જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.
ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?
જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.
ભૂરોઃ એમ? શું કહેતા હતા?
જિગોઃ એ કહેતા હતા કે લોકો હાલમાં જે રીતે મોબાઈલનો ઉપયોગ કરે છે તેને પગલે આગામી 100 વર્ષ પછી જન્મ લેનારા મનુષ્યોમાં જીભ નહીં હોય અને બંને હાથના અંગૂઠા પેન્સિલ જેવા હશે.
---
લીલીઃ ચીનાઓએ ગજબ કર્યું, નહીં?
ચંપાઃ શું ગજબ કરી નાંખ્યું?
લીલીઃ ટચવાળા મોબાઈલ, ટચવાળી ગાડીઓ, ટચવાળા ટીવી અને હવે ટચવાળી બીમારી લાવ્યા.
---
ચંપાઃ તું તો કચરાં-પોતાં કર્યા વગર જ તારી ઓફિસનું કામ કરવા બેસી ગયો.
ભૂરોઃ મારે વર્ક ફ્રોમ હોમ છે... તેનો અર્થ થાય ઘરેથી કામ કરવું. નહીં કે ઘરનું કામ કરવું.
---
રીનાઃ મારા પપ્પાએ કહી દીધું છે કે જો આ વખતે પરીક્ષામાં નાપાસ થઈશ, ભણવાનું બંધ! તારા લગ્ન કરાવી દઈશ.
ઇલાઃ અરરરર! તો તો તારે આ વખતે ખૂબ તૈયારી કરવી પડશે?
રીનાઃ ફુલ તૈયારી કરી લીધી છે, બસ! એક રિસેપ્શનનો ડ્રેસ જ બાકી છે.
---
નટુઃ યાર આ 42માં તો બહાર એક આંટો મારી આવતાં જ હાંફી જવાય છે. 35 વખતે બધું કામ કરવાનો ઉત્સાહ રહેતો હતો. 25 વખતે તો વાત ન પૂછો, કંઈ પણ કામ હોય હંમેશાં થનગનતો રહેતો હતો. હવે તો ચિંતા એ થાય છે કે કે 46-48માં શું દશા થશે... એક આંટો ખાવાની પણ ત્રેવડ નહીં રહે.
કનુઃ સાચી વાત છે, ઉંમરની અસર તો વર્તાય જ! પણ અલ્યા તું બહુ નાની ઉંમરે નથી થાકી ગયો?
નટુઃ ડફોળ, હું ઉંમરની નહીં ગરમીની વાત કરું છું.