...બી... અંતાક્ષરી ચાલે છે. આ અંતાક્ષરી એટલી બધી લાંબી ચાલે છે કે જેલના તમામ ચોકીદારો ઊંઘી જાય છે. પણ હદ તો ત્યારે આવે છે જ્યારે સિત્તેર સિત્તેરે દુલ્હા-દુલ્હનનાં સગાં-વહાલાં પણ ઊંઘી જાય છે. છેવટે થિયટરમાં પ્રેક્ષકો પણ ઊંઘી ગયા હોય છે. એટલે ટાઇટલ સોંગ આવે છે. ‘હમ સાથ સાથ સોતે હૈં...’
લ્યો ત્યારે, હમણાં સલમાનની વળી એક બીજી ફિલ્મ આવવાની છે ‘ડ્રાઇવિંગ મેં ઢ પાયો!’ ઇ ખાસ જોજો! ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!