હાઈ-ફાઈ અને વાઈ-ફાઈની દુનિયામાં જલ્સા કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! દુનિયામાં સ્માર્ટ ફોન પર વાતું કરતાં કરતાં રસ્તાના ખાડામાં ગબડી પડતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
આખરે ડગુમગુ કરતાં આપણે સૌ એકવીસમી સદીમાં પહોંચ્યા ખરા! આ સદી આગળ જતાં કેવી હશે? વિજ્ઞાનની આંગળી પકડીને દુનિયા ક્યાં પહોંચી ગઈ હશે? એવા સવાલોનો એક જ જવાબ છેઃ દુનિયાને જવું હોય ત્યાં જાય, અમે દેશીઓ તો ઠેરના ઠેર જ હોઈશું! લો, વાંચો એકવીસમી સદીના કેટલાક સમાચારો...
૨૦૨૫ઃ ભારતીય ક્રિકેટ ટીમનો નવો રેકોર્ડ
ભવ્ય ભૂતકાળ ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમે આજે એક અભૂતપૂર્વ રેકોર્ડ સ્થાપ્યો હતો. હજી બે જ મહિના પહેલાં માન્યતા પામેલી ટુંડ્ર પ્રદેશની ક્રિકેટ ટીમ સામેની એક મેચમાં ભારતીય ટીમ માત્ર છ જ બોલમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
ટુંડ્ર પ્રદેશની ટીમ નિર્ધારિત ૫૦ ઓવરોમાંથી માત્ર છ જ ઓવર રમીને માત્ર ૧૭ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમે ઓલ આઉટ થવા માટે માત્ર છ જ દડાનો ઉપયોગ કર્યો હતો!
મેચનો પહેલો જ બોલ નો બોલ હતો. ઓપનિંગ બેટ્સમેન મિની ધોનીએ આનો લાભ ઉઠાવવા માટે જોરદાર ફટકો માર્યો, પરંતુ સામે છેડે ઊભેલા યુવા ખેલાડી વામન કોહલી માથામાં દડો અથડાતાં તેને તમ્મર આવી ગઈ હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. વામનના માથા પરથી ઊછળેલા બોલને ટુંડ્ર પ્રદેશના બોલરે ઝીલી લીધો હતો. નો બોલ હોવાને કારણે મિની ધોની નોટ આઉટ જ ગણાત. પરંતુ ઝડપથી મેચ જીતી લેવાની ઉતાવળમાં મિની રન લેવા માટે દોડ્યો અને રન આઉટ થઈ ગયો.
બેભાન થઈ ગયેલા વામનને પેવેલિયનમાં ખસેડ્યા બાદ ભારત પાસે હજી આઠ વિકેટો અકબંધ હતી. ભારતના ત્રીજા અને ચોથા નંબરના બેટ્સમેનો ભારતીય ઇનિંગને સ્થિરતા આપશે એવી આશા હતી, પરંતુ તે આશા ઠગારી નીવડી, કારણ કે ત્યાર પછીનો બોલ સુદેશ રૈનાના પેડ પર વાગ્યો. બોલરે એલ.બી.ડબલ્યુ.ની અપીલ કરી. અમ્પાયર ગૂંચવાડામાં હતો તે દરમિયાન બન્ને ખેલાડીઓ રન માટે દોડ્યા. સામે છેડેથી દોડી રહેલો વિજય જાડેજા ક્રીઝમાં પહોંચે તે પહેલાં વિકેટકીપરે ચકલી ખેરવી નાખી હતી.
છતાં લેગ અમ્પાયરને શંકા પડતાં તેમણે ટીવી એકશન રિપ્લે દ્વારા થર્ડ અમ્પાયરનો ચુકાદો માગ્યો. આ તરફ મેઈન એમ્પાયરે પણ એલ.બી. ડબલ્યુ.ના ચુકાદા માટે તેની ટોપીમાં ગોઠવાયેલા કેમેરાનો એકશન રિપ્લે માગીને ફોર્થ એમ્પાયર પાસે ચુકાદો માગ્યો! ભારતના કમનસીબે બન્ને ખેલાડીઓ ટીવીના સ્લો મોશન રિપ્લેમાં આઉટ થયેલા ઝડપાયા હતા. આ રીતે એક નો બોલ અને એક યસ બોલમાં ભારતની ચાર વિકેટો પડી ગઈ હતી.
ત્યાર પછીના ચાર બોલમાં ભારતના ચારેય ખેલાડીઓ બેટ અને બોલનો સંગમ કરાવે તે પહેલાં જ ક્લીન બોલ્ડ થયા હતા. આ રીતે ટુંડ્ર પ્રદેશના ઝડપી ગોલંદાજ લોલીપોપે પાંચ બોલમાં પાંચ વિકેટો લીધી હતી. જોકે ભારતની પાંચ બોલમાં પાંચ વિકેટ લેનારો લોલીપોપ દુનિયાનો દસમો બોલર બન્યો હતો અને ભારતની સામે હેટ-ટ્રિક (એટલે કે ત્રણ બોલમાં ત્રણ વિકેટ) લેનારો તે પચાસમો બોલર છે!
આઠ વિકેટો પડી ગયા બાદ લોલીપોપની પહેલી ઓવરના છેલ્લા બોલે કરભજન એક ટૂંકો રન લેવા જતાં રન આઉટ થયો હતો. આમ નવમી વિકેટ પણ પડી ગઈ હતી.
દસમી વિકેટની વિશિષ્ટ કહાણી એવી છે કે ભારતીય ટીમમાં પહેલી જ વાર સામેલ કરાયેલા નવોદિત ખેલાડી ગુમાનસિંહને નવી ઓવરના પહેલા બોલનો સામનો કરવાનો હતો. પરંતુ ગુમાનસિંહનું માથું શરમને કારણે એટલું બધું ઝૂકી ગયું હતું કે તેણે અમ્પાયરને અપીલ કરી કે ‘આવી શારીરિક હાલતમાં હું બોલને જોઈ જ નહીં શકું!’ આથી ભારતીય ટીમનો દાવ પૂરો થયેલો જાહેર કરવામાં આવ્યો હતો!
મેન ઓફ ધી મેચનો એવોર્ડ ગુમાનસિંહને આપવામાં આવ્યો હતો, કારણ કે છેલ્લાં વીસ વર્ષના ઇતિહાસમાં ભારતીય ક્રિકેટ ટીમનો આ પહેલો ખેલાડી છે જેનું માથું ‘શરમ’ને કારણે ઝૂકી ગયું હોય!
ભારતીય ટીમનો સ્કોર ૧ રનનો હતો. જે પેલા નો બોલને કારણે મળ્યો હતો.
૨૦૨૭ઃ રૂપિયો ફરી ગગડ્યો
આંતરરાષ્ટ્રીય નાણાબજારમાં આજે ભારતીય રૂપિયો ફરી એક વાર ગગડ્યો હતો. પરંતુ તે ડોલર સામે નહીં, બંગલાદેશના રૂપિયા સામે ગગડ્યો હતો! હવે બંગલાદેશના ૧ રૂપિયા સામે ભારતના ૩૭ રૂપિયાનો ભાવ ગણવામાં આવશે.
છતાં આશ્વાસન લેવા જેવી વાત એ છે કે ભારતનો રૂપિયો અમેરિકાના ડોલર સામે ઊંચકાયો હતો. ગત સપ્તાહે અમેરિકન ડોલરની સામે ભારતના ૧૩૪૫ રૂપિયાનો ભાવ હતો જે આજે સુધરીને ૧૩૪૪ રૂપિયા થયો હતો. ભારતીય રિઝર્વ બેન્કના વડા શ્રી નટખટ રાજને જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયો સુધરવાનું મુખ્ય કારણ ભારતમાં પડેલો દુકાળ છે. અતિશય ગરમીને કારણે ભારતીય લોકોમાં ‘કોકા-કોલા’ અને ‘પેપ્સી-કોલા’ જેવાં અમેરિકન પીણાંની માગ બમણી થઈ ગઈ છે. આથી આ કંપનીઓનો નફો અભૂતપૂર્વ રીતે વધી જવાને કારણે ડોલર નબળો પડતો જાય છે!
૨૦૨૯ઃ આવકવેરાની મર્યાદામાં વધારો
સંસદના બજેટ સત્રમાં નવું બજેટ રજૂ કરતાં નાણામંત્રીશ્રી અરુણ કેટલીએ આવકવેરાની લઘુતમ મર્યાદામાં વધારો જાહેર કર્યો. હવે વાર્ષિક ૧૨,૦૦,૦૦૦ (બાર લાખ) રૂપિયા સુધી કમાતા નાગરિકોને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કેટલીએ જણાવ્યું હતું કે, ‘સમાજના નીચલા વર્ગો, જેવા કે ભિખારીઓ, ખેતમજદૂરો અને કુલીઓને રાહત આપવા માટે નવી આવકવેરા નીતિ ઘડી કાઢવામાં આવી છે.’
આ સાથે સરકારે રિઝર્વ બેન્કને એવી ભલામણ પણ કરી છે કે ૧ લાખ રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવે, જેથી કરીને ભિખારીઓને ભીખ આપવામાં અન્ય નાગરિકોને સરળતા રહે.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે. રૂ. ૧,૦૦૦, ૨,૦૦૦ અને ૫,૦૦૦ની ચલણી નોટો પાછી ખેંચીને તેના સ્થાને સિક્કાઓ બહાર પાડવાનો નિર્ણય રિઝર્વ બેન્કે ગયા મહિને જ લઈ લીધો છે. રિઝર્વ બેન્ક એવી વ્યવસ્થા પણ ગોઠવી રહી છે કે જેથી ક્રેડિટ કાર્ડ વડે ભિખારીઓને ભીખ આપી શકાય.
૨૦૩૫ઃ ભારતીય ક્રિકેટરો નિર્દોષ છે
૨૦૨૫માં રમાયેલી એક મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ ટુંડ્ર પ્રદેશની ટીમ સામે જાણી જોઈને હારી ગઈ હતી, અને તેની પાછળ જુગારીઓની ગેન્ગનો હાથ હતો કે કેમ તે બાબતની તપાસ કરી રહેલા ન્યાયમૂર્તિ શ્રી અર્ધચંદ્રચૂડે આજે ભારતીય ટીમને નિર્દોષ જાહેર કરી હતી.
શ્રી અર્ધચંદ્રચૂડે જણાવ્યું હતું કે, ‘ભારત આ મેચ તો ચોક્કસ જીતી જશે એમ માનીને અબજો રૂપિયાની શરતો લગાડવામાં આવી હતી તે હકીકત છે. પરંતુ સાથે સાથે એ પણ ન ભૂલવું જોઈએ કે ભારત એક પણ રન નહીં કરી શકે એ વાત ઉપર પણ ખાસ્સી ૫,૦૦૦ કરોડ રૂપિયાની શરતો લગાડાઈ હતી! અને ભારતીય ટીમે નો બોલ દ્વારા ૧ રનનો સ્કોર ખડો કર્યો હતો એ હકીકત જ બતાવે છે કે ભારતના ખેલાડીઓએ મેચ જીતવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા.’
૨૦૪૨ઃ નવી વીડીઆઇએસ સ્કીમ
૨૦૪૨ની નવી વીડીઆઈએસ યોજનાને અભૂતપૂર્વ સફળતા મળી છે! આ યોજનાને પગલે દેશની તિજોરીમાં અબજો રૂપિયા જમા થયા છે. નવી વીડીઆઇએસની સફળતાનું મુખ્ય કારણ એ છે કે આ યોજનાને સરકારે ‘કટકી-કૌભાંડ કબૂલાત’ તરીકે જાહેર જનતા સમક્ષ મૂકી હતી.
આને કારણે ઇન્કમ ટેક્સની ઓફિસોમાં રાજકારણીઓ, પ્રધાનો, સરકારી અધિકારીઓ અને ભલભલા કૌભાંડી ખેરખાંઓ લાખોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા! માત્ર ૧૦ ટકા કર ભરીને કટકી તથા કૌભાંડની આવકને ‘વ્હાઈટ’ કરી આપનારી આ યોજનાને કારણે દેશની આર્થિક સ્થિતિ ચમત્કારિક રીતે સદ્ધર થઈ ગઈ છે! કારણ કે હવે દેશમાં એટલા બધા ‘વ્હાઇટ-મની’ છે કે આવનારાં પચાસ વર્ષો લગી ગમે તેટલાં કૌભાંડો કરો, હવે કોઈ વાંધો નહીં આવે!
આ યોજનાનો લાભ લેનારા એક રાષ્ટ્રીયકૃત બેન્કના પટાવાળાએ જણાવ્યું હતું કે, ‘હું બેન્કમાંથી રોજ ગુટલી મારીને મારો પાનનો ગલ્લો ચલાવું છું. પરંતુ મેં એવી કબૂલાત કરી છે કે બેન્કના પટાવાળા તરીકે મેં છેલ્લાં દસ વર્ષમાં દસ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી!’
આવું શા માટે કર્યું? તેના જવાબમાં આ પટાવાળા ભાઈ જણાવે છે કે, ‘સરકાર પાનના ગલ્લાની કમાણી પર ૪૦ ટકા ટેક્સ ઉઘરાવે છે! એના કરતાં આ ૧૦ ટકાનો કટકી ટેક્સ શું ખોટો?’
૨૦૪૫ઃ બેટી લાઓ, દેશ બચાઓ
કોંગ્રેસીઓ ગેલમાં છે! ૧૯૯૭માં સોનિયા ગાંધીએ અને ત્યાર બાદ ૨૦૧૫માં પ્રિયંકા ગોધીએ કોંગ્રેસનું નેતૃત્વ લેવાની ના પાડતાં કોંગ્રેસમાં ભારે હતાશા ફરી વળી હતી. પરંતુ પ્રિયંકા ગાંધીની પુત્રવધૂ શ્રીયંકા ગાંધી સગર્ભા હોવાના સમાચારે કોંગ્રેસમાં ફરી ખુશીની લહેરો દોડી રહી છે.
જ્યારે એવા ખબર મળ્યા કે શ્રીમતી શ્રીયંકા ગાંધીને પણ પુત્રી અવતરવાની સંભાવના છે તે સાંભળતાં જ દેશભરના કોંગ્રેસીઓ ભારે ગેલમાં આવી ગયા છે! દેશભરની સડકો પર ‘બેટી લાઓ, દેશ બચાવો’ના નારા પોકારતા કોંગ્રેસીઓની એવી અદમ્ય ઇચ્છા છે કે ઇન્દિરા ગાંધીની પુત્રવધૂની પુત્રીની પુત્રવધૂની પુત્રીને જન્મતાંની સાથે જ કોંગ્રેસ પ્રમુખ બનાવી દેવી જોઈએ!
૨૦૪૭ઃ આઝાદીની શતાબ્દી
તાજેતરમાં રચાયેલા ‘અખિલ ભારતીય અમીચંદ મંચ’ના નેતા શ્રી અમીચંદ બુખારીએ એક ચોંકાવનારું નિવેદન કરીને ખળભળાટ મચાવ્યો છે. તેમનું કહેવું છે કે, ‘આપણા દેશને અમેરિકાને હાથે આગામી ૫૦૦ વર્ષ માટે વેચી મારવો જોઈએ!’
શું આ યોગ્ય છે? એવા પ્રશ્નના જવાબમાં શ્રી અમીચંદે કહ્યું હતું કે, ‘છેલ્લાં ૧૦૦ વર્ષમાં આપણે હકકીતમાં આ જ કર્યું છે, પરંતુ ટુકડે ટુકડે! આપણે આપણી સંસ્કૃતિ, ગૌરવ, વારસો, પર્યાવરણ અને અર્થતંત્રને હપતે હપતે વેચી રહ્યા હતા. પરંતુ હવે સ્પેર પાર્ટસનો ધંધો બંધ કરીને હોલસેલનો ધંધો કરવાનો સમય પાકી ગયો છે!’
‘આનાથી શો ફાયદો થશે?’
‘બહુ મોટો ફાયદો થશે. અત્યાર સુધી આપણી નિષ્ફળતાઓ માટે આપણે આપણા જ દેશના લોકોને દોષી માનતા હતા, પરંતુ હવે આવનારી પાંચ સદીઓ લગી આપણે અમેરિકનોને ભાંડી શકીશું!’
•••
તમે આ હંધુય વાંચીને હસતા હશો, પણ આ લેખનું કટિંગ સાચવીને રાખજો. ભલું પૂછવું, આમાંનું બધું સાચું ય પડે! બાકી ઇન્ડિયાની ચિંતા છોડો, આંયાં બધા ઓલરાઇટ છે!