આજકાલ જ્યાં જુઓ ત્યાં લોકો નવાં નવાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટો વડે ‘રોલો’ મારતા દેખાઈ રહ્યા છે! મુંબઈની લોકલ ટ્રેનના સેકન્ડ કલાસની ભરચક ભીડમાં ભાઈ કચડાઈ રહ્યા હોય તોય બાજુમાં ઊભેલા ભાઈની બગલ સૂંઘતાં સૂંઘતાં સ્માર્ટ ફોન પર ‘ચેટ’ કરી રહ્યા હોય! ‘મારુતિ’ અને નેનો તો જાણે ગરીબ પટાવાળાઓની કાર થઈ ગઈ છે! આવા કપરાં સંજોગોમાં તમારું સ્ટેટસ ઊંચું છે તે કેવી રીતે સાબિત કરશો? પ્રસ્તુત છે કેટલીક તદ્દન નવી જ જાતની ચમત્કારિક શોધો! જેના વડે તમે ભલભલા પર રોલા મારી શકશો.
નકલી સ્માર્ટ ફોન
અસ્સલ ઓરિજિનલ આઇ ફોન જેવા જ દેખાતા આ ફોનની કિંમત છે માત્ર ૧૫૦૦ રૂપિયા!
ટેકનિક બહુ જ સાદી છે. આ ફોનમાં બેસાડેલા એક ઓટોમેટિક યંત્રને લીધે તેમાં દર ૭ મિનિટે રિંગ વાગશે! હવે ડરવાની કોઈ જ જરૂર નથી. બેધડકપણે કોઈ અતિશય ધનાઢય કુટુંબના રિસેપ્શન મંડપમાં ઘૂસી જાવ! અને પેલા પૈસાદાર શેઠિયાઓ જ્યાં માંડ દોઢ મિનિટ વાત કરીને મોબાઈલ ફોન કટ કરી નાખતા હોય તેમની સામે વીસ-વીસ મિનિટ લગી લાંબી લાંબી વાતો ‘ઇન્ટરનેશનલ પાર્ટીઓ’ જોડે કરો! કરોડોના સોદા પતાવતાં પતાવતાં ૧૫૦૦ રૂપિયાની બુફેની ડીશ પણ પતાવો!
મોંઘેરી કારની સોંઘેરી ચાવીઓ
મોંઘી કારો ખરેખર મોંઘી હોય છે, પરંતુ તેની ચાવીઓ તો મોંઘી ન હોય ને?
પ્રસ્તુત છે... અસ્સલ ઓરજિનલ ‘ફોર્ડ’, ‘સીએલો’ અને ‘મર્સિડીસ’ કારની નકલી ચાવીઓનો સેટ!! કિંમત માત્ર રૂ. ૩૮૯.૭૫! જલદી કરો!! આ ઓફર ફક્ત એક જ અઠવાડિયા માટે છે! નકલી ચાવીઓના અનેક ઉપયોગો છે. દાખલા તરીકે તમે મુંબઈના કોઈ પોશ એરિયામાં આવેલી ઓફિસમાં ગયા છો, ત્યાં જઈને ૫૫૫નું એક પેકેટ મગાવવાને બહાને ખિસ્સામાંથી ૫૦૦-૫૦૦ની (ઓફ કોર્સ નકલી!) નોટો કાઢો, પણ એવી સિફ્તથી, કે નોટોની સાથે તમારા ખિસ્સામાંથી આ ઇમ્પોર્ટેડ ચાવીનો સેટ ટેબલ પર આવી પડે!
પછી તરત જ માથું પકડીને કહો, ‘ઓ...હ નો! આ મેં શું કર્યું? બધી ગાડીઓની ચાવીઓ મારા ખિસ્સામાં રહી ગઈ હતી? ઓહ ગોડ...’ એમ બબડતાં બબડતાં તરત જ તમારા (ઓફ કોર્સ નકલી) સ્માર્ટ ફોન ઉપર ઘરનો નંબર લગાડો અને તમારી પત્ની સાથે વાર્તાલાપ શરૂ કરો. (નમૂના મુજબ)
નમૂનોઃ ‘ઓ હાય! શું કરતી’તી? બ્યુટી પાર્લર જવાની છે? કેવી રીતે જઈશ? સીએલો તો હું લઈને આવ્યો છું. શું કહ્યું મર્સિડીઝમાં જઈશ? એની ચાવી તો મારી પાસે છે!! ડોન્ટ વરી ડાર્લિંગ, તું ફોર્ડ લઈ જા! બટ વેઇટ! ફોર્ડની ચાવી પણ મારા ખિસ્સામાં જ છે! જોને? આ રહી! પછી મોઢું કટાણું કરીને થોડી વાર ‘ઓકે...ઓકે...’ કરતાં રહો અને પછી મોબાઈલ ફોન કટ કરતાં કરતાં બોલો કે, ‘બિચ્ચારી, આજે એને મારુતિ ચલાવવી પડશે!’
ખાસ ઓફર!ઃ માત્ર ૧૫૧ રૂપિયા એકસ્ટ્રા આપવાથી ચાવીઓના આ સેટ સાથે એક રિમોટ-કાર-લોકિંગ ડિવાઇસ મફત! એક છૂપું બટન દબાવતાંની સાથે જ આમાં તીવ્ર અવાજે ‘બીપ-બીપ’ કરતું ‘બર્ગલર-એલાર્મ’ વાગવા લાગશે. તરત જ તમે રઘવાયા થઈ જવાનો દેખાવ કરો અને કહો, ‘ઓફ્ફો! કોઈ મારી કાર સાથે ચેડાં કરી રહ્યું છે! અરે શંકર! જરા નીચે જઈને જો તો? મારી બ્લુ રંગની શેવરોલેટ ઉપર ભિખારીઓ બેઠા લાગે છે!’ શંકર નીચે જાય એ દરમિયાન બધાને વટકે સાથ તમારું રિમોટ-કાર-લોક કમ બર્ગલર એલાર્મ બતાડો!
ખાસ નોંધઃ શંકર નીચે જઈને પાછો ઉપર આવે તે પહેલાં ઓફિસમાંથી બહાર નીકળી જવું જરૂરી છે.
રે-બેન સ્ટિકરો, બાર-કોડ સ્ટિકરો
સસ્તુ ભાડું અને સિદ્ધપુરની જાત્રા જેવા આ બિલકુલ ઓરિજિનલ લાગતા સ્ટિકરોનો સેટ ફક્ત ૯૯ રૂપિયામાં!
તમારાં ચશ્માં ગમે તે બ્રાન્ડનાં હોય તેના પર ‘રે-બેન’નું આ નાનકડું સ્ટિકર લાગતાંની સાથે જ ૧૫-૨૦ હજારનાં થઈ જશે! ‘રે-બેન’નાં આ છ સ્ટિકરોના સેટ સાથે તમને મળશે ‘બાર-કોડ’નાં ત્રણ ડઝન સ્ટિકરોનો સેટ!
ફોરેનમાં વેચાતી કોઈ પણ વસ્તુ ઉપર ઊભી ઊભી જાડીપાતળી લીટીઓવાળાં મોટાં મોટાં ‘બાર-કોડ’ સ્ટિકરો હોય છે. આવાં બારકોડ સ્ટિકરો તમે કોઈ પણ દેશી વસ્તુઓ પર લગાડીને ‘ફોરેન’નો વહેમ મારી શકો છો! ટીવી, રેડિયો, ફ્રીજ, ચોપડી, ફોન... અરે કપ-રકાબી, તપેલી, નાસ્તાની ડિશો જ નહીં... તમે ધારો તો સાવરણીના હેન્ડલ પર પણ આ સ્ટિકર લગાડી શકો છો! (ફોરેનની સાવરણી કોણે જોઈ છે? લગાડોને તમતમારે!)
ઉધારીનું માસ્ટર કાર્ડ, ક્રેડિટ કાર્ડ!
તમારો એક રંગીન ફોટો, નામ, સરનામું અને ફોન નંબર (નકલી ચાલશે!) અમને રૂપિયા ૨૫૦૦ના મનીઓર્ડર સાથે મોકલી આપો! અને માત્ર એક જ સપ્તાહમાં તમે કહેશો તે કંપનીનું અસ્સલ, આબેહૂબ ક્રેડિટ કાર્ડ તમારે ઘરે પહોંચી જશે!! આવાં ક્રેડિટ-કાર્ડ વડે જબરદસ્ત રોલા મારી શકાય છે.
જ્યારે ને ત્યારે ઓફિસમાં, ઘરમાં, પડોશમાં, લોકલ ટ્રેનમાં કે સિટી બસમાં બધાને આ કાર્ડ બતાડ બતાડ કરો. આ કાર્ડ લેવા માટે કેટલા રૂપિયા ભરવા પડે તેના બિહામણા આંકડા લોકોને વારેવારે કહી સંભળાવો. કેવા અધધધ આંકડાની સેલેરીનું સર્ટિફિકેટ આપવું પડે તે સમજાવો. તમે હમણાં જ કુલુ-મનાલી ગયેલા ત્યારે તમારા પૈસાનું પાકિટ ચોરાઈ ગયા પછી આ ક્રેડિટ કાર્ડ વડે તમે કેવી રીતે લાખ્ખો રૂપિયાની ખરીદી કરી હતી તેની વાર્તાઓ કહો.
ચેતવણીઃ પણ યાદ રહે! મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અથવા મોંઘી હોટેલોમાં આ કાર્ડ ભૂલથીયે ન કાઢવું, પરંતુ ચારેતરફ જોઈ તપાસીને ખાતરી કરી લીધા પછી પાનને ગલ્લે, શિંગ-ચણાની લારી પર, ભેળ-પૂરીના ખુમચા આગળ, બરફ-ગોલાવાળાની લારીએ, ફૂટપાથના મોચી અથવા ચોપાટીના ભિખારી પાસે અવશ્ય કાઢવું!
બે નુસખા મફત!!
અમારી અત્યંત આધુનિક ઉપકરણોની આ જાહેરખબર ધીરજપૂર્વક વાંચી જનાર ગ્રાહકો માટે અમે બે બ્રાન્ડ ન્યુ ‘રોલા ટેક્નિકો’ રજૂ કરીએ છીએ! અને તે પણ બિલકુલ મફત!! યાદ રહે, વાંચવાનો કોઈ ચાર્જ નથી!
૧. ફાઈવ સ્ટાર એપોઇન્ટમેન્ટ
કોઈને મળવા બોલાવો તો તેને હંમેશાં કોઈ ફાઈવ સ્ટાર હોટેલ પર જ બોલાવો. ‘જુઓ ને... મારે ચાર વાગ્યે ઓબેરોયના એક ફંકશનમાં જવાનું છે. એટલે એમ કરોને? સાડા ચારે ઓબેરોય પર જ મળીએ. હું વેઇટિંગ લોન્જમાં તમારી રાહ જોતો હોઈશ!’ જેવા પેલા ભાઈ સાડા ચાર વાગ્યે હોટેલના મુખ્ય દ્વારમાંથી પ્રવેશતાં દેખાય કે તરત પેલા ભાઈને આવકારો, ‘હલો! હમણાં જ ફંકશન પત્યું! હવે એવું છે ને કે મારી ગાડી તો અમારા એમ.ડી. સાહેબ લઈ જવાના છે.. એટલે ચાલો, આપણે ટેક્સી કરી લઈશું? તમારી પાસે થોડી કેશ હશેને? મારી પાસે તો આ ક્રેડિટ કાર્ડ છે! (પેલું નકલી!) અને યુ...નો, ટેક્સીમાં તો એ ચાલે નહીં ને?’
૨. એરપોર્ટ પર લેવા આવજો!
અમદાવાદ આવતાં પહેલાં તમારા સગા-સંબંધીને અવશ્ય ફોન કરવો કે ‘બાય એર આવું છું! એરપોર્ટ પર લેવા આવજો!’ પછી સવારે ટ્રેનમાંથી ઊતરી, ઉડિપીમાં ઢોસો ખાઈને એરપોર્ટ જતી બસ પકડી લેવી! જો એરપોર્ટ પર બહુ ટાઈમ-પાસ કરવો પડે એવું લાગે તો સ્ટેશન પાસેથી જ શિંગચણા લઈ લેવાં, કારણ કે એરપોર્ટની લોન્જમાં તો ચિપ્સના ભાવ પણ ચીરી નાખે તેવા હોય છે!
ખાસ ઓફરઃ તારીખ ન વંચાય તેવી વિવિધ એરલાઈન્સની વપરાયેલી ટિકિટો બહુ જ વાજબી ભાવે મળશે! મળો યા લખોઃ સોરી મળતા નહીં, આખરે અમારા પોતાના સ્ટેટસનો પણ સવાલ છે ને?
લ્યો હાલો ત્યારે રોલો મારવાના અમારી પાસે તો ઢગલાબંધ પેકેજું છે, પણ તેની વાત ફરી ક્યારેક! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઇટ છે!