ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ઈન્ટરનેશનલ યંત્રો વાપરીને હાઈ-ફાઈ થઈ ગયેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ઈન્ટરનેશનલ ભૂલકાંવ! ઈન્ડિયામાં દેશી યંત્રોના જુગાડથી રગડધગડ ગાડું ગબડાવતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
વિજ્ઞાનની કેટલીક શોધો સગવડ વધારવાને બદલે અગવડમાં ઉમેરો કરતી હોય છે. કહે છે કે મોબાઈલ ફોનને કારણે કારણ અકસ્માતોમાં વધારો નોંધાયો છે, કારણ કે લોકો મોબાઈલનું ડબલું કાને વળગાડીને એક હાથે ડ્રાઈવિંગ કરે છે. પણ ભાઈ, તમે મોબાઈલ ફોનનું એવું મોડેલ કાઢોને કે જેને ચશ્માંની જેમ કાન પર લટકાડી શકાય? અમારા ભેજામાં આવી કેટલીક સગવડિયા શોધોનો જન્મ થયો છે....
‘ખો’ ટેલિફોન
લોકો ઓફિસમાં ટેલિફોન ઓપરેટર શા માટે રાખે છે?
જવાબ છેઃ ખો આપવા માટે!
ટેલિફોન ઓપરેટરને દિવસમાં દોઢસો વખત ફક્ત આ ચાર વાક્યો બોલ્યા કરવાનું કામ હોય છે. ‘કોણ બોલો છો?’, ‘ક્યાંથી?’, ‘કોનું કામ છે?’, ‘સાહેબ મિટિંગમાં છે. કલાક પછી મળશે!’
હવે આ કામ અમારો નવો ‘ખો-ટેલિફોન’ જ કરશે! અમારો સેલ્સમેન આ રીતે ફોનનાં લેટેસ્ટ મોડલો વેચતો હશે.
‘જુઓ સાહેબ, તમે તમારી ટેલિફોન ઓપરેટરને કેટલો પગાર આપો છો? બાર હજાર? પંદર હજાર? તો આ અમારું લેટેસ્ટ ખો-ટેલિફોન મોડલ ખરીદી લો! કિંમત માત્ર ચાર હજાર રૂપિયા!’
‘અચ્છા?’
‘હા, જુઓ આમાં પાંચ વધારાનાં બટનો આપેલાં છે. એ બટન દબાવવાથી ફોનમાં જ રૂપાની ઘંટડી જેવા સૂરિલા અવાજમાં રેકોર્ડ થયેલા અવાજો સામેના માણસને સંભળાશે. જેવો ફોન આવે કે તરત ઉપાડીને પહેલું બટન દાબો. એટલે ફોન જાતે જ પૂછી લેશે, ‘હે...લો?’ કોણ બોલો છો?’ પેલા ભાઈ કહે કે, ‘હું ફલાણાભાઈ.’ એટલે તરત બીજું બટન દાબો. ફોન પૂછશે, ‘ક્યાંથી?’ તો કહે, ‘ઢીંકણી જગ્યાએથી.’ ત્રીજું બટન દાબો, ‘કોનું કામ છે?’ જવાબ આવે કે, ‘પટેલ સાહેબનું.’ હવે જો તમે પોતે પટેલસાહેબ હો અને તમારે ફલાણાભાઈ પાસે લાખ-બે લાખ રૂપિયા લેવાના નીકળતા હોય તો તરત જ ચોથું બટન દાબો. ફોન કહેશે, ‘ચાલુ રાખો પ્લીઝ....’
અને જો ફલાણાભાઈ તમારી પાસે રૂપિયા માગતા હોય તો પાંચમું બટન દાબો. ફોન જાતે જ તેને પાણીચું પકડાવી દેશે, ‘સાહેબ મિટિંગમાં છે. કલાક પછી ફોન કરશો? પ્લી....ઈ....ઝ.?’
‘આ સગવડ તો ખરેખર સારી છે. અમારો ગ્રાહક ખુશ થઈ જશે. પણ આમાં એક પ્રોબ્લેમ છે. આવા ‘ખો ટેલિફોન’નાં તમે કેટલાં મોડેલ વેચી ચૂક્યા છો?’
‘અરે હોય સાહેબ? અત્યાર સુધીમાં અમે હજારો મોડલ વેચી માર્યાં છે! કોઈ જ પ્રોબ્લેમ નથી.’
‘અરે એ જ તો પ્રોબ્લેમ છેને?’ ગ્રાહક કહેશે, ‘લોકો આ ફોનમાંનો રેકોર્ડ થયેલો અવાજ ઓળખતા થઈ જાય પછી તો આગળ વાત જ ન કરે ને?’
‘તમારી વાત મુદ્દાની છે સાહેબ.’ અમારો સેલ્સમેન કહેશે, ‘પણ એનો ઉપાય અમારી પાસે છે.’
‘શું?’
‘આ અમારું બીજું લેટેસ્ટ મોડલ... પકડદાવ ટેલિફોન!’
‘એ વળી શું છે?’
‘આ ફોનમાં એક નહીં, અલગ-અલગ જાતના અવાજો મળશે. પટાવાળાનો અવાજ, કામવાળીનો અવાજ, નાની બેબલીનો અવાજ, ગુંડાનો અવાજ અને રોન્ગ નંબર અવાજ!’
‘અચ્છા?’
‘હા! દાખલા તરીકે પટાવાળાના અવાજમાં એવું જ ચાલતું હશે કે, ‘હે...લો? કુંણ બોલો સો?’ ‘શાયેબ તો ઓંય સ... જ નંઈ!’ અને રોન્ગ નંબર અવાજમાં સખત ઘોંઘાટ થતો હશે અને બે જણા ઊંચા અવાજે ઘાંટા પાડતા હશે, ‘મૂકી દો ભઈ! મૂકી દો! એ ભઈ તમને કેટલી વાર કીધું? મૂકી દો ને? અમારે લાઈન ચાલુ છે!’
‘આ તો ખરેખર સારું છે.’
‘સંકટ સમયની સાંકળ જેવું છે સાહેબ! સામો માણસ ખોટું નામ બોલીને તમારી સાથે વાત કરવા લાગે અને પછી ઉઘરાણીની વાત પર આવી જાય કે તરત આ રોન્ગ નંબરનું બટન દબાવી દેવાનું!’
‘હો હો હો! અચ્છા! અને આ લાલ બટન શાનું છે?’
‘એ બટન સ્વસ્તી વચનોનું છે! જો તમે એ તસ્દી ન લેવા માગતા હોય તો ફોન પોતે જ મણ-મણની જોખાવી આપવા મંડે છે!’
સગવડભરી થિયેટર સીટ
મુંબઈ હોય કે અમદાવાદ... આજકાલ શોપિંગ સેન્ટરની સગવડ સાથેનાં થિયેટરો બની રહ્યાં છે, પરંતુ અમારું ભેજું તો એનાથી પણ ઊંચુ નિશાન તાકીને બેઠું છે. ખાસ હિંદી ફિલ્મના પ્રેક્ષકો માટે બનાવેલી આ થિયેટરની સીટોમાં કેવી કેવી ખૂબીઓ છે? ફક્ત જાણવાથી જ પૈસા વસૂલ છે!
‘કયું પિક્ચર ચાલે છે અહીં?’
‘બોર કિયા તો ડરના ક્યા.’
‘બે ટિકિટ આપોને...’
‘અઢારસો રૂપિયા...’
‘નવસો રૂપિયા? એક ટિકિટના?!’
‘હોય જ ને સાહેબ? અમારા થિયેટરની સીટો તો જોજો?’
‘કેમ, શું છે એમાં?’
‘અરે સાહેબ, બધી જ સગવડ છે. ફિલ્મ જોતાં જોતાં ઊંઘ આવવા લાગે તો એક બટન દાબો એટલે ખુરશી લાંબી થઈ જાય! ફિલ્મ જોતાં માથું દુઃખવા લાગે તો સીટમાં જ એનાસિનની ગોળીઓ અને પાણીની બોટલ છે! કોમેડી ફિલ્મ જોતાં જોતાં પણ તમને રડવું આવવા લાગે તો એક બટન દાબો એટલે આંસુ લૂછવા રૂમાલ હાજર! કાન ફાડી નાંખે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે ત્યારે એક બટન દબાવતાંની સાથે જ ઓટોમેટિક રીતે તમારા કાનમાં રૂના ડૂચા લાગી જશે. ઢેકા હલાવીને નાચી રહેલી ચાલીસ વરસની હીરોઈનનું દૃશ્ય જો તમને અસહ્ય લાગતું હોય તો બીજું એક બટન દબાવો. તરત જ તમારી આંખો ઉપર પટ્ટીઓ બંધાઈ જશે! અરે સાહેબ, ગીત ચાલુ હોય ત્યારે તમારે પરચૂરણ ફેંકવું હોય તો તેના માટે પણ ફક્ત એક બટન જ દબાવવાનું! પરચૂરણ આપોઆપ સીટમાંથી ફેંકાશે!’
‘જબરું કહેવાય!’
‘હજી તો સાહેબ પ્રેમીપંખીડાંઓ માટેની સ્પેશ્યલ સીટો છે જે સોફા-કમ-બેડ જેવી છે. અને ફેમિલી માટેની ખાસ સીટની ચાંપ દબાવતાંની સાથે સીટમાંથી ઘોડિયું બની જાય છે!’
‘અરે વાહ!’
‘તો લાવો... અઢારસો રૂપિયા....’
ઈસ્માઈલભાઈ ચ્યુઈંગ-ગમ
રેલવેના રિઝર્વેશન કાઉન્ટર ઉપર અને ઈન્કવાયરી વિન્ડો પર બેઠેલા ક્લાર્કબાબુઓનો એક ભયંકર ત્રાસ હોય છે. એમનાં મોઢાં જાણે હમણાં જ એરડિંયું પીને બેઠા હોય તેવાં જ હોય છે.
મુસાફરોને આ ત્રાસમાંથી છુટકારો અપાવવા માટે અમે એક ખાસ જાતની ચ્યુઈંગ-ગમની શોધ કરી છે. આ ચ્યુઈંગ-ગમ ક્લાર્ક બાબુઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવશે.
દરેક ચ્યુઈંગ-ગમમાં એક નાનકડી છતાં મજબૂત સ્પ્રિંગ હોય છે. અને તેની રચના એવી ખૂબીભરી છે કે તે દર દોઢ મિનિટે અચાનક મોંમાં આડી થઈ જાય છે. અને પછી તે લગભગ ત્રણ ઈંચ જેટલી પહોળી થઈ જાય છે!
આને લીધે મુસાફરોને દર દોઢ મિનિટે એક દુર્લભ દૃશ્ય જોવા મળશે. ક્લાર્ક બાબુઓના ગાલ ખેંચાવાને કારણે એમના હોઠો પર સ્મિત જોવા મળશે!
ઓટો-બાર્બર યંત્ર
એકવીસમી સદીનાં સગવડિયાં યંત્રોની શોધ કરતાં કરતાં અમારું ભેજું કટાઈ ગયું હતું. અમે એક રેસ્ટોરાંના ટેબલ પર ઠંડા પાણીના ચૂસકી લેતા બેઠા હતા, ત્યાં એક સેલ્સમેન જેવા લાગતા સ્માર્ટ ભાઇ અમારા ટેબલ પાસે આવ્યા.
‘એક્સક્યુઝ મી? હું અહીં બેસી શકું?’
‘ઓહ સ્યોર! બેસોને?’ અમે વિવેક કર્યો. એટલે એ ભાઈ બેસી ગયા અને તરત જ મુદાની વાત પર આવી ગયા.
‘બોલો, તમારે ફક્ત બે મહિનામાં કરોડપતિ થવું છે?’
‘હેં? બે મહિનામાં કરોડપતિ?’ હું ચોંક્યો.
‘હા. એક પચાસ રૂપિયા આપોને? ફી છે... સ્કીમ કહેવાની!’
‘ફક્ત પચાસ રૂપિયા?’ મને થયું કે કરોપડતિ થવા માટેની યોજના જાણવા માટે આ ભાવ ખોટો ન કહેવાય. મેં તરત જ પચાસનું પત્તું એ ભાઈને પકડાવ્યું.
‘બોલો શું સ્કીમ છે?’
‘સ્કીમ એવી છે કે, ભારતની વસ્તી કેટલી છે? સવા સો કરોડ? એમાંથી ટાલિયા કેટલા? બે કરોડ? હવે એમાંથી પુરુષો કેટલા હશે? ૫૦ કરોડ તો ખરાને? એ લોકો વાળ ક્યાં કપાવે છે? હેર-કટિંગની દુકાને? અને વાળ કપાવવાના કેટલા પૈસા આપે છે? ત્રીસ રૂપિયા? એટલે વાળ કપાવવાના ટોટલ કેટલા રૂપિયા થયા? ૫૦ ગુણ્યા ૩૦. એટલે કે ૧૫૦૦ કરોડ રૂપિયા? અને વરસમાં ઓછામાં ઓછા છ વાર તો વાળ કપાવે? એટલે કેટલા થયા ૯૦૦૦ કરોડ રૂપિયા? રાઈટ? એટલે કે આખા દેશમાં વાળ કપાવવાનો ધંધો કેટલા કરોડનો થયો? ૯૦૦૦ કરોડ રૂપિયાનો? બોલો, કરવો છે આ ધંધો?’
‘અરે પણ -’ હું ડઘાઈ ગયો. ‘સવાલ એ છે કે - ’
‘રાઈટ. સવાલ એ છે કે ૯૦૦૦ કરોડ રૂપિયાના વાળ કાપશે કોણ? આટલા બધા કારીગર ક્યાંથી લાવવા? બરાબર?’
‘બિલ્કુલ બરાબર.’ મેં કહ્યું.
‘કારીગર આમાં છે.’ સેલ્સમેને એની બ્રિફકેસમાંથી એક પેકેટ કાઢ્યું.
‘આ શું છે?’
‘વાળ કાપવાનું ઓટોમેટિક મશીન.’
‘ઓટોમેટિક મશીન? વાળ કાપવાનું?’ હું ચક્તિ થઈ ગયો.
‘એક બસ્સો રૂપિયા આપોને?’ સેલ્સમેને કહ્યું.
‘બસ્સો રૂપિયા?!’
‘ફી છે. આખી સિસ્ટમ સમજાવવાની!’
મને થયું કે આ તો સાવ મામૂલી ભાવ છે. ૯૦૦૦ કરોડનો ધંધો કેવી રીતે કરવો તેની ચાવી ફક્ત બસ્સો રૂપિયામાં? મેં તરત જ બસ્સો રૂપિયા આપી દીધા.
સેલ્સમેન મને સમજાવવા લાગ્યો, ‘જુઓ સાહેબ, આ પેકેટમાં એક ફાઈલ છે. જેમાં આ વાળ કાપવાનું ઓટો-બાર્બર મશીન કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ વિગતો છે. નક્શા, પ્લાન, એલિવેશન અને સેક્શન સાથે!’
‘વાહ!’ હું ઉત્તેજિત થઈ ગયો.
‘અને આ એક બીજું પેકેટ છે. જેમાં આ મશીન બનાવવા માટે તમારે કેવી ફેક્ટરી બનાવવી પડશે તેનો ટોટલ પ્લાન છે. આની કિંમત છે બસ્સો રૂપિયા.’
‘આ લો બસ્સો રોકડા!’ મેં તરત જ બીજા બસ્સો રૂપિયા આપી દીધા. ‘હવે?’
‘બસ! પતી ગયું! હવે તમારી પાસે કેટલા પૈસા છે?’
‘હવે તો કદાચ - ’મેં ખિસ્સાં ફંફોસ્યાં.
‘ખિસ્સામાં નહીં, બેન્કમાં! બેન્કમાં કેટલા રૂપિયા છે? કારણ કે આ ફેક્ટરી તમે પંદર ફૂટ બાય પંદર ફૂટના એક જ રૂમમાં ઊભી કરી શકો છો. અને તેની ટોટલ કોસ્ટ માત્ર ત્રીસ હજાર રૂપિયા છે!’
‘વન્ડરફૂલ! પણ આ મશીનો હું વેચીશ કોને?’
‘એસ.ટી.ડી. વાળાઓને, ઝેરોક્સવાળાઓને, કારણ કે આની રચના ખૂબ જ સાદી છે. ફક્ત ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટની જગ્યા જોઈએ. ત્યાં એક ખુરશી હશે. અને ઉપર આ મશીન ફિટ કરેલું હશે. મશીન પણ ખૂબ જ સિમ્પલ છે.’
‘કેવું?’
‘સમજોને, હેલ્મેટ જેવું! જેણે વાળ કપાવવા હોય તેણે ખુરશીમાં બેસી જવાનું. હેલ્મેટ પહેરી લેવાની અને ખુરશીની સામે ગોઠવેલા ફોટાવાળા ચાર્ટમાંથી કોઈપણ એક હેરસ્ટાઈલ પસંદ કરી લેવાની. ચાંપ દાબો કે તરત હેલ્મેટમાંથી વેક્યુમ ક્લીનરની જેમ હવા ખેંચાવાથી બધા જ વાળ અદ્ધર થઈ જશે. પછી જે હેરસ્ટાઈલ હોય તે મુજબની લંબાઈના વાળ, અંદરની ઓટોમેટિક બ્લેડો વડે ફક્ત વીસ જ સેકન્ડમાં કપાઈ જશે!’
‘વાઉ!’
‘વાળ કપાઈ ગયા? બીજું બટન દાબો. ફટ્ટાક કરતા બધા વાળ કચરાપેટીમાં! ઊભા થઈને હાથ ખંખેરીને હાલતા થાઓ!’ સેલ્સમેને મને સમજાવ્યું.
‘યાર, આ તો જબરદસ્ત આઈડિયા છે!’ મેં કહ્યું, ‘પણ દોસ્ત, તો પછી તમે પોતે જ આ ધંધો કેમ નથી કરતા?’
‘મન એક પ્રોબ્લેમ છે. મને બધાં પાનાં કોરાં દેખાય છે. તમને આ ફાઈલો જોઈએ છે? પાંચસો રૂપિયા થશે.’
મેં તરત જ પાંચસો રૂપિયા આપી દીધા. પેલો સેલ્સમેન મને સરસ મજાનું સ્માઈલ આપીને જતો રહ્યો.
‘બધાં પાનાં કોરાં દેખાય છે? ખરી બીમારી છે!’ હું વિચારતો રહ્યો. સેલ્સમેન દેખાતો બંધ થયો પછી મેં પેલાં પેકેટ તોડીને ફાઈલો બહાર કાઢી.
ફાઈલોનાં બધાં પાનાં કોરાં હતાં!
•••
લ્યો ત્યારે, આવી નાનકડી શોધોય અમારા ઈન્ડિયામાં થાય તો ‘મેક ઈન ઈન્ડિયા’નો બેડો પાર છે! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!