ડાહ્યા ડાહ્યા પ્રચાર અને ચોખ્ખી ચોખ્ખી ચૂંટણી વડે ચાલતી સરકારના દેશવાસી એવા અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ચૂંટણીને જ મનોરંજન માનતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
આખરે સ્વર્ગલોકને પણ પૃથ્વીલોકનો ચેપ લાગી જ ગયો! સ્વર્ગના દેવોને થયું કે પૃથ્વીવાસીઓ છાશવારે ચૂંટણીઓ કરે છે તો લાવોને, આપણે પણ એકાદ ચૂંટણી યોજી જોઈએ? પરંતુ જ્યાં સદીઓથી ચૂંટણી ન થઈ હોય ત્યાં ચૂંટણી કરાવે કોણ? એટલે આખરે ટી. એન. શેષનને સ્વર્ગમાં ઈમ્પોર્ટ કરવા પડ્યા! અને પછી જે થઈ છે...
બોગસ નામો
શેષનને સ્વર્ગના ચૂંટણી કમિશનર નીમ્યા એટલે સૌથી પહેલાં શંકર ભગવાન તેમને અભિનંદન આપવા આવી ચડ્યા!
‘અલખ નિરંજન! અભિનંદન શેષનસાહેબ! સારું થયું કે તમને ચૂંટણી કમિશનર બનાવ્યા, બાકી અમને તો -’
‘એક મિનિટ, એક મિનિટ?’ શેષન તરત જ તાડૂક્યા, ‘કોણ છો તમે? અને ભાઈ, પ્લીઝ, આ તમારો બાળક બહાર પાર્ક કરો!’
‘એ બળદ નથી નંદી છે. મારું ઓફિશ્યલ વાહન છે! અને હું શંકર છું! શંકર ભગવાન!’
‘શંકરભાઈ ભગવાનભાઈ! અચ્છા... અચ્છા!’ શેષને કહ્યું.
‘અરે ભગવાન મારા બાપનું નામ નથી!’ શિવજી અકળાયા.
‘તો? અટક છે?’
‘ના! હું ભગવાન છું! શંકર ભગવાન!’
‘અચ્છા, અચ્છા, ભગવાન નામની કોઈ જ્ઞાતિ વસતી લાગે છે સ્વર્ગલોકમાં!’ શેષને અર્થઘટન કર્યું.
‘અરે ના ભાઈ! ભગવાન એટલે -’
‘એક મિનિટ!’ શેષને તરત તેમને રોક્યા. ‘તમે કૈલાસ પર્વત પર રહો છોને?’
‘હા, કેમ?’
‘તો તમે આટલાં બધાં બોગસ નામો મતદાર-યાદીમાં કેમ નોંધાવ્યાં છે? શંકર, શિવ, કૈલાસપતિ, ગંગાધર, નટરાજ... આટલાં બધાં બોગસ નામ?’ શેષ તાડૂક્યા.
‘અરે એમ તો -’
‘શટ અપ!’ શેષને ઘાંટો પાડ્યો. મતદાર-યાદીનો થોથો પછાડીને આગળ ચલાવ્યું, ‘અને તમારા પત્ની પાર્વતીના ચોસઠ બોગસ નામો છે! શું છે આ બધું?’
‘પણ એમ જુઓ તો -’
‘અરે શું એમ જુઓ ને તેમ જુઓ? મારું નામ ટી. એન. શેષન છે અને હું અહીંનો ચૂંટણી કમિશનર છું! બોગસ વોટિંગ તો હરગિઝ નહીં ચાલવા દઉં!’
‘અરે મારી પત્નીનાં તો ચોસઠ જ છે, પણ બીજા એકના તો આ ચોપડામાં હજાર બોગસ નામ છે!’
‘એમ? કોણ છે એ?’
‘વિષ્ણુ! એનાં તો સહસ્ત્ર નામ છે!’
આખરે શેષને નવી મતદાર-યાદી બનાવવાનો આદેશ આપ્યો, જેમાં એક દેવનું એક જ નામ હોય.
ચૂંટણીપ્રતીકોની વહેંચણી
સ્વર્ગલોકના નવા ચૂંટણી કમિશનર શેષનનું ફરમાન થયું એટલે બ્રહ્માજીએ પણ હાજર થવું પડ્યું.
‘કહો કમિશનરસાહેબ, કેમ યાદ કર્યો મને?’ બ્રહ્માજીએ મરક મરક સ્મિત વેરતાં પૂછ્યું.
‘મિસ્ટર બ્રહ્મા,’ શેષને કડક અવાજે પૂછ્યું, ‘મેં સાંભળ્યું છે કે તમે એકસાથે ચાર-ચાર ચૂંટણીપ્રતીકો રજિસ્ટર કરાવ્યાં છે? શંખ, ચક્ર, ગદા અને પદ્મ?’
‘જી! આ ચાર ચિહનો તો મારા ટ્રેડમાર્ક છે!’ બ્રહ્માજીએ મંદ મંદ સ્મિત કર્યું.
‘બટ હાઉ ઈઝ ધેટ પોસિબલ? મારી પાસે કમસે કમ દોઢસો દેવતાઓએ આ ચાર ચૂંટણીપ્રતીકોની માગણી કરી છે. અને એમાં પણ સખત ડુપ્લિકેશન છે. હનુમાનને પણ ગદા જોઈએ છે, ભીમને પણ ગદા જોઈએ છે. પાર્વતી કહે છે કે જો મને ગદાનું પ્રતીક મળે તો હું મહિષાસુરમર્દિનીને નામે ચૂંટણી લડીશ અને તલવારનું પ્રતીક મળશે તો અંબિકાના નામે લડીશ! કમળનું પ્રતીક લક્ષ્મીને પણ જોઈએ છે, સરસ્વતીને પણ જોઈએ છે અને વિષ્ણુને પણ જોઈએ છે. અને તમે, મિસ્ટર બ્રહ્મા, એકસાથે ચાર - ચાર ચૂંટણીપ્રતીકો દબાવીને બેસી ગયા છો!’
જવાબમાં બ્રહ્માજી મરક મરક હસ્યા.
‘આમ હસ્યા ન કરો બ્રહ્માસાહેબ! તમે મારી તકલીફોનો જરા વિચાર કરો. આ ચૂંટણીમાં દેવોના સેવક ગણાતા વાનરો પણ ઉમેદવાર નોંધાવી રહ્યા છે અને તેમાં પણ કેટલી વેરાઈટી છે.... હનુમાનો, બાલા હનુમાનો અને લીલા હનુમાનો..!’
આખરે એવું નક્કી થયું કે દેવો જે જે વાહનો પર વિહાર કરે છે તેને જ ચૂંટણીપ્રતીક તરીકે ફાળવવામાં આવશે. આમ ગણપતિને ઉંદરડો, કાર્તિકેયને મોર, શિવજીને નંદી અને યમરાજને પાડો વગેરે ચૂંટણીપ્રતીકો વિના વિવાદે મળ્યાં.
જોકે, હનુમાન જેવા વાહન વગરના દેવતાને કયું ચૂંટણીપ્રતીક મળે તેનો પ્રશ્ન થયો ખરો. પરંતુ છેવટે તેમને ગદાનું પ્રતીક મળ્યું. કારણ કે ભીમે ગદાનો આગ્રહ પડતો મૂકીને લાડવાનું પ્રતીક સ્વીકારી લીધું અને ગણેશજી સાથે ચૂંટણીજોડાણ કરી લીધું!
આચારસંહિતાનો ભંગ
યમરાજ અપ્સરાલોકમાં જનસંપર્ક કરવા નીકળ્યા હતા. મહેલના ઝરુખાઓમાંથી ઊર્વશી, રંભા અને અન્ય અપ્સરાઓ ડોકિયાં કરીને પાડા પર બિરાજમાન મોટી મૂંછવાળા, દુંદાળા, કાળા ઉમેદવારને જોઈને ખિલખિલ હસી રહી હતી. યમરાજ પણ આજે જરા મૂડમાં હતાં, કારણ કે રોજની સેંકડો લાશો વગે કરવાના બોરિંગ કામ કરતાં આ જનસંપર્કનું કામ ખાસ્સું રંગીન લાગી રહ્યું હતું.
ત્યાં જ યમરાજના રંગમાં ભંગ પડ્યો.
એક ટ્રાફિક પોલીસે સીટી વગાડીને પાડાને રોક્યોઃ ‘જરા સાઈડમાં લઈ લો, બોસ!’
‘કેમ કેમ? પાડો રોન્ગ સાઈડમાં હતો? સોરી હોં?’ યમરાજાએ માફી માગી, ‘એમાં શું છે કે પાડો ઘણા વખતે આ અપ્સરાલોકમાં આવ્યો ને? એ જરા લાઈન મારવામાં રહ્યો હશે એમાં -’
‘રોન્ગ સાઈડનો સવાલ નથી... બોસ.’ ટ્રાફિક પોલીસે રસીદ ફાડીને હાથમાં પકડાવતાં કહ્યું, ‘ચૂંટણીની આચારસંહિતાના ભંગનો કેસ છે. હવે પાડા પરથી ઊતરી જાવ અને સાંજે શેષનસાહેબની ઓફિસેથી દંડ ભરીને પાડો છોડાવી લેજો!’
યમરાજા તો ડઘાઈ જ ગયા!
પરંતુ સાંજે શેષનની ઓફિસે દંડ ભરનારાઓની લાઈનમાં તેઓ એકલા નહોતા. શિવજી, બ્રહ્માજી, વિષ્ણુજી, ગણેશજી, લક્ષ્મીજી, સરસ્વતીજી... ટૂંકમાં અનેક દેવી-દેવતાઓ ઉઘાડે પગે લાઈનમાં ઊભાં હતાં!
‘શું છે આ બધું? મેં તો ઉર્વશી સામે જોઈને અમસ્તી જ મૂછો આમળી હતી. એમાં વળી આચારસંહિતાનો ભંગ ક્યાંથી થયો?’ યમરાજા ખરેખર મૂંઝાયા હતા.
‘ઉર્વશીનો સવાલ નથી!’ ઈન્દ્રે ચોખવટ કરી. ‘શેષને તો બધાનાં વાહનો જપ્ત કર્યાં છે.’
‘પણ કેમ?’
‘શેષન કહે છે કે આ બધાં આપણાં ‘ઓફિશ્યલ’ વાહનો છે. અને ચૂંટણીપ્રચારમાં ‘સરકારી’ વાહનોનો ઉપયોગ ન કરી શકાય!’
નારદજી હલવાણા!
‘ના... રાયણ, ના... રાયણ!’ કરતાંકને નારદજી શેષનની ઓફિસમાં પ્રગટ થયા.
‘હં... તો તમે છો મિસ્ટર નારદ!’ શેષને નારદજીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતાં પૂછ્યું. ‘તમે મિસ્ટર નારાયણનો પ્રચાર કરતા લાગો છો?’
‘ના...રે? આ તો મારો તકિયાકલામ છે, અમસ્તી બોલવાની ટેવ છે, ના... રાયણ, ના... રાયણ!’ નારદે ખુલાસો કર્યો. ‘હું કોઈનો પ્રચાર નથી કરતો, હું તો માત્ર સલાહો આપું છું.’
‘અને સલાહો આપવા માટે ત્રણે લોકમાં ફરો છો?’ શેષને કરડી આંખ કરતાં સવાલ કર્યો.
‘હાસ્તો વળી?’
‘તમારો પાસપોર્ટ બતાડશો?’ શેષને કહ્યું.
‘ઓફ કોર્સ!’ કહેતાંની સાથે નારદજીએ પોતાના તંબૂરાના તુંબડામાંથી પાસપોર્ટ કાઢીને બતાડ્યો, ‘જુઓ! સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકની ત્રણેની પરમિટો છે. સિક્કાઓ છે, તારીખો છે.’
‘એ તો ઠીક છે પણ તમે નાગરિક ક્યાંના છો?’
‘હમ તો સાધુ હૈ! ઔર સાધુ તો ચલતા ભલા!’
‘એ ભાઈ, ડાયલોગબાજી ન કરો.’ શેષને નારદજીને તતડાવ્યા, ‘અને ચોખ્ખેચોખ્ખું કહો કે તમારું ઠેકાણું ક્યાં છે?’
‘ઠે... કાણું તો...’
‘કોઈ પણ એક ઠેકાણું પસંદ કરી લો. અને ચૂંટણી થઈ જાય ત્યાં લગી આ પાસપોર્ટ જપ્ત!’
‘હેં?’
‘તમારો તંબૂરો પણ જમા કરાવી દો. અને તમારું આ જેને - તેને સલાહો આપવાનું પણ બંધ!’
‘પણ... પણ... કંઈ કારણ?’
‘તમે સલાહો આપવાને બહાને તમારું ચૂંટણી સર્વેક્ષણ બહાર પાડો છો! અને ચૂંટણીઓ પહેલાંના સર્વે હવેથી બંધ છે!’
નારદજીની નારદવેડા કરવાની તમન્ના મનમાં જ રહી ગઈ.
નવા પક્ષનો ઉદય
ગાંધીજી ગુસ્સામાં હતાં, જવાહરલાલ તમતમી ઊઠ્યા, સરદાર વલ્લભભાઈ સમસમીને બેસી રહેવાના મૂડમાં નહોતા, વિવેકાનંદ વિવેક છોડીને લડાયક મૂડમાં આવી ગયા હતા.
વાત જાણે એમ હતી કે સ્વર્ગલોકના અધિષ્ઠાતા ઈન્દ્રે એવું નિવેદન કર્યું હતું કે ‘પૃથ્વી પરથી વસાહતી તરીકે આવેલા માનવીઓને સ્વર્ગલોકની ચૂંટણીમાં બીજા દરજ્જાના મતદાર (એટલે કે સેકન્ડ ક્લાસ સિટિઝન) ગણવામાં આવશે!’
આખરે સૌ સ્વર્ગવાસી માનવીઓ મોરચો લઈને શેષનની ઓફિસે પહોંચી ગયા અને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા. ગાંધીજીએ નવું સૂત્ર આપ્યું, ‘દેવો સ્વર્ગ છોડો!’
દેવો છંછેડાયા, પણ શેષને યોગ્ય ન્યાય કર્યો. જાહેરનામું બહાર પાડ્યું કે, ‘સદીઓથી સ્વર્ગમાં રહેતા હોય કે હજી ગઈ કાલે જ સ્વર્ગવાસી થયા હોય તે બન્ને મતદારોને સરખો જ મતાધિકાર મળશે!’
ગાંધીજી એન્ડ પાર્ટી ખુશખુશાલ થઈ ગઈ! ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેમણે એક નવા પક્ષની સ્થાપના કરીને ચૂંટણીઢંઢેરો પણ બહાર પાડી દીધો!
• જો અમારી પાર્ટી સત્તા પર આવશે તો અત્યાર સુધી પૃથ્વીલોકમાં દેવોના મંદિરમાં ચડાવાતી આહુતિઓ, આરતીમાં મુકાતા પૈસા, પ્રસાદની કમાણી, હનુમાનજીને ચડતું તેલ અને બાલાજીને મળતી ભેટસોગાદોના હિસાબો જાહેર કરવાની ફરજ પાડશે.
• પૂજારીઓનાં કમિશનો બંધ કરાશે અને મંદિરોની આવકના ૩૦ ટકા હિસ્સા વડે સ્વર્ગલોકથી પૃથ્વીલોકનો સુપર હાઈવે બાંધવામાં આવશે.
• ઉર્વશી, રંભા અને અન્ય અપ્સરાઓનાં નૃત્યો પર મનોરંજન વેરો નાંખવામાં આવશે અને તેની આવક નવા સ્વર્ગવાસીઓ માટેની કોલોનીઓ બાંધવામાં વપરાશે.
• ચિત્રગુપ્તના ચોપડાના હિસાબોની ચકાસણી માટે પંચ બેસાડવામાં આવશે. અન્યાયપૂર્વક નર્કમાં ધકેલાઈ ગયેલા જીવોને સ્વર્ગમાં સ્થાન આપીને યોગ્ય વળતર આપવામાં આવશે.
• વર્ષોથી ખાઈ-પીને માત્ર જલસા કર્યા કરતા દેવો તથા દેવદૂતોને છૂટા કરવામાં કરવામાં આવશે તથા સદીઓથી એકનાં એક ખાતાં સંભાળી રહેલા પ્રધાનોનાં ખાતાંઓની ફેરબદલી કરવામાં આવશે.
લક્ષ્મીજીને કેળવણી ખાતું, શિવજીને હવામાન ખાતું, યમરાજને શુભમૂહુર્ત ખાતું, ગણેશજીને વસતિનિયંત્રણ ખાતું તથા સરસ્વતીજીને વાણિજ્ય તથા વિદેશ-નિકાસ ખાતું આપવામાં આવશે.
એક ચૂંટણીસભામાં જવાહરલાલ આ ઢંઢેરો જોરશોરથી વાંચી રહ્યા હતા. ત્યાં સરદાર વલ્લભભાઈ પાછળથી આવ્યા અને પંડિતજીને કાનમાં કહ્યુંઃ ‘પંડિતજી, ઢંઢેરાનો વીંટો વાળીને ઘેર ચાલો!’
‘કેમ?’
‘કેમ શું! આપણે આ ચૂંટણી કોઈ કાળે જીતી નહીં શકીએ!’ સરદારે કહ્યું.
‘કેમ નહીં જીતી શકીએ?’ પંડિતજીએ પૂછ્યું.
‘મેં હિસાબ માંડી જોયો છે. પૃથ્વી પરથી સ્વર્ગમાં આવેલા આપણે લોકો માંડ ૫૦ લાખ છીએ, જ્યારે આ દેવતાઓ તો પૂરા તેત્રીસ કરોડ છે!’
•••
લ્યો બોલો, સ્વર્ગલોકનું આવું ખરેખર હશે? પણ આ તો બે ઘડી ગમ્મત. બાકી તમે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!